ગુજરાતી સૉનેટકાવ્યો/ઉષા ન્હોતી જાગી

૧૬. ઉષા ન્હોતી જાગી

સુન્દરમ્‌

ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું,
અને જાગ્યું’તું ના ઉર, નિંદરની ચાદર હજી
રહી’તી ખેંચી ત્યાં હળુહળુ કરે જાગૃતિ જહીં,
તહીં પેલા ટુઇ ટુઇ ટુહુક અનરાઈથી ઉડતા
સર્યા કાને, જાણે વિહગજુથ પાંખો ફફડતું
પ્રવેશ્યું ઉદ્યાને, વિટપવિટપે બેસી વળિયું.

અને એ પક્ષીના કલરવમહીં તારી સ્મૃતિઓ
ઉડી આવી ટોળું થઈ, વિટપ સૌ અંતરતણી
રહી ઝૂકી, મીઠા સ્મરણભરથી નીંદર વિષે
દબાઉં, ત્યાં પાછી અડપલું કરી જાગૃતિ જતી;
અને તાણાવાણા અધુરી નિંદ ને જાગૃતિતણા
વિષે શો સોનેરી કસબ સ્મૃતિ તાણી વણી રહી!

થયું ત્યાં હૈયાને : હજી હજી વસંતી નથી ગઈ,
હજી આંબો મ્હોરે ઉર ગુપત કે કોકિલ લઈ.
(‘વસુધા’)