ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/બાલસાહિત્ય

બાલસાહિત્ય

બાલભોગ્ય સાહિત્યનાં પ્રકાશનોનો કોઈ પણ દાયકામાં તોટો હોતો નથી, કારણ કે પચાસ-સાઠ પાનાંની દસ-બાર આનાની ચો૫ડીઓની સામાન્યતઃ ખપત વધારે થતી હોવાથી પ્રકાશન-સંસ્થાઓ તે પ્રગટ કરવાને કાગળની મોંઘવારીમાં પણ ઘણો ઉત્સાહ બતાવે છે. પણ બાલસાહિત્ય રચનારાઓ અને પ્રસિદ્ધ કરનારાઓ જેટલી ધંધાદારી ને ધનની દૃષ્ટિ પોતાની સમક્ષ રાખે છે, તેટલી બાલમાનસના વિકાસની દૃષ્ટિ રાખતા જણાતા નથી. ફોસલામણી, લાડ કરતી, ઘેલાં કાઢતી, સુંવાળી ભાષા અને રંગબેરંગી ચિત્રો આવ્યાં એટલે બાલસાહિત્ય રચાઈ ગયું એવો ખ્યાલ જ મોટે ભાગે પ્રવર્તતો હોય છે. તેમાંની વાનગીઓ ઉપરછલ્લી, અધકચરી અને કવચિત્ તો ઉટંગ પણ હોય છે. એમાં બાળમાનસને ખીલવે તેવા વસ્તુનો અને શુદ્ધ સરલ તળપદી ભાષાનો અભાવ હોય છે. લેખકોમાં બાલમાનસની પકડ કે બાલવિકાસની શાસ્ત્રીય દૃષ્ટિ બહુ જોવા મળતી નથી; વિષય-વસ્તુની આદિથી અંત સુધી કલામય રચના તેમાં જળવાઈ હોતી નથી. પ્રકાશકોને પણ બાલકોના અભ્યાસી-અનુભવી એવા શક્તિશાળી લેખકો પાસે જ પુસ્તકો લખાવવાનો આગ્રહ નથી. બાળકોનાં પુસ્તકો એવાં હોવાં જોઈએ કે જે તેમનામાં જીવનનો નવો રસ પેદા કરે, તેમનામાં નવી નવી આકાંક્ષાઓ જગાડે અને જીવનયુદ્ધની તૈયારી માટે તેમનું મન મજબૂત અને દઢાગ્રહી બનાવે. દાયકાના બાલસાહિત્યમાં ગીત, વાર્તા અને ચરિત્રનાં, સામાન્ય જ્ઞાન -બોધનાં અને વિજ્ઞાનની શોધખોળો કે સગવડો તથા નવા પશુ-પક્ષીઓના પરિચયો વિશેનાં પુસ્તકો સારી સંખ્યામાં જોવા મળે છે. એમાંથી બાળ- વિજ્ઞાનનાં પુસ્તકો ઠીક ધ્યાન ખેંચે છે.

ગીત, વાર્તા અને ચરિત્ર

બાલગીતોનાં પુસ્તકોમાં શ્રી. રમણીક અરાલવાળાનાં 'નગીના વાડી' અને 'રસપોળી', શ્રી. જયમનગૌરી પાઠકજીનું 'બાલરંજના', શ્રી. ચંદ્રિકા પાઠકજીનું 'રાતરાણી', ત્રિભુવન વ્યાસનું 'ગુંજારવ', શ્રી. મોહન વ. ઠક્કરનું 'છીપલાં', રા. પૂજાલાલ દલવાડીનું 'કાવ્યકિશોરી', રમેશ કોઠારીનું 'બુલબુલ' હરિલાલ ગો. પંડ્યાનું 'સુરજમુખી' અને ચંદ્રકાન્ત મંગળજી ઓઝાનું 'ફૂલદાની' એટલાં આગળ તરી આવે છે. વાર્તા-બોધકથાઓમાં રમણલાલ સોની, શારદાપ્રસાદ વર્મા, રમણલાલ, ના. શાહ, ધૂમકેતુ, જીવરામ જોષી, નાગરદાસ ઈ. પટેલ, વિનોદિની નીલકંઠ, સુમતિ પટેલ, દિનેશ ઠાકોર આદિ લેખકોને મોખરે મૂકી શકાય. સંતો, રાજપુરુષો, વૈજ્ઞાનિકો આદિનાં ચરિત્રોના લેખકો તરીકે શ્રી. રસૂલભાઈ વહોરા, શારદાપ્રસાદ વર્મા, જયભિખ્ખુ, રમણલાલ સોની અને સોમાભાઈ પટેલનાં નામ આગળ આવે. હાસ્યવાર્તાઓમાં મસ્તફકીર, રમણલાલ શાહ, જીવરામ જોષી અને રમણલાલ સોનીની રચનાઓ ઠીક ઠીક બાલપ્રિય નીવડી છે.

સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો

સૃષ્ટિનું સામાન્ય જ્ઞાન આપતાં બાલપુસ્તકમાં ‘કમલની પીંછીથી' (સ્વ. ગિજુભાઈ), 'હરતાં ફરતાં' (સોમાભાઈ પટેલ), 'વિદ્યાર્થી વાચનમાળા' શ્રેણી ૮-૯ (ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય), 'ચાલો ગામડાંમાં' અને 'બાળકોના આચાર' (સોમાભાઈ ભાવસાર), 'અછૂત કોણ' (પુરાતન બૂચ), 'ધરતીને ખોળે' (ચુનીલાલ વ. શાહ), ‘બાળકોનું હિંદુસ્તાન' (પોપટલાલ અંબાણી), 'સારોદ્ધાર ' ખંડ ૧-૨ (ડૉ શિવપ્રસાદ ત્રિવેદી), 'જંગલમાં મંગલ' (હરજીવન સોમૈયા), 'કેમ અને ક્યારે' (ડુંગરજી સંપટ), 'ધરતીનો બાળમેળો', (ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર), ‘મહારાષ્ટ્રનું નંદનવન માથેરાન’ (રમણલાલ શાહ) ઇત્યાદિ ધ્યાનપાત્ર છે. બાલવિજ્ઞાનના પુસ્તકોમાં પશુપંખીઓના રસિક બાલભોગ્ય પરિચયો અને વિજ્ઞાનવિષયક કેટલીક માહિતી મુખ્યત્વે હોય છે. એમાં ‘વિજ્ઞાનના પ્રાથમિક પાઠો' (હરરાય દેસાઈ અને તારાબેન ત્રિવેદી), 'હીરામોતી' અને ‘ચોપગાંની દુનિયા' ખંડ ૨-૩ (રમણલાલ ના. શાહ), 'સાગરની રાણી' (સોમાભાઈ પટેલ), 'લાલાનો ભેળ' (નાગરદાસ પટેલ) 'આપણે આંગણે ઊડનારાં', ' આંગણાના શણગાર', 'ઊડતાં ભંગી', 'વગડામાં વસનારાં', 'રૂપરૂપના અંબાર', 'કંઠે સોહામણાં', 'પ્રેમી પંખીડાં' (નિરંજન વર્મા–જયમલ્લ પરમાર) ‘બાલવિજ્ઞાન વાચનમાળા' પુ. ૧ થી ૫ (ન. મૂ શાહ અને ઠા. શ્રી. ઠાકોર) 'ચાંદો-સૂરજ' (રમણલાલ સોની), ‘વિજ્ઞાન વિનોદ' (નવલકાન્ત ભાવસાર), ઇત્યાદિ ખાસ ઉલ્લેખપાત્ર છે. બાલભોગ્ય પુસ્તકોનું પ્રકાશન કરનારી સંસ્થાઓની સંખ્યા પણ આ દાયકામાં ઠીક ઠીક જણાય છે. શ્રી. દક્ષિણામૂર્તિ બાલસાહિત્યમાળા, ભાવનગર; શ્રી. ગાંડીવ સાહિત્યમંદિર અને શ્રી. યુગાન્તર કાર્યાલય, સુરત; નવચેતન સાહિત્ય મંદિર, ભારતી સાહિત્ય સંઘ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય; બાલજીવન કાર્યાલય અને સયાજી બાલજ્ઞાનમાળા, વડોદરા; બાલવિનોદ કાર્યાલય, મલાડ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, કમલ પ્રકાશન મંદિર, સંદેશ પ્રકાશનમંદિર, અમદાવાદ; આર. આર. શેઠ, એન. એમ. ત્રિપાઠી, એન. એમ. ઠક્કર, મુંબઈ; આપણી બાલગ્રંથમાળા, ભરૂચ; નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ; ગ્રામદક્ષિણામૂર્તિ પ્રકાશન, આંબલા અને અન્ય પ્રકાશન સંસ્થાઓએ વિધવિધ પ્રકારની બાલગ્રંથમાળાઓ આ દાયકે પ્રગટ કરી છે. પુસ્તકોની સજાવટ અને સંખ્યાદૃષ્ટિએ બાલસાહિત્યનાં પુસ્તકો અને તેને પ્રગટ કરનાર સંસ્થાઓ અન્ય કોઈ વિભાગના કરતાં વધુ તેજી બતાવે છે. ફક્ત ઊછરતી પેઢીનાં હૃદયબુદ્ધિ અને જીવનરસને પ્રફુલ્લાવે અને તેમનામાં ઊંચા સંસ્કાર રોપે એવી સત્ત્વશીલ સામગ્રી સાચી બાલભોગ્ય શૈલીમાં વધુ વધુ પિરસાતી જાય, એ અપેક્ષા હજુ રહે છે.