ગુજરાતી સૉનેટકાવ્યો/ઉનાળો
૧૨૩ ઉનાળો
જિતેન્દ્ર કા. વ્યાસ
કેરા, રંગે રસ-બસ બની, આંખ સ્વપ્નિલ મીંચી
આ ઉનાળો, રૂપની મદિરા મત્ત આકંઠ ઢીંચી
ઝૂલ્યો-ઝૂમ્યો મદછક બન્યો ખેલતાં રંગ-હોરી?
વૈશાખે શું થયું? સકલ એ કાપીને પ્રેમ-દોરી
બેઠો. એના રસિક ઉરમાં ક્યાંથી વૈરાગ્ય જાગ્યો?
રંગો-રાગો ત્યજી, ઘડી મહીં ક્યાંથી સંસાર તાગ્યો?
કે, થૈ બેઠો ડિલની ઉપરે રાખ ચોળી, અઘોરી!
ધાર્યાં એણે વસન ભગવાં, ભવ્ય ધૂણી ધખાવી!
આંખો એની ધખ ધખ થતાં ખોયણાં જેવી લાલ!
છે અંગારો સૂરજ ચલમે એની. ઊડે કરાલ
વંટોળો. એ જ્યહીં ચલમને ફૂંક દે છે લગાવી!
દા’ડે છે એ કડક પણ રાતે ધરે શી કુમાશ!
લાધે એને ઉર અલખ કે સાંભરે બાહુપાશ?
(‘ભમ્મરિયું મધ’)