ગુજરાતી સૉનેટકાવ્યો/આયુષ્યના અવશેષે ૧. ઘર ભણી

૨૮. આયુષ્યના અવશેષે
૧. ઘર ભણી

રાજેન્દ્ર શાહ

ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુઃખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરો, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.