ગુજરાતી સૉનેટકાવ્યો/વતનનો તલસાટ
૭૯. વતનનો તલસાટ
રમણિક અરાલવાળા
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા,
કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળંતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગભીર વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરું,
ઓછી ઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરું;
ઝંખી નિંદ્રામહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.
ઘેલા હૈયા! સહુય મળશે; કિંતુ કાલાગ્નિમાંથી
સંભાળેલાં સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચાયેલું અબ નીરખવું મોઢું ક્યાં માવડીનું?
વ્હાલી તો યે જનનીરહિતા જન્મભૂમિ ન તોષે,
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.