ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/મુલાકાત

યજ્ઞેશ દવે : ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ? ગુલામમોહમ્મદ શેખ : અહીં આવવાનું મન તો હંમેશાં થયા કરે છે. ઘણુંબધું સ્મૃતિમાં ભંડારેલું હોય, અને ખાસ કરીને તો બાળપણ અને યુવાનીની, તેમાંય ઊગતી યુવાનીની – સ્મૃતિઓ હોય તે માણસનો કેડો કોઈ દિવસ છોડતી નથી, એટલે ફરી પાછું એ રસ્તે નીકળવાનું, ભમવાનું મન થયા કરે. કાઠિયાવાડી સંસ્કૃતિની ભાતીગળ વિશેષતા. એનું આકર્ષણ પણ વરસોવરસ વધતું ગયું છે - એ કારણસર પણ અહીં આવવાનું ગમતું હોય છે. આમ તો આ મારા માટે કંઈ નવું નથી, પણ જ્યારે આવું ત્યારે હંમેશાં કાંઈક ને કાંઈક નવું દેખાય. પરમ દિવસે જ અમે લોકો (દીકરી સમીરા, જમાઈ કૌશિક, ભાભી આયશા સાથે) અમારે જૂને ગામ કંકાવટી ગયાં હતાં. ત્યાં હું શાળામાં ભણતો ત્યારે રજાઓ ગાળવા આવતો. એમાં મને નદી બરાબર યાદ; ત્યાં વડવા રહેતા- એટલે મારા દાદાના ભાઈ (નાનજીદાદા). એમનું મોટું ફળિયું, ઘાણી, ભેંસો એવું એવું બધું આછેતરું યાદ. આજે ચાલીસેક વરસ થયાં ત્યાં ગયો નહોતો.

ગુલામમોહમ્મદ શેખ, ૧૯૯૬ (તસ્વીર : નવરોઝ કોન્ટ્રાક્ટર)

એમ પણ યાદ કે ત્યાં માતરી વાવ અને ભીમદેવના જમાનાનું મંદિર છે પણ બીજું બધું વિસ્મૃતિની ગર્તામાં ઊતરી ગયેલું. પણ થોડુંક પાછું નીકળી પણ આવે કોઈક વાર. હવે સમીરા પંદરમી શતાબ્દીના ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરે છે, કૌશિકને પણ એમાં રસ, એટલે થયું ચાલો કંકાવટી. ઊતરી આવ્યા. જોયું, ગામ સમૃદ્ધ નહિ તોય પ્રમાણમાં સુખી હશે એવું લાગ્યું. આમ તો ગામડાં સુખી નથી, આઝાદીનાં પચાસ વરસ થયાં પણ એ એવાં ને એવાં, અસહ્ય ગરીબાઈમાં સબડતાં રહ્યાં છે, એ વાતે ગામડે જતાં મિશ્ર લાગણી તો થવાની જ.

માતરી વાવ, કંકાવટી, જી. હળવદ

પણ અહીં બીજું ઘણું પડ્યું છે, સંસ્કારના કેવા ખજાના પહેલા છે, લોકોની નજર નથી જતી એ બાજુ, એ બધું કોઈ જોતું નથી. કંકાવટીને શેઢે મારા પિતરાઈ ભાઈ અમને માતરી વાવ દેખાડવા લઈ ગયા. વાવને ઉપલે થાળે પથ્થર પર ધોળા ડાઘા, એ દેખાડી કહે કે ધાવણ ન આવતું હોય એવી સ્ત્રીઓ વાવને કાંઠે દૂધ નાખે, આખો રેલો કરે. ચારે બાજુ દૂધની છાપ ત્યાં હતી, એટલે કે તાજું દૂધ હશે – તાજું એટલે થોડા દિવસ પહેલાંનું. મેં પૂછ્યું કે આ કોણ કરે તો ભાઈ કહે બધી બાઈઓ કરે, બધા (ધરમની) કરે. અને મેં જોયું કે થાળે ચડતા ભાઈ સંભાળપૂર્વક, (દૂધવાળો ભાગ) સાચવીને ચાલ્યા. મને ય કહ્યું કે આમ ચાલો ભાઈ. ત્યારે થયું કે લોકે કેટકેટલું જીવનમાં ઉતાર્યું છે ! આ ભાઈ જેનો મને પરિચય નહોતો - ચાળીસેક વરસથી - એમની સાથે વાવમાં ઊતરતા ગોખલામાં ગણેશ મૂર્તિ જોઈ. ત્યાં લોક લાકડાના હાથ મૂકે, પગ મૂકે, એટલે કે જ્યાં દુખતું કે વાગ્યું હોય એનું નાનકડું મ્હોરું મૂકે : આંખે હોય તો આંખ, જીભે હોય તો જીભ. અંદર ઊતર્યા તો સાતમા (કે નવમા ?) કોઠે કોતરણીમાં નાનકડો સર્પ, સંભોગ શિલ્પોય નજરે ચડ્યાં. થયું આટલી સુંદર અને અદ્ભુત રીતે સંઘરાયેલ (અંદર કાળપ કે ડાઘો સુધ્ધાં નહિ !) વાવ ત્યાં પુરાતત્ત્વ ખાતાનું પાટિયું ક્યાં ? રખેવાળ ક્યાં? ભાઈ કહે કે ગામના લોક ધ્યાન રાખે છે. ત્યાંથી મંદિરે ગયા. ત્યાં કાલીય-દમનની કૃષ્ણ-મૂર્તિ હતી. એના ટુકડા થઈ ગયા હતા. કહે છે વાવમાંથી નીકળી હતી. આજુબાજુ ફરતાં ખંડિયેર જોયાં. કહે છે મહેલ હતો, ઉપલા થર દેખાય છે. ખોદકામ થાય તો કેટલું નીકળે? લોકો કહે છે કૂવો ખોદતાં ઓજાર મળ્યાં, વાસણ નીકળ્યાં, તાંબાનાં કે પંચધાતુનાં. કાઠિયાવાડ આવતાં નીકળી આવે આવું બધું. યજ્ઞેશ : સુરેશ જોશીએ તેમના એક વ્યાખ્યાનમાં કહેલું કે શૈશવની ભૂમિમાં ફરી ન જવું. હિંમત હોય તો જ જવું. ફરી આવતાં બધું બદલાઈ ગયેલું હોય છે. છતાં મન તો એ સમયનું જ બધું માગ્યા કરે. તમને કેવું લાગે છે ફરી કાઠિયાવાડ, સુરેન્દ્રનગર અને કુટુંબમાં આવવાનું? વર્તમાન અને અતીતનો વિરોધાભાસ એક કલાકાર તરીકે તમે કેવી રીતે સહન કરો છો ? શેખ : (એ વિરોધાભાસ નથી : એને સિક્કાની બે બાજુ સમજો). આપણી સમયની કલ્પના જરા જુદી છે. કાલનું અને આજનું એ બે જુદાં નથી. આ દેશમાં એવું ઘણું છે. આમ જ ફરતાં ફરતાં આપણે ભીમદેવના પ્રદેશમાં ભટકી આવીએ, રાજસ્થાનમાં રખડતાં લાગે કે સત્તરમી સદી હશે, બૃહદેશ્વર (મદુરાઈ)માં સંગમકાળ ચાલતો હોય તેવું લાગે, મુંબઈમાં ચાલે તે હાલના ન્યૂયોર્ક જેવું ને લખનૌમાં નવાબી-કાળ જોવા મળે. (ઘણી વાર એક જ સ્થળે અનેક સમયના સંચાર મળે), એટલે કે અનેક કાળની સહોપસ્થિતિ આપણા જીવનમાં વણાયેલી છે. આપણે આ વાતને એ રીતે વર્ણવતા ન હોઈએ એવું બને પણ આમાં ‘નોસ્તાલ્જિયા’ (ભૂતકાળનો મોહ) જેવું નથી. પાછલું બધું લુપ્ત થયું નથી. શોધવા જાવ તે વસ્તુ ન મળે તેવું બને, પણ આખો પરિવેશ, એનાં વાતાવરણ, ભૂમિકા ફરતો અનુભૂતિ પ્રદેશ છે એમાં ઘણું પડેલું મળે. (બીજી રીતે કહીએ તો) કેટલીય વાવો પડી છે અને એના સાતે કોઠે ઊતરવાની સગવડ છે. યજ્ઞેશ : એટલે એને (અંદર બહારની એ વાવોને) : ગળાવવાની, તેના નવાણ ચોખ્ખા કરાવવાની જરૂર છે. શેખ : (પણ એવુંય થયા કરે કે આપણી) આ વાવ છે ક્યાં? તે દિવસે માતરી જોતાં મોટું દુઃખ થયું. (એક તો) પુરાતત્ત્વ ખાતાનું પાટિયું નહોતું, વાવ હોય ત્યાં લોક આવીને બેસે. વટેમાર્ગુ (પોરો ખાય), પાણી પીએ. (કોઈ બપોર ગાળે) ત્યાં તંબુ તણાતા હશે, લોક રાત ગાળવાય રહેતા હશે ત્યાં. ત્યાં મોટું ઝાડ, વડલો હશે : એ વડલો, બે વરસ પહેલાં કોઈએ ત્યાં દીવો મૂક્યો અને બળી ગયો. એ ઝાડ સહેલાઈથી ઊગશે નહિ અને ઊગે તોય (એને વધતા) દશકાઓ વીતશે. અહીં વડલો ને વાવ ભેગાં થતાં હતાં (એ વાતે), મનમાં આછોતરું છુપાયેલું હતું તે – બળેલું થડિયું જોતાં – એકદમ જાગૃત થયું કે કશુંક ભારે ગયું, ખોવાયું. (થડિયાનો ગાળો જોતાં લાગ્યું કે જબરું ઝાડ હશે, કદાચ સૈકા-જૂનું ને હવે માત્ર ખંડિયેર. આજુબાજુ ઉજ્જડ, નવું વાવ્યાની નિશાની ય જડી નહિ). (વાવ સાચવવાનું કામ) અધિકારીઓ નથી કરતા તે (સાંભળ્યું કે) લોક કરે છે. પણ આ બધું તો વપરાય તો જ સંઘરાય, નહિતર એય પડી રહેલા ખંડિયેર જેવું જ.

યજ્ઞેશ : આમ ઉપલક દૃષ્ટિએ જોઈએ તો નવાઈ લાગે કે સુરેન્દ્રનગર જેવા નાના શહેરના મધ્યમવર્ગનો એક છોકરો વિખ્યાત ચિત્રકાર થઈ ક્યાંનો ક્યાં પહોંચ્યો. બી. બી. સી. જેવી ચેનલોએ કાર્યક્રમ કર્યો, પરદેશમાં પ્રદર્શનો થયા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તમારું નામ થયું. ચિત્રકળાના શોખનું પગેરું ક્યાં છે? શેખ : એ બધા સંસ્કારોનું પગેરું કાઢવું અઘરું છે. ઘણા પ્રસંગો ને વ્યક્તિઓ- એમાંથી પિંડ બંધાયો હશે. ચિત્રનું તો એવું છે કે ક્યારે શરૂ કર્યું એની ખબર નથી, પણ સ્કૂલમાં કરતો, હસ્તલિખિત સામયિકોમાં, યજ્ઞેશ : કઈ સ્કૂલ ? શેખ : એન. ટી. એમ. હાઈસ્કૂલ, પણ માધ્યમિક શાળામાં હતો ત્યારથી જ ચીતરતો ને (ઇન્ટરમીડિયેટ) ડ્રોઈંગની પરીક્ષા આપેલી. શિક્ષક હતા (તુળજાશંકર) ત્રિવેદીસાહેબ, એ ભણેલા અમદાવાદમાં. (વઢવાણમાં) એમના ઘેર જઈ ચિત્રો જોયેલાં (અને ખૂબ અંજાયેલો). પહેલા એમણે શિખડાવ્યું. પછી રવિશંકર રાવળ : ટીબી કે એવા કોઈ રોગની સારવાર ખાતર, હવાફેર માટે (સૂકી. હવામાં રહેવા) એ સુરેન્દ્રનગર આવેલા. એમનો એક દીકરો (કનક) કે ભત્રીજો, એ સરકારી અધિકારી (એને ત્યાં રહેતા). બર્ડવૂડ લાઇબ્રેરીમાં (જૂનાં) પુસ્તકો જોઈ ખૂબ ખુશ થયા. (લાઈબ્રેરીના ગ્રંથપાલ મુગટલાલ જોષી તે મારા જોડિયા મિત્ર અરવિંદના બાપા). લાઇબ્રેરીમાં મારું થાણું. સ્કૂલ છૂટ્યા પછી ને આમેય (આવા ગામમાં) બીજે જવાનું ક્યાં? એમને કારણે રવિભાઈનો પરિચય થયો. થોડા દિવસમાં મને કહે, ચાલો આપણે લાઇબ્રેરીની દીવાલો પર છાયાચિત્રો પાડીએ. (હાર્ડવેરના દેશી રંગ લીધાં), એમણે દોર્યું ને મેં રંગ ભર્યા. એ ખુશ થયા અને કહે, જા (આગળ) ભણવા.. ક્યાં ભણવા જાઉં? (કુટુંબની) હાલત તો એવી નથી કે કોઈ મને ભણાવે. આર્થિક પરિસ્થિતિ એવી નહોતી. ત્રણ ભાઈઓ મૅટ્રિક થયા, બધા નોકરિયાતો, છેલ્લો હું એટલે ભાગ્યશાળી એમ કહોને ! બધા નોકરીએ લાગી પરણી ગયા, હું નાનો તે રહી ગયો એટલે મારા બાપુ કહે રવિભાઈ જેવા કહે છે એટલે તું જા, ભણ. આમતેમ કરીને થોડા પૈસા ભેગા કર્યા. કહે શિષ્યવૃત્તિ માટે અરજી કર, કોઈક વાર જાતે લખી દેતા. બાપુ (મૂળે સ્વાવલંબી) અંગ્રેજી જાતે શીખેલા. આમ બહુ ધાર્મિક નહિ પણ છેલ્લી ઉમ્મરે થયેલા, તોય અભ્યાસ વિશે કોઈ દખલ નહિ, ઊલટાના જે ઓરડામાં હું ચિત્ર કરતો હોઉં ત્યાં પ્રેમથી જુએ, જાણે કે (કહેતા ન હોય કે) આ છોકરો ભણે તો સારું. સૌરાષ્ટ્ર સરકારની (મહિને) પચાસ રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી તે વખતે. રવિભાઈએ ભલામણ પત્ર પણ લખી આપ્યો ને અરજી કરી. જોકે એ શિષ્યવૃત્તિ (મંજૂર થઈ પણ) ખાસ મળી નહિ : થોડી મળી ને બીજી તો કારકુન ખાઈ ગ્યા ! (હાસ્ય).

શેઠ એન ટી એમ હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર ક્લોક ટાવર (જૂનો), સુરેન્દ્રનગર
'પ્રગતિ' હસ્તલિખિત સામાયિક,
અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨
હસ્તલિખિત સામાયિક, ચિત્રવાર્તા
અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨
 

પણ મારે તો મૂળે ધક્કાની જ જરૂર હતી, એક વાર બહાર નીકળવાની. (એમણે એ કામ કર્યું) એટલે રવિભાઈને અત્યંત આદરપૂર્વક સાચા કળાગુરુ તરીકે સ્મરું છું. આવી વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. કાઠિયાવાડના એક નીચલા, મધ્યમ વર્ગનો છોકરો, કળાનું કંઈ ભાન નહિ, બસ, થોડું આમતેમ ચીતરે એને એમણે સો-દોઢસો જેટલા કાગળ લખ્યા (ને ભણવા ઉશ્કેર્યો). કહે, કાગળ લખવો પણ જવાબી પત્તું બીડવું. તો જ હું જવાબ લખીશ. બીજી શરત એ કે દરેક કાગળમાં એક સ્કેચ કરવાનો. ઘણી વાર એય કરે, જવાબ અચૂક લખે. આજેય મારી પાસે એ પતાકડાની થપ્પી છે. વડોદરા પ્રવેશ માટેય એમણે ભલામણપત્ર લખી આપેલો. એય યાદ છે કે જતાં પહેલાં (હું નાસીપાસ થયો હતો) પરીક્ષામાં નાપાસ થઈશ તો શું થશે, અને પૈસા કદાચ ઊભા ન થાય તો અહીંથી નીકળાય નહિ તો ! (એવા પ્રશ્નો સાથે કાગળ લખ્યા હશે). એના જવાબમાં એમણે લખ્યું તે આજેય આંસુ પડાવે એવું છે. રવિભાઈએ આવા કાગળો લખ્યા : चित्रकूट, ૮૮, ब्रा. मि. सो. अलिसब्रीज, अमदावाद-६

તા.૩-૩-૫૫

ભાઈ ગુલામમહમ્મદ, તમારી નિખાલસ ચર્ચાથી તમે પોતે વસ્તુસ્થિતિ પર વધુ ઊંડો વિચાર કરતા થયા છો એમ લાગે છે. તમે સુરેન્દ્રનગરનાં બધાં મિત્રોમાંથી જે કામ લાગે તેનો ઉપયોગ કરો. સૌ. સરકારે કલા માટે અલગ ફંડ પણ જાહેર કર્યું છે તેમાંથી માગણી કરો. રાજપ્રમુખને એક અરજી કરો અને મુખ્ય પ્રધાનને પણ કરો. તમારી શક્તિ મહેચ્છા બધાનો વિગતવાર ખયાલ આપો. ખૂબ વિવેકપૂર્વક તમારી તમન્ના જાહેર કરો. એ બધા તમને કંઈ ને કંઈ માર્ગ સુઝાડશે. હું અત્યારે જીવનની સંધ્યામાં છું પણ તમારા જેવાને હતાશ અને નિરાશ કે નિષ્ફળ થયેલા જોવા જરાય ખુશી નથી. મેં એક વખત તમારા કરતાંય પગ ભાંગેલાને ઊભા કરી આજ દોડતા કર્યા છે. તમારામાં તો બીજ પડેલું છે તેને તમારા આત્મવિશ્વાસ અને પ્રયાસથી ટકાવી અંકુરિત કરો. વિશ્વમાં ચૈતન્યની શક્તિનો સ્ફોટ થાય છે ત્યારે તે નહિ ધાર્યાં (અસ્પષ્ટ) કામ આપે છે.

રવિશંકર રાવળ ફાઈન આર્ટ્સ કૉલેજ, વડોદરાની મુલાકાતે
ગુલામ મોહમ્મદ શેખ છેક જમણે, ૧૯૫૬

મોટાં કામો કરનારા મોટા ઘરમાં જન્મ્યા નહોતા તે યાદ કરો. મને તમારા માટે કશીયે શંકા નથી તો તમે કેમ ગભરાવ છો. તમે દરેક પ્રયોગ કરી જોયો નથી. દરેક બારણું ઠોકી જુઓ. ક્યાંક રસ્તો અને આદર મળશે. અબુભાઈ શેખાણીને હું ઓળખું છું. એ તેજસ્વી ચિંતક છે. શાંતિભાઈ રાયચંદ શાહ હમણાં આગ્રા ગયા છે. તે પાછા વળશે ત્યારે હું તેને તમારા વિશે વાત કરીશ. તમારે જૂનની ટર્મ ઊઘડતા સુધી જે કરવા જેવું હોય તે કર્યા વિના બેસવું નહિ. પછી તો સર્વશક્તિમાન પ્રભુ, ખુદા તો છે જ અને તે આપણા અંતરમાં છે. રવિભાઈ ___________________________________________________________________

चित्रकूट, ८८, ब्रा. मि. सो. एलिसब्रीज, अमदावाद – ६

તા. ૧૩-૪-૫૫ ચિ. ભાઈ શેખ,

તમારો પત્ર મળ્યો છે. તમે ઘણા વખતે પત્ર લખ્યો તેથી આનંદ થયો. તમે S.S.C. આપી અને પાસ થશો એ ખાતરીથી વધુ ખુશી થાઉં છું. તમને વડોદરામાં એડમિશન જરૂર મળી જશે. તમારી પૂર્વતૈયારી સારી છે એટલે વાંધો નહિ આવે અને તે બાબતમાં હું તમને પૂરી મદદ કરી શકીશ. હમણાં તમે કોઈ પણ ફોર્મ વગર ડીન પર અરજી કરી નાખજો. ગમે તે જહેમત પડે તોપણ તમારે ત્યાં જવાનો નિશ્ચય રાખવો. તમારા કરતાં મુશ્કેલ સ્થિતિવાળા એક ભાઈ દવે જેના પિતાને રૂા. ૧૦ નું પટાવાળાનું પેન્શન હતું તે મુશ્કેલી વેઠીને ગ્રેજ્યુએટ થઈ ગયા અને હમણાં મધ્યસ્થ સરકારની ૨૫૦ માસિકની સ્કૉલરશિપ M.A. માટે પામ્યા. તમને સૌ. સરકાર સ્કૉલરશિપ પણ આપશે. ડિગ્રી કોર્સ માટે રૂા. ૫૦ની સ્કૉલરશિપ અપાય છે. તમારી અરજી S.S.C. પાસના ખબર મળતા મોકલજો. સ્કૉલરશિપ ચાલુ કરતા પહેલા એડમીશનનું ખાતરીપત્રક વડોદરાથી મોકલવું પડશે. સ્કૉલરશિપ બેચાર માસ મોડી થવાની એટલે પહેલી ટર્મનો ખર્ચ તૈયાર રાખવો. તમને બીજે વર્ષે કામ પણ મળી રહેશે. યુનિ.માંથી વિદ્યાર્થીઓને કામ મળતું જાય છે. એ માટે ડીન બહુ પ્રયત્નો કરે છે. તમારા કામમાં હાથની હથોટી છે પણ રચના અને યોજના નથી. તે અભ્યાસથી જ આવશે. દા.ત. ...નો ચહેરો અને સ્ત્રીપાત્ર રેખાથી સારાં લાગે પણ રચના બંધારણ પ્રમાણ ભૂલ ભરેલાં છે. પણ તે તો તમે ભવિષ્યમાં સમજશો. સૌરાષ્ટ્ર સરકાર ઉપરાંત પછી મધ્યસ્થ સરકારમાં પણ પછાત કોમોને માટે મદદો છે. તમારે કલેક્ટર તથા સ્થાનિક ગૃહસ્થોનાં સર્ટિફિકેટોની નકલો તમારી અરજી સાથે સૌ. સરકારને મોકલવા. સ્કૉલરશિપની અરજીમાં મોડું થવા દેશો નહિ. પાછળની વિધિ થઈ રહેશે. તમારી સાહિત્ય અને કળાની શક્તિથી તમે ઘણા આગળ વધશો. શુ. રવિભાઈના આશિષ વડોદરામાં હમણાં પરીક્ષાઓ ચાલે છે એટલે તમને જવાબમાં ઢીલ થઈ હશે. પણ જવાબ મોકલશો.


'કુમાર'ના પહેલા અંકનું આવરણ

આવું કોણ કરે, શા માટે કરે? આ અર્થમાં હું એમને (સાચા) કળાગુરુ ગણું છું. હું એમના હાથે કાંઈ શિખ્યો નથી, પણ મને (ભણવા) મોકલ્યો એમણે. અને એ માણસે મારા જેવા કેટલાને કાઢ્યા હશે ! હું એકલો જ નહિ, આખા ગુજરાતને એમણે કલાભિમુખ કર્યું. એમના વિશે આમતેમ બોલતા લોક જાણતા નથી કે ‘કુમા૨’ એમણે જ શરૂ કર્યું હતું (એમાંનાં ચિત્રો જોઈ) અમે મોટાં થયાં, પેઢીઓ એમાંથી ભણી. (આવડી મોટી એમની ને બચુભાઈની દેન.) ‘કુમાર’ના સંપુટો બહાર પડતા, રસિકભાઈના, સોમાભાઈના, કનુભાઈનાં ચિત્રોના-કહે છે એ દાયજામાં દેવાતાં. આજે વિચાર કરો, ચિત્રો જીવનમાં ક્યાં છે?


યજ્ઞેશ : સાચી વાત છે. મને યાદ છે કે કનુ દેસાઈના દાંપત્ય પરના ચિત્રનું આલ્બમ મારા પિતાને તેમના લગ્ન પ્રસંગે એમના એક મિત્ર તરફથી ભેટ મળેલું. એ સમયે ચિત્રકળાનું એવું સ્થાન હતું. સામાન્ય લોકોની દૃષ્ટિએ વાત કરીયે તો આપનું કામ આધુનિક કહેવાય. પણ ચિત્રકળાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે ત્યારે ચિત્રકળાની પ્રારંભિક શૈલીઓ અને તેની ડિસિપ્લિનમાંથી પસાર થયા હશે. આજે પણ પાબ્લો પિકાસોનાં કેટલાંક ચિત્રો જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે પરંપરિત લાઈનવર્ક પર પણ તેમનું કેવું પ્રભુત્વ હતું. આધુનિક ચિત્રકાર થવા માટે પણ ચિત્રના બધા પ્રકારો, બધી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે? કે કોઈ સ્વયંભૂ કલાકાર એવો પણ નીપજી આવે જે પોતાની રીતે જ વિકસે. શેખ : (આખી દુનિયા માટે શીખવા-ચિતરવાની) એક જ રીત કે પદ્ધતિ હોય એ વિચાર માત્ર ફાસીસ્ટ છે. મારે શું કરવું, શીખવું તે મારી વાત, મારો પ્રશ્ન છે. તમારે શું કરવું તે તમારો. જો સ્કૂલમાં ગયા વગર કવિતા લખાય (એ સ્વીકાર્ય હોય તો ચિતરવા માટે) ભણવું કે નહિ એ પૂછવાનો કોઈને અધિકાર નથી. ગામડાની બાઈ લીંપેલી દીવાલે ચિત્ર કરે કે બીજાં શાળામાં ભણી કે કૉલેજમાં જઈ બીજું (કે બીજી ઢબનું) કરે તેમાં હું ઉચ્ચાવચતા કે ભેદેય જોતો નથી. આ તો આપણી સ્વતંત્રતાનો સવાલ છે. (ભણતરમાં તેમ મૂલ્યાંકનમાંય) આપણે વર્ણવ્યવસ્થા ઊભી કરી છે. (હાસ્ય). આપણને ભણતરની જે પદ્ધતિ મળી છે એમાં થઈને વિદ્યાર્થીને દિશા દેખાડવાનું કામ હું શિક્ષક તરીકે કરી શકું. (બ્રિટિશકાળમાં રચાયેલી આપણી) શિક્ષણ પદ્ધતિમાં (સૌને સરખી તાલીમ એટલે કે) સ્ટાન્ડર્ડાઈઝેશનની કલ્પના છે, એ કદાચ બધા (વિદ્યાર્થી)ને અનુકૂળ ન હોય. એમાં અંગ્રેજીમાં જેને રેપ્લિકેબલ સ્કીલ્સ અથવા પુનરાવર્તન થઈ શકે એવું કૌશલ કહે છે (તેનો મહિમા છે). એટલે કારીગરી કે કૌશલ, જેમ કે ટેબલ જેવું ટેબલ કે ખુરશી જેવી ખુરશી, એવી પચાસની પાંચસો ને પાંચ હજાર બને (બધી અદ્દલ સરખી). આ બીબાંઢાળ પદ્ધતિ છે. (એ પદ્ધતિ બીજે કામની હોઈ શકે પણ સર્જનાત્મક કળામાં ન ચાલે). આમાંથી વિદ્યાર્થીને કેમ બહાર કાઢવો એ જ શિક્ષણનો હેતુ બને. દરેકનું પોતાનું, અંગ્રેજીમાં ‘કોલીંગ’ (અંતરનો અવાજ) કહીએ છીએ ને તે કેમ નીકળે (તે જોવાનું). આ બધાનું મહત્ત્વ એટલા માટે કે હું શિક્ષણ સાથે સંકળાયેલો રહ્યો છું. એમાં આપેલી પદ્ધતિમાં જ કામ કરવાનું આવ્યું. એનો અર્થ એમ નહિ કે પદ્ધતિ સ્વીકારી લીધી, પણ એની અંદર નાની એવી ગલીકૂંચીઓ ખોળીને નીકળી જવાનું. શિક્ષણમાં એક વસ્તુ જોઈ. એમાં હંમેશાં શીખવાનું મળે- જો શિક્ષકને શીખવું હોય તો- કારણ કે એમાં દર વર્ષે નવા વિદ્યાર્થી આવવાના. (એ નવા વિદ્યાર્થીઓને) એક વિષય ભણાવવાનું ખૂબ ગમતું. ચિત્રની વાર્તા, સ્ટોરી ઑફ આર્ટ. ગુફા-ચિત્રોથી માંડી આજ સુધીનાં ચિત્રોની વાત કરવાની. આખી દુનિયાની (કળાની) વાત એટલે કોઈ વાર આ પાટે તો કોઈ વાર તે પાટે ચડે. દર વખતે એને જુદી રીતે કરવી જ પડે. અને વિદ્યાર્થી સવાલ પૂછે તે સાવ સીધા, એ સવાલ ઉપરથી સહેલા પણ મૂળે અઘરા, અને આમેય સહેલાનો જવાબ હંમેશાં સહેલો નથી હોતો ! એટલે ત્યાં હંમેશાં ચેલેન્જ-પડકાર જેવું. આને કેમ કરી. સમજાવવું, કહેવું? એમ.એ.નો વિદ્યાર્થી હોય તો થોડો વિચાર કરી પૂછે, જ્યારે આ તો વિચાર્યા વગર ધડ દઈને પૂછી નાખે. (એ જવાબો શોધતાં ઘણું શિખાય). વિદ્યાર્થીઓ આવે જાતજાતના, છોટાઉદેપુરની ભીલ જાતિનો કે વિવાન સુન્દરમ્ જેવો દૂન સ્કૂલનો, બધા સાથે પનારો પડે એટલે ચેલેન્જ એવી કે આ બે માટે (સાચા) રસ્તા કયા? બન્ને માટે એક રસ્તો તો ન હોય. દરેકે પોતાનો રસ્તો શોધવાનો એટલે તાલીમ કોઈને નીવડે તો કોઈને નડેય ખરી. કોઈને તાલીમ લીધી હોય તે બધું છોડી બાવા બનવું પડે. માત્ર એકડે એકથી કરવાનું આવે. પણ એ નક્કી કોણ કરે? એ તો વિદ્યાર્થીએ પોતે જ નક્કી કરવાનું. આપણું કામ આંગળી ચિંધામણનું : એ થાય તો લાગે કે કાંઈક કર્યું. યજ્ઞેશ : તમે વડોદરા જઈને એ સમયના કળાગુરુઓ પાસેથી શિક્ષણ લીધા પછી તમારી આગવી કેડી કંડારી શૈલી વિકસાવી. તમે હમણાં જ કહ્યું કે કલાકારે અંતરનો અવાજ સાંભળી નીકળી પડવાનું હોય, તમે જે શિક્ષણ લીધું તે વિશે અને જે આગવી શૈલી વિકસાવી તે વિશે જાણવામાં રસ છે. શેખ : વડોદરાની વાત કરું તો ત્યાં ગુરુ એવા મળ્યા કે એ એવું ન કહે કે આ સારું ને આ ખરાબ, કે આ કરો ને આ ન કરો. એ કહે જે કરો તે જાણીને (સમજીને) કરો. આ વડોદરાની પોતાની વિશેષતા, કહે કે ઘોડો ચીતરવો હોય તો જુઓ કે રાજસ્થાની ચિત્રકાર કેમ ચીતરે, ચીનમાં ઘોડા કેવી રીતે ચિતરાતા હતા અને અંગ્રેજ (કળાકાર) એ જ કરે તો કેવી રીતે કરે? (એ આવા નમૂના દેખાડે, મણિસાહેબ જેવા તો એ બધું દોરીનેય બતાવે). ચાર, પાંચ (નમૂના) દેખાડે, પછી કહે, પેલી કાઠિયાવાડી બાઈ ઘોડો પાડે એ પણ જુઓ.. બધામાં ઘોડો એક જ, પણ રીત અનેક. અમુક રીતે ચીતરીએ તો અમુક પ્રકારની સમસ્યા (નો સામનો કરવો પડે) અને બીજી રીતે કરીએ તો તમુક પ્રકારની. ઉકેલ કોણ લાવે? એ તમારે જ શોધવાનો. છઠ્ઠી કે સાતમી રીતે ઘોડો પાડો તો આંતરિક સૂઝે કંઈક ઊઘડે અને રસ્તો મળે. બીજું એ કહેતા કે તમે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભણ્યા તે (વાચન) દ્વારા દુનિયામાં આટલું થયું છે તેનો પરિચય કેળવો. અને આવડે તેટલું થોડુંક (જાતે) વિચારો. વિચારવાની ટેવ પાડો.

ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ, પુષ્પબાગ, વડોદરા ૧૯૬૦ નો દશક
(છબી સૌજન્ય : કન્ટેમ્પરરી આર્ટ ઈન બરોડા, ૧૯૯૭)

એ અમારા શિક્ષકોનો સૌથી મોટો બોધપાઠ, એ એમ ન કહે કે હું કરું છું એવું કરો, હું ગુરુ એટલે મારી કંઠી બાંધો. (કદી નહિ). જોકે (શરૂઆતના ગાળે) અમારામાંના ઘણા એમના જેવું કામ કરતા. પણ પછી એમને ખભેથી કેમ ઉતારવા એ પણ શિખ્યા. એ તાલીમ પણ આડકતરી રીતે એમણે જ આપીને ! એટલે એ જુદા અર્થમાં કલાગુરુ હતા. અમને અમારો રસ્તો શોધવાની તક એમણે પૂરી પાડી. અને એ પણ ત્યાં સુધી કે આપણું ‘કોલીંગ’ વડોદરા (ના વાતાવરણ)માં ન મળતું હોય તો બહાર, બીજેથી (પ્રે૨ણા) મેળવવી. ઘણાએ (ત્યાં રહીને જ) બહાર જોયું અને પ્રેરણા લીધી, (પણ એ દિશા વડોદરાએ દેખાડી).

યજ્ઞેશ : શેખસાહેબ, એ સમયે વડોદરામાં તમારા કળાગુરુઓ કોણ કોણ હતા ? તેમની કોઈ વિશેષતા ? શેખ : એ બધા તે કાળે એમની જુવાનીમાં પણ મર્મજ્ઞ ઘણા, કલાનો ઇતિહાસ પણ જાણે. યજ્ઞેશ : અભ્યાસ કરવા ગયા ત્યારે તમારી ઊંમર ?

શેખ : મારી ઉમ્મર તો એસ.એસ.સી. પાસ કરીને ગયો. એટલે અઢારની. (નારાયણ શ્રીધર) બેન્દ્રે ચિત્રકળા વિભાગના વડા. કે. જી સુબ્રહ્મણ્યન્, મણિસાહેબ કહીને બોલાવીએ તે ઉમ્મરે નાના પણ એમની પાસેથી ખૂબ શીખવાનું મળ્યું.

વિદ્યાર્થીઓએ સમક્ષ જળરંગમાં ચિત્રો કરી બતાવતા પ્રા. બેન્દ્રે, ૧૯૫૭-૫૮નો ગાળો
સ્ટડી ટુર વખતે રેખાંકન કરતા શિલ્પવિભાગના અધ્યક્ષ શંખા ચૌધરી

બીજા માર્કન્ડ ભટ્ટ (ફિલાડેલ્ફિયા પાસેના) બાર્ન્સ ફાઉન્ડેશનમા ભણેલા, એમણે ‘રૂપપ્રદ કલા’ નામનું (દળદાર) પુસ્તક લખ્યું. ગુજરાતીમાં એ પહેલું. (છપાવ્યું) ગાંઠના ગરથ ખરચીને. ગુજરાતમાં હોઈએ તો. ગુજરાતીમાં જ કરવું (એવો એમનો સંકલ્પ હતો). (દુર્ભાગ્યે) એની બહુ કિંમત થઈ નહિ. શિલ્પમાં શંખો ચૌધરી, તે પણ અમને ભણાવતા. પહેલા વરસમાં તો બધાનો લાભ મળતો. એ ઉપરાંત વી. આર. આંબેરકર મુંબઈથી આવજા કરતા, કળાનો ઇતિહાસ જાતે શીખેલા (તે ભણાવતા). (એમની ભણાવવાની રીત અનોખી). કોઈક વાર વર્ગ લેતા એમને લાગે કે આજે વિદ્યાર્થીઓને મજા આવતી નથી તો કહે, ચાલો બહાર જઈએ. ચા પીતા રેસ્ટોરાંમાં વાતે ચડાવે (અને અનાયાસ જ) કળાના ઇતિહાસમાં ઊતરી પડીએ. આવા શિક્ષકો, એમની પાસેથી ખૂબ મળ્યું. એમાં દરેકની પદ્ધતિ જુદી, દરેક પાસેથી જૂદું શીખવા મળતું. એ બધા એમની વીસી (કે ત્રીસી)માં હશે ત્યારે. સંસ્થાય (ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ) નવી, એને ઉછેરીને એ મોટા થયા. એ વખતે માસ્તરના ધંધામાં પૈસો નહિ, ચિત્રોય ખાસ કાંઈ વેચાય નહિ છતાં એ આગળ વધ્યા. (ભણાવવાની સાથે) પોતાનું (ચિતરવાનું) કામ પણ કર્યું. બેન્દ્રેસાહેબ બપોર પછી અમારા વર્ગના ખાલી સ્ટુડિયોમાં આડશ મૂકી ચીતરતા એ અમે ખાંચામાંથી જોતાં અને એ જાય પછી અંદર જઈને. જ્યોતિભાઈ (ભટ્ટ), શાંતિભાઈ (દવે) અમારાથી મોટા, તે આગળ ભણતા કે ભણીને ત્યાં રહી ચિત્રો કરતા તેય અમે જોતાં. એ પરિવેશમાં સંસ્થા કરતા પરિવાર જેવું વધારે. (શિક્ષકોનુંય એવું : એમના અંગત પરિવારે અવનવા).

પ્રિન્ટ મેકિંગ વિભાગમાં રેખાંકન કરતાં કે. જી. સુબ્રમણ્યન
કળા ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક વી. આર. આંબેરકર અને ફાઈના આર્ટના પહેલા ડીન અને કલાકાર પ્રા. માર્કણ્ડ ભટ્ટ

બેન્દ્રેસાહેબ મૂળ ઇન્દોરમાં ભણેલા, પછી મુંબઈમાં. એમની શાખ મહારાષ્ટ્રમાં મોટી. ચીન જઈ આવેલા. (બંગાળી) શંખો ચૌધરી શાંતિનિકેતનમાં અને પછી ઇંગ્લૅન્ડમાં ભણેલા. ભાવનગરના માર્કન્ડ ભટ્ટ અમેરિકા ભણેલા, (સુબ્રહ્મણ્યન્ તમિળ પણ કેરળમાં જન્મ્યા હતા. શાંતિનિકેતનમાં ભણ્યા એટલે બંગાળી જેવું બંગાળી જાણે, અવનીન્દ્રનાથ, નંદલાલ, બિનોદબાબુનાં લખાણોનું આબાદ અંગ્રેજી કર્યું છે). આ બધા મરાઠી, ગુજરાતી, બંગાળીઓ પરણેલા તે પત્નીઓ બીજા પ્રદેશની. બેન્દ્રેસાહેબને તમિળપત્ની (મોનાબહેન, એ ય ચિત્રો કરતાં થયાં હતાં), ચૌધરીસાહેબને પારસી (ઈરાબહેન, હવે તો સિરામિક ક્ષેત્રે જાણીતાં), માર્કન્ડભાઈનેય પારસી (પરવીનબહેન સમાજશાસ્ત્રી), મણિસાહેબનાં પત્ની સુશીલાબહેન પંજાબી. આમાં (ભાતીગળ) ભારતનું એક નાનકડું ચિત્ર. બધા શિક્ષકો ગુજરાતની વાતે ઉત્સાહી, પ્રવેશ આપવામાં પચાસ ટકા ગુજરાતી વિદ્યાર્થી ખરા જ. કહે કે ગુજરાતમાં (વ્યવસાયે) કળા કૌશલવાળી જાતિઓ ઘણી : પંચાલ તે લુહાર, મિસ્ત્રી તે સુથાર કે એવા પરિવારના, એવા છોકરાંવને ખાસ પકડે. કહે કે કશુંક એ પરંપરાનું લઈ આવ્યા હશે. સુથારનો હશે તો હાથ આમ ચાલે, (લુહારનો બીજી પેર). પેલો પેથાપુરનો દામોદર ગજ્જર, કાપડ પર છાપવાનાં બીબાં બનાવે તે કુટુંબનો. એને મણિસાહેબે દોર્યો. આજે (છાપકામનો) જબરદસ્ત વર્કશોપ ચલાવે છે. યજ્ઞેશ : તમે વાત કરી તો મૂળ સૌરાષ્ટ્રના સામ પિત્રોડા યાદ આવ્યા. બીજી બાજુ ઉમાશંકર જોશીની એ પંક્તિ પણ યાદ આવી કે, ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’. ગુજરાતી રહેવાની સાથે સાથે જગત આખાની બારીઓ ખૂલતી હોય તે મહત્ત્વનું, વડોદરામાં રહેવાથી એક્સ્પોઝરનો ફાયદો તો જરૂર જ થયો હશે, જે નાના સેંટરમાં તમે હોત તો ન થાત. શેખ : વડોદરાનું મહત્ત્વ એ રીતે ઘણું. શિક્ષકો પોતેય પોતાની મેળે ઘણું શિખ્યા હતા. બેન્દ્રેસાહેબ બહુ ઓછાબોલા (વાચનવિદ્વત્તા તરફનો ઝોક નહિ) પણ ચીન જઈ આવ્યા એટલે (માર્કન્ડભાઈ જેવાએ) કહ્યું હશે કે કંઈક ભણાવો ચીન વિષે. એટલે એ ચીની કળાનો ઇતિહાસ ભણાવતા થયા. હજી યાદ છે એ કેવી તૈયારી કરતા, વર્ગમાં બરાબર નોંધ લઈને આવતા ! ઘણું બધું શિખ્યો એમની પાસેથી. મણિસાહેબ બહુશ્રુત વિદ્વાન જેવા, એમણે તો પુસ્તકો લખ્યાં છે. માર્કન્ડ ભટ્ટની વાત તો કરી ગયો છું. અને એવા જ શંખો ચૌધરી બધા બહુ શિક્ષિત અને સંસ્કારી. કલાકાર (હોવા)ની વાત મૂકો, માણસ તરીકેય મોટા હતા.

યજ્ઞેશ : અહીંના અભ્યાસ પછી તમે યુરોપ અને બીજા દેશોમાં ગયા હશો. ત્યાંના મ્યુઝિયમો ગૅલરીઓ જોઈ હશે. ચિત્રકળાનો તમારો અહીંનો અભ્યાસ, ત્યાંના ચિત્રો જોવામાં ખપમાં લાગ્યો હશે. એક દૃષ્ટિ સાથે તમે લુવ્રના, નેધરલેન્ડના કે બીજા મ્યુઝિયમો જોયાં હશે.

ગુલામમોહમ્મદ શેખ, ફાઈન આર્ટ્સ કૉલેજના સ્ટુડિયોમાં, ૧૯૬૧-૬૨ના ગાળે

શેખ : એ બહુ કામ લાગ્યું. વડોદરામાં ભણતા છાપેલાં ચિત્રો જોઈ પ્રબળ આકાંક્ષા જન્મી હતી કે એ બધાં, મૂળ ચિત્રો કેવાં હશે, (તે જોવાની). આમ તો ચોપડી તેય નાનકડું મ્યુઝિયમ, પણ ચોપડીનું ચિત્ર ચોપડીથી મોટું ન થાય. એમાં બધાં સરખાં. (હાસ્ય). આવડું (વિશાળ) હોય ને (છપાય તે) આટલું (ટચૂકડું). એટલે ભ્રમ થાય. આકાંક્ષા એવી કે ચાલ ભમીએ, ફરીએ દુનિયામાં. એ (બધાં ચિત્રો) શોધી શોધીને જોઈશું. ઇંગ્લૅન્ડમાં નેશનલ ગૅલરીમાં યૂરોપિયન કળાનો મોટો સંગ્રહ. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ અને બ્રિટિશ મ્યુઝિયમોમાં ભારતીય અને એશિયાઈ કળાના (ભંડારો). સૌથી વધારે આકર્ષણ થયું તે ઈટલીની ચિત્રકળાનું, ખાસ કરીને રેનેસાં પહેલાની.

પિયેરો દેલ્લા ફ્રાન્ચેસ્કા, માદોન્ના દેલ પાર્તો
(સગર્ભા મેરી), મોન્તેર્કી ઈટલી, ૧૪૬૦

એ જમાનામાં (૧૯૬૩- ‘૬૬) વિદ્યાર્થીઓ ‘હિચહાઈક’ કરતા : ગામ બહાર મોટા રસ્તે ગાડીઓ જતી હોય ત્યાં ઊભા રહીએ અને જવું હોય તે દિશામાં હાથનો ઈશારો કરીએ એટલે ગાડીવાળા ઊભી રાખે ને (ગાડીમાં બેસાડીને લઈ જાય ને જવાના સ્થળે) ઉતારી દે. (એ વખતે મારી જેમ નાણાંની ભીડવાળા હજારો વિદ્યાર્થીઓ ‘હિચહાઈક’ કરી ફરતા). લોકોનેય આમ (વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનું) ગમતું. (પણ આ બધું મોટા રસ્તે મળે). મને ગમતો એક ચિત્રકાર પિયેરો દેલ્લા ફ્રાન્ચેસ્કા, એણે બહુ ઓછાં ચિત્રો કરેલાં, મારી ઇચ્છા બધાં જોવાની. ઈટલીના ગામેગામ રસ્તા પર ઊભા રહી એ ચિત્રો જોયાં. પણ સગર્ભા મેરીનું ચિત્ર અભૂતપૂર્વ | ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન’ કહે છે ને તેને બદલે અહીં મેરીને સગર્ભા દર્શાવી છે. એ ચિત્ર (મોન્તેર્કી નામના) ગામડે કોઈ કબ્રસ્તાનના નાનડા દેવળમાં, ત્યાં પણ પહોંચી ગયો ! (હસતા). આ બધું જવાનું (જોવાનું) મળ્યું તે લાભ (મોટો). આવી રીતે જોયું તે (ઊંડે) ભંડારાયું હશે મનમાં. એ બધું કામ લાગ્યું.

યજ્ઞેશ : યુરોપના લોકોએ તેમના કળાકારોનાં ચિત્રોને સંગ્રહસ્થાનમાં સારી રીતે સાચવ્યા છે. એ સંદર્ભમાં ભારતમાં દશા જુદી છે. યુરોપમાં નેધરલેન્ડમાં કે ઈટાલીમાં એક જ કળાકારનુંય વ્યવસ્થિત મ્યુઝિયમ જાળવ્યું છે, તમને કોઈ ચિત્રકારનું આવું મ્યુઝિયમ કે ગૅલરી યાદ રહી ગઈ હોય. શેખ : ત્યાં તો એવા અદ્ભુત સંગ્રહો છે, હૃદય ફુલાય એવા ! અને એમણે બધું જાળવ્યું છે ! લંડન, પેરિસના તો મહા-સંગ્રહો પણ નાના-મોટા ગામોમાંય સંગ્રહો છે. ગામેગામ છે. એ ગામની કળાના અને એમના (સ્થાનિક) કળાકારોનાય. યજ્ઞેશ : એટલે ફ્લોરેન્સમાં ફ્લોરેન્સના ચિત્રકારોના સંગ્રહો હોય. શેખ : હા, એ મળે તમને ત્યાં, પણ વડોદરામાં વડોદરાના ચિત્રકારોનો સંગ્રહ ન મળે ! (હસવું) તે માટે તમારે બીજે જવું પડે. કે મુંબઈના ચિત્રકારોનું મ્યુઝિયમ, એવું ક્યાં છે? ત્યાં (પશ્ચિમમાં) થયું તેનાં કારણો ઘણાં, પણ આર્થિક પરિસ્થિતિ કે ચિત્રોનું ‘માર્કેટ’ છે એવાં કારણોને બાજુએ મૂકીએ તોપણ (એક વસ્તુ વિચારવા જેવી છે). એ લોકો કળાની ‘વેલ્યુ’ (એનું સામાજિક મૂલ્ય) શું છે તે શિખ્યા છે. આ આપણો વારસો, આને સાચવવાનો છે તે આપણે આટલું ન સમજીએ? આપણે ત્યાં અધિકારી વર્ગથી માંડીને શિક્ષિત વર્ગ છે તે આ બાબતમાં અભણ છે. અને આપણી દૃશ્ય-ગ્રંથિ કાં તો. (વિલાઈ ગઈ છે) કાં તો મંદ છે.

યજ્ઞેશ : આમ જુઓ તો આપણી ઇંદ્રિયોમાં આંખ જ સર્વોપરી છે છતાં. શેખ : છતાંય એ સૌથી મંદ છે. આપણા દેશમાં દૃશ્યકળાનો વ્યાપ કેટલો અદ્ભુત ! એટલાં બધાં ચિત્રો થયાં. અને બચ્યું છે તે સોમાંથી પાંચ (પચીસ) ટકા હશે, એટલે વિચારો, કેટલું કામ થયું હશે ! શેખાવટી પ્રદેશમાં શેઠિયાવની હવેલીઓ. ઉપરથી માંડીને નીચે લગી ચીતરેલી, આગળપાછળ બધે ચિત્રો. ત્યાં (નવું જન્મેલું) બાળક માને જોયા પછી ચિત્રો જોતું હશે ! આ આવી દૃશ્ય-સંસ્કૃતિની આજે વિસ્મૃતિ થઈ ગઈ છે. જાણે કે જીવનમાંથી એ બધું નીકળી ગયું છે. ભણતરની જરૂ૨ છે આને માટે.

શેખાવટી, રાજસ્થાન, ભીંતચિત્ર, ઈ. સ. ૨૦મી સદી

પશ્ચિમમાં એ થયું છે, એટલે પ્રજા એ વારસો જાળવતી થઈ છે. બાળપોથીમાં બાળકને ચિત્ર જોવાનું મળે, પછી લિયોનાર્દોના નામની નવાઈ ન હોય. આપણે ત્યાં સાહિબદીનનું નામ લઈએ તો કહે એ કોણ? મન્સૂર કોણ, બસાવન કોણ, (નયનસુખ કોણ) ? એમ.એ. ના વિદ્યાર્થીઓથી માંડીને આઈ.એ.એસ.ના અધિકારીને ઊભા રાખો : કોઈને ખબર નહિ હોય. આપણને એની શરમે નથી. કવિતા તો (કે કવિના નામ) જાણે, કાલીદાસ, મીરાં કે તુલસીદાસ. કારણ કે એ (પાઠ્યપુસ્તકમાં) ભણ્યા, (પણ ચિત્રકારની વાતે મીંડું). વળી એવીય કલ્પના કરી કે આપણી કળા અનામી હતી. હજારો કળાકારોનાં નામ જાણીતાં છે, વિદ્વાનોએ સંશોધન કરીને દેખાડ્યાં છે, છતાં હજુ એવું ભણાવાય છે કે આપણને અહમ નહોતો, નામની પડી નહોતી અને એવું બધું.(કવિઓ ‘ભણે અખો’, મીરાં કે પ્રભુ’ અને ‘કહત કબીર’ કહીને જાત છતી કરતા તો કળાકારોનો શું વાંક?) મૂળે આપણા જીવનમાંથી (દૃશ્ય સંસ્કારોનું) એક ઘટક આખું નીકળી ગયું હોય એમ લાગે છે. એક આખું પાસું. એક આખો ‘બ્લોક’ ખાલી હોય એવું લાગે છે.

યજ્ઞેશ : એટલે કે લોસાઈડેડ લાગે, એકાંગી લાગે. આપણી પ્રજામાં ઇતિહાસચેતના નથી એવું કાંઈ ખરું? શેખ : (હા, ઇતિહાસને આપણે ઠેબું માર્યું છે). ચિત્રકળા વિષેની માહિતી જ નથી. આજના ઇન્ફોર્મેટિક્સના જમાનામાં આ કાંઈ અઘરું નથી. એ માહિતી કમ્પ્યૂટર પર ચડાવીને વિદ્યાર્થીઓને દેખાડી શકાય. પછી વિચારવાની દિશા- ઓરિએન્ટેશન મળે. એમાં વાંક વિદ્યાર્થીનો નથી : આ તો સમાજનું, શિક્ષણનું સંચાલન કરનારો વર્ગ છે તેની જવાબદારી છે. એ વર્ગ જ આ બાબતે ભણેલો નથી.

ગુલામ મોહમ્મદના કેટલાંક ચિત્રો

જંગલમાં ઘોડો, તૈલચિત્ર, ઈ. સ. ૧૯૬૨ (સંગ્રહની માહિતી નથી.)
ઘેર જતાં, તૈલચિત્ર, ઈ. સ. ૧૯૬૯-૭૩,
સંગ્રહ: રામ અને ભારતી શર્મા, નવી દિલ્હી.
કાવડ : ઘર , બોર્ડ પર એક્રિલિક, તૈલરંગ વગેરે,
સંગ્રહ: કિરણ નાદર મ્યુઝિયમ ઑફ આર્ટ, નવી દિલ્હી.
કાવડ : ઉઘાડી
કાવડ : માપામૂંડીલયલાની શોધમાં
'સંગતના સાથી
'બોલતી ગલીતૈલચિત્ર, ઈ. સ. ૧૯૮૧,
સંગ્રહ: રૂપંકર સંગ્રહાલય, ભારત ભવન, ભોપાલ
'આ શહેર વેચવાનું છેતૈલચિત્ર, ઈ. સ. ૧૯૮૧-૮૪,
સંગ્રહ: વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન


યજ્ઞેશ : તમે ત્યાં જે મ્યુઝિયમ ગૅલરી જોઈ તેમાંથી તમને વધુ ગમ્યું હોય તેવું કર્યું? શેખ : ઘણું જોયું ને ઘણું ગમ્યું. આમેય એકવાક્યતામાં રસ નથી, (અનેકનું એકીસાથે આકર્ષણ). છતાંય એક ગૅલરી યાદ રહી ગઈ છે તેની વાત કરું : ક્રોલર મ્યૂલરનું મ્યુઝિયમ હોલેન્ડમાં, આમ્સ્ટર્ડમ બહાર ત્યાં વાન ગોઘનાં ચિત્રોનો સંગ્રહ છે, એમાં ચિત્રો ઉપરાંત એના રેખાંકન ઘણાં, (રેખાંકનની મજા જુદી છે) : કવિની ડાયરી વાંચતાં હોઈએ એવું (હસવું). એમાં બધું ગોઠવેલું નહિ, (છૂટક, ત્રુટક) શબ્દો આવે અને ઊડે - (છેકી નંખાય), એમાં પ્રક્રિયા જોવાની મજા. વાન ગોઘનાં અનેક અદ્ભુત રેખાંકનો ત્યાં, વૃક્ષોનાં, મજૂરોનાં, ખાણિયાનાં. એ મ્યુઝિયમનો એક જ માળ, એમાં થોડા ઓરડા પછી ખાલી જગા આવે, (ઉઘાડ ને) ઉજાસ, બહાર નીકળવાનું આવે. ચાલીસ-પચાસ ચિત્રો જુઓ એટલે આરામથી બેસવાનું. પાંચ-દસ મિનિટ બહાર નીકળો, બહારનાં ઝાડ-પાન જુઓ, પાણી કે શરબત પીઓ અને પાછા જાવ. ‘મ્યુઝિયમ ફટીગ’ (થાક) ઊતરે (એટલે જોવાની મજા બમણી થાય). આવું કરવાનું અઘરૂં નથી, આવા મ્યુઝિયમો થઈ શકે.

યજ્ઞેશ : અનેક ચિત્ર શૈલીઓ. તેના અનેક કળાકારો અને તેનાય અનેક તબક્કાઓ, તેમાંથી તમને શું ગમે? મારી વાત કરું તો મને ઇમ્પ્રેશનીસ્ટ ચિત્રકારો, જ્યોજિયો ચિરિકો જેવો ચિત્રકાર, તેના મેજિક રિયાલિઝમ સરરિયાલિઝમને લીધે કે વરમીર જેવા ચિત્રકાર તેના શાંત રસને લીધે વધુ ગમે. તમને કયા ચિત્રકારો વ્હાલા ?

શેખ : મને તો ઘણા વ્હાલા. એટલે પસંદ કોને ક૨વા (બંને સાથે હસવું). યજ્ઞેશ : છતાં નામ પાડીને વાત કરવી હોય તો કયા ગમે ?

શેખ : આમ તો ઘણા આપણા દેશમાં. અજંતા મને બહુ જ પ્રિય છે. પણ એના કળાકારો વિશે બહુ વિચારણા થઈ નથી. મુઘલમાં બસાવન અને દસવંત અને રાજસ્થાની સાહિબદીન-એણે રામાયણ અને ભાગવત દોર્યાં એ તો અદ્ભુત. એવું કામ બીજે ક્યાંય થયું નથી. આ સિવાય પણ ઘણાંનાં કામ ગમે, પશ્ચિમમાંય ગમે તેવું ઘણું બધું છે. ત્યાંની મધ્યયુગીન (કળાનુંય એવું જ આકર્ષણ). હસ્તપ્રતોનાં ચિત્રો વીન્ચેસ્ટર બાઇબલ (સિલોસ એપોકેલીપ્સ) પછી ૧૩મી સદી ઈટલીમાં, ત્યાં સિયેના નામનું ગામ છે તેમાં આમ્બ્રોજિયો લોરેન્ઝત્તી અને સિમોને માર્તીની, તેમનું કામ બહુ ગમે. જયોત્તોનું કામ પણ જ્યારે ઈટલી જાઉં ત્યારે જોઉં. આ બધાં ધાર્મિક ચિત્રો, પણ કળાકાર એવાં વળગણોમાંથી રસ્તો કરી લેતો હોય છે એટલે જ એ આપણા લગી પહોંચે છે. એમાં દર્શન એ કાળનું પણ તત્ત્વ કોઈક એવું એમણે આત્મસાત્ કર્યું હતું જે કાળને ઓળંગી આપણી સમક્ષ આવે ત્યારે લાગે કે એમણે ચિત્ર દ્વારા વિશ્વને સંયોજિત કર્યું. દુનિયા દરેક ચિત્રમાં ફરી સંયોજિત થઈને આવી. ઈસુ કે સંત ફ્રાન્સિસના જીવનના પ્રસંગો જેની સાથે આપણે સીધો સંબંધ હોય કે ન હોય – પણ એમાં એ સંયોજાયું અને આપણા લગી આવ્યું.

યજ્ઞેશ : ઘણા ચિત્રકારોનાં ચિત્રો તમે તમારી કેળવાયેલી કલાકાર દૃષ્ટિથી જોયાં છે. રવીન્દ્રનાથ એક મોટા ગજાના કવિ સર્જક હતા તે તો બધા જાણે છે પણ તેઓ બહુ મોટા ગજાના ચિત્રકાર પણ હતા તે તો તમારા જેવા મહોર મારીને કહે ત્યારે ખ્યાલ આવે. ટાગોરના લેખક તરીકેના સર્જક પાસાને ઘડીભર ભૂલી જઈ તેમનું મૂલ્યાંકન માત્ર ચિત્રકાર તરીકે જ કરવાનું હોય તો તમે કેવી રીતે જુઓ ?

ચીતરતા રવીન્દ્રનાથ, શાંતિનિકેતન
રવીન્દ્રનાથ ઠાકુર, સ્ત્રીનો ચહેરો, રેશમણાં કાપડા પર રંગીન શાહી અને જળરંગ ૧૯૩૪, સૌજન્ય:રબીન્દ્ર ભવન, શાંતિનિકેતન

શેખ : એટલું કહી દઉં કે મ્હોર કે મત્તું મારવાનું કામ મારું નથી (હાસ્ય). એ આપણું છે જ નહિ. એવું કરનારા ઘણાં છે (બંનેનું હાસ્ય). ટાગોરને ગજાની દૃષ્ટિએ જોવાય નહિ (જોકે ગજુંય મોટું છે). એમણે જે કર્યું, ચિત્ર અદ્ભુતના પ્રદેશમાં પ્રવેશ કર્યો તેની રીતિ આગવી છે. કવિતાની પંક્તિઓ, કોઈ વાર બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં લીટા કરતાં તેમાંથી આકૃતિઓ નીપજી; માણસો નીપજ્યા, વૃક્ષો બન્યાં, એમાંથી જ આકાશ નીકળ્યું. તે એવા પ્રદેશમાં પ્રસરી જેને સીમાડા નથી. એ અંદરથી નીપજે છે ને ફેલાય છે, વિસ્તરે છે. આને બહારની કોઈ ‘ફ્રેમ’ નથી હોતી : એ પ્રદેશ જ અદ્ભુતની લીલાનો છે. અહીં ચિત્રોની સમીક્ષાનો નહિ, આસ્વાદનો જ ઉદેશ છે, કવિ અને ચિત્રકારના સર્જનમાં આ મોટું ને આ નાનું કહેવાનું યોગ્ય નથી. કોઈક વાર કવિએ શબ્દમાં કહ્યું હોય તે ચિત્રમાં થાય, (કોઈ વાર ન થાય). એમને સર્જનમાં કોઈ વણખેડાયેલો પ્રદેશ મળ્યો (એટલે ચિત્રો થયાં). એ પ્રદેશ આપણા બધામાં હોય છે. માત્ર આપણે એ ખેડવાનું સાહસ નથી કરતા. આપણને કોઈ વસ્તુ ગમતી હોય તો એમ કહેવાય કે આપણામાં (એના માટે અવકાશનું) એક બિન્દુ સમાયેલું છે : એમાં જ વણખેડાયેલ પ્રદેશ નીકળે અને ખેડીએ તે રંગપૂરણી જેવું જ થયું (હસવું). એટલે કે અવકાશ તો પડેલો હતો જ, એમાં રૂપો ઉમેરાયાં.

યજ્ઞેશ : નિરંજન ભગતે એક વ્યાખ્યાનમાં કહેલું કે ટાગોરે તેમની કવિતા કે અન્ય સાહિત્યમાં ઈવિલ-દૂરિતને સ્થાન નથી આપ્યું એ દૂરિતને ઉત્તરવયે તેમના ચિત્રોમાં સ્થાન આપ્યું છે તેનો સ્વીકાર કર્યો છે. શેખ : આ એક સક્ષમ વિચાર છે : એ મનોવિશ્લેષણીય વિચારમાં એક વસ્તુ આમાં નથી તે આમાં આવી એમ કહેવામાં સમીકરણ જેવું થાય છે અને સમીકરણથી બધું સિદ્ધ નથી થતું.

યજ્ઞેશ : ભારતીય ચિત્રકળાના વિકાસમાં ત્રણ ટાગોર રવીન્દ્રનાથ, અવનીન્દ્રનાથ, ગગનેન્દ્રનાથ અને બંગાળ સ્કૂલનું મૂલ્ય કેવું? શેખ : ઐતિહાસિક દૃષ્ટિએ એનું બહુ મોટું મૂલ્ય છે. સ્વદેશી ચળવળને દૃશ્યરૂપ આપવામાં જે કાંઈ પણ પ્રયોગો થયા તેમાંનું મોટા ભાગનું બંગાળી કળાકારોના હાથે થયું. નંદબાબુએ તો (ગાંધીજીના નિમંત્રણે) હરિપુરા કૉંગ્રેસ (ની સભા) માટેય ચિત્રો કર્યાં.

બીનોદ બિહારી મુખરજી, રામકિંકર બૈજ અને વિદ્યાર્થીઓએ સાથે નંદલાલા બાસુ 1936

સ્વતંત્રતાની ચળવળમાં દેશની છબી ઊભરતી ગઈ, એની ભાતીગળતા ઊપસી એને મુખરિત કરવાના પ્રયત્નો થયાં તેમાં એમનો ફાળો મોટો. બિનોદ બિહારી મુખર્જીએ ૧૯૪૮ના ગાળે (શાંતિનિકેતનના) હિન્દી ભવનમાં સંત પરંપરાને વણતું ૮૮ ફૂટનું લાંબું ચિત્ર કર્યું તે મહાકાવ્ય જેવું છે. એમની આંખો નબળી પણ હાથે માપીને પૂરું કર્યું. બીજા તે રામકિંકર જેવા શિલ્પી. એમણે સાંથાલ આદિ પ્રજા છે તેની દેહયષ્ટિમાં શક્તિનો સ્ત્રોત આલોક્તિ કરતા શિલ્પો કર્યાં. આ બધું બહુ મોટું કામ છે. પણ (દુર્ભાગ્યે આપણે) બંગાળ શૈલીને નબળા ચિત્રોથી ઓળખતા થયા. ઉતારી પાડવા માટે નબળું કામ જ આગળ ધરાય છે ને ! પેલી ‘ક્રીટીકલ ફેકલ્ટી’ જેમાં બંને (શક્તિઓ અને મર્યાદાઓ) – સાથે તપાસાય તે ઘણી વાર કામે લગાડાતી નથી. એટલે પેલા, કાગળને વારંવાર પાણીથી ધોઈને થતાં ‘વોશ પેઇન્ટિંગ’ ને એવા નબળા ચિત્રોને આપણે બંગાળ શૈલી તરીકે ઓળખ્યા. ખરેખર તો નંદબાબુના ‘હરિપુરા’ કૉંગ્રેસના, બિનોદબાબુ ને રામકિંકરનાં સર્જનો જોઈએ. તો જ એની શક્તિનો, સંકુલતાનો ખ્યાલ આવે. એમાં ઘણું બધું સમાયેલું હતું તે ત્યાં લગી કે આધુનિકતાના સીધા નહિ પણ સાંકેતિક પગરણ પણ એ કૃતિઓ દ્વારા થયાં છે.

યજ્ઞેશ : તમે નીલિમાબેનના પરિચયમાં ક્યારે આવ્યા? આમ તો આ અંગત સવાલ છે છતાં એમાં જે બિનઅંગત છે તે તમે કહી શકો. શેખ : એ વિદ્યાર્થિની હતી એ રીતે જ પરિચય થયો : એટલે મારી વિદ્યાર્થિની. હું વિદેશ હતો ત્યારે ભણવા આવી. બી.એ. ઓનર્સ કરેલું – હિસ્ટ્રીમાં. પછી ચિત્રકલા શીખવા વડોદરા આવી. દિલ્હીમાં કંવલ ક્રિશ્ન મોડર્ન સ્કૂલમાં ચિત્ર ભણાવતા, એ બેન્દ્રેસાહેબને ઓળખે, એમણે અહીં મોકલી.

યજ્ઞેશ : લગ્નસંબંધે જોડાવાની ઇચ્છા શરૂઆતથી હતી કે છેલ્લા તબક્કામાં એમ થયું કે આ પાત્ર મારા જીવનમાં અને કળામાં સહયોગી બને ?

નીલિમા અને ગુલામાં મોહમ્મદ શેખ,
લગ્ન પછી વડોદરામાં સમારંભ દરમિયાન, ૧૯૭૧

શેખ : બધો અંગત કેમિસ્ટ્રીનો સવાલ છે. બધું કાંઈ સહેલાઈથી છૂટું પડાય નહિ, ઘણાં સંયોગો, અનુભૂતિઓ એની સાથે સંકળાયેલા છે. એવું કાંઈ સરળ નહોતું – કે આમ જ નક્કી કરી નાખ્યું ! એક ગાળે (એ બધું સંભવ્યું એમાં) પ્રવેશ કર્યો, પછી લગ્ન કર્યાં. (હાસ્ય).

યજ્ઞેશ : આમ તો વાતને એ રીતે જોવી ન જોઈએ, છતાં એક પ્રશ્ન થાય કે નીલિમાબેન હિન્દુ અને તમે મુસ્લિમ. બંનેના કુટુંબમાં લગ્ન વિશે કોઈ વિવાદ થયો હતો ? શેખ : બિલકુલ વિવાદ નથી થયો. મિશ્ર પરંપરા તો આ દેશના સંસ્કારની મોટી દેન છે, એક લેગસી, એક (હિન્દીમાં) ધરોહર કહીએ છીએ તે છે. એના કુટુંબમાં તો કોઈને વિરોધ હતો નહિ. એ કોની સાથે લગ્ન કરે એ સવાલ એનો પોતાનો હતો, પણ મારા કુટુંબમાં એક પ્રશ્ન પુછાયો હતો. તમને નવાઈ લાગશે કે છોકરી ગુજરાતી બોલે છે કે નહિ? તો કહે એ છોકરાંવ સાથે વાત કેમ કરશે? નીલૂ એમને ત્યાં ગઈ ગુજરાતી સાડલો પહેરીને અને આવડતી હતી એટલી ગુજરાતીમાં વાત કરી, ત્યારથી આજ સુધી કોઈ પ્રશ્ન ઊઠ્યો નથી.

નીલિમા અને ગુલામાં મોહમ્મદ શેખ,
૧૯૮૦નો દશક (તસ્વીર : લોરેઈન મિલર)

યજ્ઞેશ : ઘરમાં ગુજરાતી બોલે છે? શેખ : જેટલું આવડે એટલું બોલે, પણ બધા સમજી લે છે. અને આપણે જેને ધર્મ કહીએ છીએ તેને પ્રજા એની રીતે સમજે છે. આપણા સમાજે એકબીજામાંથી કેટલું આત્મસાત કર્યું છે ! જેને આપણે હિન્દુ સમાજ કહીએ છીએ તેની અંદર કેટલું બીજા સમાજોમાંથી આવ્યું છે. એટલે માત્ર મુસ્લિમ નહિ, પણ ખ્રિસ્તી, જૈન અને એવા અનેકમાંથી. મુસ્લિમોમાં કે ખ્રિસ્તીઓમાં કેટલું હિન્દુ અને બીજા સમાજોમાંથી આવ્યું છે. એના તાણાવાણા એટલા ગૂંથાયેલા છે કે ઉખેળવા જાવ તો અંત ન આવે. આ જ જીવન છે, એ (ગૂંથાયાની) પ્રક્રિયા એ જ જીવન છે. પ્રજા એ સમજે છે ત્યારે બીજા પ્રશ્નો ઊઠતા નથી.

યજ્ઞેશ : તમે તો સુરેન્દ્રનગરમાં રહ્યા છો અને એ પછી મોટાં શહેરોમાં પણ. તમને એવું લાગે છે કે જેમ જેમ નાના ગામમાં કે તળમાં જતા જઈએ તેમ એ તાણાંવાણાં વધારે ગૂંથાયેલા છે? શેખ : માત્ર તળમાં જ નહિ, અનેક સ્તરે આ તાણાવાણા ગૂંથાયેલા છે. જેમ અનેક સ્થળ-સમયમાં જીવવાની સંવિત્તિ આપણા સમાજે કેળવી છે : એકી સાથે અનેક સંસ્કારોને અપનાવવાની સમજણ પણ એમાં વણાયેલી છે. આપણો દેશ આ બાબતે મોટો દાખલો છે. ધર્મની વાત કરીએ તો ‘પવિત્ર’ની ઓળખ કંઈક એવી જ છે. રસ્તે જતાં એવું કોઈ સ્થળ આવે તો લોક (આમન્યા તો રાખે જ) પણ ભાષાય અવળી ન બોલાય તેનો ખ્યાલ રાખે. જતા-આવતા લોક સમજે કે આવું ત્યાં ન થાય, ન કરાય. કોઈ ધર્મનું નહિ, પણ પવિત્ર સ્થળ છે તેવી સમજ. પછી એ દરગાહ હોય, દેરી હોય કે દેવળ – અહીંયાં આટલું નહિ કરવું એવી પ્રજાજીવનમાં ઘૂંટાયેલી પરંપરા. એ પરંપરા બહુ ઊંડી છે, એને ભ્રષ્ટ કરવાનું સહેલું નથી. સાચી સંસ્કાર પરંપરા આ જ છે. ચિત્રમાં નિષેધોની વાત આપણે ઊભું કરેલું તૂત છે. બાળપણમાં મારા બાપુ આટલા ધર્મિષ્ઠ પણ એમણે ચિત્ર નહિ કરવા કશું કહ્યું કેમ નહિ? ઇસ્લામમાં તો ચિત્રની મોટી પરંપરાઓ છે, ઈરાની કળા, તુર્કીકળા, આપણા દેશમાં મુઘલ કળા એ બધાનું શું? એટલે કે આપણે ઇતિહાસ જાણતા નથી કે ભૂલી જવા માગીએ છીએ અને તેથી જ નવાં નવાં તૂતો ઊભાં કરીએ છીએ. મુસ્લિમ છોકરાઓ ગરબા-ગરબીમાં ઘૂમ્યા છે ને ! તાબૂત નીચેથી માયું છોકરાંવને કાઢે છે, ઉતારે છે, ગેબનશા પીરને છલ્લે સાત ફેરા ફેરવે છે. માતરી વાવે બધી કોમની બાઈઓ દૂધ નાખે છે. આને અંધશ્રદ્ધા કહો તો મને વાંધો નથી, પણ આ રીતમાં એક એવું તત્ત્વ છે. જે બધાંને જોડી રાખે છે, ભેગાં રાખે છે. એટલે આ ભેદ પાડવાનું કામ બહુ નઠારું છે.

યજ્ઞેશ : વડોદરાનો બીજો પણ એક લાભ તમને મળ્યો. અહીં માત્ર વિશ્વસાહિત્ય જ નહીં પણ અન્ય કળાઓમાં રસ લેનારા જાગતા માણસ હતા સુરેશ જોશી. તમારો તેમની સાથે સારો ઘરોબો રહ્યો. એ ગાળાના તમારા વડીલો, મિત્રો એ વાતાવરણની વાત કરશો ? એ વાતાવરણ તમારા લેખનના શરૂઆતના ગાળાને ઉપકારક નીવડ્યું હોય તેવુંય બને.

કુતુબ મિનારની ટોચે પ્રબોધ કોકસી અને સુરેશ જોષી ૧૯૬૦-૭૦નો દશક,
(તસ્વીર : ગુલામમોહમ્મદ શેખ)
ભોગીલાલ ગાંધી

શેખ : એમાં ત્રણ ગુરુ કે ગુરુ તુલ્ય વડીલો. એક ભોગીલાલ ગાંધી એમના ઘેર હું પેઇંગગૅસ્ટ થઈ રહ્યો. બીજા પ્રબોધ ચોક્સી. ભૂમિદાનવાળા- એમને સુરેશભાઈ સાહિત્યમાં ખેંચી લાવ્યા ને ‘ક્ષિતિજ’ને સાહિત્યિક સામયિક બનાવ્યું એમની - મરજીથી જ. મૂળે તો એમનેય સાહિત્યમાં ઊંડો રસ. અને ત્રીજા સુરેશભાઈ. ભોગીભાઈને ઘેર મળવાનું, દર શનિવારે સાંજે. સુરેશભાઈ ચોપડી લઈને આવે. કહે કે સેન્ટ જ્યાં પેર્સ છે એ ફ્રેન્ચ કવિ. એક ઈન્કમટેક્સ કમિશ્નર અડવલપાલકર એમને ફ્રેન્ચ આવડે, કહે હું વાંચું મૂળ ફ્રેન્ચમાં. સુરેશભાઈ અંગ્રેજી અનુવાદ વાંચે. (એ બધું વાંચતા-સાંભળતા, પશ્ચિમી સાહિત્યનો પ્રત્યક્ષ પરિચય થયો). કોઈક વાર અનુવાદ થયા ને ‘ક્ષિતિજ’ અને ‘વિશ્વમાનવ’ (ત્યારે ‘માનવ’)માં છપાયા, એ બધા મારા ગુરુ. મારો, અનુભૂતિનો પિંડ પણ ત્યાં બંધાયો. એ વેળા મને લાગતું કે લખવું છે તે લખી શકાતું નથી : જુવાનીના જોશમાં તોડફોડના અખતરા કર્યા, ભાષામાંથી નવું નિપજાવવાનું કામ આક્રોશપૂર્વક થયું એની પાછળ આ બધાં બળો હતાં. એમાંથી નીકળ્યું તે ભોગીભાઈ, પ્રબોધભાઈ પ્રગટ કરતા. કાચુંય હશે, કદાચ કેટલુંક એવુંય જેને આજે આપણે કાઢી નાખીએ, પણ તે કાળે એનું મૂલ્ય હતું, મારે માટે એનું મહત્ત્વ મોટું હતું. આ કર્યા સિવાય બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ નહોતો. સામે પાઠ્યપુસ્તકો આવતાં ને નડતાં, મોટાં માથાં આવતાં વચમાં. સુરેશભાઈએ રસ્તો કર્યો, વાંચવાનું આપ્યું. લોકોની કવિતામાં ‘ભસતી ક્ષિતિજો’ આવે, સફરજનની જેમ ઊંઘવાનું આવે. ડુંગળી ને ઓલિવના દૃષ્ટાંતો. આને કવિતા કહેવાય (કે કવિતામાં આવું થાય, કરાય) એવી કલ્પના નહોતી. આ દૃષ્ટાંતોમાં કાઠિયાવાડની કોઈ અનુભૂતિનો મેળ ખાતો હતો. એ બધું લોકપરંપરામાં હશે ને સાંભળ્યું કે અનુભવ્યું હોવાનું જણાયું. એટલે આ વાટે સુરેશભાઈ કહેતા એમ એકદંડિયા મહેલનાં અનેક બારણાં-બારીઓ ઊઘડ્યાં ને એકાદ બારણામાં આપણનેય પ્રવેશવાનું મળ્યું. આ કારણેય મારે મન સુરેશભાઈનું મૂલ્ય બહુ મોટું છે. શનિવારની બેઠકમાં દાક્તર મિત્રો મધુકર શાહ અને દામોદર બલર પણ આવતા. પછી ભૂપેન ખખ્ખર વડોદરા ભણવા આવ્યા, સુનીલ કોઠારી પણ અલપઝલપ આવે.

મિત્રો સાથે મસ્તી, ડાબેથી સુબીલ કોઠારી, ગુલામમોહમ્મદ શેખ
હરિદાસ પટેલ અને ભૂપેન ખખ્ખર

યજ્ઞેશ : તમે ‘અથવા’ની કવિતા લખી પછી કવિતા લખવાનું ઓછું કેમ થઈ ગયું? સમય ઓછો છે કે (વધુ સમય) ચિત્રકળાને આપો છો? શેખ : આત્મચિંતન કરવું પડે એટલે વાત કઢાવી છે ને? (હાસ્ય). લખાતું નથી એમ નથી, લખવાની ટેવ તો હજુય છે, પણ એમ લાગે છે કે આ લખવાનું કામ ધાર્યું એટલું સહેલું નથી. સીધું લખાઈ જાય એના કરતાં બે વાર, પાંચ વાર કે બે મહિના પછી વાંચવાનું, જોવાનું નિમિત્ત. ઠીક લાગે પણ કોઈ પ્રશ્ન ઊઠે તો થાય કે લાવ ફરી જોઉં, લખું. એમાંથી નીવડે કે નીતરી આવે તો થાય કે આને છપાવીએ, નહિતર નહિ. અંદરથી કશુંક નવું કરવાની ઇચ્છા પણ એને માટે જવાબદાર હોઈ શકે. આવું કરવા માટે કોઈ ચોક્કસ સમય હોતો હશે. ખબર નથી, કદાચ હોય પણ ખરો. દરેક વસ્તુ આમેય એમને એમ લખાઈ નથી જતી, એના માટે સંયોગો હોવા જોઈએ, એ આવતા નથી. ક્યારેક એને ઊભા કરવા પડે. ક્યારેક બધું એકત્રિત થાય તો પિંડ બંધાય, નહિતર લખવાનું, ફરીફરી લખવાનું, છેકી, ભૂંસીને લખવાનું, કાચું લાગે તે કાઢી નાખવાનું. શરૂ કર્યું ત્યારે નહોતું – એ બળ પછી મળ્યું - (હાસ્ય).

અથવા ૧૯૭૪
અથવા અને (૨૦૧૩)
 

યજ્ઞેશ : એટલે તમારા ગરણામાંથી ગાળીને કાઢવું. શેખ : એ તો જરૂરી ખરું જ ને ! આપણને જ ગમતું ન હોય તો બહાર ક્યાં દેખાડવા જવું? માસ્તર તરીકે થાય કે સાલું સાઠ ટકા માર્ક તો મળવા જોઈએને (હાસ્ય). આટલુંય ન થતું હોય તો ક્યાં છપાવી મારીએ? એટલે હું આ મારી પોતાની વાત કરું છું, બીજા કોઈના માટે કહેતો નથી.

યજ્ઞેશ : એક ભાવક તરીકે તમે વધુ લખો તેવી અમારી અપેક્ષા રહે. તમારા ‘શેખાવટીનાં ભીતચિત્રો’ પરનો લેખ વાંચીને એમ થાય કે આપણી પારંપરિક ચિત્રકળા, દૃશ્યકળાની વાત તમે કેવી સરસ શૈલીમાં ઉઘાડી આપી ? તમારા કળાવિષયક લેખોમાં તમારું પરસેપ્શન, અભ્યાસ, સંવેદના એ બધું એક સાથે ગૂંથાઈને આવે છે. તમે દેશમાં અને વિદેશમાં ઘણું ફર્યા છો. અમને તો એ લોભ રહે કે એને લગતું સીધું ગુજરાતીમાં આવે. એવું કોઈ લખવાની ઇચ્છા થાય ખરી?

આવરણ: સાયુજ્ય (માર્ચ ૧૯૮૩)
ભૂપેના ખખ્ખર, પ્લાસ્ટીકના ગુલદસ્તાવાળો માણસ, ટાઇલા ચિત્ર, ૧૯૭૬

શેખ : એનાં બે કારણ છે. એક તો એ લખવા માટે નિમિત્ત જોઈએ. હું શેખાવટી ગયો હતો. ત્યારે સુરેશભાઈએ કહેલું લેખ જોઈએ. ‘સાયુજ્ય’નો કળાવિભાગ સંભાળતો એટલે એમાં લખવું પડે એય નિમિત્ત. બીજું એ કે લખવા માટે તમારી સામે કોઈ વાચક જોઈએ. કોઈ વાચક.

યજ્ઞેશ : એક વાચક તો તમારી સામે જ બેઠો છે. શેખ : એ જોયો અને એનાથી તો અંદરથી (ભાવવિભોર) થઈ જવા જેવું થાય છે. કે છે કોઈ મારો વાચક. પરંતુ વાત એ છે કે આપણે ત્યાં ચિત્રકળા માટે જે પ્રકારની ભૂમિકા બંધાવી જોઈએ તે બંધાઈ નથી. આસ્વાદ-મૂલક કે આસ્વાદપરક લખાય કે કરી શકાય પણ એ સિવાય બીજું કરવું હોય, ચર્ચા કરવી હોય કે કોઈ ચોક્કસ વાત કરવી હોય તો - એ બધું કહેવા માટેની ભૂમિકા નથી બંધાઈ. એટલે એક રીતે (નહિ લખવામાં) થોડો કરુણનો અંશ છે. (હાસ્ય). સાચ્ચે મારી સમક્ષ એવા (વાચક) કેટલા ? ભૂપેન ખખ્ખર જેવાને નજર સમક્ષ રાખીને લખું તો થાય કે એ તો અંગ્રેજીમાં લખું એ વાંચવાનો છે. અને એ ઉપરાંત પાંચ-દસ બીજાં પણ જોઈએને ! એટલે એવું નથી કે કોઈ વાચક નથી, પણ કોઈ એવા હોય જે સૂક્ષ્મદૃષ્ટિએ તપાસે ને કહે કે જો, અહીં તેં અંચઈ કરી, આ મુદ્દો બરાબર તપાસ્યો નહિ. આવું ન હોય ત્યારે થાય કે ક્યાં લખવું. આ કારણસર જ અંગ્રેજી શીખવું પડ્યું (મેં એમાં લેખો લખ્યા છે તેનું પુસ્તક થવાની તૈયારીમાં છે), પણ એ મારી ભાષા નથી, સાચ્ચે જ. કબૂલાત કરું છું કે એ હું હજી બરાબર શીખ્યો નથી. ગુજરાતીમાં લખવું હોય તો એક વસ્તુને હું અનેક રીતે લખી શકું છું, અંગ્રેજીમાં એક જ રીતે.

નીરખે તે નજર (૨૦૧૬)

ગુજરાતીમાં મલાવી મલાવીને કહેવાના સંસ્કાર છે, એક શબ્દમાંથી અનેક સંદર્ભો સૂઝે-કેટકેટલું સૂઝે, નીવડે ! ત્યાં એમ થાય કે આને આમ પણ કહી શકાય, આનું આમ પણ કરી શકાય. અંગ્રેજી ગળથૂથીમાંથી પામ્યા હોઈએ તો જ એ થાય એમાં પણ એવું (કોઈનું લખેલું) વાંચીએ ત્યારે ખબર પડે કે આપણેય એવો ખેલ કરી શકીએ, પણ ગુજરાતીમાં થાય તે અંગ્રેજીમાં ન થાય. આમાં સવાલ ભાષાની વિદ્વત્તાનો નથી, મારામાં એવી વિદ્વત્તાય નથી. એક પ્રકારની વિદ્યાનો છે. મને ચિત્રમાં રસ છે, પરંપરામાં રસ છે, એમાં જે દેખાય, સૂઝે તે વિશે લખવામાં. (થોડું લખ્યું ય ખરું ! -પણ) એનો વાંચનાર વર્ગ કેવો ને કેટલો? અહીંયાં એવું લખવા માટે ભૂમિકા આપવી પડે, પાંચ પાનાં એનાં લખવા જ પડે કે હું આના વિષે આમ કહેવા માગું છું.

યજ્ઞેશ : પણ મને લાગે છે કે વાચકનું એસેસમેન્ટ તમે થોડું ઓછું કર્યું છે. તમારા કળા વિષયક લખાણોમાં રસ ધરાવતી વ્યક્તિઓ આજે પણ છે અને ભવિષ્યમાં નહીં હોય એવું તમે પણ નહીં કહી શકો. ‘ઘેર જતાં’ શ્રેણીના નિબંધો તમે વચ્ચે વચ્ચે બહાર પાડો છો ત્યારે તેમાં એક નવી જ તાજી ઇંદ્રિયગ્રાહ્ય ભાષા, એક નવો જ આલોક ઝળહળી ઊઠે છે. એમ થાય કે તમે વધુ લખો તો મજા પડી જાય. શેખ : એ વાત તમારી સાચી. કદાચ હું (વાચકને) અન્યાય કરતો હોઉં. પણ મારી મર્યાદાય સમજો. (હાસ્ય).

યજ્ઞેશ : ના, એમ નહીં કહેવાનો હેતુ એ છે કે તમે લખો. ‘ઘેર જતા’ના હપ્તાઓ કેટલા બધા સમયના અંતરાલે આવ્યા છતાં અંદર એક તંતુ સતત જોડાયેલો રહ્યો છે. તમારા ગદ્યમાં જગતનું સેન્સ્યુઅસ પરસેપ્શન અને સૂક્ષ્મ મનોસંચલન આસ્વાદ્ય છે. તમે એ લેખમાળા આગળ લખવાના છો ? વારે વારે વતનમાં આવવાથી એ લેખમાળા સૂઝી ?

ઘેર જતાં (૨૦૧૮)

શેખ : (આ તો એવું કે) કોઈ એક ઘર તો છે નહીં ને ! દુનિયામાં (કેટલાં ઘર?), અનેક એટલે દરેક વખતે આપણે કોઈક ને કોઈક ઘરમાં પ્રવેશતા હોઈએ છીએ અને એમાંથી બહાર નીકળતા હોઈએ છીએ. મૂળ તો એ (‘ઘેર જતાં’) શરૂ થયું ત્રણ વરસ પરદેશ રહી આવ્યા પછી. કાઠિયાવાડ ગયો, ગાડીમાં બેઠો ને જાતજાતનાં ભૂતડાં વળગે એમ સ્મૃતિઓ વળગી પડી. એમ થયું કે આવું લખાય? આ તો બધું ‘કન્ફૅશનલ’, કબૂલાતનામા જેવું લાગે. કદાચ આપણે ત્યાં એવું લખાતું નહિ એટલે એવું થયું હશે. પણ પછી થયું કે લાગે તે લખવું. એટલે એમ શરૂ થયું. આવું લખતાં ઘણી વાર કેટલુંક પ્રસંગ જેવું આવે, કેટલુંક માત્ર જેને વર્ણન કહેવાય તેવું. કોઈક વાર કવિતા લખતા હોઈએ એવું લાગે. આ ત્રણેય વસ્તુ એક સાથે ભેગી થાય એટલે એ કેમ કરવું નહિ? ભલેને લોકો એને ખાનામાં ન મૂકી શકે! (હાસ્ય). એટલે કે આ શું છે, એને રમણીય નિબંધ કે પ્રબંધ કહેવાય, વાર્તા કહેવાય કે સ્મરણકથા? મને થયું કે આ જ કરવા જેવું છે. આ ત્રણેય કે ચારેય (પ્રકારો)માંથી પસાર થતા હોઈએ તો એવું જ થાય ને ! ખાનાનું કામ તો પોસ્ટમેનનું છે, એ આપણે થોડું વિચારવાનું? કયા ખાનામાં (આવા લખાણને) નાખવું એ તો એ વિચારશે કે પછી પાંચમું, છઠ્ઠું ખાનું ખોલશે. (હાસ્ય). એ રીતે લખવાનું થયું. ‘ગોદડી’માં પહેલો ભાગ જુદો છે, બીજો ભાગ વાત છે, પણ એ બંને ભેગાં છે, જુદા નથી. એના તંતુ એ રીતે સંધાય છે. લખવાની ઉત્કંઠા લાગણીના ધોધ જેવી, પણ થાય તે (લખાય તે) નોંધ જેવું, ઘણી વાર પિંડ બંધાતાં વરસો જાય, મનમાં એવું કે પિંડ સંકુલ બંધાય તો (લખવાનું લેખે લાગે.) આથી જ તરત નથી લખાતું. ઘણી નોંધ (એમને એમ) પડી રહે છે. પણ વારંવાર વેંચાય ત્યારે કંઈક નીકળી પણ આવે.

સાપુતારામાં સહચર્યના મિત્રો સાથે : ડાબેથી આકાશ નાયક, અજય સરવૈયા
દીપક દોશી, ગુલામમોહમ્મદ શેખ, બિપિન પટેલ અને અતુલ ડોડીયા

યજ્ઞેશ : એટલે તમે સીઝવા દો છો ને પછી લખો છો. એમને ? શેખ : હા, એમ થાય કે સિઝાય પછી જ લખવું. દીપોત્સવી અંક પ્રગટ થવાનો છે, એ માટે લખી આપો (એવું કહેણ આવે) તે લખવાનું અઘરું છે. આમેય લખવાનું (કૃત્ય જ) ધીમે ધીમે અઘરું થતું ગયું છે. પહેલાં તો હુંય ઘણું લખતો, પણ હવે એમ થાય કે મનમાં ઘોળાય એના બેત્રણ પાઠ કરવા. એવો એક લાંબો ખંડ- એનો એક ભાગ -સાહચર્યની શિબિરના મિત્રોને સંભળાવ્યો ત્યારે લાગ્યું હતું કે હજુ કાચો છે, એટલે એના પર ફરીને કામ કર્યું. આમ વારંવાર લખવાની ટેવ પડી છે.

યજ્ઞેશ : એટલે છેકો, ભૂંસો રી-રાઈટ કરો ! ફરી લખો એમને ?

શેખ : ફરી લખવું એટલે છ-સાત વાર તો થાય. ‘ભાઈ’ અને ‘ગોદડી’માં એમ જ થયું. કેટલીક વસ્તુ સરળ રીતે (સાહજિક) આવે, પણ આખું લખાણ, એને સમૂહ રૂપે જોતાં લાગે કે આમાં ક્યાંક આગળપાછળ કરવા જેવું છે. એમ કરતાં (લખાણથી) થોડું ‘ડિસ્ટન્સ’ (અંતર) આવે, કારણ કે અંદર હોઈએ ત્યારે બહારનું દેખાય નહિ, થોડે દૂર જઈએ એટલે દેખાવા લાગે કે આ બરાબર નહોતું થયું, ચાલ ફરી કરું. એવું થોડો વખત રહીને થાય. બે-ચાર મહિને વંચાય ત્યારે લાગે કે આમાં આવું કરવા જેવું છે.

યજ્ઞેશ :' એટલે ચિત્રકાર જેવી રીતે ચિત્રનું સુગ્રથિત આયોજન કરે, તેનું સ્પેઈસિંગ, ફ્રેમિંગ કરે એવું જ કશુંક લેખનમાં ચાલતું હોય? શેખ :' એ જ પ્રમાણે, એ બંને એકસરખી પ્રક્રિયા છે.

યજ્ઞેશ :' તમારી બંને કળાના સંદર્ભમાં તમને શું લાગે છે, ચિત્રકાર અને કવિ હોવું એ બંને જુદું છે? એકમેકને પૂરક કોમ્પ્લીમેન્ટરી છે? કે એક માધ્યમમાં ન થઈ શકે તે બીજા માધ્યમમાં થાય છે? શેખ : આ પ્રશ્નનો જવાબ તો બીજા કોઈએ આપવો જોઈએ. (હાસ્ય). એ સવાલ જોનારાનો છે, મારા માટેનો નથી. (હાસ્ય). ખરેખર વાત એમ છે કે એનો સરળતાપૂર્વક જવાબ આપી શકાય એમ નથી.. આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે પ્રક્રિયા રસાયણ જેવી છે તેની વ્યાખ્યા થતી નથી. અને જુદાં જુદાં રસાયણો ભેગાં થતાં સ્વરૂપ સર્જાય તે આ કે તે માધ્યમમાં પ્રગટ થાય. એક રીતે જેમ બધી કળાઓનો સંબંધ તેમને જોડે છે તેવી જ રીતે ચિત્રમાં કહેવાય તે શબ્દમાં પણ એ જ રીતે કહેવાય એવું સમીકરણ થઈ શકતું નથી.

યજ્ઞેશ : તમે લેખક છો તેનો લાભ તમારી ચિત્રકળાને મળ્યો છે? શેખ : (હસતાં હસતાં) એ તમે મને કહો..

યજ્ઞેશ : (હસતાં) મને તો લાગે છે. શેખ : (હસતાં) નુકસાન થયું હોય તો એ કહો ને !

યજ્ઞેશ : એટલો તો મારો અભ્યાસ નથી પણ તમારા ચિત્રોમાં જે નેરેશન અને કોટેશન છે તે સારા ફિક્શનરાઈટરની યાદ અપાવે, લેખન અને ચિત્રકળાના સંદર્ભમાં તમારી સર્જનપ્રક્રિયા વિશે જાણવાનું મન થાય. શેખ : ના, એ તો એમાં એક. ને બીજામાં બીજું. વાત એવી સીધી છે. એક વાર ચિત્ર કરતાં થયું ચિત્રમાં થાય છે તે બધું લખી નાખું. લખ્યું કે આજે આ કર્યું, આ ઉમેર્યું ને આ કાઢ્યું, ફલાણી આકૃતિ આમ કરી. આવું બધું લખીને પછી મૂકી દીધું.

યજ્ઞેશ : એટલે આવે તો જાડી વાતો આવે. શેખ : (એ લખાણ મહિનાઓ પછી પાછું વાંચતા) લાગ્યું કે કેવી જાડી વાતો કરી ! ક્યાંક અંતરાત્માની જાસૂસી કરવા જેવુંય લાગ્યું.

યજ્ઞેશ : શેખસાહેબ, તમે માનો છો ખરા કે સર્જનપ્રક્રિયા વિશે આપણે માંડીને વાત ન કરી શકીએ?

શેખ : વાત તો બધાની થાય. દુનિયામાં એવી કોઈ અનુભૂતિ નથી, જેની વાત ન થાય. પણ સર્જનપ્રક્રિયાની વાત કરવી અઘરી છે. એના છેડા બાંધવા કે મેળવવા તે અઘરું છે. મૂળે તે એવી સંકુલ છે કે ઘણી વાર એમ થાય કે એમાં કેટલું છૂટું પડી શકે? છૂટું પાડવાની એટલે વિશ્લેષણની જે રીત છે એની સામે મને વાંધો નથી, પણ એમાં (સર્જન પ્રક્રિયાની તારવણી) ઘટકો આગળ ધરાય છે. પણ રસાયણ હોય તેમાં ઘટક ન હોય.

ગુલામમોહમ્મદ શેખ, સાહચર્ય, સાપુતારા
(તસ્વીર : દીપક દોશી)
 

યજ્ઞેશ : ઘટકો તો મિશ્રણમાં હોય. શેખ : આ પ્રવાહી તે સર્જન પ્રક્રિયાને આપણે ઘટકોમાં વહેંચી નાખીએ ત્યારે કશુંક સત્ત્વશીલ બાજુએ રહી જતું હોય છે- એ તત્ત્વની વાત કરવી અઘરી હોય છે કે એવા કોઈ કારણસર - એની બાદબાકી થઈ જાય છે એટલે બાકી રહે છે ખોખું. જોકે ખોખુંય કામનું છે જ. એ નકામું છે એમ હું નથી કહેતો, પણ એ દ્વારા ઘણી વાર આપણે હાર્દ સુધી પહોંચી શકતા નથી. અને આમાં કોઈ એક હાર્દ તો હોતું નથી. એક કૃતિનુંય એક હાર્દ નથી હોતું. અનેક કૃતિઓમાં અનેક હાર્દ તો હોય જ જેમ મનુષ્યાનુભૂતિમાં, એક માણસની બીજા માણસને પામવાની અનુભૂતિમાં દરેક વખતે જુદું જ પમાય છે તેમ. ઘણી વાર લાગે કે માણસને એના બોલવાથી નથી પામતા તેટલું એના અબોલાથી પામીએ છીએ.

યજ્ઞેશ : મૌનમાંથી ? શેખ : મૌનમાંથી નહિ, હું તો એટલી હદે જઈને કહું કે માણસ જ્યારે તમારાથી વિમુખ થઈ જાય ત્યારે પામીએ છીએ ને.

યજ્ઞેશ : સરસ વાત કરી. શેખ : એટલે કે જે મૈત્રીમાં નથી પામતા તે દુશ્મનાવટમાં પામીએ છીએ. ત્યારે થાય કે (આ વ્યક્તિમાં કે) માણસમાં આટલું ભરેલું હતું. તેની ખબર જ નહોતી. (એ ટાણે અનુભૂતિના એ પરિમાણો) આપણે સ્વીકારી નથી શકતા પણ તે આપણી અનુભવ કરવાની શક્તિ પરચો કરાવે છે, એનો પરીઘ છે તેનો વ્યાપ કરે છે અને દેખાડે છે કે જો, આ જોયું નહોતું, જો આ (કાંઈ) બીજું નીકળ્યું ! કવિતા, કળા કે સર્જનપ્રક્રિયા એવી વસ્તુ છે જેમાં દરેક વખતે આવું કંઈક નીકળ્યા કરે છે. આથી લોકો સારાસારનો ભેદ કરી પ્રક્રિયા વર્ણવે ત્યારે મૂંઝવણ થાય. (એમાં તો બધુંય ભરેલું હોય છે, કેટલુંક એવું કે જેને) કોઈ ઈવિલ કે કોઈ કરુણ કહે. ખટ રસ જેવું. પણ છ જ રસ શા માટે? છસોય હોય. અને એ બધું દરેક વખતે નીકળે. અને આ અનુભવ તો દરેક વ્યક્તિ કરે છે. આપણે એમ માનતા હોઈએ કે આપણે ભણતરને લીધે (સંકુલતાનો) આવો અનુભવ કરી શકીએ છીએ તો એવું નથી. દાખલા તરીકે ગામડાની અભણ સ્ત્રી દીવાલે ચિત્ર દોરતી હોય કે આંગણે સાથિયો કે રંગોળી પૂરતી હોય ને બરાબર ન થાય તો ભૂંસીને ફરી કરતી હોય છે, કારણ કે એને ખબર છે કે (એક સરખી ભાતમાંય) રોજ કશુંક નવું ઉમેરાતું હોય છે. રોજ રોજનો અનુભવ અને કરતી વેળાની દરેક ક્ષણે એ ઉમેરાય. એને ખબર છે કે એ રોજ બદલાય અને કહે કે પાડતા પાડતા, ઘોડો પાડતી’તી ને મર્ઘ્લ્યો નીકળ્યો ! જેમ બે શબ્દો વચ્ચે અનુભૂતિનો એક ગાળો હોય છે તેમ (અહીં કરતાં કરતાં) આંગળાં બીજી બાજુ ફરી જાય. અને આ ન થતું હોય તો સર્જનપ્રક્રિયાનો આનંદ રહે નહિ. આમાં કોઈ મોટાં રહસ્યો કે ગૂઢતા નથી, એમાં કોયડો પણ નથી. એની વાત થઈ ન શકે એવું નથી, પણ એ વાત કરતી વેળા ભાષાને તાગવી પડે, ફરી ફરી પ્રયોજવી પડે એટલે કે ભાષાને મહેનત કરવી પડે કે આને કેવી રીતે પામવું. સુરેશ ભાઈ એવું કરતા. ઘણી વાર લખીને પાછા જઈને લખી તે જ વસ્તુ પાછી ઉખેળવા માંડો તો એમાંથી બીજાં રસાયણો નીકળી પડે, એવાં રસાયણો કે જેના અસ્તિત્વનીય આપણને ખબર નહોતી. હું એમ નથી કહેતો કે આવી સર્જનપ્રક્રિયાની વાતો ન થઈ શકે, પણ કોણ અને કેવી રીતે એ કરે છે તે મહત્ત્વનું છે.

યજ્ઞેશ : આંગણામાં ઘોડો પાડનારી, ભીંત પર નાગલા દોરતી કે આંગણામાં રંગોળી, માંડણા પૂરનારી બહેનોની વાત પરથી એમ થયું કે એક સમયે કળા કેવી જીવન સાથે ઓતપ્રોત હતી, અત્યારે તો શેખાવટીનાં ભીંતચિત્રો હોય, દક્ષિણની તાંજોર શૈલી હોય કે બિહારની મધુબની હોય. આવી સમૃદ્ધ લોકકલાનો વારસો લુપ્ત થતો જતો હોય તેવું લાગે. હવે તો ચિત્રકાર કરે તે જ ચિત્ર તેવો કોન્સેપ્ટ વ્યાપક થઈ ગયો હોય તેમ લાગે. તો આમ કેમ ? સમૃદ્ધ વારસા અંગે નિરાશા જન્મે છે ખરી? શેખ : એ બાબતે મને નિરાશા ઊપજતી નથી. કારણ એ કે આપણા દેશમાં આજેય, અમુક દેશોની પૂરી વસ્તી જેવડી મોટો, કરોડો કારીગરોનો વર્ગ છે. એમાં બધાં આવે, વણકર તે (ગુજરાતના) પટોળાનો, નાગાલેન્ડ કે મણિપુરના હોય કે કાઠિયાવાડની ભરત ભરતી કે ચિત્ર કરતી બાઈ હોય. (આટલો વિશાળ પરિવેશ ને આટલી વસ્તી), એ બધું સહેલાઈથી નીકળે નહિ, હા, એમાં, એમના કામમાં પલટા આવે, પરિવર્તન આવે. આ બધું તો છે, પણ આપણી શિક્ષણ પદ્ધતિએ આપણને એ બધું ભૂલતા કર્યા છે. એની સામે વિકલ્પ આવ્યો છે તે આપણને વધારે મહત્ત્વનો લાગે છે તેથી (પરંપરાના એ પ્રકારો) જીવનમાંથી સરતા ગયા છે. આ મોટે ભાગે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં બન્યું છે. કારીગરોમાં ભણીને પાછી કારીગરી શીખે ને જાણે એ વર્ગ બહુ નાનો, પણ જે મોટો વિશાળ વર્ગ છે તેમાં આ બધું ચાલ્યા કરે છે. હું એમ નથી કહેતો કે એ કારીગરો એવું જ કર્યા કરે અને એવાં જ રહે. એમણે શું કરવું તે એમની પસંદગીનો સવાલ છે. એમણે શું કરવું તેની પસંદગી કરનારા આપણે કોણ ? એમને સિનેમાનાં ચિત્રો જેવું ચીતરવું હોય તો એમનેય હક્ક છે આપણા જેટલો જ. આપણો અધિકાર એટલો કે એ જે કરે તે જોવું, એના વિષે વાત ક૨વી. (મૂળે પ્રશ્ન શિક્ષણપદ્ધતિ પર આવીને અટકે છે), જે પ્રકારની શિક્ષણપદ્ધતિઓ હોવી જોઈએ તે નથી અને તેથી આપણે આપણી સંસ્કારધારાને પૂરી સમજી શક્યા નથી, પામી શક્યા નથી, માણી કે નાણી નથી શક્યા. એનું એક કારણ (અવેજીમાં આવેલાં) આકર્ષક (શહેરી) વિકલ્પો છે. એ સારા કે ખોટા તે પ્રશ્ન નથી, પણ આકર્ષક બહુ છે – એટલે બધા એ બાજુ ઢળે. મોટો વર્ગ એ બાજુ ઢળે છે - અને આ બાજુ, એમની નજર જતી નથી. અને એવું કરતાં જાણે ઉપકાર કરવા એ બાજુ ઢળતા હોઈએ એવું લાગે છે.

યજ્ઞેશ : એટલે આપણે ભદ્રલોકો ઊંચા છીએ તેવો કંઈક ખ્યાલ? શેખ : હા, એવો કંઈક ખ્યાલ છે લોકકળા વિશે, (લોકકળાકારો, કારીગરો વિશે). (અને એ પણ એવું માનીને ચાલે છે.) (પોતાની કળા વિશે આત્મનિર્ણય કરવાનો અધિકાર એ કારીગરો-કળાકારો કેવી રીતે મેળવે એ વાત આપણે હજુ સમજ્યા નથી). એમ થાય તો લોકો એ કળાને વધારે માણતા, પ્રમાણતા થાય. આપણે ત્યાં તો એવું થયું છે કે ગામડાનો વિદ્યાર્થી આવે તે આપણી શાળામાં જાય, ત્યાં આપણે એને કક્કો-બારાખડી શીખવીએ, પાઠ્યપુસ્તકો આપીએ અને એ ધીમે ધીમે એની સંસ્કારધારાઓથી દૂર થતો જાય. પછી એ કૉલેજમાં જાય - ત્યાં એ બીજી સંસ્કારધારા પામે - પણ તે વાટે પાછા જવાનો રસ્તો હોતો નથી, એ બાજુનાં બારણાં લગભગ બંધ થતાં જાય છે. હવે એ રસ્તા આપણે કેવી રીતે ખોલીએ? આપણે શિક્ષણ પદ્ધતિમાં એવા રસ્તાઓ છે ? (દાખલો લઈએ), સાહિત્યમાં બધું લિખિત ન હોય, કેટલુંક મૌખિક હોય, એટલે કે આપણી ભજનોની પરંપરા, લોકગીતોનો પરંપચ એવી જ મહાન પરંપચ તે સ્ત્રી-પરંપરા: (લોકજીવનમાં) મોટા ભાગની કળાકૃતિઓ સ્ત્રીઓ જ રચે છે તેનો આપણને ખ્યાલ છે?

યજ્ઞેશ : મધુબની ચિત્રકળા સ્ત્રીઓ જ કરે છે તેવો ખ્યાલ છે. શેખ : ઘણુંબધું (એ સર્જન સ્ત્રીઓ જ કરે છે). ઓકળી સ્ત્રીઓ પાડે, ભરતકામ પણ એય કરે. મોજણી કરો તો ખબર પડે એમનો કેવડો હિસ્સો છે. એવું જ લોકગીતોનું. ઘણાં સ્ત્રીઓએ જ રચ્યાં છે. આપણી સંસ્કારધારાનું આ પરિમાણ, આ ‘ડાયમેન્શન’ આપણી સમક્ષ આવ્યું જ નથી. જે થોડીઘણી અભિજ્ઞતા વધી છે તેથી થોડું નજર સામે આવતું થયું છે. સાચી જાગૃતિ આવશે ત્યારે એ બધું પ્રમાણતા થઈશું, પણ એ અભિન્નતા કેળવાય જેથી એવી શિક્ષણ પદ્ધતિ નીપજે જેથી પરંપરાઓ સાથેનો આપણો સંપર્ક (જીવંત) રહે. હાલ તો ગામડાનો વિદ્યાર્થી હોય, ભીલ કે રાઠવા તે એની પરંપરાનું કશુંક જાળવીને બીજું શિક્ષણ પામે એવું થતું નથી, થયું પણ નથી.

યજ્ઞેશ : તેમના માટે તો પાછલાં બારણાં તો બંધ થઈ જતાં હોય છે. શેખ : પાછલાં બારણાં તો બંધ જ થઈ જાય છે. આપણે સાંપ્રદાયિકતાની અને હિંસાની વાતો કરીએ છીએ (પણ એના કારણોમાં જતા નથી), ખરેખર તો આ સંસ્કાર (ધારાઓ)ના બારણાં બંધ કર્યાં (એની અવેજીમાં) વિકલ્પો માત્ર આવા જ રહ્યા છે, બીજા વિકલ્પો રહ્યા નથી. પેલી વાત કરી હતી ને કે પવિત્ર સ્થળ હોય ત્યાં આપણે કશું (અજુગતું અવિવેકી) ન કરીએ (એવા વિકલ્પો અદૃશ્ય થયા છે).

યજ્ઞેશ : પવિત્ર સ્થળનો મલાજો રાખીએ. શેખ : (હા, એ પવિત્રતાનો) મલાજો રાખીએ. એ (શિક્ષણમાં) કે જીવનમાં વણાયેલું હોય તો (ગમે તેવા સંજોગોમાં) માણસ રસ્તો કાઢી લે. એ એમ ન કહે કે મારી પાસે બસ, બે જ રસ્તા છે, (સંસ્કારધારા એને અનેક રસ્તા ચીંધે). પણ એ મેળવવા, ફરી મેળવવા ચિંતન કરવું જરૂરી છે. પ્રયત્નો કરવાનુંય એટલું જ મહત્ત્વનું. કયા ધોરણે, સરકારી કે બીજા ધોરણે એ થાય? ઘણી વાર તો નિરાશા એટલી થાય કે આની કોઈને પડી જ નથી.

યજ્ઞેશ : એક વાર આપણે સાવલી મળ્યા ત્યારે તમે વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટ્રાઈબલ આર્ટ અને ઓસ્ટ્રેલિયન નેટીવ ચિત્રકારો વિશે. આજે વિશ્વના કળાજગતમાં એ ચિત્રોનું મોટું માર્કેટ છે. આમ આ બધી કળાઓનું એ રીતે વ્યાવસાયિકરણ થાય તો એ રીતે જીવતી રહે. નહીં તો તે કોઈ ઘરમાં કે મ્યુઝિયમમાં સચવાઈ રહેશે. શેખ : હા, એવા ઘણા રસ્તાઓ, વિકલ્પો છે. જેને બજારીકરણ કે વ્યવસાયીકરણ કહીને નકારી કાઢીએ છીએ તે દૃષ્ટિકોણ જરા આકરો છે.

યજ્ઞેશ : ના, હું એને પોઝિટિવ રીતે જોઉં છું. શેખ : તમે એને પોઝિટિવ વિકલ્પ ગણો છો. (તે આવકાર્ય છે). મધુબનીની સ્ત્રીઓ કારમી ગરીબીમાં (સબડતી હતી), કેવી દુર્દશા ! આપણે ત્યાં ગરીબોને તો દુકાળ ભોગવવાનું અને પૂરમાં તણાવાનું ! એક તરફ રેલ ને બીજે પાણીનાં (ફાંફાં)! દુકાળ ટાણે ભાસ્કર કુલકર્ણી જેવો કળાકાર ત્યાં ગયો તે પુપુલ જયકરને કારણે. મધુબની વિસ્તારની કારમી ગરીબી જોઈ એને થયું કે આમની પાસે ચિત્રો કરાવીએ તો એ સ્ત્રીઓને બે પૈસા મળે, એ બાઈઓ કોઈ ઊંચા ગજાની કળાકાર નહોતી, (એમને તો પૈસાની તાણ હતી). એણે સ્ત્રીઓને ચીતરવા કાગળ વગેરે આપ્યું ને કહે કે તમે ચીતરો તે દિલ્હીમાં વેચાય તો રળતર થાય. (આમાંથી મધુબનીમાં સ્ત્રીકળાકારોનો રાફડો નીકળ્યો !) કેટકેટલી બાઈઓએ ચિત્રો કર્યાં ! એ (બીના ઘટી એમાંથી) ગંગાદેવી જેવાં અદ્ભુત કળાકારો નીકળ્યાં ! ભાસ્કર તો ત્યાં જ રહી ગયો, ત્યાંના લોક જેવો થઈને રહેતાં ત્યાંનાં પાણી (કે કશાક)ને કારણે એને રોગ થયો ને ત્યાં જ મરી ગયો. હવે અહીં લોકકળાનું બજારીકરણ થયું કહેવાય, પણ એમાં ખોટું શું થયું? આપણે ત્યાં તો મધુબનીમાં થયું એવું દરેક પ્રદેશમાં બને. અને ગંગાદેવીએ તો (માત્ર પારંપરિક વિષયોનાં જ નહિ, નવા વિષયો પણ ચીતર્યા) અમેરિકા ગયા પછી ત્યાંના રોલરકોસ્ટરનુંય ચિત્ર કર્યું ! એમાંય ખોટું શું થયું? જીવનમાં જે જે અનુભવ્યું તે બધું ચિત્રમાં ઉતાર્યું – ને એ નવા વિષયોનાં પણ કેવાં અદ્ભુત ચિત્રો કર્યાં ! આવા અનુભવો. ભાવનગરની ખરક બાઈઓને થાય તો એ પણ એવું કેમ ન કરે ? (આપણે ત્યાં તો એટલું ભરેલું છે કે) એકલા ભાસ્કર કુલકર્ણીથી કેટલું થવાનું ! આપણે ત્યાં તો એવા હજાર જોઈએ !

પુપુલ જયકાર સાથે ગુલામમોહમ્મદ શેખ, પોમ્પીન્દૂ સેન્ટર, પારીસ, ૧૯૮૫

યજ્ઞેશ : એટલું બધું છે ! શેખ : હા, એટલું ભરેલું છે. (એવી સર્જનશક્તિનો) આપણા દેશમાં અદ્ભુત એવો ખજાનો છે. આપણા શિક્ષણમાં એમાં કેટલાક ઉત્તમ અંશો છે ખરા પણ - આ સંસ્કારને આપણે વણી નથી શક્યા. ભણતરને માત્ર ‘લિટરસી’ના અર્થમાં સમજ્યા છીએ.

રેખાંકન કરતા મધુબની કળાકાર, ગંગાદેવી, ૧૯૮૪

યજ્ઞેશ : અક્ષરજ્ઞાનના સંદર્ભમાં. શેખ : એટલે એક ‘લીટરસી’ અક્ષરજ્ઞાન પામ્યા, બીજું પેલું (દૃષ્ટિનું), ચિત્રનું ‘અક્ષરજ્ઞાન’ કહેવાય તેમાં આપણે અભણ રહ્યા. સંગીતમાં કાને બહેરા થયાં. એક બાજુનું વિકસ્યું. બીજી બાજુનું ગયું, ભુલાયું એ બંને સાથે કેમ ન થાય? થઈ શકે, થવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનો દાખલો છે તેમાંથી પાઠ ભણી શકાય એવો છે. બોધપાઠ તો ઘણા છે પણ દુર્ભાગ્યે એ આપણા લગી પહોંચતા નથી. (હાસ્ય).

રેખાંકન, ગંગાદેવી (સંગ્રહ : ગુલામમોહમ્મદ)
ભાસ્કર કૂલકર્ણી (છબી સૌજન્ય : મનુ પારેખ)

યજ્ઞેશ : પાછળ નજર કરી હવે તમારી કળાને તમે જુઓ. (વિવેચકો તો કશુંક ને કશુંક કાઢવાના જ) ત્યારે તેમાં તમને અલગ અલગ તબક્કાઓ દેખાય છે? તેનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ હોય તેવું લાગે છે? શેખ : મારા પોતાનાં ચિત્રોના વિકાસ કે ઉત્ક્રાન્તિ વિષે મારે શું કહેવાનું હોય? એને ફેરફાર કહેવાનું (વધારે વાજબી છે). એ હું અંદરથી જોઉં, તમે બહારથી જોઈ શકો. ફેરફાર તો જીવનમાં તેમ ચિત્રમાં થવાના જ અને જે વિચારીએ, જે કરીએ તે એમાં દેખાવાના. એટલે એવું તો ઘણું થયું, ચાળીસેક વરસ ચિત્રો કર્યાં હોય તો બધું સરખું તો ન જ હોયને! આપણે ત્યાં (કેટલીક વાર) એવી અપેક્ષા રખાય છે કે ચિત્રકાર એક જ જાતનું કામ કરે, એની એક જ શૈલી હોય - પણ મને લાગે છે કે એ વધારે પડતી (અને જરા ભૂલ ભરેલી) અપેક્ષા છે. આપણને બધું કરવાની છૂટ હોવી જોઈએ. પિકાસોની જ વાત કરો ને – એ જોતાં લાગે કે એણે કેટલી રીતે ચિત્રો કર્યાં ! એવું પણ બને કે તમે આ જ આ કરતા હો, પણ કાલે બીજું કરવા માગતા હો, તમારી સામે (નકારના) હોરા બેઠાં હોય ને તમને એવું કરવાની ના પાડે – અને તમે (કરવા ધારેલું) કરી ન શકો તો એ પરિસ્થિતિ ઉપકારક ન કહેવાય. એવું થાય તો કોઈકે આક્રોશપૂર્વક એવું કરી દેખાડવું પડે જેમ પિકાસોએ દેખાડ્યું ! મારા જીવનમાંય એવા તબક્કાઓ આવ્યા છે.

યજ્ઞેશ : લગભગ ચાલીસ વરસનો મોટો પટ છે છતાં નામ પાડીને વાત કરો ને ! શેખ : કૉલેજમાં હતો ત્યારે ચિત્રો કરવાનાં શરૂ કર્યાં ત્યારે એમ.એફ. હુસેનના ઘોડા મારી સમક્ષ હતા. પણ મારે કંઈક જુદું કરવું હતું – એટલે મારો ઘોડો તો ઘોડાગાડીનો નીકળ્યો ! (હાસ્ય). આપણે ત્યાં કાઠિયાવાડમાં, ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ઘોડાગાડીઓ ઘણી એટલે ક્યાંક એવું આઈડેન્ટિફિકેશન થયું હશે. હવે એમાં ઘોડો ગાડીને છોડી જતો હોય એવાં ઘણાં ચિત્રો થયાં. પછીનાં ચિત્રોમાં આકૃતિઓ વિલાવા લાગી હતી, એટલે કે અમૂર્ત કે ‘એબસ્ટ્રેક્ટ’ તરફનું વલણ વધ્યું હતું. ‘૬૩ના પ્રદર્શનના અરસામાં આકૃતિ સાવ ઓલવાવા લાગી હતી, એટલે કે સામે જાણે ખાલી દીવાલ. વિકલ્પ એવા રહ્યા કે કાં તો એ દીવાલ (તોડો), એમાં કાણાં પાડો અથવા રસ્તો બદલો. એ ગાળે પરદેશ જવાનું આવ્યું તે ઉત્તમ થયું. ઇંગ્લૅન્ડમાં ત્રણ વરસ રહ્યો ત્યાં ઘણું મંથન થયું. ચિત્રો તો કરવા હતા, પણ લાગ્યું કે મારી જેવી તૈયારી હોવી જોઈએ તેવી (કે તેટલી) નથી. અને કર્યા પણ ખરા. પણ (એની રચના) બીજાનાં ગમતાં ચિત્રોના ‘કોટેશન્સ’ – ઉદ્ધરણો સાથે કરી. ત્યારે ફોટોગ્રાફીનો ફંદ લાગેલો એટલે ફોટોગ્રાફ પરથી ચીતરવાનું, કોલાજ વગેરે કર્યું. આ બધું (અંદર પડેલા મંથનને) બહાર કાઢવા જરૂરી હતું. ‘૬૬માં પાછા ફરતા ‘ઘેર જતાં’ના લખાણ જેવું ચિત્ર પણ થયું, શીર્ષક પણ એ જ. એમાં નીચે (મેં લીધેલો) મારી માનો ફોટો છે, પાછળ દીવાલ, ઉપર એક ઈરાની ચિત્રમાં પૈગમ્બરની યાત્રા (આળેખાઈ છે તેનું ‘કોટેશન’ છે). એટલે કે (એક જ ચિત્રમાં) ક્યાંક ફોટો વાપર્યો તે, કોઈ બીજા ચિત્રનું ઉદ્ધરણ અને કેટલુંક સાવ કલ્પનાનું – એમ ત્રણેક પ્રકાર (ની સામગ્રી છે). પછીનાં ચિત્રોમાં આકૃતિઓ - (વિશેષ તો મનુષ્યાકૃતિઓ) ઓછી ને ઓછી કરવાનું ચાલ્યું. એ ગાળે ભૂમિ દશ્યો ઘણાં થયાં. ‘દીવાલ’ નામનું ચિત્ર છે (એમાં ખાસ એવું થયું). એંશીના ગાળે થયું વળી આ કરવું ને આ નહીં કરવું એ શું? એક વાર ઘરમાં બેઠો સ્કેચબૂકમાં બહાર દેખાતા આંગણાનું ડ્રોઈગ કરતો હતો ત્યારે વિચાર આવ્યો કે બારણાની બહાર ને બારણાની અંદર - જ્યાં બેઠો હતો - તે બંને ભેગાં કરીએ તો કેવું? પછી ચિત્રો થયાં તેમાં આજનું અને ગઈકાલનું તેમજ કલ્પેલું એ બધાની સહોપસ્થિતિવાળાં ચિત્રો થયાં. ‘વેઈટિંગ’ ઍન્ડ વૉન્ડરીંગ’ (‘પ્રતીક્ષા અને રઝળપાટ’)માં અનેક અનુભવોને એકીસાથે મૂકવાનો અખતરો થયો.

યજ્ઞેશ : થોડાં વરસો પહેલાં મધ્યપ્રદેશ વિધાનસભા માટે એક પ્રકલ્પ કહી શકાયાં એવું કામ તમે કર્યું. નાની ફ્રેઈમના ઈઝલ ચિત્રોમાંથી અજંતાના ભીંતચિત્રોની જેમ મોટા ફલક પર કામ થયું. (આ રીતે મોટા ફલક પર બધાંએ કામ નથી કર્યું) તો આ બંને પ્રકારના ચિત્રસર્જનમાં શું ફેર હોય ? શેખ : મેં પણ પહેલાં એવું કર્યું ન હતું. મારા માટેય આટલું મોટું એ પહેલું ચિત્ર. એ કામ મળ્યું ત્યારે આશંકા કે પછી નવા ખેડાણની વૃત્તિને કારણે ત્રણ ચિત્રો કર્યાં. હું સામાન્ય રીતે કરતો તેવાં છ બાય ચાર ફૂટનાં. એમાંથી પહેલું ને બીજું કરીને બાજુએ મૂક્યું ને ત્રીજું કર્યું તે મોટું (‘એન્લાર્જ’) કરવા વપરાયું. મોટું કરવામાં આબેહૂબ મોટું કરવાનો પ્રયત્ન હતો. ચારેક સાથીદારો રોક્યા તે મારું નાનું ચિત્ર જોઈને એન્લાર્જ કરતા. અનુભવ થયો તે અનેરો જ. એક જ વસ્તુ ચારગણી કે દશગણી થાય ત્યારે એનું સ્વરૂપ સુધ્ધાં કેટલું બદલાઈ જાય (તેની પ્રતીતિ થઈ) – ભલે તમે એ જ આકૃતિ, એ જ વસ્તુને એ જ સ્વરૂપે મોટી કરો તો પણ. કારણ કે માણસનું શરીર ને આંખ તો એવાં ને એવાં જ રહે - એટલે મોટા થતા ચિત્ર કે આકૃતિને એ જુદી જ રીતે પામે. જે (નાનું) છ ફૂટનું મૂળ ચિત્ર હતું તે સામે ઊભા રહી જોઈ શકાતું – (આપણું કદ છ ફૂટ જેટલું ખરુંને !) એનો ઉપલો ભાગ આંખની - નજરની સામે, (સમકક્ષ) રહે. એ ચિત્ર જ્યારે એકત્રીસ ફૂટનું થયું ત્યારે (નાના ચિત્રમાં) બે ફૂટ પર આકૃતિ હતી. તે પાંચ-ગણી એટલે દશ ફૂટ ઊંચે ગઈ, ત્રણ ફૂટવાળી પંદર ફૂટ પર ને પાંચ ફૂટવાળી પચીસ ફૂટ ઊંચી થઈ. એને પૂરું જોવા પાંચ-દસ-પચીસ ફૂટ પાછા હઠવું પડે. જે સામે દેખાતું હતું તે પંદર ફૂટ ચડ્યું તેને નીચે ઊભા રહી જોતાં એનું સ્વરૂપ બદલાઈ ગયું. તે ત્યાં સુધી કે (કેટલુંક નાના ચિત્રમાં બરાબર લાગેલું તે મોટું થતાં તદ્દન વિપરિત જણાયું) અને છેવટે નાનામાં આકૃતિ હતી ત્યાં મોટામાં ભૂમિદૃશ્ય કર્યું ! આ અનુભવ મોટો હતો એથી ઘણું શીખવા મળ્યું.

યજ્ઞેશ : તમે તો કહેતા હતા કે બધી (સર્જન પ્રક્રિયાની) વાતો ન થઈ શકે પણ તમે પોતે જ કુશળતાથી કરતા ગયા છો (હાસ્ય). શેખ : (હસતાં હસતાં). માસ્તરનો ધંધો ખરોને !

વિદ્યાર્થીઓએ સાથે ગુલામમોહમ્મદ શેખ, CAVA મૈસુર, ૧૯૮૦ નો દશક


યજ્ઞેશ : બીજા કયા શોખ ? શેખ : સંગીત સાંભળવાનો, ભારતીય સંગીત વિશેષ.

યજ્ઞેશ : વાચનમાં ? શેખ : બધું વાંચું છું, કવિતા, વાર્તા, નવલકથા અને વિવેચન ચિત્રકળાનું વિશેષ. સાહિત્યનું વિવેચન વાંચવાની એટલી ટેવ નથી, પણ વાંચું ખરો.

યજ્ઞેશ : અને રખડવાનું. શેખ : ખૂબ ...પહેલેથી જ ચક્ર છે (પગમાં ચક્ર હોય તેમને યાત્રા-યોગ હોય તે સંદર્ભમાં હસતાં હસતાં) હજુ પણ ગમે. ગમે ત્યારે રખડવાનું હોય, નિરુદ્દેશે એ તો ગમે જ.

ગુલામમોહમ્મદ શેખ ૨૦૧૧
(તસ્વીર : ભાવેશ પટેલ)