ગુજરાતી સૉનેટકાવ્યો/(ત્રિમૂર્તિ) : ગાંધી

૧૪. (ત્રિમૂર્તિ) : ગાંધી

સુન્દરમ્‌

પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો;
ભર્યાં વિદ્યુત્‌, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેલી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પડતું!