ગોવર્ધનદાસ કહાનદાસ અમીન

અમીન ગોવર્ધનદાસ કહાનદાસ, ‘જયંત' (૨૭-૮-૧૮૯૧): નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન સિનોરમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ વડોદરામાં. વડોદરા રાજ્યમાં વતનદાર તરીકે. એમણે બે ઐતિહાસિક નવલકથાઓ ‘દક્ષિણનો વાઘ' (૧૯૨૦) અને ‘પાટલીપુત્રની પડતી' (૧૯૨૪) તથા એક સામાજિક નવલકથા ‘દુર્ભાગી દારા' (૧૯૨૩) લખી છે. ઉપરાંત, ‘દાદાભાઈ નવરોજીનું ટૂંકું જીવનચરિત્ર' (૧૯૧૭) પણ એમણે લખ્યું છે. એમણે નોંધપાત્ર અનુવાદો આપ્યા છે. ‘બૂકર ટી. વૉશિંગ્ટન’ (અનુ., ૧૯૧૪), ‘અદ્ભુત આગબોટ', ‘પ્રતિજ્ઞાપાલન', ‘યુરોપના રણરંગ' (ત્રણેય ૧૯૧૬) અને ‘છત્રપતિ રાજારામ’ (૧૯૧૭) એમનાં અન્ય પુસ્તકો છે.