ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પૂજાલાલ રણછોડદાસ દલવાડી

પૂજાલાલ રણછોડદાસ દલવાડી

હાલ પોંડીચેરીના અરવિંદાશ્રમમાં સાધકનું જીવન ગાળતા અરવિંદભક્ત કવિ પૂજાલાલનો જન્મ ઈ.સ. ૧૯૦૧માં ૨૭મી જૂને પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરામાં પ્રજાપતિ જ્ઞાતિમાં થયેલો. તેમનું મૂળ વતન બોરસદ તાલુકાનું ગામ નાપા. તેમના પિતાનું નામ રણછોડદાસ લક્ષ્મીદાસ. અને માતાનું નામ ધૂળીબાઈ તેમનાં લગ્ન તેમની ૮-૧૦ વર્ષની વયે શ્રી. ડાહીબહેન વેરે થયાં હતાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે ગોધરામાં લીધેલી. ઈ.સ. ૧૯૧૮માં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાંથી તેમણે મેટ્રિક પાસ કરી; પછી તેમણે ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યો; પણ ઈ.સ. ૧૯૨૨માં, નાપાસ થવાથી, અભ્યાસ છોડી દીધો. ત્યારબાદ તેમના જીવને નવો જ રંગ ધારણ કર્યો અને હાલ તો તેમની કાર્યદિશા યોગસાધના અને તેને આનુષંગિક લેખનપ્રવૃત્તિ છે. તેમના જીવન ઉપર સ્વામી વિવેકાનંદે અને શ્રી. રામકૃષ્ણ પરમહંસે પ્રબળ છાપ પાડી છે. તેમને અંતરની ઈશ્વરાભિમુખતા કેળવવામાં આ બે તેજસ્વી વિભૂતિઓએ અગત્યનો ફાળો આપ્યો છે. તેમના મન પર શ્રી. અંબાલાલ પુરાણીએ દેશભક્તિ, ચારિત્રશુદ્ધિ અને વ્યાયામવ્યાસંગના ઊંડા સંસ્કારો પાડ્યા છે. શ્રી. પુરાણીની વ્યાયામશાળાના હસ્તલિખિત માસિક ને દર રવિવારે ભરાતી સભાએ તેમની લેખન ને ચિંતનપ્રવૃત્તિને પોષી હતી. શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના આશ્રમમાં એમની આધ્યાત્મિક અસરોથી અને ગૂઢ સહાયભૂત બનેલ કૃપાશક્તિ વડે કાવ્યકલા વિકસી હોવાનું તેમનું દૃઢ મંતવ્ય છે. સાધન તેમની કવિતાનું મહાન પ્રેરક બળ છે. સાચી લેખનકલા આશ્રમજીવનને પરિણામે જ તેમને હસ્તગત થઈ હોવાનું તેઓ માને છે. ‘હું પણ આવું તો લખી શકું’ એવા આત્મવિશ્વાસમાંથી પ્રારંભાયેલી તેમની કાવ્યકલા આજે ગુજરાતની નવી કવિતામાં અનોખી ભાત પાડે છે. તેમના જીવનનો પરમ ઉદ્દેશ પૃથ્વીલોકમાં ૫રમાત્મજીવનની સિદ્ધિ મેળવવાનો છે. લેખનપ્રવૃત્તિમાં સહજ શક્ય હોય તેટલે અંશે અંતરાત્માની દિવ્ય યાત્રામાં થતી અનુભૂતિઓની અભિવ્યક્તિ કરી, આંતરદૃષ્ટિએ જોયેલું, અનુભવેલું સર્વગમ્ય બને એ ઉમેદ રૂપે આ સાધક કવિની કૃતિઓ પ્રગટ થતી જાય છે. શ્રી. અરવિંદ તેમના પ્રિય સાહિત્યકાર હોય એ સ્વાભાવિક છે. આ લોક ને પરલોકનાં ગૂઢ સત્યોની ‘Life Divine’માં અપૂર્વ સૃષ્ટિ અનુભવવા મળતી હોવાથી શ્રી. અરવિંદનો એ ગ્રંથ તેમને પ્રિય છે. પરમાત્મ તરફ વળેલા આત્માના સાહજિક ભાવો–માનવતાની સિદ્ધિ-શબ્દોમાં ઉતારવાની તેમને ચિરવાંછના છે. તેમના અભ્યાસનો વિષય પણ તે જ છે. તેમનો પ્રથમ કાવ્યગ્રંથ ‘પારિજાત’ ઈ.સ. ૧૯૩૭માં પ્રગટ થયેલો. તેમાં પ્રતીત થતી કવિની ભાવનામયતા, કલ્પનાસમૃદ્ધિ અને ભક્તિના એક જ ભાવની વિવિધ રીતે પણ એકાગ્રતાપૂર્વક થયેલી ગૂંથણીને લીધે પ્રૉ. ઠાકોર, પ્રૉ. વિજયરાય, પ્રૉ. વિષ્ણુપ્રસાદ અને પ્રૉ.ડોલરરાય જેવા પ્રતિષ્ઠત વિવેચકોએ તેને ખૂબ આદર આપ્યો છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં આજે પણ તેમની કવિતાનો સ્થિર અને સાત્ત્વિક પ્રકાશ તેની સતત વિકાસમાન સ્થિતિની સાક્ષી પૂરે છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. પારિજાત *કવિતા *? *૧૯૩૭ *પોતે *મૌલિક
૨. Lotus Petals *અંગ્રેજી કાવ્યો *૧૯૪૩ *૧૯૪૩ શ્રી. અરવિંદ- આશ્રમ, પોંડીચેરી *મૌલિક
૩. માતાજીનાં મોતી *કવિતા *૧૯૪૩ *૧૯૪૪ *પોતે *અનુવાદ
૪. ગીતિકા *કવિતા *૧૯૪૪-૪૫ *૧૯૪૫ *જગન્નાથ પૂજાલાલ ડૉક્ટર *મૌલિક
૫. પરમ શોધ *ગદ્ય *૧૯૪૫ *૧૯૪૫ *પોતે *અનુવાદ
૬. દુર્ગાસ્તોત્ર *ગદ્ય *૧૯૪૫ *૧૯૪૫ *નરેન દાસગુપ્ત *અનુવાદ
૭. માતાજીની શબ્દસુધા *ગદ્ય *૧૯૪૬ *૧૯૪૬ *નરેન દાસગુપ્ત *અનુવાદ
૮. શુભાક્ષરી *કવિતા *૧૯૪૫ *૧૯૪૬ *નરેન દાસગુપ્ત *મૌલિક
૯. જપમાળા *કવિતા *૧૯૪૪ *૧૯૪૫ *પોતે *મૌલિક
૧૦. ઊર્મિમાળા *કવિતા *૧૯૪૫ *૧૯૪૫ *પોતે *મૌલિક
૧૧. બાલગુંજાર *કવિતા * ? *૧૯૪૫ *જીવન સાહિત્ય મંદિર, અમદાવાદ *મૌલિક
૧૨. કાવ્યકિશોરી *કવિતા *૧૯૪૫-૪૬ *૧૯૪૬ *યુગાંતર કાર્યાલય, સૂરત *મૌલિક
૧૩. નવવર્ષીય પ્રાર્થનાવલિ *ગદ્ય *૧૯૪૬ *૧૯૪૬ *શ્રી. અરવિંદ આશ્રમ પ્રેસ *અનુવાદ
૧૪. Rosary *અંગ્રેજી કવિતા *૧૯૪૫-૪૬ *૧૯૪૬ *શ્રી. અરવિંદ આશ્રમ પ્રેસ *મૌલિક
૧૫. પ્રભાત ગીત *કાવ્ય *૧૯૪૬-૪૭ *૧૯૪૭ *શ્રી. અરવિંદ આશ્રમ પ્રેસ *મૌલિક
૧૬. આરાધિકા *કાવ્ય *૧૯૪૭-૪૮ *૧૯૪૮ *શ્રી. અરવિંદ આશ્રમ પ્રેસ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

‘પારિજાત’ માટે ૧. પ્રો. ઠાકોરની તે પ્રસ્તાવના. ૨. ‘વિવેચના’-પ્રો. વિ. ર. ત્રિ. ૩. ‘સ્ફુલ્લિંગ’-ભા.૧-૨ શ્રી. શાંતિલાલ ઠાકર ૪. ‘પ્રસ્થાન’ વૈશાખ ૧૯૯૫. ૫. ‘પરિભ્રમણ’ ભા. ૨ શ્રી. ઝવેરચંદ મેઘાણી.

***