ગુજરાતી સૉનેટકાવ્યો/ખડક

૧૨૫. ખડક

રાજેન્દ્ર પટેલ

[પૃથ્વી]

ઊભા ખડક જે કંઈ સમયથી, મથે પામવા
અજાણ પડઘા, રહે વલખતા થરો હાંફતા.
નહોર ભણકારના સતત કોરતા પથ્થરો,
ખરે ખડક સ્હેજ ને, કણે-કણે ખરે ભેખડો.

હવા, હવડ અંધકાર ઢસડે ગુફા બ્હાર ને
પ્રકાશ ભમતો રહે શિખરથી તળેટી સુધી.
અદૃશ્ય ક્ષણ લૂછતી, કણસતી તિરાડો બધી,
ઘણુંય મલકાય ખીણ, ખડકો અને કંદરા.

સુદૂર ઊડતાં વિહંગ લલચાવતાં ઊડવા,
નિનાદ જળનો વહે, જગવતો બધાં કોતરો.
અનાદિ પળ વિસ્મરે, અચળ વીર યોદ્ધો હવે,
વિરામ કરતો અજાયબ વિરાટ ઓળો બની.

સુકાન બનતો હવે, ખડક શૂન્યની નાવનું,
અજાણ સફરે ધસે, રજ-રજે ઊડે પર્વતો.
(‘શબ્દસૃષ્ટિ’)