ગુજરાતી સૉનેટકાવ્યો/બળેલાં ખંડેર

૮૯. બળેલાં ખંડેર

આદિલ મન્સૂરી

બળેલાં ખંડેરે મૃત સમયનું પ્રેત ભટકે,
સુકેલાં વૃક્ષોથી તિમિરનભના હાથ લટકે,
હવાથી થીજેલાં સરવરતણું મૌન ઘટતું,
ઢળેલી પાળીને જલ અડકતાં ઘાસ હસતું,
અસૂરી છાયાઓ ભડભડ બળ્યે જાય, કણસે,
છળેલી આંખોમાં ભય પ્રસરતાં હોઠ ફફળે,
બખોલે ભીંતોની કિચવિચ કરે કાળ પડઘા,
ઉઘાડાં દ્વારોમાં જડ, લટકતાં, લાલ મડદાં,
ખરેલાં પાનોમાં ખિલખિલ કરી કોઈ હસતું,
સવાલે મૂંઝાતે, “તિમિરઘરમાં કોણ વસતું?”

ન હું જાણું શાથી નયન ફરકે સાંજ ઢળતાં?
બળેલાં ખંડેરો તરફ હળવે પાય વધતાં
લપાતી છાયાઓ સમયવનમાં સાદ દઈને
મને એ બોલાવે ગતજનમનું નામ લઈને.
(‘પગરવ’)