ગુજરાતી સૉનેટકાવ્યો/તમે આવો તો
૧૦૦. તમે આવો તો
રમણ સોની
તમારી વાતોનાં સરવરમહીં પંખી તરતાં
અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો;
પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી
ઝીલી લે શ્રદ્ધાનાં કમલ સુરખી થૈ પ્રગટતાં..
અને આવર્તો શા ઊઠત ટપકંતી સુખવ્યથા-
તણા! – આખુંયે આ હૃદય ભીની માટી સમ મુજ...
તમારી વાતોનાં સ્મરણમહીં ગર્જે રણ હવે...
કશો વંટોળાતો સમય, ક્ષિતિજો ના ઊકલતી.
વીતેલા શબ્દોના ઊભરી ઊઠતા રેતઢગલા-
મહીં શા’મૃગો-શી મુજ તરલ દૃષ્ટિ ખૂંપી જતી;
અને ત્યાં ઊંટોનાં ગભીર પગલે સૂર્ય પ્રજળે
વહેલી વાતોની અસર સમ પ્રસ્વેદ ચૂસતો...
તમારી વાતોની તરસ રૂંધતી કંઠ. તલસું :
તમે આવો તો આ મૃગજળમહીં પદ્મ પ્રગટે...