ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/લોકસાહિત્ય
| ૧. | શીર્ષક | : | દુલાભાઈ કાગ અને તેમનું સાહિત્ય |
| સંશોધક | : | હરેન્દ્રકુમાર પી. ભટ્ટ | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની, ડૉ. ચંદ્રકાન્ત શેઠ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૭૯ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધમાં શોધકર્તાએ જાણીતા લોકસાહિત્યકાર દુલાભાઈ કાગની લોકસાહિત્યન સંપાદન – સંશોધનની કામગીરીને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં લોકસાહિત્યનું સ્વરૂપ તેની વિભાવના તથા તેનાં લક્ષણોની સવિસ્તર ચર્ચા રજૂ કરી છે દુલાભાઈ કાગનું જીવન તથા તેમનાં સાહિત્યસર્જનનો પરિચય કરાવ્યો છે. દુલાભાઈ કાગના લોકસાહિત્ય વિષયક ગ્રંથોનો સવિસ્તાર પરિચય કરાવ્યો છે. લોકસાહિત્યના સંપાદક-સંશોધક તરીકે દુલાભાઈ કાગની સિધ્ધિઓ-મર્યાદાઓનો ખ્યાલ આપ્યો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૨. | શીર્ષક | : | મેઘાણી પૂર્વેનાં સંપાદિત લોકગીતો |
| સંશોધક | : | રેવાભાઈ વી. મકવાણા | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૦ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શ્રી ઝવેરચંદ મેઘાણી પૂર્વે ગુજરાતી ભાષામાં લોકગીત ક્ષેત્રે જે સંશોધન-સંપાદનો થયાં હોય તેને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં લોકસાહિત્યનું સ્વરૂપ, તેનાં લક્ષણો તથા લોકવિદ્યા વિશે ચર્ચા કરી છે. લોકગીતના પ્રકારો વિશે વિસ્તારથી વાત કરી છે. મેઘાણી પૂર્વે લોકગીત ક્ષેત્રે જે સંશોધન-સંપાદનો થયાં છે તે પુસ્તકોનો પરિચય આપી ઉદાહરણ સાથે અભ્યાસ રજૂ કર્યો છે. અંતે પરિશિષ્ટ તથા સંદર્ભસૂચિ આપી છે.
| ૩. | શીર્ષક | : | ઓગણીસમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકકથાસાહિત્ય |
| સંશોધક | : | પ્રિયકાન્ત પરીખ | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૦ | |
| પ્રકાશન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૧ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં ૧૯મી સદીના સમયગાળા દરમિયાન ગુજરાતી લોકકથાઓનું સંપાદન થયું હોય તેવાં પુસ્તકોનો અભ્યાસ રજૂ કરાયો છે. પ્રારંભમાં લોકસાહિત્યનું સ્વરૂપ, તેનાં લક્ષણોની ચર્ચા કરી છે. જેમાં લોકકથાના પ્રકારો, ‘મોટિફ’, પુરાકલ્પન વગેરે વિશે વિગતે નોંધ મળે છે. પારસીઓ દ્વારા થયેલ લોકકથાના સંશોધન-સંપાદન વિશે માહિતી આપી છે. ત્યાર બાદ પારસી સિવાયના લોકસાહિત્ય સંપાદકો-સંશોધકો દ્વારા થયેલ પ્રવૃત્તિની ચર્ચા પણ કરી છે. અંતે માહિતીદાતાઓનાં નામ-પરિચય, પ્રશ્નાવલિનો નમૂનો, તથા પોતાનાં તારણો રજૂ કર્યા છે.
| ૪. | શીર્ષક | : | સિદ્ધપુર તાલુકાના મકતુપુરની કડવા પાટીદાર સ્ત્રીઓમાં ચોમાસામાં ટોળીબંધ ગવાતાં લોકગીતોનું સંપાદન |
| સંશોધક | : | અમૃતલાલ પી. પટેલ | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૩ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ પોતાના પ્રદેશ તથા સમાજની સ્ત્રીઓમાં ગવાતાં લોકગીતોનું સંપાદન કરી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનની કામગીરી અને તેની પદ્ધતિઓની વિગતે ચર્ચા કરી, મકતુપુર ગામનો ઈતિહાસ ટૂંકમાં રજૂ કરી તેની સામાજિક, રાજકીય, તથા સાંસ્કૃતિક સ્થિતિનો ખ્યાલ આપ્યો છે. ત્યાર બાદ લોકગીતનું સ્વરૂપ અને તેના પ્રકારોની ચર્ચા કરી છે. શોધકર્તાએ પોતાના પ્રદેશ તથા સમાજની સ્ત્રીઓમાં ચોમાસામાં ગવાતાં લોકગીતોનું સંપાદન કરી તેનો પ્રકૃતિસૌંદર્ય તથા સમાજજીવનની દૃષ્ટિએ અભ્યાસ રજૂ કર્યો છે. અંતમાં ભાષાપાઠ, સામાજિક સંદર્ભે શોધકર્તાનાં તારણો, પરિશિષ્ટો તથા માહિતીદાતાઓની નામાવલિ રજૂ કરી છે.
| ૫. | શીર્ષક | : | ખેડબ્રહ્મા અને દાંતા તાલુકાના ડુંગરીભીલ આદિવાસીઓમાં ગવાતાં પૌરાણિક હડેલા-એક અભ્યાસ |
| સંશોધક | : | ભગવાનદાસ કે. પટેલ | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની | |
| સંશોધન વર્ષ | : | ઇ.સ. ૧૯૮૫ | |
| પ્રકાશન વર્ષ | : | ઇ.સ. ૧૯૮૭ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ સંશોધન—સંપાદન માટે ક્ષેત્રકાર્ય, પ્રશ્નાવલી તથા મુલાકાત પદ્ધતિ અપનાવી છે. હડેલાનું સાહિત્ય તદ્દન વણસંશોધેલું ને વણનોંધ્યું, માત્ર મૌખિક પરંપરાથી ટકી રહેલું છે. હડેલાનું સ્વરૂપ, તેની લાક્ષણિકતાઓ, તેનું સામાજિક-સાંસ્કૃતિક મહત્ત્વ વગેરેની વિસ્તૃત ચર્ચા રજૂ કરી છે. દાંતા તાલુકાના ડુંગરીભીલોમાં પ્રચલિત હડેલાઓનું સંશોધન-સંપાદન રજૂ કર્યું છે. આપણને આ અભ્યાસ દ્વારા લોકસાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. શોધકર્તાએ ઉપરોક્ત વિસ્તારનો ભૌગોલિક તથા સાંસ્કૃતિક પરિચય કરાવી, તે વિસ્તારના આદિવાસી ભીલોની વિશિષ્ટતાનો ખ્યાલ આપ્યો છે. અંતે સંદર્ભસૂચિ, પરિશિષ્ટ તથા માહિતી દાતાઓની નામાવલિ રજૂ કરી છે.
| ૬. | શીર્ષક | : | પાટણવાડિયા રબારીઓની રેડિ |
| સંશોધક | : | ભીખાભાઈ ડી. પરમાર | |
| માર્ગદર્શક | : | ડૉ. જયંતીભાઈ એમ. પટેલ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૨ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગ્રંથાલય, મુલાકાત તથા પ્રશ્નાવલિ પધ્ધતિનો ઉપયોગ કરી પાટણ વિસ્તારના રબારીઓમાં પ્રચલિત રેડિનું સંપાદન કરી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં પાટણવાડાનો વિસ્તૃત પરિચય, આ વિસ્તારના રબારીઓની જીવનરીતિ, રેડિની વિભાવના, કેટલીક સંપાદિત રેડિના નમૂના વગેરે રજૂ કર્યા છે. રેડિની ગેયસ્વરૂપની લાક્ષણિકતાઓ દર્શાવી આ વિસ્તારમાંથી પ્રાપ્ત રેડિ સાહિત્યનું સંપાદન રજૂ કર્યું છે. અંતે માહિતીદાતાઓનાં નામ તથા સંદર્ભસૂચિ રજૂ કર્યા છે.
| ૭. | શીર્ષક | : | કાગ અને કાગવાણીનાં કાવ્યો : એક અભ્યાસ (વિશેષ રામાયણ વિષયક કાવ્યો) |
| સંશોધક | : | મીનાક્ષી એ. જોષી | |
| માર્ગદર્શક | : | ડૉ. ચંદ્રકાન્ત શેઠ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૫ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધમાં જાણીતા લોકસાહિત્ય સંશોધક-સંપાદક દુલાભાઈ કાગના ‘કાગવાણી’ ગ્રંથમાં સંપાદિત લોકગીતોનો અભ્યાસ રજૂ થયો છે. પ્રારંભમાં લોકસાહિત્યના સ્વરૂપ, વિભાવના તથા દુલાભાઈ કાગનાં જીવન-સર્જન વિશે માહિતી આપી છે. ‘કાગવાણી’માં સંપાદિત રામાયણ આધારિત કથાવસ્તુવાળાં કાવ્યોનો વિગતે ઉદાહરણ સહિત અભ્યાસ રજૂ કર્યો છે. લોકસાહિત્યની દૃષ્ટિએ કાગવાણીનું મહત્ત્વ દર્શાવ્યું છે.
| ૮. | શીર્ષક | : | રબારી સમાજની લોકકથાઓ |
| સંશોધક | : | બાબુભાઈ એમ.દેસાઈ | |
| માર્ગદર્શક | : | ડૉ. જગદીશ વ્યાસ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ પોતાના વિસ્તાર તથા પોતાની જ્ઞાતિમાં પ્રચલિત લોકકથાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં પોતાના રબારી સમાજનો પરિચય કરાવી, જ્ઞાતિનો ઈતિહાસ, રીત-રિવાજો, રહેણી-કરણી, વ્યવહાર-વર્તન વગેરે વિશે માહિતી આપી છે. ક્ષેત્રકાર્ય દ્વારા શોધકર્તાએ આ વિસ્તારમાં પ્રચલિત લોકકથાઓનું સંપાદન રજૂ કર્યું છે. જેમાં ‘મરદ માલધારી’, ‘પીઠાબાઈ’, ‘હલા-જલા’, ‘શિયોલૂણી’, ‘સતી રામબાઈ’ વગેરે જેવી સુંદર લોકકથાઓ રજૂ કરી છે. અંતે માહિતીદાતાઓની નામાવલી તથા સંદર્ભસૂચિ રજૂ કરી છે.
| ૯. | શીર્ષક | : | મહાધરમ તેની પાટ-પરંપરા અને વાણી |
| સંશોધક | : | સત્યબાળા પઢિયાર | |
| માર્ગદર્શક | : | ડૉ. ચંદ્રકાન્ત શેઠ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૭ | |
| પ્રકાશન | : | ઈ.સ. ૨૦૦૨ |
ટૂંકસાર :
આ શોધનિબંધ કુલ ચાર પ્રકરણોમાં તૈયાર થયો છે. પહેલું પ્રકરણ ‘મહાધરમ અને પાટપરંપરા’ છે. બીજાં પ્રકરણમાં પાટનું સ્વરૂપ અને તેના પ્રકારો વિશે વિચારણા કરવામાં આવી છે. ત્રીજું પ્રકરણ "પાટધરમમાં પાટ-પરંપરા અને તેના અંગભૂત સિદ્ધાંતો" છે. આ પ્રકરણમાં પાટ-પરંપરાના દસ અંગભૂત સિદ્ધાંતો - નારીગૌરવ અને સ્ત્રી-પુરુષ યુગલમૂર્તિનો મહિમા, નિજારભક્તિ, જ્યોતઉપાસના, ગુરુમહિમા, વાયકના અને વચનનાં બંધન, ગતગંગા, બીજમાહાત્મ્ય, આતિથ્યધર્મ, અધિકાર અને જ્ઞાતિ-જાતિ વગેરે ભેદોથી મુક્ત વિશાળ લોકધર્મની સાધાર વિગતો અપાઈ છે. ચોથું પ્રકરણ "પાટ અને તત્ સંલગ્ન ભજનવાણી" છે. છેલ્લે ત્રણ પરિશિષ્ટમાં પાટ-પરંપરા અને સંલગ્ન મહત્ત્વના પારિભાષિક શબ્દોની સૂચિ, સંદર્ભગ્રંથસૂચિ તથા સંપર્ક-મુલાકાતોની વિગત અપાઈ છે.
| ૧૦. | શીર્ષક | : | ’સૌરાષ્ટ્રની રસધાર’નાં નારીપાત્રો એક અધ્યયન |
| સંશોધક | : | કામિની ડી. પરમાર | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૩ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. પ્રારંભમાં લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનાં જીવન-સર્જનનો પરિચય કરાવ્યો છે. શ્રી મેઘાણીએ લોકસાહિત્ય ક્ષેત્રે કરેલાં સંશોધન-સંપાદનો વિશે માહિતી આપી છે. જેમાં લોકવાર્તા, લોકગીતો, ચારણી સાહિત્ય, ડોશીમાની વાતો, સોરઠી બહારવટીયા પુસ્તકો વગેરેનો સમાવેશ કર્યો છે. મેઘાણી સંપાદિત ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧ થી ૫ માં આવતાં નારીપાત્રોનું ગૌરવ, ઉદાત્તતા, બલિદાન, વીરતા વગેરે ગુણોનો પરિચય રજૂ કર્યો છે. રજપૂતાણી સોનબાઈ, આઈ કામબાઈ, આયરાણી, સાંઈ નેહડી, આઈ જાસલ, હોથલ, રૂપી, શેણી વગેરે નારીપાત્રોની ગૌરવગાથામાં રજૂ થતાં તેમનાં સ્વાર્પણ, બલિદાન, શૌર્ય વગેરેનો પરિચય કરાવ્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.
| ૧૧. | શીર્ષક | : | પીરાણા સતપંથ સંપ્રદાયનું સાહિત્ય |
| સંશોધક | : | અશ્વિન વી. વાઢેળ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૫ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ લોકસાહિત્ય – સંતસાહિત્ય જેવા વિષયને કેન્દ્રમાં રાખી પીરાણા સતપંથ સંપ્રદાયનાં સાહિત્યનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં પીરાણા ગામનો ઈતિહાસ, વસ્તી, ધાર્મિક-આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક પરિસ્થિતિની દૃષ્ટિએ તેનો પરિચય આપ્યો છે. હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો તથા સાંપ્રદાયિક પંથો વિશે આછી માહિતી આપી છે. ગુજરાતમાં સતપંથ સંપ્રદાયની ગાદીની સ્થાપના અને સૈયદ ઈમામશાહનાં જીવનવૃતાંત વિશે વિગતો રજૂ કરી છે. સતપંથ સંપ્રદાય અને તેની ગુરુશિષ્ય ગાદી પરંપરાનો પરિચય આપ્યો છે. છેલ્લે સતપંથ સંપ્રદાયનાં સાહિત્ય વિશે ચર્ચા કરી છે, જેમાં ઈમામશાહના પદો અમૃતવાણી મનચિંતામણી વગેરે સાહિત્યિક પદોનો અર્થબોધ રજૂ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૧૨. | શીર્ષક | : | ચૌધરી સમાજમાં ગવાતાં લગ્નગીતો (દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસીઓના વિશેષ સંદર્ભમાં) |
| સંશોધક | : | સુનિલ બી. ચૌધરી | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૭ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણમાં વિભાજિત છે. આ નિબંધમાં ચૌધરી સમાજમાં ગવાતાં લગ્નગીતો વિશે અભ્યાસ થયો છે. પ્રથમ પ્રકરણમાં લોકસાહિત્યની સંજ્ઞા, લોકસાહિત્યની વિભાવના અને પ્રકારોની વિચારણા થઈ છે. બીજાં પ્રકરણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ અને ચૌધરી સમાજનો પ્રાથમિક પરિચય કરાવ્યો છે, જેમાં એમના ભૌગોલિક વિસ્તાર, કુલ વસ્તી અને તેમની શૈક્ષણિક-આરોગ્યની સુવિધાઓ અને મુખ્ય વ્યવસાયનો ખ્યાલ અપાયો છે. ત્રીજાં પ્રકરણમાં ચૌધરી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો પરિચય આપી તેમનાં વ્રતો, બાધા, ધાર્મિક માન્યતાઓનો ખ્યાલ અપાયો છે. આ જ પ્રકરણમાં એમનાં લોકવાદ્યો, આભૂષણો અને ગૃહ સજાવટનો પરિચય પણ અપાયો છે. ચૌધરી સમાજમાં જન્મ, લગ્ન અને મૃત્યુ જેવા ખાસ પ્રસંગે ગવાતાં સંસ્કારગીતોનું મહત્ત્વ અહીં સમજાવ્યું છે. ચોથાં પ્રકરણમાં દરેક પ્રસંગમાં ગવાતાં ગીતોનું વર્ગીકરણ કરી તેના અપરિચિત શબ્દોના અર્થો અપાયા છે. પાંચમાં પ્રકરણમાં સમગ્ર શોધનિબંધના તારણો અને ઉપસંહાર અપાયાં છે.
| ૧૩. | શીર્ષક | : | દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓ (દક્ષિણ ગુજરાતના ચૌધરી સમાજની લોકવાર્તાઓના વિશેષ સંદર્ભમાં) |
| સંશોધક | : | કૌશિક જે. ચૌધરી | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૭ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં આદિવાસી સમાજમાં કહેવાતી વાર્તાઓનો અભ્યાસ રજૂ થયો છે. પ્રથમ પ્રકરણમાં લોકસાહિત્યની સંજ્ઞા, સ્વરૂપ, વ્યાખ્યા, લોકવિદ્યાની વ્યાખ્યા, લોકકથાના લક્ષણો, લોકકથાના પ્રકારો, વગેરે અંગેની વિચારણા રજૂ થઈ છે. બીજાં પ્રકરણમાં ચૌધરી જાતિની માહિતી, સામાજિક-ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકી છે. ત્રીજાં પ્રકરણમાં વાર્તાકથન, મૌખિક પરંપરા અને આદિવાસી ચૌધરી પરંપરા વિશે વિચારણા થઈ છે. ચોથાં પ્રકરણમાં ચૌધરી સમાજમાં પરંપરાગત રીતે જેના કંઠમાં લોકસાહિત્ય જળવાયું છે તેવા માહિતીદાતાઓ દ્વારા મૌખિકરૂપે અને ધ્વનિમુદ્રિતરૂપે પ્રાપ્ત વાર્તાઓ અપાઈ છે. આ પ્રકરણમાં અઢાર વાર્તા સંગ્રહિત છે. જેના ગુજરાતીમાં ભાવાર્થ અને શબ્દાર્થો અપાયા છે. પાંચમાં પ્રકરણમાં તારણો અને ઉપસંહાર અપાયાં છે.