ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર


જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર.

એઓ જાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં પ્રભાસપાટણ છે; પરંતુ એમનો જન્મ સુરત જીલ્લામાં વલસાડ તાલુકે ઉંડાચમાં તા. ૮મી જુન ૧૮૯૧ના રોજ થયો હતો. તેઓ હમણું ત્યાંજ વસે છે. એમના પિતાનું નામ ન્હાનાભાઈ વિષ્ણુરામ પ્રભાસ્કર અને માતાનું નામ શ્રીમતી ગંગાબાઈ છે.

એમણે ઇંગ્રેજી અભ્યાસ કરેલો છે; તે ભાષાનું જ્ઞાન કૉલેજમાં લીધું નથી છતાં ઇંગ્રેજીનું વાચન વિશાળ છે; તેમજ, મરાઠીનું સારું જ્ઞાન ધરાવે છે. મુખ્ય વ્યવસાય ખેતી છે. એમના અભ્યાસના પ્રિય વિષયો કવિતા અને સાહિત્ય ગ્રંથો છે. ગુજરાતી કવિઓમાં એક રાસ લેખક તરીકે એમણે કીર્તિ મેળવેલી છે. તેમાંય એમના રાસનું પદ્યલાલિત્ય અને વાણીની મૃદુતા રૂચિકર થઈ વિશેષ ધ્યાન ખેંચે છે. એમના રાસનાં બે પુસ્તકો “વિહારિણી” અને “શરદિની” વાચકવર્ગમાં લોકપ્રિય નિવડ્યા છે અને ત્રીજું ‘મન્દાકિની’ ટૂંક વખતમાંજ પ્રગટ થનાર છે.

વળી “પ્રતાપ”માં આવતા એમના સાહિત્ય પત્રો આપણા સાહિત્યની પ્રવૃત્તિમાં રસ લેનારાઓને વાંચવા જેવા હોય છે. તેઓ હમણાંજ નવી સ્થપાયલી વલસાડ સાહિત્ય સભાના ઉપ–પ્રમુખ છે.

એમના ગ્રંથોની યાદીઃ

વિહારિણી ઇ. સ. ૧૯૨૬
શરિદની ”  ૧૯૨૮
મન્દાકિની ”  ૧૯૩૦