ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નર્મદાશંકર બાલાશંકર પંડ્યા


નર્મદાશંકર બાલાશંકર પંડ્યા

એઓ રાજપીપળાના વતની છે; અને રાજપીપળા–નાંદોદમાં જ એમનો જન્મ તા. ૩૦મી ઑગષ્ટ ૧૮૯૩ના રોજ થયો હતો. એમના પિતાનું નામ બાલાશંકર કાળાભાઈ પંડ્યા અને માતાનું નામ ગંગાબાઈ કૃપાશંકર પંડ્યા છે. એમણે બી. એ., સુધી અભ્યાસ કર્યો છે તેમજ સરકારી કેળવણી ખાતાનો એસ. ટી. સી.,નો ડિપ્લોમા પણ મેળવ્યો છે. સન ૧૯૦૪થી ૧૯૧૯ સુધી જૂદી જૂદી સ્કૂલોમાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ ગાંધીજીએ સરકારી શાળાઓ અસહકાર જાહેર કરતાં ગ્રાન્ટ–ઇન–એઇડવાળી સ્કુલ સાથેનો સંબંધ ત્યજી દઈ, પોતે અસહકારી ચળવળમાં જોડાયલા. સન ૧૯૨૬ સુધી સુરતની વિનયમંદિર શાળાના હેડમાસ્તર તરીકે કામ કરેલું: તે પછી તેઓ જાહેર સેવાકાર્યમાં પડેલા છે. હાલમાં સત્યાગ્રહની લડાઇમાં સુરત જિલ્લા તરફથી એક મુખ્ય કાર્યકર્તા તરીકે સરસ કામ કરી રહ્યા છે. એમનો પ્રિય વિષય વૈષ્ણવ સાહિત્યનો અભ્યાસ, ખાસ કરીને ચૈતન્ય સંપ્રદાયનો અને તે માટે એમણે બંગાળા, ઓરિસા આદિ સ્થાનોમાં પ્રવાસ પણ કરેલો છે. એમનું પ્રથમ કાવ્ય સન ૧૯૦૪માં ‘બુદ્ધિપ્રકાશ’માં આવેલું; અને પ્રથમ ગ્રંથ ‘પાગલ હરનાથ’–એક બંગાળી સાધુ પુરુષના પત્રો–બંગાળી પરથી સન ૧૯૧૨માં બહાર પડ્યો હતો.

એમના ગ્રંથોની યાદીઃ

૧. પાગલ હરનાથ ઇ. સ. ૧૯૧૨
[બંગાળાના એક સંતના ભક્તિ વિષયક પત્રોનું બંગાળીમાંથી ભાષાંતર.]
૨. શ્રીકૃષ્ણ ચૈતન્ય ભા. ૧ ”  ૧૯૧૩
[સ્વ. શશિકુમાર ઘોષકૃત “અમીય નિમાઈ ચરિત”ના છ ભાગ પૈકી પ્રથમ ભાગનો અનુવાદ.]
૩. સંસાર દર્પણ ”  ૧૯૧૪
[સ્વ. રમેશચંદ્ર દત્તની ‘સમાજ’ નવલકથાનો અનુવાદ.]
૪. પ્રાણચિકિત્સા ”  ૧૯૧૫
૫. રાજાષ અશોક* ”  ૧૯૧૬–૧૭
[બંગાળી તથા વિસેન્ટ સ્મિથના ઇંગ્રેજી ગ્રંથના આધારે]
૬. સ્વામી વિવેકાનંદ ભા. ૪–૫ ”  ૧૯૧૭–૧૮
[“From Almora to Colombo” નામના ઇંગ્રેજી પુસ્તકનો અનુવાદ.]
૭ . રામકૃષ્ણ કથામૃત ”  ૧૯૧૮–૧૯
[રામકૃષ્ણ પરમહંસના શિષ્ય માસ્ટર “म” કૃત એજ નામના બંગાળી ત્રણ ગ્રંથો પૈકી પહેલા
ત્રણનો અનુવાદ]
૮. મહાન નેપોલિયન ”  ૧૯૨૪
[એબટ, બંકિમચંદ્ર, લાહિડો તથા બીજાં ઇંગ્રેજી જીવનચરિત્રોના આધારે]
૯. રાજયોગ [સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો]. ”  ૧૯૨૪
૧૦. યોગતત્ત્વ. ”  ૧૯૨૫
[અમેરિકન લેખક રામચરકના કેટલાંક ઇંગ્રેજી પુસ્તકો પરથી સંકલિત.]
૧૧. ગૌરાંગ મહાપ્રભુ* ”  ૧૯૨૫
૧૨. ભગવાન ચૈતન્યદેવ ”  ૧૯૨૯
૧૩. પ્રેમાવતાર ચૈતન્યદેવ ” 
૧૪. ધ્વજારોપણ અથવા બારડોલીનો ધનુષ્ય ટંકાર ” 
[બારડોલી સત્યાગ્રહની જૂદી જૂદી ઘટનાઓ નાટકરૂપે.]
__________________________________________________________
* અપ્રકટ છે.