ગોરધનદાસ ડાહ્યાભાઈ ઍન્જિનિયર

ઍન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ (૨૯-૧-૧૮૯૦, –): કવિ, અનુવાદક. જન્મ સારોલીમાં. વતન સુરત. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૭માં ઍલ્ફિન્સ્ટન અને વિલ્સન કૉલેજમાંથી બી.એ., ૧૯૨૧માં એલએલ.બી., ૧૯૨૬થી સોલિસીટર.

એમણે અઢાર સર્ગમાં રામાયણની કથા કહેતું શિષ્ટ દીર્ઘકાવ્ય સમાવતો કાવ્યસંગ્રહ ‘શ્રીરામચરિતામૃત' (૧૯૧૭) તથા રાષ્ટ્રીય ગીતોનો સંગ્રહ ‘પ્રભાતફેરી' (૧૯૩૦) એ બે મૌલિક કૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત, પર્શિયન અને બંગાળી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓનાં ભાષાન્તરો પણ કર્યાં છે. એ પૈકી પંડિત જગન્નાથ-કૃત ‘કરુણાલહરી' (૧૯૩૯), ‘લહરીયુગલ’ (ગંગાલહરી અને યમુનાલહરી), કવિ પુષ્પદંત-રચિત ‘શિવમહિમ્ન’ (૧૯૫૫), ‘કંઠાભરણ – ૧-૨-૩’ (૧૯૫૭-૬૬), ‘કૃષ્ણલીલામૃત – ૧-૨’ (૧૯૪૪-૫૧), રવીન્દ્રનાથ-કૃત ‘ઉત્સર્ગ’ (૧૯૩૩) અને ‘ગીતાંજલિ' (૧૯૨૮) તથા ‘ઉમર ખય્યામની રૂબાઈ' (૧૯૩૨-૩૩) નોંધપાત્ર છે.