ગુજરાતી સૉનેટકાવ્યો/રાત
૯૨. રાત
મણિલાલ દેસાઈ
અને તૂટ્યા રસ્તા, ટપ પરણ થૈને તરુ ખરે,
ખરે તારા, પ્હાડો દડબડ દડે, ને અવ કશું –
નથી જે તે તેને અવર જ થતું ને નવ થતું.
બનીને અંધારું ઘર પીગળતું, ગામ પીગળે.
પછી રેલો, વ્હોળો, ઝરણ, નદી થૈને દિવસ તો –
વહ્યો વાંકોચૂકો, ખળખળ, ઉછાળે, કળવળે;
તરે ઝાંખા ઝાંખા સૂરજ પડછાયા ઉદધિમાં
અને ધીમે ધીમે અવનિ પર અંધાર ઊતરે.
હવે અંધારાનો અજગર ફરે ગામ, વનમાં;
હવે અંધારાનું જલ ટપટપે ઘેર, ગલીમાં;
હવે અંધારાનું પવન થઈ વ્હેવું ગગનમાં;
હવે અંધારાનો મગર ગળી જાતો અવનિને.
- પડી. ને ફેકાઈ જલ થલ હવામાં બધબધે
અને ત્યાંથી બેઠી થઈ હૃદયમાં આગળ વધે.