ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/જળદેવતાને બલિદાન — લોકગીત
લોકગીત
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે.
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે.
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
‘દીકરો ને વહુ પધરાવો જી રે.’
‘ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે.’
‘શું રે કો’છો મારા સમરથ દાદા,
શા કાજે બોલાવ્યા જી રે.’
‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે.’
‘એમાં તે શું મારા સમરથ દાદા,
પારકી જણીને પૂછી આવો જી રે.’
‘બેટડો ધરાવતાં વહુ રે વાઘેલી વહુ,
સાસુજી બોલાવે જી રે.’
‘શું રે કો’છો મારા સમરથ સાસુ,
શા કાજે બોલાવ્યાં જી રે.’
‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે.’
‘એમાં તે શું મારા સમરથ સાસુ
જે કે’શો તે કરશું જી રે.’
‘ઊઠો રે મારાં સમરથ જેઠાણી,
ઊના પાણી મેલો જી રે.’
‘ઊઠો રે મારાં સમરથ દેરાણી,
માથા અમારા ગૂંથો જી રે.’
‘ઊઠોને મારા સમરથ દેરી,
વેલડિયું શણગારો જી રે.’
‘ઊઠો ને મારા સમરથ નણદી,
છેડાછેડી બાંધો જી રે.’
‘ઊઠો ને મારા સમરથ સસરા,
જાંગીના (ઢોલ) વગડાવો જી રે.’
‘આવો આવો મારા માનસંગ દીકરા,
છેલ્લાં ધાવણ ધાવો જી રે.’
પૂતર જઈને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.
ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે.
‘પાછું વાળી જોજો અભેસંગ દીકરા,
ઘોડલા કોણ ખેલવશે જી રે.’
‘ઈ રે શું બોલ્યા સમરથ બાપુ,
નાનો ભાઈ ખેલવશે જી રે.’
‘પાછું વાળી જોજો વહુ રે વાઘેલી વહુ,
પૂતર કોને ભળાવ્યા જી રે?’
‘કોણ ધરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે?’
‘દેરાણી ધરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે.’
પહેલે પગથિયે જઈ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે.
બીજે પગથિયે જઈ પગ દીધો,
કાંડા તે બૂડ પાણી આવ્યાં જી રે.
ત્રીજે પગથિયે જઈ પગ દીધો,
કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે..
ચોથે પગથિયે જઈ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે.
પાંચમે પગથિયે જઈ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે
‘એક હોંકારો દ્યો રે અભેસંગ,
ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’
‘પીશે તે ચારણ, પીશે તે ભાટો,
પીશે અભેસંગનો દાદો જી રે.’
‘એક હોંકારો દ્યો રે વાઘેલી વહુ,
ગોઝારાં પાણી કોણ પીશે જી રે ?’
‘પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે વાળુભાનાં લોકો જી રે.’
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,
તર્યાં અભેસંગના મોળિયાં જી રે.
ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે.
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે.
(લોકકાવ્ય)
તરસથી હેવાયા થઈને ગામલોકોએ ખોદી વાવ. કેટલી ઊંડી, તો કહે બાર ફીટ કે બાર મીટર નહિ, પણ બાર વરસ ઊંડી ! તોય પાણી ના દેખાણું. ટીપણું ખોલીને જોશીએ કહ્યું, ધરતી દીકરા-વહુનું બલિદાન માગે છે. આવી લોહિયાળ વાત કરતા જોશીને લોકગીતના અનામી કવિએ જોશીડો કહી ઉતારી પાડ્યો. દીકરા-વહુનું વર્ણન થયું કલમના એક જ ઝબકારે : ‘ઘોડા ખેલવતો વીર રે અભેસંગ’, અને ‘બેટડો ધરાવતી વહુ રે વાઘેલી વહુ.’ આવા યુગલ પાસે બલિદાન માગવું એટલે જાણે વહુને અસ્થિફૂલોથી પોંખીને શોણિતથાળમાં પગલાં પડાવવાં. વર-વહુનું કાઠું જુઓ. ધરાર કહી દીધું : ‘એમાં તે શું વડીલ, જે કે’શો તે કરશું જી રે.’ જાણે એક ઘાએ (પોતાના) બે કટકા કરી આપ્યા. પછીની કડીઓ શૃંગારમિશ્રિત કરુણની છે. શબ્દો મંગળાષ્ટકના, ઢાળ મરસિયાનો. ઊનાં પાણી મૂકવાં, વાઘેલી વહુનું માથું ગૂંથવું, છેડાછેડી બાંધવી... દીકરો અને વહુ ‘સમરથ દાદા,’ ‘સમરથ જેઠાણી’, ‘સમરથ બાપુ’ વગેરે ભલે બોલે, પણ સાચે તો ફક્ત એ બે જ સમર્થ છે. બાકીનું ગામ નિર્માલ્ય. ગામની તરસ છિપાવવા વાઘેલી વહુ ધાવણા દીકરાને સદાનો તરસ્યો મેલી જાય છે. અંતિમ સ્તનપાનનો પ્રસંગ નાટ્યાત્મક અને કરુણ. લોકગીતકાર દીકરા-વહુને ટકોરે ટકોરે નાણે છે. હવે ઘોડલા કોણ ખેલવશે ? દીકરો કોણ ઉછેરશે ? ઝિંદાદિલ ઉત્તરોથી નાયક-નાયિકાના સ્વાર્પણની ઉદાત્તતા સમજાય છે. કવિ વાવને એક એક પગથિયે અટકી અટકીને આ ભવ્ય પ્રસંગને સ્લો મોશનમાં બતાવે છે. પગલે-પગલે વાવ પાણી-પાણી થઈ જાય છે. અભેસંગ અને વાઘેલી વહુ એક એક પગથિયું ઊતરે તેમ તેમ કવિતાની સપાટી ઊંચી ચડે છે. નવદંપતી અને અણોસરા ઓરડે એકલ બેઠેલા તેમના કુટુંબની વચ્ચે પાણીનો એક પરદો છે, ખારો. આ લોકગીત કેટલું તો ઊંચું કે બસેં-ત્રણસેં વરસ પછીના આધુનિક ગીતનાં આ ચરણ તેના પગથારે ચડયાં :
પહેલે પગથિયે મારી ઓળખ મેલી
ને પછી બીજે પગથિયે મેલ્યું નામ
ત્રીજે પગથિયે મેલ્યાં ગમતીલાં ખેતરાં
ને ચોથે પગથિયે મેલ્યું ગામ
(અનિલ જોશી)
અંતે વાચકના ચિત્તમાં ચૂંદડી અને મોળિયાં તરતાં રહી જાય છે. છેલ્લી બે પંક્તિઓમાં છે લોકગીતનો નિંદારસ. વહાલા દીકરાને ખોળે બેસાડીને અણમાનીતાને વાવમાં ધકેલ્યો! કેવળ ઉદાત્ત ભાવોને નિરૂપતી હોતે, તો આ કવિતા ચપ્પટ રહી જતે, જૂઠી લાગતે. ગામના પંચાતિયાનો છેલ્લો ટોણો અને ‘સમરથ દાદા’નો છેવટે તુંકારમાં ઉલ્લેખ (‘અભેસંગનો દાદો’), કવિતાને ત્રીજું પરિમાણ આપે છે. આ રાસ સંવાદોની ધરી પર ફરે છે. અમેરિકન નવલકથાકાર ટ્રુમેન કોપોટકેએ કહ્યું તેમ વાર્તા-નિબંધમાં સંવાદોથી રસ જાળવવો સરળ છે, કેવળ વર્ણનોથી ટકાવવો અઘરો. રામાયણ, મહાભારત, પુરાણોમાં સ્વાર્પણના પ્રસંગો અનેક છે. દશાનનને દઝાડતો જટાયુ, ‘તસ્માદિદં ગરં ભુંજે, પ્રજાનાં સ્વસ્તિરસ્તુ મે’ કહીને વિષ ગટગટાવતા કૈલાસપતિ... પણ આ દેવતાઓનું કે રાજાઓનું કથાનક ક્યાં છે ! આ તો સંસારી ગામડિયાઓનું દધીચિકૃત્ય, વનવાસી રામની નહિ, તમારા ને મારા મનવાસી રામની આ વાત. લોકગીત હોય એટલે પાઠાંતરો પણ હોવાના, મેઘાણીભાઈએ રઢિયાળી રાત ભા.૩માં રાસની પીઠિકામાં લખ્યું, “જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિશે બોલાતી આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું, જળદેવતા ભોગ માગે છે. ગામનો ઠાકોર પોતાનાં દીકરાવહુનું બલિદાન ચડાવે છે...” વળી રઢિયાળી રાત ભા. રની ‘લોકસૃષ્ટિ’માં કહે છે, “કોઈએ એ કથા માધાવાવ સાથે સંધાડી, કોઈએ ભીમોરાની વાવ સાથે જોડી, તો કોઈએ વાળુભા ગામ સાથે.” ઉત્તર ગુજરાતમાં વડનગરના શમેળાના તળાવ વિશે જરાક જુદો રાસ પ્રચલિત છે.
બાર બાર વરસે શમેળા ગોડાવ્યાં,
શમેળામાં નાવ્યાં નીર, શમેળા શીદને ગોડાવ્યાં....
પુષ્કર ચંદરવાકરે નોંધ્યું છે કે શમેળામાં જે જગ્યાએ વહુઆરુએ ભોગ આપ્યો હોય ત્યાં તળાવ મધ્યે દહેરી ચણવામાં આવી છે. ભાદરવા સુદ -૧૧ વામન જયંતીએ કેટલાક બ્રાહ્મણો પ્રતિવર્ષ એ દહેરી આગળ તરતા જઈ સતીમાતાને ઘાટડી મોળિયાં ઈત્યાદિ અર્પણ કરે છે.
***