ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દુહા — લોકગીત

દુહા

લોકસાહિત્ય

રચાય ચાર ચરણમાં અને લખાય બે પંક્તિમાં, તે દુહો. (પહેલા-ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા-ચોથા ચરણમાં ૧૧.) લોકકવિઓએ સદીઓથી દુહા લલકાર્યા છે.

દુહો ‘દસમો વેદ’, સમજે એને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?

‘જો દુહો ‘દસમો વેદ’ હોય, તો આગળના નવ કયા?' એવો સવાલ ન પુછાય. ‘દસમો વેદ’ એટલે ‘આઠમી અજાયબી', યાને ભારે કૌતુક. દુહો સૌને પલ્લે ન પડે. વાંઝણી શું જાણે વિંયાતલની—પ્રસૂતાની-પીડા? સર્જન શિશુનું હોય કે દુહાનું, પહેલાં પીડાની પ્રાપ્તિ થાય, પછી પરિતોષની. લોકકવિ દુહાના સર્જન-ભાવનનું ગૌરવ તો કરે જ છે, સાથોસાથ અરસિકોને વાંઝિયા મહેણું પણ મારી લે છે. સાહિત્ય-કલાની સમજ સૌ કોઈને ન હોય. એન. જે. ગોલીબારે કહ્યું છે તેમ,

મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલાચાહક,
હજારો લાકડાંમાં એક શહનાઈ નથી હોતી.

*
કામની કાગ ઉડાવતી, પિયુ આયો ઝબક્કાં,

આધી ચૂડી કાગ—ગળ, આધી ગઈ તડક્કાં

મોભારેથી કાગ ઉડાવતી કામિની કહે છે, ‘જા રે જુઠ્ઠા! ક્યારનો બોલ- બોલ કરે છે! કોઈ આવતું તો છે નહીં!’ ત્યાં જ પોતાના પિયુને આવતો જોઈ, તે ઝબકી ઊઠે છે. વિરહ વેઠીને તેનો દેહ દુર્બળ થઈ ગયો છે. પહેરેલી ચૂડીઓમાંથી અરધી સરકીને પડે છે કાગના કંઠમાં. પિયુને જોતાંવેંત બશેર લોહી ચડવાથી, બાકીની ચૂડીઓ તડાક દઈ તૂટે છે. હેમચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૩)એ પોતાના વ્યાકરણમાં ગુર્જર અપભ્રંશ ભાષાનો આવો જ દુહો ટાંક્યો છે:

વાયસુ ઉડાવન્તિઓએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ,
અધ્ધા વલયા મહિહિં ગય અધ્ધા ફુટ્ટ તડત્તિ.

તાર કે ટપાલ વગરના એ દિવસો. નાવલિયો પરદેશ જાય પછી ન જાણે કેટલે વરસે પાછો આવે. કન્યાની કઠણાઈનું વર્ણન કરવું કેમ? એ પણ બે પંક્તિમાં? માટે લોકકવિએ અહીં ચમત્કૃતિનો માર્ગ સ્વીકાર્યો છે. કામિની પિયુને જોઈને ચોંકી ઊઠી. આપણા કાન પણ ‘ઝબક્કાં' ‘તડક્કાં' જેવા રવાનુકારી પ્રાસ થકી ચોંકી ઊઠે છે.

*

થંભા થડકે, મેડી હસે, ખેલણ લાગી ખાટ,
સો સજણા ભલે આવિયા, જેની જોતાં વાટ.

સજણા વરસો પછી આવિયા. લજ્જાશીલ સ્ત્રી ઊર્મિનું ઉઘાડું નિવેદન તો કેમ કરે? એટલે કહે છે—તમે આવિયા અને ઘરનું રાચરચીલું રાજીરાજી થઈ ગયું. ‘થંભા થડકે'—ઘર થાંભલાને આધારે ઊભું હોય. થાંભલાની સાથે આખું ઘર પણ થડકે. પોતાના હૈયાના થડકારાનું આરોપણ નાયિકા, થાંભલામાં કરે છે. ‘મેડી હસે’—ગામડાનાં ઘરોમાં પ્રીતબિછાત મોટે ભાગે મેડીએ હોય. ‘ખાટ' એટલે હીંડોળાખાટ, ખાટલો દૃઢ હોય જ્યારે ખાટ ચંચળ. કદી પેલાની તો કદી પેલીની ઠેસે ઝૂલે.

*

પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
પિયુ કાંટાળો કેવડો, ધણ્ય કંકુની લોળ

રૈનનો–રાતનો-પહેલો પહોર ચાલે છે. અંધકારે શૃંગારશય્યાને આશ્લેષમાં લીધી છે. નાયક-નાયિકાને બત્રીસે કોઠે દીવડા ઝળહળે છે. ‘કાંટાળો કેવડો’—આપણને રાજેન્દ્ર શાહનું ગીત સાંભરે,

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

કેવડાની મહેક માદક હોય. ‘ધણ્ય' એટલે ધણિયાણી. કાયા પર ઊઠી આવેલા (રાતા રંગના) સોળને કહેવાય ‘લોળ'. લોકકવિને હિંસા નહીં પણ રતિ અભિપ્રેત હોવાથી તેણે ‘લોહીની લોળ' ન કહેતાં ‘કંકુની લોળ' કહ્યું છે.

*

દૂજો પહેરો રેનરો, વધિયા નેહ-સનેહ,
ધણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢી મેહ.

રાત આગળ સરકે છે, દાંપત્યજીવન પણ. નેહ અને સ્નેહનો અર્થ આમ તો સરખો જ થાય, પરંતુ લોકકવિ ધણી-ધણિયાણીની જેમ નેહ-સ્નેહનું યુગ્મ રચે છે. ગૃહ સાથે (ધરતી સાથે) જોડાયેલી હોય તે ગૃહિણી. કદી આવે, કદી જાય, ગાજે-ગરજે, પાણીદાર હોય, વરસે, ધરતીને ફળવંતી કરે, તે પિયુ. પ્રસન્ન દાંપત્યનું ચિત્ર દોરતા લોકકવિએ આગલા દુહાની ખેલણખાટને અહીં વિરાટના હિંડોળે ઝુલાવી છે.

*

જોઈ વો'રિયેં જાત, મરતાં લગ મેલે નહીં,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.

‘વહોરવું' એટલે ખરીદવું. ‘જાત’ શબ્દ લોકકવિએ બે અર્થમાં પ્રયોજ્યો છે: કોઈ પણ વસ્તુ-જાત- જોઈને વહોરવી, અને જાતે જોઈને વહોરવી. એવી પસંદ કરવી કે જીવનભર સાથ આપે. પટોળું ફાટે તોય તેના પર પડેલી ભાત ભૂંસાય નહીં. ભાત પટોળાને શણગાર આપે, સથવારો પણ. ૧૩-૧૧-૧૩-૧૧ માત્રાના ચાર ચરણમાં રચાતો દુહો, જ્યારે ૧૧-૧૩-૧૧-૧૩ માત્રાના ચરણમાં રચાય, ત્યારે ‘સોરઠો' કહેવાય. આ સોરઠો ‘મ' કાર, ‘પ' કાર અને ‘ફ' કારની વર્ણસગાઈથી કર્ણમધુર બન્યો છે, અને તેની બીજી પંક્તિ તો કહેવત બની ગઈ છે. ‘મરતાં લગ મેલે નહીં’—પહેલાં વનપ્રવેશ, પછી વાટિકાપ્રવેશ, પછી અગ્નિપ્રવેશ, પછી રામ વડે ત્યાગ, છતાં સીતા ધરતીમાં સમાતાં પહેલાં બોલ્યાં, ‘ભૂયો યથા મે જનનાન્તરેપિ ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગ’. – ‘જન્મોજન્મ સુધી તમે જ મારા ભરથાર રહો, આપણો વિયોગ ન થાઓ.' આને કહેવાય ‘પડી પટોળે ભાત.'

***