ગુજરાતી સૉનેટકાવ્યો/વૃદ્ધોની દશા : એક ચિત્ર

૭. વૃદ્ધોની દશા : એક ચિત્ર

કશૂં ય નહિ કાબુમાં, ન મન, નોર્મિ દેહે નહીં,
ક્ષુધાતરસથાકજોમ, નવ નીંદ જાગૃતિ નહીં,
કુટુમ્બિસહકારિઓ વદત ‘જી!’ ‘અહો!’ ‘વાહ!’ ‘ખરૂ!’
–જરી પણ થતાં જ દૂર સહુ આચરે વેગળું!
કરે વિષય ક્ષુદ્રમાં ય ગુરુ વાદ ગુસ્સા ફિસાદ,
રચી જિવન ઉગ્ર રે લવણ એમ સામે સહૂ
મળી ભળિ બધાં ય એ, નિજ ગુમાન સ્વાર્થ પ્રમાદ
વડીલ શિરપેં કશી સિફતથી ઠલવતાં લહૂં!

વળી કદિ મહીં જણાય જરિ કોઈ ન્યાયી ઉદાર
સિધો પ્રણયશીલ ને શિશુતણા હકો રક્ષતો,
અને કદિ લિયે વડીલજન એહનો પક્ષ, તો
બધાં ય થઈ એક તત્ક્ષણ જતાં બની શાં તયાર
વડીલતણિ એ ‘બુરી’ ‘અસમ’ દૃષ્ટિને નિંદવા,
‘સુપૂજ્ય પણ વિકલનો સહજ ભ્રંશ એ ‘ડ્‌હામવા! ૧૪
(‘ભણકાર’)