ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ગિજુભાઈ ભગવાનજી બધેકા


ગિજુભાઈ ભગવાનજી બધેકા

એઓ વલ્લભીપુર–વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ભગવાનજી શંકર બધેકા અને માતાનું નામ શ્રીમતી કાશીબ્હેન છે. એઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધેલું. સન ૧૯૦૫માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી પ્રિવિયસની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કાયદો વાંચવો શરૂ કર્યો અને પોતે ડિસ્ટ્રિકટ અને હાઇકોર્ટ વકીલ થયા; પણ કેળવણી પ્રતિ જાણે કે નૈસર્ગિક આકર્ષણ ન હોય તેમ વકીલાત કરવાનું નાપસંદ કરી, તેઓ શ્રીયુત નસિંહપ્રસાદ ભટ્ટે નવા શરૂ કરેલા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં દાખલ થયા. સમસ્ત ગુજરાતમાં આજે એ સંસ્થા એક પ્રાથમિક કેળવણીનું જીવંત કેન્દ્ર અને પ્રયોગશાળા બની રહી છે, એનો યશ મુખ્યત્વે એમને છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને શિક્ષણશાસ્ત્ર છે. શિક્ષણશાસ્ત્રને એમણે પોતાનો ખાસ અભ્યાસ અને પ્રયોગનો વિષય કરી મુકેલો છે; કેળવણીના ક્ષેત્રમાં આજકાલ જે નવું ચેતન નજરે પડે છે, એ એમની સતત ખંત ભરી પ્રવૃત્તિને કેટલેક દરજ્જે આભારી છે. ગુજરાતમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ પ્રચલિત કરનાર, એઓજ છે, જો કે છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયત્નો કોઈ કોઈ સ્થળોએ પૂર્વે થયા હશે. જ્યારથી બાલમંદિર દક્ષિણામૂર્તિએ સ્થાપ્યું છે, ત્યારથી એઓ તેના પ્રાણ બની રહ્યા છે; એકલું શિક્ષણકાર્ય એમના માટે બસ નથી. તેઓ પ્રચારકાર્યમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવે છે; અને તે પાછળ એમણે ઉપાડેલો શ્રમ અપૂર્વ છે.

એમણે બાળકો માટે સંખ્યાબંધ પુસ્તકો લખેલાં છે. બાલસાહિત્યની આપણે અહિં જે ઉણપ જણાયા કરતી હતી, તે દક્ષિણામૂર્તિના પ્રકાશનથી ઘણે અંશે ઓછી થઈ છે. હમણાં તેમણે જનતામાંથી નિરક્ષરતા ટાળવાનો મહાભારત અખતરો શરૂ કર્યો છે; અને તે માટેની એમની ધગશ અને પદ્ધતિસર કાર્ય કરવાની શક્તિ અને વ્યવસ્થા જોતાં, એમનો એ અખતરો ફતેહમંદ થવાની આશા પડે છે.

આવા એમના નિઃસ્વાર્થ અને સરસ સેવાકાર્ય બદલ ગયે વર્ષે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો.

વળી એઓ “શિક્ષણ પત્રિકા”ના સહતંત્રી છે, જે માસિક પ્રાથમિક કેળવણીમાં રસ લેનારાઓ માટે અગત્યનું છે અને તેનું લવાજમ પણ તેનો બહોળો પ્રચાર થાય એ હેતુથી માત્ર એક રૂપિયો રખાયું છે.

એમના પુસ્તકોની યાદીઃ

બાલ લોકગીત સંગ્રહ ભા. ૧, ૨ ૧૯૨૮
બાળવાર્તાઓ ભા. ૧ થી ૫ (ત્રીજી આવૃત્તિ) ૧૯૨૯
કૈલાસ માનસ સરોવર દર્શન.
[મરાઠીનો ગુજરાતી અનુવાદ]
મોન્ટેસોરી પદ્ધતિ
[અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર]
વાર્તાનું શાસ્ત્ર
વાર્તા કહેનારને
ઘરમાં બાળકે શું કરવું?
બાળ ક્રીડાંગણો
ધર્માત્માઓનાં ચરિતો [ત્રીજી આવૃત્તિ.] ૧૯૨૯
ભગવાન બુદ્ધ ૧૯૩૦
કિશોર કથાઓ [બીજી આવૃત્તિ.] ૧૯૨૯
રખડુ ટોળી [અંગ્રેજીનો અનુવાદ.] ૧૯૨૮–૨૯
વસંતમાળાનાં પુસ્તકો:—


સ્વતંત્ર બાલશિક્ષણ
શિક્ષણના વ્હેમો
બાલ મંદિરમાં
બાળકોની કુટેવો
બાલગૃહ
દવાખાને જઈ ચઢ્યો


બાલજીયનમાં ડોકિયું
બાળકોનું બ્હીવું
બાળકોનો ખોરાક
તોફાની બાળક
સાંજની મોજો
નવા આચારો


બાલ સાહિત્યમાળાનાં પુસ્તકો: ૧૯૨૮–૨૯ દરમિયાન.


ગણપતિ બાપા
ચેલૈયો
ઉભું હતું, ઉભું હતું.
હજામડી
તિરંદાજ
ગામડામાં મળજો
બાલ પ્રવાસો
મારા ગોઠીયા
જરા હસો
ક્યાંથી આવ્યાં?
મદ્રનો જે રાક્ષસ
રૂપસિંહ ને રામસિંહ
ટપાલની પેટી
ગધેડું
ચીડીયાખાનું
મહાસભાઓ
ઘરમાં
આંગણામાં
શેરીમાં
બાળશાળામાં
ગામમાં
ફરવા જઈએ
ભોં ભોં ભોં
ગધેડું ને ઘોડું
દાદા દર્શને
બાળનાટકો–૨
સવારથી માંડીને
કુદરતમાં


કબાટ
બાળકોનો બીરબલ–૧
બાળનાટકો–૧
હંસ અને હંસા
મોતીયો
રામજીભાઈ પડી ગયા!
ધોબીડો ધુએ છે
પીરૂ અને
મામાની જાળ્ય
વાડામાં
રોજનીશી
બાળકોનો બીરબલ–૨
મારી ગાય
કાળા હાથ, કાળી દાઢી
ખળાવાડ
પૂછું?
બુદ્ધ ચરિત્ર
ગુજરાત મહારાષ્ટ્ર (સંયુક્ત)
હરિશ્ચંદ્ર
કહેવતોનાં મૂળ
ગપગોળા
આફ્રિકા સાંભર્યું
શબ્દપોથી
વાક્યપોથી
ચિઠ્ઠીપોથી
નાના પાઠો
મોટા પાઠો
નાની વાતો


મોન્ટેસોરી શિક્ષણ પ્રચારમાળાનાં પુસ્તકો:
પાઠ આપનારાઓને
મોન્ટેસોરી પદ્ધતિ ખર્ચાળ છે?
મોન્ટેસોરી શિક્ષકની દૃષ્ટિ