ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/પ્રાસ્તાવિક

પ્રાસ્તાવિક

યુરોપ તો વિલિયમ બ્લેક કે માઈકલ એંજેલો જેવા કવિચિત્રકારથી પરિચિત. આપણે ત્યાં એ સંયોજન વિરલ. રવીન્દ્રનાથ ખરા, પણ પ્રધાનપણે તે કવિ. ગુલામમોહમ્મદ શેખ પ્રધાનપણે ચિત્રકાર હોવા છતાં તેમાં કવિચિત્રકારનું અનોખું મિલન છે. તળ કાઠિયાવાડના મધ્યમવર્ગમાંથી આત્મસૂઝ-લગનના બળે અને રવિશંકર રાવળ જેવાના સહેજ અંગુલિનિર્દેશે શેખ ક્યાંના ક્યાં પહોંચ્યા. દેશના પ્રમુખ ચિત્રકાર. બી.બી.સી.એ જેમના પર કાર્યક્રમ તૈયાર કર્યો હોય તેવા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર હોવાની સાથે સાથે આધુનિક ગુજરાતી કવિતાની ભોંય ભાંગી હોય અને ખેડી હોય તેવા આધુનિક કવિ અને ઘૂંટાયેલા ગદ્યકાર. આ બધાની સાથે મોટી વાત લાગે તેમની માનવીય નિસબત, સચ્ચાઈ અને સાહજિક નમ્રતાની. આ મુલાકાત ઘરે-બાહિરે ફરતી રહી છે. માણસ જ એવા સરળ કે માત્ર બહિરંગ-રંગભૂમિ નહીં, અંતરંગ નેપથ્યમાંય ફેરવે. સરળતા છતાં સ્પષ્ટતા, નમ્રતાની સાથે નિર્ભીકતા તેમનો આગવો ગુણ. તેમના બોલચાલના ગદ્યનીય આગવી છાપ. બોલચાલના કાકુઓની જીવંતતા સાથે લિખિત ભાષા જેવી તર્કબદ્ધતા અને ચુસ્તતા અને છતાં ભાષા જુદા જ સ્વાદવાળી. કલા, શિક્ષણ, સંસ્કાર, વારસો, સાંપ્રદાયિકતા જેવા વિષયો પરનો તેમનો આગવો દૃષ્ટિકોણ આ મુલાકાતમાંથી પામી શકાશે. કોઈને શેખ અતડા ઓછાબોલા લાગે. પણ શેખ અંદરના માણસ છે. Localથી Global જે કાંઈ બને છે તેની સાથે ઊંડી નિસબત છે. આ કવિચિત્રકાર શબ્દ અને રંગ-રેખા આકારોને જાળવી જાળવીને, જાણી જાણીને તપાસે. સડસડાટ લખાઈ જાય તેમાં શ્રદ્ધા નહીં. એક વાર્તા કે નિબંધ પણ અનેક ડ્રાફ્ટ પછી જ મેગેઝિનને પાને આવે. તેમની આવી ચીવટને કારણે જ આ મુલાકાત બે વર્ષે ‘નવનીત સમર્પણ’ને પાને આવી છે. આ બે વર્ષ દરમિયાન તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી જ્યારે, જ્યાં સમય મળ્યો ત્યારે, વડોદરા, દિલ્હી, અમેરિકામાં ડ્રાફ્ટને મઠારતા રહ્યા. આ આખી મુલાકાતનાંય મને પાછાં બે વર્ઝન મોકલ્યાં. એકમાં મૂળ પ્રશ્નોત્તરીમાં થોડી છૂટ લઈ આખી મુલાકાત નવેસરથી જ લખેલી. ફરી વિચારતાં તેમને લાગ્યું કે એ ડ્રાફટ મૂળથી થોડો દૂર જઈ રહ્યો છે. ત્યારે બોલચાલના કાકુઓની સહજતા વધારે જાળવી મૂળને વધારે વફાદાર એવું બીજું વર્ઝન તૈયાર કર્યું. તેમના હોમવર્ક પછી મારા પ્રશ્નોને ફરી મઠારવાનું કામ મને સોંપ્યું. આ બધી જાતે જ ઊભી કરેલી હર્ડલ રેસ પછી આ મુલાકાત આપની સામે પ્રગટ થાય છે. આ મુલાકાત પૂર્વનિર્ધારિત ન હતી. અનાયાસ ગોઠવાઈ ગયેલી. તેથી પ્રશ્નોની તૈયા૨ સૂચિ ન હતી. તેમને વાત કરતાં કરતાં ઉખેળતા જવાનું હતું. મને લાગે છે કે સહજ સરળતાથી શેખ ખૂલ્યા-ખીલ્યા છે. ‘One who touches this book touches the man’ એ ઉક્તિની જેમ જ આ મુલાકાત વાંચનારને પણ એક ભર્યા ભર્યા વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાશે.

ગુલામમોહમ્મદ શેખ, રેસિડેન્સી બંગલાનો પાછલો ભાગ, એચિંગ
(ધાતુ કોરીને લીધેલી છાપ), ૧૯૮૭