ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/સોનચંપો — બાલમુકુન્દ દવે

સોનચંપો

બાલમુકુન્દ દવે

રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ;
અમને ન આવડ્યાં જતન જી!

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી?

વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા!
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી:

કૂવાને થાળે જેવા કાથી કેરા દોરડાના—
થોડે થોડે લાગે રે ઘસારા જી!

દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પંથી
ગામની ભાગોળે સારી રાત જી:

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી!

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી!

સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા!
વચ્ચે આડા આંસુના અખાત જી!

પુત્ર દેખાતો નથી પણ સુવાસ થકી વરતાય છે

આ ગીત બાલમુકુન્દ દવેએ પુત્રના અવસાન પછી લખ્યું હતું. તીવ્ર સુગંધવાળો પીળો ચંપો તે સોનચંપો. પુત્ર દેખાતો નથી, પણ સુવાસ થકી વરતાય છે. કવિએ શબ્દેશબ્દ વિચારીને વાપર્યો છે. ‘રંકની વાડીએ મોર્યો’—રંકને બાગબગીચા ન હોય, બહુ બહુ તો વાડી હોય. ‘ઊગે’ તે ઘાસફૂસ અને ‘મોરે’ તે સોનચંપો. રંકને સોનું વહાલું તેમ કવિને પુત્ર. ‘સોન રે ચંપાનો છોડ’—આ ગીતમાં નવ વાર કવિમુખેથી ‘રે’નો શોક—ઉદ્ગાર સરી પડ્યો છે. સોનચંપો, ‘રે’ વડે બે હિસ્સામાં વહેંચાઈને, આપણી આંખ સામે જાણે ખરી પડે છે. વાડીની ભોમકા ઊષર-રસકસ વિનાની છે, નંદનવનના (ઇન્દ્રના ઉપવનના) નિવાસી સોનચંપાને કેમ ગોઠે? દૈવી બગીચામાં મોરનારો પુત્ર કવિને માટે હવે આકાશકુસુમવત્ થઈ ગયો છે. ગૂમડું પાકે અને તેમાં છિદ્ર-નારું-પડે, એને ઘારું કહેવાય. ઇન્દ્રના આયુધ વજ્ર જેવી કઠોર છાતી કરીએ તોયે ઘાના ઘારાથી કેમ બચાય? દોરીથી પથ્થર ઘસાય અને જીવા-દોરીથી કાળજું. દેશાવરથી આવેલો પથિક ગામને પાદર પહોંચ્યા પછી અંધકારમાં અટવાય, તેમ પુત્ર વિનાના અંધારિયા ઘરમાં મા ઠેબે ચડે છે. ગાંડા બાવળનો આ દેશ. ન ફૂલ, ન ફળ, ન પાન, ન છાયા, ન કલરવ, ન ગુંજારવ. ‘બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણી…’ પંક્તિને એક લસરકે કવિ એકલતા ચીતરી આપે છે. આ કાંઠે બાવળ, સામે કાંઠે દૈવી બગીચા, ‘વચ્ચે આડા આંસુના અખાત જી!’ કવિએ આંસુ પીધાં છે, એનો સ્વાદ ચાખ્યો છે, તેઓ જાણે છે કે આંસુની નદી ન હોય, અખાત હોય. ‘વચ્ચે’ અને ‘આડા’ બન્ને શબ્દ મૂકીને કવિ સૂચવે છે કે અખાત ઓળંગી શકાય તેવો નથી. પુત્રશોક એ કંઈ આનંદનો વિષય નથી. છતાં આ કાવ્ય વાંચીને આપણને આનંદ કેમ થાય છે? સાંસારિક જીવનમાં, ‘આ મારું’ એવા મમત્વને લીધે કુટુંબીઓના મૃત્યુથી આપણને દુ:ખ પહોંચે છે. પરંતુ કાવ્ય સાથે ‘મારું’ કે ‘પારકું’નો સબંધ ન હોવાથી, તટસ્થ રહીને કાવ્યાનંદ માણી શકાય છે. પુત્રશોક વિશે જ બાલમુકુન્દ દવેએ ‘જૂનું ઘર ખાલી કરતાં’ નામનું સોનેટ રચ્યું હતું. સઘળો સામાન બાંધી દેવાયો છે—

જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી.

જૂના ઘરને દરવાજે લટકતું નામનું પાટિયું પણ ઉતારીને લારીમાં વિદાય કરી દેવાયું છે. કવિ છેલ્લી વારનું જોઈ રહ્યા છે જૂના ઘરને, જ્યાં મુગ્ધ દાંપત્યનો પહેલો દસકો વિતાવ્યો, ‘જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો’ અને જ્યાંથી પુત્રને અગ્નિના અંકમાં સોંપ્યો. એકાએક કવિને પુત્રનો સાદ સંભળાય છે: બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?

***