ગુજરાતી સૉનેટકાવ્યો/અશ્વત્થભાવ

૪૩. અશ્વત્થભાવ

ઉશનસ્‌

અહો, આ આશ્ચર્યે મુજથી ગયું કોઈ બીજ ગરી!
કુંવારી ભૂમિમાં ગહન પડ નીચે જઈ ઠર્યું,
અને રોમાંચોનું તતડી નીકળ્યું જંગલ નર્યું.
ગઈ ભીની ભીની અડકી શીળી જ્યાં વાયુલહરી!
થતું જ્યાં ચૈતન્ય સ્થગિત ક્ષણ કે ઉર્વર ધરા!
વિશે હું રોપાતો તરુ સમ – પગે કૈં ગલીગલી,
ઊગું – મૂળો ઊંડા પૃથ્વીગૃહની પાર નીકળી
રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યા;
મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંધથી ફૂટે
ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી
ખચી તારાઓની બળબણથી જ્યોતિર્મધુપુટે!
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી-કીડી ઊભરતી – પોપડી ભર્યો.