ગુજરાતી સૉનેટકાવ્યો/પડઘા-એક

૧૩૧. પડઘા-એક

યોગેશ વૈદ્ય

હોળીચકલે કલબલાટના પડઘા રહી ગયા છે
મોઈદાંડિયો છોડી રમનારા ક્યાં વહી ગયા છે
દૂધની બૂમ સુકાઈ, ધડધડ દાદર ઊતરી અટક્યા
આખો જીવ વલૂરી નાંખ્યો, ચાંચડ એવું ચટક્યા

પાપડ વણતાં જડાઉમા ક્યાં? ક્યાં અમરતવહુ ભોળી?
ઓઘો ક્યાં જે એક વાંસડે ઠેકી જાતો હોળી
સુભલો ક્યાં છે? અનિલ્યો ક્યાં? ક્યાં નીત્યો ભણશાળી?
આખી પલટણ સરકી ગઈ ક્યાં આપી છેલ્લી તાળી

તળિયેથી ફાટેલ હવેડો, દીસે ન દક્કુબાપા
કાંતાફઈની ઓસરીએ બહુ રડેલ કંકુથાપા
રક્ષણ માટે મળી લગાવી સહુએ જમણા કાને
હિજરતીઓના હાથ ન ઝાલ્યા દેરીના હનમાને?

ચોફેરું ધમધમે જુનાગઢ, વચ્ચે આ ખાલીપો
નર્યા નાગરી ઘરચોળાને પાલવ આવ્યો ખીપો