ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ


કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ,

(બી. એ. એલએલ. બી.,)

એઓ જાતે બ્રહ્મક્ષત્રિય છે અને એમના વડીલો મૂળ વતની નડિયાદ પાસે આવેલા ગામ અલીણાના છે. એમનો જન્મ તા. ૨૦મી નવેમ્બર ૧૮૮૮ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ ડૉ. છોટાલાલ હરિલાલ દેસાઈ અને માતાનું નામ ઈશ્વરી છે. એઓ બાર વર્ષની ઉંમરના હતા તે વખતે એમના પિતાનું અકાળ અવસાન થયું હતું; એટલે એમની કેળવણીનો ભાર એમના માતા પર આવી પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ નં. ૧માં એમણે પ્રાથમિક શિક્ષણ મેળવેલું. સન ૧૯૦૫માં મેટ્રિકની પરીક્ષા અમદાવાદ સરકારી હાઇસ્કુલમાંથી (હાલની રણછોડલાલ છોટાલાલ હાઇસ્કુલ) પાસ કરેલી અને સન ૧૯૦૯–૧૦માં બી. એ.,ની ડીગ્રી, ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસનો ઐચ્છિક વિષય લઈને મેળવી હતી. તે પછી સન ૧૯૧૧–૧૨માં એઓ એલએલ. બી. થયા હતા. ત્યારથી એમણે સાહિત્યમાં અને જાહેરજીવનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બે એક વર્ષ અમદાવાદમાં ગાળ્યા પછી, તેઓ મુંબઈમાં જઈ વસ્યા. અને ક્રમે કરીને ઇંડસ્ટ્રીઅલ અને પ્રુડેનશીઅલ જીંદગીના વીમાની દેશી કંપનીના મેનેજર થયા છે; તેમ છતાં સાહિત્ય અને સેવાકાર્ય પ્રતિનો એમનો અનુરાગ પૂર્વવત ચાલુ રહ્યો છે. છેલ્લાં સોળ વર્ષથી એમનું જ્ઞાતિનું ‘બ્રહ્મક્ષત્રિય’ ત્રિમાસિક તેઓ નિયમિત રીતે ચલાવે છે; વળી જુનાં અને જાણીતાં “સ્ત્રીબોધ” માસિકનું તંત્ર એમના હાથમાં ૧૯2૦ ની સાલથી આવ્યું. તે પછી “સ્ત્રીબોધ”માં પણ સુધારાવધારા થવા પામ્યા છે. એક સારા સ્ત્રી માસિક તરીકે તેની ગણના થયલી છે અને તેની પ્રતિષ્ઠા જામેલી છે, તે મોટે અંશે એમના પ્રયાસને જ આભારી છે. આ બધા વ્યવસાય સાથે તેઓ સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિ સાધવાના કાર્યમાં, સહકારી હિલચાલનો પ્રચાર વધારવામાં, તેમ સમાજ સુધારણાની અને સાહિત્યની પ્રવૃત્તિમાં તેઓ એકસરખો રસ લે છે અને તેમાં પોતાનો ફાળો યથાશક્તિ આપે જાય છે, એ ખુશી થવા જેવું છે. એમનો પ્રથમ લેખ સન ૧૯૧૬માં લખાયલો. તે અરસામાં તેમણે Public Library નામના એક અમેરિકન ગ્રંથનો અનુવાદ કરેલો, તે પ્રથમ કટકે કટકે ‘બુદ્ધિપ્રકાશ’માં અને બીજા માસિકોમાં છપાયલો અને પાછળથી ‘પુસ્તકાલય’ એ નામે એક સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી ભાષામાં “પુસ્તકાલય” વિષે એ એકજ પુસ્તક છે. સામળભટ્ટની સિંહાસન બત્રીસીનો વાચકોને પરિચય કરાવવા, લેમ્બસ કૃત શેકસપીઅર કથાની પેઠે, ગદ્યમાં સાર, પ્રથમ ‘સ્ત્રીબોધ’ માટે તૈયાર કરેલો, તે પછીથી ગુ. વ. સોસાઇટીએ બે ભાગમાં છપાવ્યો છે. એમનું પુસ્તક “ગૃહજીવનની સુંદરતા”ની ત્રણ આવૃત્તિઓ થઈ ચૂકી છે, એ તેની લોકપ્રિયતા સૂચવે છે. તે લોકપ્રિય થઈ પડવાનું એક કારણ એમની સરલ, ઘરગથ્થુ લેખનશૈલી છે અને બીજું ગમે તેવા ગૂઢ અને કઠિન વિચારો ઝટ અને સ્પષ્ટ સમજી શકાય એવી રીતે દર્શાવવામાં તે વિષયપરના કાબુની સાથે એમનું બુદ્ધિકૌશલ્ય મદદગાર થાય છે અને તે ધારી અસર ઉપજાવી શકે છે. તેઓ એક અસરકારક (effective) લેખકની સાથે સારા વક્તા પણ છે. “બાળસાહિત્ય”ના વિકાસમાં તેઓ ખૂબ રસ લે છે. તેથી તેમણે “સ્ત્રીબોધ” સાથે “બાળક” વિભાગ જોડીને બાળકો માટે માસિક વાંચન આપવા માંડ્યું છે.

એમના ગ્રંથોની યાદી:

પુસ્તકાલય સન ૧૯૧૬
મારી વીસ વાતો ”   ૧૯૧૯
રાજ્યનીતિનો સંક્ષિપ્ત ઇતિહાસ (ભાષાંતર) ”   ૧૯૨૦
ગૃહજીવનની સુંદરતા (ભાષાંતર) ”   ૧૯૨૩
સિંહાસન બત્રીસીની વાતો ભા. ૧–૨ (પદ્યમાંથી ગદ્ય.) ”   ૧૯૨૬
સહકાર પ્રવેશિકા (ભાષાંતર) ”   ૧૯૨૮

આ ઉપરાંત “સ્ત્રીઓ અને મતાધિકાર”, “ધર્મ અને નીત્યજીવન”, “પુનર્ઘટના અને સહકારી તત્ત્વ”, “ગ્રામ પુનર્ઘટના” વગેરે તેમની લખેલી પત્રિકાઓ પણ છપાઈ પ્રસિદ્ધ થઈ છે.