ગુજરાતી સૉનેટકાવ્યો/રહ્યાં વર્ષો –
૨૨. રહ્યાં વર્ષો –
ઉમાશંકર જોશી
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ, નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા! શે સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.–
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્ાસે પરમ ઋતલીલા અભિરમે.
– બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
૨૧-૭-૧૯૫૨/૫૩