ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ

પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ

શ્રી. પુરુષોત્તમ ભટ્ટનો જન્મ તેમના મૂળ વતન રાંદેરમાં ઈ.સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૯મી તારીખે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ જોગીભાઈ અને માતાનું નામ ધનકોર. તેમનું પ્રથમ લગ્ન ઈ.સ. ૧૮૮૬માં શ્રી. મહાલક્ષ્મી સાથે થએલું. દ્વિતીય લગ્ન શ્રી. તારાગૌરી સાથે ઈ.સ. ૧૯૦૩માં અને તૃતીય લગ્ન ઈ.સ. ૧૯૧૬માં શ્રી. નિર્મળાગૌરી વેરે થયેલું, પરંતુ ઈ.સ. ૧૯૩૮માં તેમને પણ સ્વર્ગવાસ થતાં હાલ તેઓ વિધુરાવસ્થા ભોગવે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે રાંદેરમાં લીધેલું. ધોરણ ૧થી ૪ ત્યાંની ખાનગી અંગ્રેજી શાળામાં અને ૫થી ૭ સુરતની ‘મિશન હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. ઈ.સ. ૧૮૯૫માં તે જ હાઈસ્કૂલમાંથી તેઓ મૅટ્રિક પાસ થયા અને શાળામાં પ્રથમ નંબરે આવવાથી પારિતોષિક પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઈ.સ. ૧૮૯૮માં અંગ્રેજી અને સંસ્કૃત ઔચ્છિક વિષે લઈ તેમણે બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી. તે જ કૉલેજમાં તેઓ ફેલો નિમાયેલા. કૉલેજ છોડ્યા પછી સરકારી મહેસૂલી ખાતામાં તેમણે નોકરી લીધી હતી. નોકરી અંગે તેઓ ગોધરામાં હતા ત્યારે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. નોકરી કરતાં કરતાં ઈ.સ. ૧૯૧૫માં તેઓ એલએલ.બી. થયા. નોકરી દરમિયાન મામલતદાર, પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને કલેકટરના ચિટનીસ તરીકે સારી કામગીરી બજાવ્યા બદલ ઈ.સ. ૧૯૩૦માં તેઓ નિવૃત્ત થયા ત્યારે સરકારે તેમને રાવસાહેબનો ખિતાબ એનાયત કર્યો હતો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખંભાત રાજ્યમાં સાત વર્ષ સુધી ચીફ રેવન્યુ ઑફિસર અને નાયબ દિવાન તરીકે તેમણે કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૩૯માં ત્યાંથી નિવૃત્ત થયા ત્યારથી અમદાવાદમાં કાયમનો નિવાસ કરીને તેઓ શાંતિમય જીવન ગાળી રહ્યા છે. સરકારી નોકરી લેખનપ્રવૃત્તિને અનુકૂળ નહિ હોવાથી સાહિત્ય તરફની અભિરુચિ કૉલેજકાળથી હોવા છતાં તેમની લેખનપ્રવૃતિનો પૂરો વિકાસ થઈ શક્યો નહિ. લેખનની શરૂઆત તેમણે કૉલેજ મેગેઝીનમાં ગુજરાતી તથા અંગ્રેજી ગદ્યપદ્ય લેખો લખીને કરેલી, સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યવાચનનો ખાસ શોખ હોઈ તેમણે વિવિધ સંસ્કૃત તેમજ અંગ્રેજી કૃતિઓના અનુવાદો પણ કરવા માંડ્યા. ‘સરસ્વતીચંદ્રનું પૂર્વાસ્વાદન’, ‘નર્મદાદર્શન’ વગેરે ગદ્યલેખો એમની ઊગતી સાક્ષરતાના નમૂના છે. ઈ.સ. ૧૯૧૫માં ‘ભામિનીવિલાસ’નો સમશ્લોકી અનુવાદ તેમણે કર્યો હતો. યથાશક્તિ જ્ઞાતિસેવા કરવી અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ ચલાવવી એ તેમનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેમના જીવન ઉપર તેમના પિતા તેમજ મોટાભાઈ શ્રી. હરિકૃષ્ણના ધાર્મિક વિચારો અને આધ્યાત્મિક સંસ્કારોની પ્રબળ અસર પડી છે. કૉલેજ સમય દરમિયાન પ્રૉ. મનુભાઈ નંદશંકર મહેતા અને શ્રી. અરવિંદ ઘોષે પણ તેમના વ્યક્તિત્વ ઉપર છાપ પાડેલી. સર્વોત્તમ નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ, વેદાંત સંબંધી લેખો માટે મણિલાલ, વિવેચનો માટે આનંદશંકર, નીતિ–બોધ માટે દલપતરામ અને તત્ત્વજ્ઞાનની કવિતા માટે નરસિંહ અને અખો તેમના પ્રિય લેખકો રહ્યાં છે. ‘ભાગવત’, ‘સરસ્વતીચંદ્ર, અને શંકરાચાર્યના ગ્રંથો તેમના મનનના મુખ્ય વિષય રહ્યા છે. કાવ્યો અને નિબંધો લખવા તરફ તેમનું ખાસ વલણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમના લેખનના મુખ્ય વિષયો છે. દલપતરીતિના કવિ તરીકે ગયા જમાનામાં જે કેટલાક કવિઓ લોકપ્રિયતા પામેલા તેમાંના એક શ્રી. ભટ્ટ પણ છે. શિષ્ટ અને સરળ ભાષા, સુગેય ઢાળો અને શુદ્ધ સંસ્કૃત વૃતોનો ઉપયોગ કરીને એમણે સહૃદયોને કાવ્યો દ્વારા ધર્મોપદેશ આપવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. આજ સુધીમાં પ્રગટ થયેલી એમની વિવિધ કૃતિઓ અને અનેક અપ્રગટ લેખો તેમની લેખનનિષ્ઠા અને ઉત્સાહના સચોટ પુરાવારૂપ છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. ભામિની વિલાસ *કવિતા *૧૯૦૨-૧૯૦૩ *૧૯૧૫ *મગનલાલ નરભેરામ પાઠક *અનુવાદ
૨. મયૂરધ્વજ આખ્યાન *કવિતા *૧૯૦૯ *૧૯૨૩ *પોતે *મૌલિક
૩. ભીમ ચાતુર્ય *એકાંકી નાટિકા *૧૯૧૨-૧૩ *૧૯૨૩ *પોતે *મૌલિક
૪. ગુપ્તેશ્વર સ્તોત્ર *કાવ્ય *૧૯૨૩ *૧૯૨૩ *પોતે *અનુવાદ
૫. કાવ્યગંગ! ભા. ૧-૨-૩ *કાવ્ય *૧૯૧૫થી ૧૯૨૪ *૧૯૨૫ *પોતે *મૌલિક
૬. વેદમાધુર્ય ખંડ ૧-૨ *મંત્રો *૧૯૨૫-૨૬ *૧૯૨૯ *પોતે *વેદની ઋચાઓને ગદ્ય અનુવાદ
૭. પુરુષસૂક્ત અને યાજ્ઞવલ્ક્ય * ગદ્ય-પદ્ય *૧૯૨૬-૨૭ *૧૯૨૯ *પોતે *અનુવાદ
૮. શુકરંભા આખ્યાન *કાવ્ય *૧૯૦૮ *૧૯૩૬ *પોતે *મૌલિક
૯. દ્રુમછાયા *કાવ્ય *૧૯૪૭ *૧૯૪૭ *પોતે *મૌલિક
૧૦. ડાબા હાથનો બળવો *પ્રહસન નાટિકા *૧૯૪૭ *૧૯૪૯ *પોતે *મૌલિક
૧૧. ગાંધીજીની પ્રશસ્તિ *કવિતા *૧૯૪૮ *અપ્રગટ *પોતે *મૌલિક

અભ્યાસ-સામગ્રી

૧. ‘વેદમાધુર્ય’ માટે, દી. બ. નર્મદાશંકર મહેતાનો તે જ પુસ્તકમાં મૂકેલો ‘પુરસ્કાર’.
૨. ‘દ્રુમછાયા’ માટે, ઈ.સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ વાઙ્મય.

***