ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રમેશ રંગનાથ ઘારેખાન


રમેશ રંગનાથ ઘારેખાન

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ; પાટણના વતની છે. એમનો જન્મ દ્વારકામાં સન ૧૮૯૮ના જાન્યુઆરીમાં થયો હતો. એમના પિતાનું નામ રંગનાથ શંભુનાથ ઘારેખાન અને માતાનું નામ અ. સૌ. સત્યભામા (તે બળવંતરાય ગોપાળરાય મજમુદારના પુત્રી) છે.

એમણે ઘણુંખરું શિક્ષણ વડોદરામાં જ લીધું હતું. સન ૧૯૧૫માં મેટ્રિક થયા પછી તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયા હતા; અને સન ૧૯૧૯માં બી. એ.,ની પરીક્ષા ઑનર્સ સહિત સાહિત્ય ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી.

એમનો પ્રિય વિષય પત્રકારિત્વ છે, એટલે કૉલેજ છોડ્યા પછી એમણે જૂદા જૂદા દૈનિક, સાપ્તાહિકો અને માસિકોમાં લેખ લખવા માંડેલા; અને તેની સંખ્યા આજસુધીમાં બહુ મોટી થવા જાય છે.

તેઓ ‘રમાપતિ’ “મનોરમ” વિ૦ની સંજ્ઞાથી લેખો લખે છે. હમણાં તેઓ બર્મા પ્રાંતિક મહાસભા સમિતિના મંત્રી છે અને રંગુનમાંથી ‘બ્રહ્મદેશ’ નામનું અઠવાડિક ચલાવે છે. તે અગાઉ તેમણે ‘બમાં વર્તમાન’, અને દૈનિક ‘હિન્દુસ્તાન’માં ઉપતંત્રી તરીકે તથા “રંગુન મેલ”ના તંત્રી તરીકે કામ કરેલું. ડાંગેના ગાંધી અને લેનિન નામક એક ઉત્તમ ગ્રંથનો અનુવાદ એમણે કર્યો છે; જે “હિંદુસ્તાન”માં ૧૯૨૧માં ક્રમિક પ્રકટ થયો હતો. પણ દુર્ભાગ્યે જ્યાં ત્યાં એમની ફેરફારી થતી રહેતી હોવાથી ગ્રંથરૂપે છાપી શકાયો નથી. તે એક સ્વતંત્ર ગ્રંથ તરીકે છપાવવાની જરૂર છે; કારણ કે તેમાં દુનિયાના બે મહાન ક્રાન્તિકારી વીર પુરુષો વિષે અત્યંત મનનીય વિચારો ચર્ચેલા છે.

એક પત્રકાર તરીકે એમની લેખિનીનો પ્રવાહ સતત ચાલુ રહે છે. લગભગ વીશેક વાર્તાઓ, એક બે નાટકે અને તે ઉપરાંત બ્રહ્મદેશ અને બરમીઝ પ્રજા, એમનું જીવન અને સમાજરચના; એમના તહેવારો અને એમનું લોકસાહિત્ય વગેરે વિષયો પર ખાસ લેખો લખીને જાણવા યોગ્ય અને ઉપયોગી માહિતી એમના અઠવાડિક ‘બ્રહ્મદેશ’માં આપેલી છે.

અત્યારે “બ્રહ્મદેશ”, બર્મામાં વસતી ગુજરાતી પ્રજાની કિમતી સેવા કર્યે જાય છે; એટલુંજ નહિ પણ તેમની ઑફીસ ગુજરાતી વિચાર, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રચારનું તે એક કેન્દ્ર થઈ પડી છે; અને બૃહદ્ ગુજરાત માટેના મનોરથો ત્યાં રંગુનમાં સિદ્ધ થતાં પ્રત્યક્ષ થાય છે, તેમાં શ્રીયુત રમેશભાઈનો હિસ્સો થોડો નથી.