ગુજરાતી સૉનેટકાવ્યો/કોઈનો હું

૧૦૫. કોઈનો હું

રામચન્દ્ર પટેલ

તમે ઊંડે ઊંડે જલ બની વસ્યાં ભીતર અને
હું કાંઠો કૂવાનો થઈ અરવ ભેંકાર તપતો
રહ્યો પીતો ઊના પ્રહર, હર શ્વાસે તરસની
વરાળો ઉડાડી વમળ રચતો જીવું સજની!

હવે મારુંતારું મિલન લઈ વેળા મધુરવી
વહી આવે તો એ અવસર નહીં હોય લીલવો.
કદી ભૂલેચૂકે વરસી રણમાં વાદળ જશે
- શું માની લેવું કે હરિત વન લ્હેરાતું ઊગશે?

અજાણ્યું આવે જો ફરફરતું પાનેતર-મઢ્યું
પરોઢિયું : એના હળું રણકતા ઝાંઝર-૨વે
સરી સૂના સૂના સભર અખિલાઈ સ્પરશતા
જશું ત્યારે થાશે અણુઅણુ મહીં કોક પજવે.

થઈ કોઈનો હું ઘટ, ઉતરી આવું તવ કને,
સમાઈ જાશો શું સહજ ઉછળી ઓળખી મને?