ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નિવેદન

નિવેદન

સને ૧૯૩૭ સુધીમાં 'ગ્રંથ અને ગ્રંથકાર'ના આઠ ભાગ પ્રસિદ્ધ થયા પછી ૧૯૪૨માં નવમો ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પછી દસમા ભાગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું, પણ એ તૈયાર થતાં કેટલોક વિલંબ થયો. આ કામ વ્યવસ્થિત રીતે હાથ ધરાઈ સમયસર પ્રસિદ્ધ થાય એ માટે ગ્રંથના સંપાદનનું કામ પ્રૉ. ધીરુભાઈ ઠાકરને સોંપવામાં આવ્યું. એમણે ભારે જહેમત ઉઠાવી કાર્યનો આરંભ કર્યો. વિગતો તેમજ વિદેહ તથા વિદ્યમાન લેખકોની ચરિત્રવિષયક માહિતી મેળવવાનું કામ આરંભ્યું, જેમાં કેટલોક સમય ગયો તે પછી જ ત્રણેક વર્ષથી મુદ્રણકાર્ય પણ શરૂ કરી શકાયું. આ કામ વધુ ઝડપથી થાય એ માટે એમણે પ્રૉ. ઇન્દ્રવદન દવેની મદદ લીધી. એ બેઉ ભાઈઓએ સારો શ્રમ લઈ આ દસમો ગ્રંથ આ સ્વરૂપમાં તૈયાર કરી આપ્યો છે. એમણે એમની પ્રસ્તાવનામાં ‘ગ્રંથ અને ગ્રંથકાર'ના ભવિષ્યના ગ્રંથોની યોજના વિચારી છે તેમાંનાં બે અંગોનો જ અમલ આ ગ્રંથમાં થઈ શક્યો છે. આ કામ ઉત્તરોત્તર ચાલુ જ રહેવાનું હોઈ એ યોજનાનાં ચારે અંગોથી ભવિષ્યના ભાગ સમૃદ્ધ બની શકશે એવી અમને શ્રદ્ધા છે. આ પ્રકારના ગ્રંથની ઉ૫યોગિતા વિશે બે મત નથી. ગુજરાતી સાહિત્યના વિકાસમાં વિવિધ પ્રકારનો ફાળો આપનારા લેખકો-વિદેહ કે વિદ્યમાન-નું ગુજરાતી સાહિત્યના સર્વાંગીણ ઇતિહાસમાં કયા પ્રકારનું સ્થાન છે એ આવા ચરિત્રગ્રંથોથી જ સમજી શકાય. આવા શુભ ઉદ્દેશે આ સંસ્થાના ભૂતપૂર્વ સહાયક મંત્રી સ્વ. શ્રી. હીરાલાલ પારેખે આ ગ્રંથમાળાનો આરંભ કરી દરેક વર્ષે એક એક ગ્રંથ પ્રસિદ્ધ કરી આઠ ગ્રંથ બહાર પાડ્યા હતા. આ પછી પંદર વર્ષના ગાળામાં બે નવા ભાગ બહાર પડે છે. ગાળો વધુ લાંબો છે, પણ તેથી નવમા ભાગમાં પાંચ વર્ષની સાહિત્ય-સમીક્ષા આપી શકાઈ હતી તો આ દસમા ભાગમાં દસ વર્ષની સાહિત્ય-સમીક્ષા આપી શકાઇ છે. અને એ રીતે સ્વ. હીરાલાલના ઉદ્દેશની પણ પૂર્તિ થતી રહી છે. આ ગ્રંથમાળાનું ભવિષ્ય માટે દિશા અને માર્ગનું સૂચન આ પુસ્તકના સંપાદકોએ કર્યું છે તે પ્રકાશક સંસ્થા એટલે ગુજરાત વિદ્યાસભાના સંચાલકો હવે પછીના ગ્રંથો બહાર પાડવા માટે લક્ષમાં રાખે એ ઇષ્ટ છે. બંને વિદ્વાનોએ આ દસમા ભાગ પાછળ લીધેલા શ્રમને માટે આભારની લાગણી વ્યક્ત કરતાં આનંદ થાય છે.

વિદ્યાબહેન ર. નીલકંઠ
માનાર્હ મંત્રી,
ગુજરાત વિદ્યાસભા
ભદ્ર, અમદાવાદ
તા. ૨૧-૮-૫૨