ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નિબંધો અને વ્યાખ્યાનો

નિબંધો અને વ્યાખ્યાનો

નિબંધના સાહિત્યનો જે સ્વરૂપવિકાસ અંગ્રેજી સાહિત્યમાં થયેલો જોવા મળે છે તે કદાચ જગતની બીજી કોઈ ભાષામાં નહિ મળે. આપણે ત્યાં નિબંધને સાહિત્યના ગંભીર અને શાસ્ત્રીય વિષયોની ચર્ચાના વાહન તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. અને વિષયની ગંભીરપણે મુદ્દાસર ચર્ચા કરતા સુશ્લિષ્ટ લેખો તે નિબંધ અને અગંભીરપણે સ્વૈરવિહારી રજૂઆત કરનાર હળવા લેખો તે નિબંધિકા એવો ખ્યાલ સામાન્યતઃ પ્રવર્તે છે. સગવડને ખાતર નિબંધિકાનું સાહિત્ય હાસ્યસાહિત્યના વિભાગમાં અવલોકાશે. નિબંધસાહિત્યને અત્ર તપાસીશું. એમ તો વિવેચનના અને ચિંતનસાહિત્યના લેખસંગ્રહોને અહીં જ સ્થાન મળવું જોઈએ, કારણકે એ સર્વ લેખોનું સ્વરૂપ નિબંધાત્મક છે, પણ વિષયદૃષ્ટિએ એ બધા તે તે વિભાગમાં ઉલ્લેખાતા હોવાથી અહીં તો અન્ય કોઈ વિભાગોમાં સ્થાન પામી ન શકે તેવા જ લેખસંગ્રહોને નિર્દેશીશું. એવાં પુસ્તકોમાં 'વાતાયન' (ધૂમકેતુ); 'ઊર્મિ અને વિચાર' તથા 'ગુલાબ અને કંટક' (રમણલાલ દેસાઈ); 'કલાચિંતન' (રવિશંકર રાવળ); ‘સ્ફુલ્લિંગ' મંડળ ૧-૨ (શાન્તિલાલ ઠાકર) આદિ ખાસ ઉલ્લેખપાત્ર છે. આનંદશંકરનું 'વિચારમાધુરી' તે સૌમાં શ્રેષ્ઠ છે. ‘વિચારમાધુરી'ના નિબંધો મુખ્યત્વે સાહિત્ય, કેળવણી, સમાજ અને રાષ્ટ્રચિંતનના છે. એ સૌમાં મનુષ્યહિતચિંતક, શિક્ષણપ્રેમી, વિચારશીલ પંડિત આનંદશંકરના ઉદાત્ત વ્યક્તિત્વને એકધારો પરિચય થાય છે. એનું સ્વરૂપ વિચારબદ્ધ, સુસંકલિત અને સઘન છે. એની વિચારધારા તેજોમય, સુસ્પષ્ટ અને વિષયના ઊંડા અભિનિવેશવાળી છે. એનું ગદ્ય સૌમ્યમધુર, ક્યાંક મલમલની ઝીણી ફરફરવાળું, ક્યાંક કિનખાબના રેશમની સુઘટ્ટતાવાળું પણ સર્વત્ર એકસરખું પ્રસન્નગંભીર છે. ‘વાતાયન’ના નિબંધો જેટલા સુશ્લિષ્ટ નથી તેટલા પ્રેરક વિચારતણખાની માળા જેવા છે. એમાં ક્યાંક લાગણીનાં સ્પંદનો છે, ક્યાંક તરંગોના કે અપકવ વિચારોના બુટ્ટા છે, ક્યાંક આકર્ષક શબ્દરમતો છે. ધૂમકેતુનું ગદ્ય ઘણુંખરું સૂત્રાત્મક શૈલીનું સચોટ લાઘવ બતાવે છે. રમણલાલના નિબંધોમાં આકર્ષક વિચારો, મીઠા કટાક્ષો અને મનનીય ચિંતનકણિકાઓ આમ તેમ વેરાયેલ મળી રહે છે. તેમના નિબંધોનું સ્વરૂપ વિશૃંખલ અને પોત પાતળું છે, પણ તેમાં રમણલાલની લાક્ષણિકતાનાં ભારોભાર દર્શન થાય છે. પ્રસાદ, રસિકતા, નાગરી સુઘડતા અને મીઠાશ જેમ રમણલાલની ગદ્યશૈલીનાં લક્ષણો છે તેમ હમણાં હમણાંમાં સારી પેઠે ધારદાર બનેલા કટાક્ષપ્રયોગો પણ તેમની આગળ પડતી ખાસિયત બનેલ છે. રા. રવિશંકર રાવળના નિબંધો શિક્ષણ અને કલાવિષયક છે. કલાનું રહસ્ય, તેનું મહત્ત્વ, શિક્ષણમાં અને જીવનમાં તેનું સ્થાન, વગેરે બાબતો વિશે તેમણે સરલતાથી સાફ શબ્દોમાં પોતાની વિચારણા વ્યક્ત કરી છે. એમાંના ઘણા મુદ્દાઓ મનનીય છે. રવિભાઈનું ગદ્ય આદર્શ કલાશિક્ષકનું હોવાથી તેમાં કલાકારની કુમાશ અને શિક્ષકની પ્રેરકતાનો સરસ સમન્વય થયેલો છે. ‘સ્ફુલ્લિંગ’ના કર્તા શ્રી, શાન્તિલાલ ઠાકર ફિલ્સફીના અભ્યાસી, શ્રી અરવિંદના પૂજક અને છટાદાર વ્યાખ્યાતા છે. તેમના નિબંધોમાં એ ત્રણે લક્ષણો સારા પ્રમાણમાં વરતાય છે. ધર્મ, ભક્તિ અને તત્ત્વજ્ઞાનવિષયક ચિંતન, સુશ્લિષ્ટ નિબંધાત્મક આલેખન અને સંસ્કૃતમય છતાં વ્યાખ્યાતાની છટાવાળું ગદ્ય શ્રી. શાન્તિલાલનાં બંને પુસ્તકોને શોભાવે છે. એક જ વ્યાખ્યાતાનાં ભાષણોનાં પુસ્તકો લેખે આ દાયકાનાં બે પુસ્તકો ખાસ ધ્યાન ખેંચે છે. ૧. ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ તથા ૨. ‘શિક્ષણ અને સંસ્કૃતિ’ (રવિશંકર મહારાજ). બંને વક્તાઓ લોકનેતા દેશભક્ત અને ત્યાગી છે. અગાધ વિદ્વત્તાએ કે ઊંડા શાસ્ત્રજ્ઞાને નહિ, પણ લોકોની યાતનાઓ ને દુ:ખો જાણીને લોકોના અંતરમાં સ્થાન પામવાની તેમની અદ્ભુત શક્તિને લીધે, અન્યાયો અને જુલ્મો સામે ઝઝૂમવાની એમની અપાર હિંમતને લીધે તથા એમના વિપુલ અનુભવબળને લીધે બન્નેનાં વ્યાખ્યાનોમાં તેજના તણખા વેરતી સીધી સાદી હૃદય સોંસરી ઊતરી જાય તેવી વિચારશ્રેણી રહેલી છે. આમવર્ગના જ એક માણસ તરીકે ઊભા રહી તેમની જ ભાષા બોલતા, તેમની જ ઘરગથ્થુ છતાં સમર્થ બોલીમાં ગહન રાજકીય અને સામાજિક પ્રશ્નો સરલતાથી ઊકેલી બતાવતા, તેમને યોગ્ય માર્ગદર્શન કરાવતા અને અમુક આવશ્યક કર્તવ્ય માટે તેમને ઉત્તેજતા આ વ્યાખ્યાતાઓ તેમના મૃદુ-લોખંડી વ્યક્તિત્વથી, વક્તવ્ય રજૂ કરવાની તેમની સરલ છતાં વિશિષ્ટ પદ્ધતિથી અને જનતા તરફ ઊભરાતા અપાર પ્રેમથી સૌનો તત્કાળ આદર મેળવી લે છે. સૌમ્ય અને પ્રેમાળ લોકશિક્ષક તરીકે રવિશંકર મહારાજનું તો ગુલામી, અન્યાય, જૂઠ અને સીતમ સામે સૂતા લોકને જગાડી તૈયાર કરનાર સેનાપતિ તરીકે સરદારનું વ્યક્તિત્વ તેમનાં ભાષણને પાને પાને નીતરે છે. એમાંય સરદારની ઠંડી તાકાત, તેમના તીખા કટાક્ષ, તેમનું વેધક હાસ્ય, તેમનો સંયમિત ઉત્સાહ ને બલિષ્ટ આવેશ તો ગુજરાતી ભાષાનું ખરેખરું જોમ પ્રગટ કરે છે. વ્યાખ્યાનોના અન્ય ગ્રંથો-'વાર્ષિક વ્યાખ્યાનો' (ગુજ. વિદ્યાસભા), 'સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો, (ભારતીય વિદ્યાભવન, મુંબઈ), 'શતાબ્દી વ્યાખ્યાનમાળા' (ગુ. વિદ્યાસભા), 'ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા' (પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા) અને વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનસંગ્રહો(મુંબઈ યુનિવર્સિટી) તેમના વિવિધ વ્યાખ્યાતાઓની વિદ્વત્તા અને વિષયના ઊંડા શાસ્ત્રજ્ઞાને અભ્યાસયોગ્ય બન્યા છે.