ગૃહપ્રવેશ/રિગર મોટિર્સ


રિગર મોટિર્સ

સુરેશ જોષી

ઝાંઝર ઝણક્યાં, નૃત્યમાં ત્વરિત ગતિએ ઘૂમતા પગને વંદરાવન શેઠ જોઈ રહ્યા. એની ગતિના પૂરમાં એઓ કોણ જાણે ક્યાંના ક્યાં ફેંકાઈ ગયા. નાડીના ધબકારમાંથી આળસ મરડીને મસ્તી જાગી, શેઠ સાહસને માટે તૈયાર થયા, આંખમાં ચમક આવી. નૃત્યની નવી નવી અદાથી ઇન્દુબાલા એમને મોહના તન્તુમાં લપેટતી ગઈ. શેઠ પરવશ બનીને મોહના ઘેનમાં ચકચૂર થતા ગયા. ત્યાં એકાએક ગતિ રમણે ચઢી, જાણે બધી વસ્તુનાં મૂળ ઊખડી ગયાં, વંટોળિયો ચઢ્યો – એવી આંધીમાં હૈયું મૂઠીમાં સાચવીને શી રીતે બેસી રહેવાય? ફનાફિદાનો મામલો હતો. ત્યાં તબલાં પર સમની થાપ પડી. ગતિ ઢગલો થઈને અવકાશમાં ઢળી પડી, ઇન્દુબાલા ઢળી પડી શેઠના ખોળામાં. શેઠ પોતાને શરણે આવેલા શરીરને જોઈ રહ્યા. આંખનો એ સુરમો, અંગમાંથી આવતી માદક ખૂશબો… ધીમે ધીમે બે હાથ ઊંચા થયા – ડોલતા ફણીધરના જેવા ને શેઠને ગળે વીંટાયા. એ સ્પર્શમાં આવેગ નહોતો, શીતળતા હતી. સાપના શરીરની શીતળતા. એ હાથ ફૂલનો હાર બની ગયા – એનાં ફૂલમાંથી ક્યાંકથી એક કીડો નીકળ્યો. એની પાછળ એકાએક બે આંખ તગતગી ઊઠી. કીડો આગળ વધ્યો, પેલી બે આંખ એની પાછળ પાછળ જવા લાગી. પાછળ પડેલી ગરોળીથી બચવા માટે કીડાએ શેઠના ગળા પરની એક નસ કોતરી ને એ અંદર લપાઈ ગયો… શેઠ સફાળા બેઠા થઈ ગયા. હોસ્પિટલના વોર્ડમાં છેડેના બે જ દીવા ઝબૂકતા હતા, આજુબાજુની ચુપકીદીમાં ગમગીની હતી – એમાં જ ક્યાંક જાણે મૃત્યુ પેંતરો ભરીને ગરોળીની જેમ શિકાર મીટ માંડીને બેઠું હતું… વંદરાવન શેઠને શરીરે પરસેવો વળી ગયો. દીવાલ પરના પડછાયામાંથી આખી ભૂતાવળ એમને ચાલી આવતી દેખાઈ, એના પડછાયા ધસ્યે જ આવતા હતા, નજીક ને નજીક. શેઠે આંખ બંધ કરી. કાનમાં એ ભૂતાવળના નાચતા પડછંદા ગાજી ઊઠ્યા. શેઠનું શરીર ભયથી ધ્રૂજી ઊઠ્યું – અનાથ બાળકની જેમ એમને કોઈકનો પાલવ પકડીને સંતાઈ જવાનું મન થયું. ચારે બાજુની ગમગીનીભરી નીરવતામાં બધું ડૂબીને તળિયે બેસી ગયું હતું. માત્ર પોતે જ એકલા ઉપર તરી રહ્યા હતા – ચોથે દિવસે ફૂલીને ઉપર તરી નીકળતા ડૂબેલા માણસના શબની જેમ…

શેઠની આંખ ઘેરાવા લાગી. તન્દ્રાના દ્રાવણમાં ઓગળતા વસ્તુઓના આકાર બદલાઈ ગયા. એમણે જોયું: પોતે ક્યાંક જઈ રહ્યા હતા. પણ એમણે ધારણ કરેલું શરીર કોઈક બીજાનું હતું. એ એમને પણ સાવ અજાણ્યું હતું. એમને બધા કોઈક બીજે જ નામે બોલાવતા હતા. ને એઓ પણ એમને પોતાનેય ન સમજાય એવી વાતો કહ્યે જતા હતા – ને અંદરથી મૂંઝાતા આ વિચિત્ર ઘટના જોઈ રહ્યા હતા. એ પેલા અજાણ્યા શરીરમાં પુરાઈને પરાણે ઘસડાઈ રહ્યા હતા ને છૂટવાનાં ફાંફાં મારી રહ્યા હતા. કોઈ રસ્તો જડતો નહોતો. એમણે પેલા શરીરને તોડીફાડીને બહાર નીકળવાનો મરણિયો પ્રયત્ન કરવા માંડ્યો. એમનો હાથ કશાક સાથે જોરથી અથડાયો. એની વેદનાથી એઓ જાગી ઊઠ્યા ને વળી બેઠા થયા. જોયું તો એમણે બધું ઓઢવાનું નીચે ફગાવી દીધું હતું. પોતાની જાત પર એમને રોષ ચઢ્યો. એમણે પથારી સરખી કરી ને હાથ પંપાળતા બેસી રહ્યા. એમને વિજયા શેઠાણી પર ગુસ્સો ચઢ્યો. પાછલા વરસના વાસી પંચાંગની જેમ, ચૂકવી દીધેલા બિલની જેમ એણે એમને અહીં ધકેલી દીધા. રોગ ચેપી છે તો તેથી શું થયું? તેથી ઘરનાં માણસ સારવાર નહીં કરે એવું કોણે કહ્યંુ? પૈસે ટકે હવે જરા ઘસાઈ ગયા છે તેથી શું? શેઠને પોતાની અસહાયતાનું ફરી ભાન થયું ને એઓ સમસમીને બેસી રહ્યા. શેઠાણીને હજુ માંડ બત્રીસ થયાં છે ને પોતે તો વન વટાવી ચૂક્યા છે. આ હકીકત ને એનાં હવે પછીનાં શક્ય પરિણામોની શેઠે કલ્પના કરવા માંડી. ડોકટર શ્રોફ, બાજુના બંગલામાંનો પેલો ચતુર્ભુજદાસનો ભત્રીજો પ્રિયકાન્ત, થોડા દિવસથી શેઠાણીને પિયરથી આવી રહેલો એનો દૂરનો સગો (!) હસમુખ… શેઠાણીના ભાવિ પ્રેમીઓની યાદી પોતાને હાથે તૈયાર થઈ રહી હતી તેનો શેઠને ખટકો લાગ્યો. પણ એથી એમને એક પ્રકારનું સુખ પણ થતું હતું. એ વાત એમણે સાથે કબૂલી લીધી. ને તેથી જ તો મન કલ્પનામાં આગળ વધ્યું… પ્રેમીઓનો વધતો જતો સમ્બન્ધ, એમનું હોસ્પિટલમાં આવવું, પોતે આંખ બીડીને ઊંઘવાનો ડોળ કરવો. એ દરમિયાનનો એમનો વાર્તાલાપ ચોરીછૂપીથી કાન સરવા રાખીને સાંભળવો અને કદીક અસાવધાનીથી અન્યોઅન્યને થતા થઈ જતા સ્પર્શને જોવા – એની પોતાને ખબર છે એની જાણ કરીને એમને ચોંકાવી દેવાં…

ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા. ક્યાંક કોઈક દરદથી કણસતું હતું. એમની ડાબી બાજુનો ખાટલો ખાલી હતો. ગઈ કાલે જ ત્યાંનો દરદી સારો થતાં છૂટો થયો હતો. ચોવીસ વરસનો જુવાન, એને ચાહનાર છોકરી… એ હજુ પરણ્યાં પણ નહોતાં – એણે એની કેવી માવજત કરી હતી! એ છોકરીના મોઢા પરથી હાસ્ય સુકાતું નહીં. કોણ જાણે ક્યાંથી એટલું બધું હાસ્ય એકઠું કરી લાવતી હશે? બંને જણાં વાતો કરતાં ને ખૂબ હસતાં. શેઠ કોઈક વાર આથી અકળાઈ ઊઠતા. જુવાન સારો થશે એવું એમને લાગતું નહોતું; પણ પેલી યુવતીના હાસ્યથી જાણે મૃત્યુની છાયા ડરીને દૂર ભાગતી હતી. એમનું રક્ષણ કરવાને એવા જ કોઈકના હાસ્યની એમને ઇચ્છા થઈ આવી. ઘણી વાર એ છોકરીની નાની શી ડોકને પોતાના હાથમાં લઈને મરડી જોવાનું મન એમને થઈ આવતું. એમની પાસે, અત્યન્ત નજીક, નિર્મળ આનન્દના સ્રોતમાં નાહીનાહીને પેલો જુવાન એના પરની મરણની રહીસહી છાયાને ધોયે જતો હતો… ને પોતે! ઇન્દુબાલાનું ખરીદેલું હાસ્ય પણ આજે ચોપડામાં ઉધાર બાજુએ પડી ચૂક્યું હતું. આથી કોઈક વાર મધરાતે પેલા જુવાનનો ટોટો પીસી નાંખવાનું એમને મન થયું હતું. એક વાર એમણે એક યુક્તિ પણ અજમાવી જોઈ હતી. પેલી યુવતીના ગયા પછી એમણે વાત ઉપાડી:

‘ભાઈ, માઠું ના લગાડશો, પણ ઘણા દિવસથી તમને એક વાત પૂછું એમ મનમાં થયા કરે છે. પણ તમે કાંઈ અવળું તો નહીં સમજી બેસો ને? કારણ કે તમારી તબિયત નાજુક રહી એથી તમારા દિલને આઘાત લાગે તો!’

એમણે આટલું બોલીને પેલા જુવાન સામે જોયું. ધારેલી અસર થઈ. પેલાના મોઢા પર ચિન્તાની આશંકાની કરચલી પડી. એણે કહ્યું: ‘શું છે શેઠ, કહી નાંખો ને, હું કશું અવળું નહીં સમજું.’

‘એ તો ભાઈ, વાત એમ છે કે કાલે મેં આ તમને મળવા આવે છે તે બહેનને અહીંથી નીકળ્યા પછી બહાર કોઈ જુવાનની સાથે એકાદ કલાક ઊભાં ઊભાં વાતો કરતાં જોયા.’ આમ કહીને શેઠ ખંધું હાસ્યા. ત્યાં પેલાએ તરત હસી પડીને કહ્યું: ‘ઓહો, એ તો ધીમન્ત જોડે વાતો કરતી હતી. એણે મને કહ્યું હતું.’

શેઠે પૂછ્યું: ‘પણ એ ધીમન્ત કોણ છે?’

‘એ તો એનો નાનો ભાઈ.’ શેઠ જરા ખિસિયાણા પડી ગયા. આ ઘટનાના સ્મરણથી એમનું મન કડવું થઈ ગયું.

શેઠે ફરી આંખો બંધ કરી. એ દરવાજા બંધ કરતાં ક્યારે શું અંદર છાનુંછપનું ભરાઈ જાય છે તેની હવે ખબર પડતી નથી. સાવધ રહેલું કામમાં આવતું નથી. આથી હવે શેઠ ભીતિપૂર્વક શું વીતે છે તેની રાહ જોઈ રહ્યા. વિજયા શેઠાણી, ઇન્દુબાલા, પેલાં યુવકયુવતી, રેસકોર્સ, દોડતા ઘોડા, ઇયળ, પતંગિયું, આકાશમાં ઊડતો પતંગ, ભૂરો અવકાશ, એમાં તરતું લાલ બિમ્બ, એ બિમ્બમાંથી ઊપસી આવતો એક આકાર, એનો કાળો પડછાયો, એ પડછાયાનો વધતો જતો વિસ્તાર, એનાં નજીક ને નજીક આવતાં પગલાં, એનો ચહેરો, કપાળ પર વળેલી કરચલીની ગડી, એમાં થઈને વહેતી પરસેવાની નીક, આંખમાંની ચીકણી પીળાશ, ભીંસેલા હોઠ, ફૂલેલી નસો, શાહુડીના કાંટાની જેમ ઊભા થઈ ગયેલા વાળ, હાથના પહોળા પંજા, ટૂંકાં જાડાં આંગળાં, એ આંગળાં પર લોહી – એમણે ધારીધારીને જોયું – એ પોતાનો જ ચહેરો હતો! એઓ જાગી ઊઠ્યા. એમણે પોતાના હાથ પર નજર કરી. ખાટલાની ધારને જોરથી ભયના માર્યા પકડી રાખવાથી હાથમાંથી લોહી નીકળ્યું હતું. શેઠ એ હાથને જોઈ રહ્યા…

એમણે જમણી પડખેના ખાટલા પર નજર કરી. જગમોહન ઘોરતો હતો. દાક્તરે હજુ એને ગઈ કાલે સવારે જ કહ્યું: ‘કાકા, તમે કોઈ દિવસ એકાએક થાપ આપીને રવાના થઈ જવાના છો!’ ત્યારે જગમોહને હસીને કહેલું: ‘ભાઈ, આ તો સંતાકૂકડીની રમત, એમાં સંતાતી વખતે ‘આવજો’ કહેવાની સહી નહીં.’ ને એ અત્યારે નચંતિ જીવે ઘોરે છે. એ નિશ્ચિન્તતાની હૂંફ લેવાનો શેઠને વિચાર આવ્યો. એમણે જોયું તો હોસ્પિટલની નર્સ કોઈ ઇમરજન્સી કેસ આવ્યો હોવાને કારણે ઓપરેશન થિયેટરમાં ગઈ હતી. એઓ ઊઠ્યા. જગમોહનની પથારીમાં ગયા ને એની સોડમાં ભરાઈને સૂતા, એક હાથ લઈને એનાં આંગળાં પોતાનાં આંગળાં સાથે ગૂંથ્યાં ને આંખો બીડી.

માની સોડ, વિજયા શેઠાણીની સોડ, જગમોહનની સોડ…. શેઠ વિચારે ચઢ્યા. ધીમે ધીમે વિચારનો વળ ઊતરતો ગયો ને તન્દ્રાનું મોજું ફરી વળ્યું. શેઠનું થાકેલું શરીર આખરે હેઠે બેસતું લાગ્યું… નીચે, નીચે ને નીચે… પોતે નીચે ને નીચે જઈ રહ્યા છે. આજુબાજુ છે લીલો ને પીળાશ પડતો પ્રકાશ, ક્યાંય કશું એમની ગતિમાં અન્તરાય રૂપ નથી; તેઓ જઈ રહ્યા છે – નીચે ને નીચે… હવે ધીમે ધીમે એઓ ઓગળતા જાય છે. ચહેરો ભુંસાયો, શરીરની રેખાઓ ગઈ, પરપોટો રહ્યો. એ નાનો શો બુદ્બુદ ઓગળતો નથી. એ હજુ દેખાય છે – નીચે ને નીચે. હવે પેલો પીળાશ પડતો લીલો પ્રકાશ દેખાતો નથી; દેખાય છે કેવળ બુદ્બુદ – એ નવો આકાર ધારણ કરે છે – માંસનો પિણ્ડ – મરેલા અવતરેલા બાળકના જેવો. થાકીને સૂતેલી ઇન્દુબાલાનું નીચે ગબડી ગયેલું એક સ્તન – એના પર પોતાના હાથે આલેખેલી ઉઝરડાની લિપિ… ફૂલનો ગુચ્છો, અત્તરદાની, પાયલનો ઝણકાર, સારંગીનો કરુણ વિલાપ, મોઢામાંથી ટપકતી પાનની લાળ, પગની પાની પરનો હીનો, લાલ તરતો અવકાશ, એ અવકાશમાંથી ઝળુંબી રહેલો કાળો સાપ – એની એમના તરફ મંડાયેલી સ્થિર નિષ્પલક આંખ, એની ઘડીક બહાર નીકળીને અંદર ખેંચાઈ જતી જીભ, એની મૂછના ફરકતા વાળ, એની વાંકીચૂકી ગતિ, એનો ભીનો શીતળ સ્પર્શ… પગે, ત્યાંથી આગળ ઘૂંટણે, કેડ પર, છાતીએ, ગળે, એ વીંટાતો જાય છે – એની સાથે વીંટાતા જાય છે હજાર લાખ્ખોનાં જમાઉધારના ચોપડાનાં પાનાં, વિજયા શેઠાણીના ચન્દનહાર… એમના શરીરની બધી નસો પણ જાણે બહાર નીકળીને એમને વીંટળાઈ રહી છે, જાણે કોઈક એમને કસીકસીને બાંધી રહ્યું છે, ફરી કદી ન છટકી શકે એવા બન્ધને… ને એઓ ચોંક્યા, ચીસ પાડી ઊઠ્યા.

નર્સ આવી, દાક્તર આવ્યા. દાક્તરે કહ્યું: રિગર મોટિર્સ! મરી ગયેલા જગમોહનના શેઠને ગળે વીંટળાયેલા હાથ લાકડા જેવા થઈ ગયા હતા. એની પકડમાંથી શેઠનું ગળું છૂટતું નહોતું. મરણે જાણે શેઠને ગાઢ આલિંગનમાં જકડી લીધા હતા.