ગુજરાતી સૉનેટકાવ્યો/સખે! સાચે એ તે
૭૮. સખે! સાચે એ તે
રમણિક અરાલવાળા
હજી હેમંતો એ હસી રહી, પરોઢો ય પમરે
સુધાધોયાં સ્ફૂર્તિસભર, મુજ ગ્રીષ્માકુલ ઉરે!
સખે! સ્કંધો ગૂંથી તરલ ભ્રમણે બાઇસિકલે
જતા જોતાજોતા ગગન ખગને તોરણ ભર્યું!
તહીં કાલિંદી શી સડકથી જતી ગૌર નમણી
રબારી કન્યાના કરથી વિતર્યુ દૂધ પડિયે
અનાયાસે થાતું અમૃતમય, જ્યાં સાકર બન્યા
મળી એ મુગ્ધાના મધુર મુખના મૌનટુકડા!
ઉષા ઓચિંતી ત્યાં સર મહીં ક્ષિતિજેથી ઝૂકતી
કરો લંબાવીને કમલ વીણતી, ને જલભર્યા
જવારાના ક્યારા અનિલ મૃદુ આંદોલિત કરી
ચગી ચંડૂલોના સ્વર સહ રહે ગૌર ગગને!
– અને પ્રાચીદોલે ઝૂલતું રવિનું બિંબ નમણું,
સખે! સાચે એ તે જીવન હતું કે ફક્ત શમણું?