ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પાંચકડાં — લોકગીત

પાંચકડાં

લોકસાહિત્ય

હરિ તારા પાંચ પાંચકડાં ગાવીં;
પરભુજીના ટાંટિયે વળગ્યાં જાવીં!
કોઈને કરડ્યો મકોડો, ને કોઈને કરડી કીડી,
એકે સળગાવ્યું ‘લાઇટર’, ને પાંચે પીધી બીડી.
હરિ તારા પાંચકડાં
નોંધણવદર રમવા ગ્યાં તંઈ ઝમકુફુઈએ જાણ્યું,
ત્રણ વચાળ એક ગોદડું આપ્યું, અમે રાત બધી તાણ્યું.
હરિ તારા પાંચકડાં.
સારું ગામ સરવેડી ને પાદર ઝાઝા કૂવા,
બાયું એટલી ભક્તાણી ને આદમી એટલા ભૂવા
હરિ તારા પાંચકડાં.
ભવાન પટેલે ભેંસ લીધી ને મોટાં શીંગે મોહ્યા,
બોઘડું લઈને દોવા બેઠા ને પોકે પોકે રોયા.
હરિ તારા પાંચકડાં.
સઈ ચોરે કાપડું, ને સોની ચોરે રતી,
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.
હરિ તારા પાંચકડાં.
ઝાલાવાડની ઝમકુડીએ ન જોવાનું જોવું,
જોબનિયામાં સાચવ્યું, ઘડપણમાં શિયળ ખોયું.
હરિ તારા પાંચકડાં
કોઈ ખાય ગોળ ને કોઈ ખાય સાકર,
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.
હરિ તારા પાંચકડાં.

(ખોડીદાસ પરમાર સંપાદિત પાંચકડાંમાં બે દુહાનું સ્મૃતિથી ઉમેરણ)

આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો?

મને સાંભરે છે ભેરુ, એક દિ' આપણે ભવાઈનો વેશ જોવા ગયા હતા. તમે મોટું માણસ, ગામના મોભી, એટલે આપણને ગાદી-તકિયે બેસાડયા હતા. હુક્કોપાણી ચાલતાં હતાં, પોષની ઠંડીમાં તારલા ઝબૂકતા હતા, ઉપર પણ, નીચે પણ. ત્યાં તો વાજતી ભૂંગળે ઠેકો લેતા ભવાયા આવ્યા. ‘દુંદાળો દુ:ખભંજનો ગૌરીપુત્ર ગણેશ...’

હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...

આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો? પણ ભેરુ, આવું ગવાય? શ્રીજીચરણને ટાંટિયા કહેવાય? કાલે ઊઠીને આવડા આ તો અર્જુનને અરજણિયો અને કૃષ્ણને કરસનિયો કહેવાના! ગામલોકો હરખાઈને હરિ... હરિ... કરવા મંડેલા. કેટલાક લોંઠકા કૂંડાળું વાળીને બેઠા હતા. હાથમાં ધારિયાં. ભવાયા તેમની ફરતે સારી પેઠે નાચ્યા, ને બોલ્યા:

કોઈને કરડ્યો મંકોડો, ને કોઈને કરડી કીડી,
એકે સળગાવ્યું ‘લાઇટર'ને પાંચે પીધી બીડી.

તમે આંખ મિચકારીને કહેલું ‘આ બધા બીડીથી ‘લાઇટર’ સળગાવે એવા છે. જેને કોઈ ન કહી શકે, એને ભવાયા કહી શકે.’ ભવાયા ચડ્યા રમતે :

નોંધણવદર રમવા ગ્યાં તંઈ ઝમકુફુઈએ જાણ્યું,
ત્રણ વચાળ એક ગોદડું આપ્યું, અમે રાત બધી તાણ્યું.

ખી... ખી.... ખી... નોંધણવદર ગામની કંજૂસાઈ પર સૌ હસ્યાં. મારાથી નિસાસો મુકાઈ ગયો, ‘ફટ રે નોંધણવદર! કલાકારને ગોદડુંયે નહીં?’ તમે કહેલું, ‘આજે ત્રણ વચાળે એક આપવાવાળાં ઝમકુફુઈ મળ્યાં, કાલે એકને ત્રણ આપવાવાળાં લખમીફઈ પણ મળશે.’ ગામના મહંત ઊંચે આસને બેઠા હતા. ભવાયા તેમને પગે લાગ્યા.

સારું ગામ સરવેડી ને પાદર ઝાઝા કૂવા,

તમે બોલ્યા, ઊંચે ચડાવે છે... હવે હેઠા પાડશે... એમ જ થયું:

બાયું એટલી ભક્તાણી ને આદમી એટલા ભૂવા.

મારો અનુભવ પણ એમ જ કહે છે. અમારે ઘેર બાવાજી આવેલા, પ્રાણ જાગ્રત કરવા પદ્માસન વાળી ગયેલા. પ્રાણ તો જાગ્રત ના થયો પણ પગ સૂઈ ગયો. યાદ છે પેલા ભવાનજી પટેલ? પડતર ખેતર ચડતર ભાવે લઈ બેઠેલા. તેમની સામે જોઈને ભવાયા હસ્યા.

ભવાન પટેલે ભેંસ લીધી ને મોટાં શીંગે મોહ્યા,
બોઘડું લઈને દોવા બેઠા ને પોકે પોકે રોયા.

મેં બઘવાઈને પૂછ્યું ‘ભવાન દોવા તો બેઠો પણ રોવા કાં બેઠો?' તમે કહેલું ‘ભેંસ નહોતી, પાડો હતો! ભેંસ શિંગડાં જોઈને લેવાય? કે આંચળ જોઈને?’ સોનેરી ફૂમતે સોનીમહાજન પણ આવ્યું હતું. રંગલીએ ગાયું.

સઈ ચોરે કાપડું ને સોની ચોરે રતી,
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.

સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: ‘એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી, ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ. આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર... પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો:

લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય,
ઓહો, દર્શન થઈ ગયાં! બોલે જાદવરાય.
હરિ તારા પાંચ પાંચકડાં ગાવીં;
પરભુજીના ટાંટિયે વળગ્યાં જાવીં!

***