ગુજરાતી સૉનેટકાવ્યો/હું જન્મ્યો છું કોઈ–

૪૯. હું જન્મ્યો છું કોઈ–

ઉશનસ્‌

હું જન્મ્યો છું કોઈ વિરહ તણું મીઠું દરદ લૈ
ઉછેરે મારા જે ઊછરતું રહ્યું ગૂઢ ભીતરે,
થતાં એનાં અંગો વિકસિત પૂરાં પુખ્ત વયનાં
સમાતો ના એનો મુજ ભીતરમાં ઇન્દ્રિયગણ;
અને એણે એની વયરુચિ પ્રમાણે નજરનું
પ્રસારીને લાળે ચીકણું ચીકણું જાળું સઘળે
ગ્રહી, ચાખી વસ્તુ નવી નવી, અને થૂથુ કરીને
થૂંકી નાખી છે રે; વળી વધી જતો મૂળ વિરહ;
હું જન્મ્યો છું સંગે વિરહ લઈ કો ગૂઢ; નહિ તો
બધા ભોગે શાને ક્ષણિક રસ, ને ગ્લાનિ જ પછી?
અરે, તો આ કોનો વિરહ ઊછરે છે મુજ વિશે?
મળ્યું જન્મારાનું દરદ, પછી, તો કોની પ્રીતનું?
ન જાને, આ કોનો વિરહ મુજ આ હાથ પકડી
જતો દોરી? કોને ઘર લઈ જશે અંતિમ ઘડી?