ગુજરાતી સૉનેટકાવ્યો/પરોઢે – તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ

૯૦. પરોઢે – તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ

રાવજી પટેલ

ધીરે રહી પમરતું પરભાતિયું, ને
માંચી મહીં બચબચ્યું શિશુ, કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો’ક કૂવે

ખેંચ્યે જતી ઘટ હવે, સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો.
ભીની જગા કલકલી ઊઠી – સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં....