ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ન્હાનાલાલ દલપતરામ કવિ


ન્હાનાલાલ દલપરામ કવિ

એમ. એ.,

એઓ અર્વાચીન ગુજરાતના એક મુખ્ય વિધાયક અને નામાંકિત કવિ દલપતરામ ડાહ્યાભાઈના ચોથા પુત્ર, જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ છે. એમનો જન્મ સં. ૧૯૩૩માં ચૈત્ર શુદ ૧ ગુડી પડવાના દિવસે અમદાવાદમાં થયો હતો. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાંજ લીધેલું; પણ વિદ્યાર્થી અવસ્થામાં એમણે માતપિતાને તોફાન મસ્તીથી રંજાડેલાં, તેથી કેટલોક સમય એમને સ્વ. પ્રો. કાશીરામ દવેની પાસે મોરબીમાં રાખવામાં આવેલા; અને એમની સાથેના સહવાસની અસરથી એમનો જીવનપલટો થયો. પિતાને પોતે ન્હાનપણમાં સંતાપેલા તેનો પશ્ચાત્તાપ એમણે ‘ભગવદ્ગીતા’નો અનુવાદ તેમને અર્પણ કરતાં, અર્પણ પત્રિકામાં, પૂજ્ય ઉંડી લાગણી ભર્યાં શબ્દોમાં કર્યો છે, જે એની સરસતાથી ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે. તેમજ પ્રો. દવેને કાવ્યોના બીજા ભાગના અર્પણમાં અપેલી નિવાપાંજલિ પણ એટલીજ સુંદર બની છે અને એમના પ્રત્યેની પૂજ્ય ગુરૂભક્તિ ભાવ-ભીના હૃદયે અસરકારક રીતે, તેમાં વ્યક્ત થઈ છે. સન ૧૮૯૩માં મેટ્રીક થઇ, એઓ એલફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, ને ૧૮૯૬માં ગુજરાત કૉલેજમાં આવ્યા, ૧૮૯૮માં પિતાના મૃત્યુ પછી ડેકન કૉલેજમાં ગયા, અને સન ૧૮૯૯માં બી. એ.ની પરીક્ષા ફિલૉસોફી અને લૉજીક ઐચ્છિક વિષય લઈને બીજા વર્ગમાં પાસ કરી. સન ૧૯૦૧માં એમ. એ.,ની પરીક્ષા હિસ્ટ્રી, પોલિટિકલ ઇકોનોમી અને પોલિટિક્સ વિષય લઈને પાસ કરી. તે પછી સન ૧૯૦૨માં એઓ સાદરા સ્કૉટ સ્કૉલેજમાં રૂ. ૮૦ના પગારથી પ્રથમ હેડમાસ્તર નિમાયા અને સન ૧૯૦૪માં એમની રાજકોટ રાજકુમાર કૉલેજમાં પ્રોફેસર તરીકે રૂ. ૧૫૦ના પગારથી બદલી થઈ. આ જગો પર તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા. તે અરસામાં એમના કાર્યથી પ્રસન્ન થઈ રાજકોટના નરેશ સ્વ. સર લાખાજી રાજે સરકાર પાસેથી એમની નોકરી ઉછીતી લઈ એમને સર ન્યાયાધિશ નિમ્યા. પ્રસંગોપાત દિવાનનું કાર્ય એમને સોંપાતું હતું. ત્યાંથી પાછા ફરતાં રાજકુમાર કોલેજમાં તેઓ વાઇસ પ્રિન્સિપાલ અને સન ૧૯૧૯માં એજન્સી એજ્યુકેશન ઑફીસર થયા હતા. પણ સન ૧૯૨૧માં દેશમાં રાષ્ટ્રીય હિલચાલનું જે પૂર ફરી વળ્યું તેમાં યથાશક્તિ ફાળો આપવા એઓ પણ તત્પર બન્યા અને ૧૯૨૧ ના નવેમ્બરમાં કલકત્તામાંના અત્યાચારોને કારણે સરકારની ત્યારની રાજનીતિના વિરોધ તરીકે પોતે પગાર કે પેન્શનની પરવા કર્યા વિના રાજીનામું આપ્યું. નિવૃત્ત થયા પછી તેઓ અમદાવાદમાં આવી રહ્યા છે. એમનું લાંબુ કાવ્ય ‘વસન્તોત્સવ’ સન ૧૮૯૯માં પ્રથમ “જ્ઞાન સુધા”માં ડોલન શૈલીમાં પ્રકટ થયું ત્યારે સાહિત્ય દુનિયામાં કંઇક આશ્ચર્ય સાથે પ્રત્યાઘાત થયો હતો. એ નવીન ડોલન શૈલીની સામે ચોક્કસ વર્ગ વિરુદ્ધ અભિપ્રાય ધરાવે છે તેમ છતાં ગુજરાતી કાવ્યસાહિત્યમાં, તેમણે નવીન માર્ગ ખોલ્યો છે; અને તે એમના કાવ્યની વિશિષ્ટતા થઈ પડી છે. એમના રાસો પણ દયારામની ગરબીની પેઠે ગુજરાતી જનતામાં અત્યંત આકર્ષક નિવડ્યા છે; અને બીજાં અનેક લેખકોએ એનું અનુકરણ કર્યું છે, તે એમના રાસેની સફળતા તેમ લોકપ્રિયતા સૂચવે છે. વળી પ્રાશ્ચાત્ય ગેય કાવ્યોનું એકલું અનુકરણ કે ભાષાંતર ન કરતાં, જુનાં પ્રચલિત લોકગીતોના રાહ લઈ નવીન કાવ્યો–ગરબી અને રાસો રચી એમણે ગુજરાતી કાવ્યસાહિત્યને તેમાં માધુર્ય, પ્રસાદ, પદલાલિત્ય અને તાલબદ્ધતા આણી, સમૃદ્ધ કર્યું છે; અને તેની રસિકતા અને ભાવ, રસ અને કલ્પનાની તરબોલતાના કારણે એમને અર્વાચીન ગુજરાતી કવિઓમાં અગ્રસ્થાને મૂકવામાં આવે છે. એક કવિ તરીકે એમણે સારી કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં છે; એટલુંજ નહિ પણ ગુજરાતીમાં સ્વતંત્ર નાટકો રચીને પોતે ચિરસ્થાયી સ્થાન મેળવ્યું છે. વાચકવર્ગમાં એવા થોડાકજ મનુષ્ય હશે, જેઓ એમની કૃતિઓ, ‘ઈંદુ કુમાર’ અને ‘જયા જયન્ત’થી થોડા ઘણા અંશે પણ પરિચિત નહિ હોય. એ નામે ગુજરાતી જનતામાં સર્વ સામાન્ય થઇ પડ્યાં છે; અને એમના અન્ય ગ્રંથો, વિશ્વગીતા, પ્રેમકુંજ, રાજર્ષિ ભરત, જહાંગીર નૂરજહાંનમાં પણ એમની તેજસ્વી કલમ ઝળકી રહે છે તેમજ એમની બીજી કેટલીક કૃતિઓ હજુ અપ્રસિદ્ધ પડેલી છે, તે માટે રસિક વાચકવર્ગ ઉત્સુકતાપુર્વક રાહ જુએ છે. આપણે અહિં લાંબાં કે વીર રસનાં કાવ્યોના લેખકો થોડાકજ મળી આવે છે. પણ એમણે હમણાં કુરુક્ષેત્ર–મહાભારતના સંગ્રામનું એક વીર કાવ્ય ઇ. સ. ૧૯૨૬થી છપાવવા માંડ્યું છે, જેના છ કાંડ પ્રકટ થઈ ચૂક્યા છે. એ મહાકાવ્યની કદર કરીને ભાવનગર રાજ્યે ઇ. સ. ૧૯૩૦થી કવિશ્રીને રૂ. ૫૦૦નું વર્ષાસન બાંધી આપ્યું છે. સન ૧૯૨૭માં એમની સુવર્ણ જ્યુબિલિ નિમિત્ત, ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોમાં સમારંભ રચાઈ, એમને માન અપાયું હતું, તે દર્શાવે છે કે ગુજરાતી પ્રજાનો એમના પ્રતિ કેટલો બધો ચાહ અને સદ્ભાવ છે. ખરે, એમની અપૂર્વ કવિત્વશક્તિ, સમર્થ લેખનશૈલી, તેજસ્વી બુદ્ધિ અને નૈસર્ગિક રચનાને કારણે એમનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અનોખું છે; અને વીસમી સદીના સાહિત્યની પ્રથમ ત્રીશીને ન્હાનાલાલ યુગનું ઉપનામ અપાય છે તે વાજબી છે અને તે લેખકના માટે ખચિત્ માનભર્યું છે. નીચે એમના ગ્રંથોની યાદી આપી છે, તે પરથી જોઇ શકાય છે કે અમુક અંતરે એમની કલમમાંથી નવીન કૃતિઓ નિયમિત રીતે ઝરતી રહી છે અને તે પ્રવાહ હજુ ચાલુ છે, એ ઓછું આનંદજનક નથી.

એમના ગ્રંથોની યાદીઃ

૧ કેટલાંક કાવ્યો, ભા. ૧ લો (બે આવૃત્તિઓ) સન ૧૯૦૩
૨ રાજસૂત્રોની કાવ્ય ત્રિપુટિ ૧૯૦૩-૦૫-૧૧
૩ વસન્તોત્સવ (ત્રણ આવૃત્તિઓ) ”  ૧૯૦૫
૪ કેટલાંક કાવ્યો ભા. ૨ જો (બે આવૃત્તિઓ) ”  ૧૯૦૮
૫ ઇન્દુ કુમાર, અંક ૧લો (ત્રણ આવૃત્તિઓ) ”  ૧૯૦૯
૬ ન્હાના ન્હાના રાસ, ભાગ ૧લો (છ આવૃત્તિઓ) ”  ૧૯૧૦
૭ શ્રીમદ્ ભગવદ્ગીતા, સમશ્લોકી ”  ૧૯૧૦
૮ જયા–જયન્ત (ચાર આવૃત્તિઓ) ”  ૧૯૧૪
૯ મેઘદૂત સમશ્લોકી ”  ૧૯૧૭
૧૦ ઉષા (પાંચ આવૃત્તિઓ) ”  ૧૯૧૮
૧૧ ચિત્રદર્શનો ”  ૧૯૨૧
૧૨ રાજર્ષિ ભરત (બે આવૃત્તિઓ) ”  ૧૯૨૧
૧૩ પ્રેમકુંજ (બે આવૃત્તિઓ) ” 
૧૪ પ્રેમભક્તિ-ભજનાવલિ ”  ૧૯૨૪
૧૫ સાહિત્ય મન્થન ” 
૧૬ વૈષ્ણવી ષોડશ ગ્રન્થો, સમશ્લોકી (બે આવૃત્તિઓ) ”  ૧૯૨૫
૧૭ શકુન્તલાનું સંભારણું, સમશ્લોકી (બે આવૃત્તિઓ) ”  ૧૯૨૬
૧૮-૧૯ યુગપલટા અને મહા સુદર્શન (બે આવૃત્તિઓ) ”  ૧૯૨૭
૨૦ ઉદ્બોધન (બે આવૃત્તિઓ) ” 
૨૧ અર્ધ શતાબ્દિના અનુભવ બોલ (બે આવૃત્તિઓ) ” 
૨૨ સંસાર મન્થન (બે આવૃત્તિઓ) ” 
૨૩ વિશ્વગીતા (બે આવૃત્તિઓ) ” 
૨૪ ઇન્દુ કુમાર, અંક ૨જો (બે આવૃત્તિઓ) ” 
૨૫ ન્હાના ન્હાના રાસ, ભાગ ૨જો (બે આવૃત્તિઓ) ”  ૧૯૨૮
૨૬ ગીતમંજરી ” 
૨૭ જહાંગીર–નૂરજહાન ” 
૨૮-૨૯ યોધપર્વણી અને પ્રતિજ્ઞાદ્રન્દ્ર (બે આવૃત્તિઓ) ” 
૩૦ કુરુક્ષેત્ર: એકાદશકાંડ, શરશય્યા ”  ૧૯૨૯
૩૧ કુરુક્ષેત્ર: દ્વિતીયકાંડ, હસ્તિનાપુર નિર્ઘોષ ”  ૧૯૩૦