ગુજરાતી સૉનેટકાવ્યો/અશ્વો
૭૦. અશ્વો
મકરન્દ દવે
લીલા કોમળ ઘાસથી હર્યુંભર્યું મેદાન, આ વિસ્તર્યું;
નીચી ડોક નમાવી અશ્વ ચરતા, ત્યાં તો વહેતી હવા
ભીની માદક ને મથે શિર જરા ઊંચું કરી સૂંઘવા
અશ્વો, મસ્ત છલાંગતું મન રહે એનું ધર્યુ ને ધર્યું.
પાસે બંધન, કાય સાવ નબળી, અંધારું આંખે ભર્યું
જાણે કાયમ ડાબલા, પણ થતું સામે નવાં ને નવાં
બીડો સૂર્યપ્રકાશથી ઝળહળે, ઝંખી મરે આંબવાં
આઘેરી ક્ષિતિજે,—શું પૂર પળમાં આવ્યું ન ત્યાં ઓસર્યું!
અશ્વો પુચ્છ ઉછાળતા હણહણે, પાછા નમીને ચરે,
ને જે હોડ હવાની સાથે કરતું, સ્પર્શી જતું ઘ્રાણને
આજે માત્ર, કદાપિ પૂર પળનું જો રોમરોમે ચડે,
કોઠે બંધન જે પડ્યાં સકળ તે એવાં કઠે આખરે
ને આ મસ્ત હવા જરાક પજવે અશ્વો તણા પ્રાણને,
તો તો તેજી તુખાર, રંગ પલટે, આકાશ ઓછું પડે.
(‘સંગતિ’)