ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પ્રાણજીવન વિશ્વનાથ પાઠક


પ્રાણજીવન વિશ્વનાથ પાઠક

એઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ; મૂળ વતની ભોળાદના (તા. ધોળકા), અને જન્મ ગામ ખંભાળીઆ કાઠિયાવાડમાં તા. ૨૨મી ઑગષ્ટ ૧૮૯૮ના રોજ થયો હતો. રાજકોટ હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાંથી જે ઉત્તમ સ્કોલરો નિકળ્યા છે અને નામ કાઢ્યું છે, તેમાં વિશ્વનાથ સદારામ પાઠક અગ્રસ્થાન લે છે. એમના સૌથી ન્હાના પુત્ર તે પ્રાણજીવનભાઈ; અને રામનારાયણ પાઠક તે એમના વડિલ બંધુ. પિતાના બધા ઉન્નત્ત અને ઉત્તમ સંસ્કારો તેમ લેખનવાચનનો શોખ પુત્રોને સાંપડ્યાં છે. તેઓ સન ૧૯૧૪ના નવેમ્બરમાં મેટ્રીક થઈ કોલેજનું પહેલું દોઢ વર્ષ તેમણે વડોદરામાં ગાળ્યું. યુનીવર્સીટીનાં ટર્મ બદલાયાં તેથી વધારાના છ માસ દરમીઆન તેમણે ત્યાંની લાયબ્રેરીનો ખૂબ ઉપયોગ કર્યો તેની અસર તેમના જીવન ઉપર ઉંડી રહી ગઈ છે. કોલેજનાં છેલ્લાં ૩ વર્ષ તેમણે ફર્ગ્યુસનમાં ગાળ્યાં અને સન ૧૯૧૯માં તેમણે ઑનર્સ સાથે બી. એ.,ની પરીક્ષા પાસ કરી હતી. એમનો ઐચ્છિક વિષય ફિલસુફી હતો. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓ બહુ ચંચળ અને બુદ્ધિશાળી માલુમ પડેલા; અને તે લક્ષમાં રાખીને સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે, ખાનગીમાં એક પ્રસંગે કહેલું, એમના વિષે ભવિષ્ય ભાખેલું, કે આગળ જતાં એની વિદ્વત્તાથી એ ઝળકી ઉઠશે. એમ કહેવું અતિશયોકિત ભર્યું નથી, કે નવા ઉગતા લેખકોમાં એમણે પોતાના લેખોથી ઉત્તમ છાપ બેસાડી છે; જેમાં એમનો સૂક્ષ્મ અભ્યાસ અને ચિંતન દૃષ્ટિગોચર થાય છે. એ પોતાના વિષયમાં એટલા પારંગત છે કે તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર (આઇન્સ્ટાઇન) અને સંગીત જેવા ગૂઢ અને કઠિન વિષયોનું સ્પષ્ટીકરણ તેઓ બહુ સરલતાથી કરી શકે છે.

એમના પ્રિય વિષયો સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત–માનસશાસ્ત્ર છે. ખેદ માત્ર એ છે કે એમના અભ્યાસને અનુકૂળ અને ઉત્તેજક થઈ પડે, એવી નોકરી એમને સાંપડી નથી; તેમ છતાં જેમને અભ્યાસ પ્રત્યે પ્રીતિ છે તે પોતાને રૂચતી અને બંધબેસતી પ્રવૃત્તિ કોઈને કોઈ શોધી લે છે. વળી મિજ લિસે ફિલસુફાનની સ્થાપના એમની એવી વૃત્તિનું પરિણામ છે. વસ્તુતઃ એને ઉભું કરનાર એઓ જ છે; અને એ એમનું પ્રિય બાળક–સંસ્થા છે.

જાણીતા નાટકકાર ઈબ્સનના ડૉલ્સ હાઉસનો અનુવાદ “ઢીંગલી” એ નામથી એમણે સન ૧૯૨૫માં પ્રકટ કરેલો છે; અને તે પુસ્તક લોકાદર પામ્યું છે. એના આગલા વર્ષે સન ૧૯૨૪માં “અનંતા” નામનું તેમનું બીજું એક નાટક પણ “આરણ્યક”ના નામથી યુગધર્મ ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયું હતું; પણ તેમાંની વિષયવસ્તુ કંઈક કઠિન હોઈને “ઢીંગલી” જેટલું તે જાણીતું થયું નથી.

એમના લેખોમાં ચિંતન અને અભ્યાસ બંને નજરે પડે છે અને એમનાં એકાંકી નાટકોનો સંગ્રહ થઈ એક પુસ્તક રૂપે બહાર પડે તો તે જરૂર જનતાનું–વાચકનું ધ્યાન ખેંચે અને લોકપ્રિય નિવડે.

એમના ગ્રંથોની યાદીઃ

અનંતા (આરણ્યક) [નાટક] સન ૧૯૨૪
ઢીંગલી (અનુવાદ) [નાટક] સન ૧૯૨૫