ગુજરાતી સૉનેટકાવ્યો/પ્રવેશી સોળે ને

૧૦૮. પ્રવેશી સોળે ને

સતીશ વ્યાસ

હવે મારા ભીના સમયવન એકાંત-તરુની
કુણેરી ઇચ્છાની વિટપ પરનું ભાન ટહુકે,
સવારે જોયેલું શમણુ, બનીને આંગણ તણી
નવેરા ક્યારાની તુલસી પરનું પાન, ફરકે!
ન વાગે રેતીનો કણ પણ છતાં હેલ ફૂટતી,
પગે બાંધ્યાં લીલાં વજન, મનનો મોર ગહેકે;
કદી છાનું છાનું અમથું અમથું હોઠ મરકે;
સખીની વાતોનો વિષય બની આ કાય તૂટતી!
હજી તો કાલે હું ફર ફર થતા ફાગણ સમી
હતી ને બંધાઈ ગઈ, અભરખે ચૈતર ચઢે;
કદી શૈયાખંડે ટમ ટમ દીવે આભ ઊતરે;
ત્યજી ગીતા, ઓખાહરણ ભણી શ્રદ્ધા વળી જતી!
હવે કંચુકી પે રહ્યું ગવન ક્યારેક સરકે
પ્રવેશી સોળે ને મૂંઝવણ મહીં સાન લપકે!