ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દાદા હો દીકરી — લોકગીત

દાદા હો દીકરી

લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયો કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

-લોકગીત (ટૂંકાવીને)

દળણે દળાતી દીકરી

કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?

‘દોહ્યલી' શબ્દ ‘દુખ' પરથી આવ્યો છે.વઢકણી સાસુ કેવાં દુખ દે છે? ગીતકારે શબ્દો કાળજીપૂર્વક પ્રયોજ્યા છે. ‘દળાવે' શબ્દથી દીકરી દળાતી જતી હોય, અને ‘કંતાવે' શબ્દથી એની કાયા કંતાઈ ગઈ હોય,એવા સંકેત મળે છે.સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.' કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.' પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.') ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું હોય,તો નિંદરમાં બિહામણાં સપનાં જ આવેને?પગથી માથા સુધી કામ જ કામ.બીજી ઓરડીએ જાય તો ત્યાંય બેડલું પડ્યું હોય.ઘર કેટલું તરસ્યું હશે!

સીંચણિયું ટૂંકું છે,ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય.લોકગીતોમાં એવા પ્રસંગો નોંધાયા છે ખરા, જેમાં કુળનો વંશજ જન્મ્યા પછી વહુનો ઘડોલાડવો કરી નખાય.(જુઓ 'પાતળી પરમાર' કે 'વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં.')પરંતુ આ ગીતમાં એવા સંકેત મળતા નથી. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દુખનો સંદેશો પિયરિયાને મોકલવો શી રીતે? ટેલિફોનનો જમાનો નહિ.વહુ-દીકરીઓને બે અક્ષર પાડતાં યે ન આવડે.લગ્ન દૂર ગામ થયા હોય. વિવશતા જુઓ કે પંખીને ભાઈ માનીને સંદેશો મોકલવો પડે છે.(આપણામાં કહે છે- વાત ઊડતી ઊડતી આવી,અંગ્રેજીમાં કહે છે- અ લિટલ બર્ડ ટોલ્ડ મી.)દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ,અમે આણાં લઈને આવીએ છીએ. ત્યારે ઘટસ્ફોટ થાય છે કે પિયરિયા પાસેથી કરિયાવર કઢાવવા દીકરીને ત્રાસ અપાતો હતો.પ્રશ્ન જેટલો સામાજિક તેટલો આર્થિક પણ છે.લગ્ન પછી દીકરી બાપીકી સંપત્તિ પરથી હક્ક ખોઈ બેસતી હતી.જે સ્ત્રીધન મળ્યું તે ખરું.

અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. '‘દાદા હો દીકરી, દાદા હો દીકરી' (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી' (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને' (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ' (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ' (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા' (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી' (દાદાને પડતા ધ્રાસ્કા.)

અહીં નાટક જેવા સંવાદો છે: દીકરી દાદા સાથે, સહિયર સાથે,અને પંખી સાથે ગોઠડી માંડે છે.સાસુ વહુ પર હુકમો છોડે છે.

ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી' એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે.આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે'- અંધારી રાતો હવે પૂરી થઈ,આઠમ પછી અઠવાડિયામાં પૂનમ આવશે,એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.

***