ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જીવનલાલ અમરશી મહેતા


જીવનલાલ અમરશી મહેતા

એઓ જ્ઞાતિએ દશાશ્રીમાળી વાણીઆ; સ્થાનકવાસી જૈન છે. એમના પિતાનું આખું નામ અમરશી સોમજી અને માતાનું નામ કસ્તુરબાઈ છે. એમનો જન્મ વડોદરા રાજ્યના અમરેલી પ્રાંતમાં ચલાળા ગામે સંવત્ ૧૯૩૯માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ છ ધોરણનું મળેલું અને તે પછી એક વર્ષ વડોદરા ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેવામાં માત્ર સોળ વર્ષની નાની વયમાં પિતાનું મરણ થતાં વિદ્યાભ્યાસ છોડી સ્કુલમાં માસિક રૂ. ૫) બાબાશાઈની નોકરી લેવી પડી. ત્રણેક વરસ નિશાળની નોકરી કર્યા પછી વડોદરામાં પ્રસિદ્ધ થતા “દેશભક્ત” પત્રમાં સબએડીટર તરીકે જોડાયા હતા અને સન ૧૮૯૯માં તેમણે “ધર્મનો જય” એ નામનું વાર્તાનું પહેલું પુસ્તક લખ્યું હતું, જે વડોદરામાંથી પ્રસિદ્ધ થતા “દેશભક્ત” પત્રના ગ્રાહકોને ભેટ અપાયું હતું. તે પછી તેઓ ઇ. સ. ૧૯૦૦ની સાલમાં ગુ. વ. સોસાઇટીમાં કલાર્ક તરીકે દાખલ થયા હતા અને એમની જાત હોંશિયારી અને કાબેલીઅતથી સોસાઇટીના કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી, આસિ. સેક્રેટરીની જગો સુધી પહોંચ્યા હતા. સન ૧૯૧૧માં સોસાઇટીમાંથી છૂટા થયા પછી, જે ધંધા માટે પોતાને પ્રથમથી અભિરૂચિ હતી અને સોસાઇટીમાં દસ વર્ષ રહીને જે લાઈનનો અનુભવ મેળવ્યો હતો તે પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધર્યું; અને તેમાં તેમને અસાધારણ સફળતા મળેલી છે, એમ એમની “જ્ઞાનવર્ધક ગ્રંથમાળા”ના ગ્રંથો તથા બીજાં ગુર્જર વિદ્વાનોનાં પ્રકાશનો કે જેની સંખ્યા એકસો ઉપરાંતની થવા જાય છે, તે ઉપરથી જોનાર જરૂર કહેશે. કેટલાક લેખકોને તેમણે પ્રથમ પ્રકાશમાં આણ્યા છે. તેઓ જાણીતું “ સ્ત્રીબોધ ” માસિકપત્ર શ્રીયુત્ કેશવપ્રસાદ તથા પુતળીબાઇ કાબરાજીના તંત્રીપદ હેઠળ ચલાવે છે, અને તે પત્ર અત્યારે આટલું લોકપ્રિય થયું છે તેમજ નવસો પાનાંનું બહોળું વાચન, ત્રણ રૂપિયાના વાર્ષિક લવાજમમાં ભેટના પુસ્તક સાથે ગ્રાહકોને આપે છે. એ એમની કાર્યદક્ષતા અને કરકસરભર્યા વહિવટનું જ પરિણામ છે, એમ કહેવું જોઈએ. વડોદરા તથા અમદાવાદમાં છાપખાનાના મેનેજર (વ્યવસ્થાપક) તરીકે પણ કામ કરેલું છે તેમજ “જ્ઞાનસુધા” માસિક પત્ર પણ કેટલાંક વર્ષ તેમણે ચલાવ્યું છે. “બુદ્ધિપ્રકાશ”, “જ્ઞાનસુધા”, “સ્ત્રીબોધ”, “વૈશ્યપત્રિકા” વગેરે માસિકોમાં છુટાછવાયા લેખો લખતા હતા. આ સિવાય એક ગુજરાતી પુસ્તકપ્રકાશક તથા બુકસેલરની પેઢી તરીકે પણ એમનું કામકાજ અમદાવાદમાં બહોળું ચાલે છે; અને હમણાં તેમણે મુંબાઇમાં એક શાખા ખોલી છે. ઇ. સ. ૧૯૩૦થી તેમણે બાળકો માટે “બાળ પુસ્તકમાળા”ની યોજના હાથ ધરી છે.

એમનાં પુસ્તકોની યાદીઃ

૧ ધર્મનો જય (અનુવાદ) ઇ. સ. ૧૮૯૯
૨ વિકૃત બુદ્ધિનો વિવાહ (અનુવાદ)
૩ મરાઠી રિયાસત, ભાગ ૧-૨ સ. ૧૯૨૪–૨૬
૪ શ્રી કૃષ્ણજીવન (અનુવાદ) સ. ૧૯૧૧
૫ સત્યભામા ( “ નાટક) સ. ૧૯૧૬
૬ ગોપાળકૃષ્ણ ગોખલે (અનુવાદ) સ. ૧૯૧૫
૭ વેપારોપયોગી પાઠમાળા સ. ૧૯૧૪
૮ ગુજરાતી શબ્દાર્થ ચિંતામણી (કોષ) સ. ૧૯૨૬
૯ જીવનચરિત્ર (ઈનામી નિબંધ) સ્વતંત્ર લેખઃ (વસન્ત) સ. ૧૯૦૮