ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નવલકથા

નવલકથા

આ દાયકા દરમ્યાન શુમારે અઢીસોથી ત્રણસોએક નવલકથાઓ પ્રગટ થઈ છે. નવલકથાની માંગ હરહંમેશ વધતી રહી છે. નવલકથાનો વાચકવર્ગ ખૂબ બહોળો થતો રહ્યો છે. ખૂબ જ લોકપ્રિય સાહિત્યપ્રકારમાં નવલકથાનો નંબર કદાચ પહેલો આવે. નવલકથાક્ષેત્રે આ દાયકાની નવી કલમોનો પ્રવેશ આહ્લાદક ગણીને, એ સર્વ નવલકાથાકારોને સૌ પ્રથમ આવકારીએ. નવા કલમનવેશોમાં સૌથી વધુ નોંધપાત્ર નીવડ્યા હોય તો તે છે કલકત્તાનિવાસી બે યુવાન સાહિત્યકારો -શ્રી. શિવકુમાર જોશી અને શ્રી. ચંદ્રકાંત બક્ષી. શ્રી. શિવકુમારે આ દાયકામાં બે નવલો આપી છે- ‘કંચુકીબંધ' અને ‘અનંગરાગ’. બંનેમાં પ્રેમનું નિરૂપણ શિવકુમારે પોતાની આગવી રીતે કર્યું છે. શિવકુમારના ગદ્યમાં લાલિત્ય અને સુકુમારતા ઉપરાંત એક પ્રકારનું આભિજાત્ય છે. એમનાં યુવાન પાત્રોનો પ્રણય ગુલાબી અને અપ્તરંગી હોવાનો. ટૂંકી વાર્તા અને નાટ્યક્ષેત્રે ઠીકઠીક સિદ્ધિ પામેલા શિવકુમાર નવલકથાની સળંગસૂત્રતાનો અને પાત્ર-પ્રસંગવિધાનનો જરા કુશળતાથી દોર સંભાળે તો એમનું ભાવિ નવલક્ષેત્રે જરૂર ઊજળું છે. ચંદ્રકાંત બક્ષી ‘પડઘા ડૂબી ગયા' અને ‘રોમા’ નામની બે નવલ લઈ આવ્યા છે. જુનવાણીઓને આઘાત આપે તેવી ધારદાર કથનશૈલી અને પાત્રોના મનોવ્યાપારોનું પારદર્શક વાસ્તવિક નિરૂપણ કરાવતી ચંદ્રકાંતની કથનકલા સાચે જ આધુનિક છે. પાશ્ચાત્ય સાહિત્યના અસ્તિત્વવાદી સર્જકોની કૃતિઓના વાચન-મનને એમને તીખા અને આખાબોલા બનાવ્યા છે. આ લેખક પૂરા સ્વસ્થ છે, પોતાને જે કહેવું હોય તે અંગે. જાતીય ભાવોની મીમાંસા કરવામાં બક્ષીએ ભારે ઉસ્તાદી દાખવી છે. એમનામાં અને શિવકુમારમાં પાત્રો-પ્રસંગો તરફનો અભિગમ રોમેન્ટિક-આસમાની-છે, છતાં નિરનિરાળો છે. શિવકુમાર શબ્દોની, ભાવોની, કલ્પનાની ખૂબીપૂર્વક માવજત કરીને શૃંગાર ખુશબો પમરાવી શકે છે, તો ચંદ્રકાંત કુશળ સરજ્યન (Surgeon)ની અદાથી મનના ઊંડામાં ઊંડાં ભાવોનું નિરૂપણ કરી વાસનાના તરંગામાં વાચકને ખેંચી જાય છે. આપણા નવલકથા સાહિત્યમાં આ બંને નવીનોનું આગમન એટલે નવા પ્રયોગવીરોનું, નવા શૈલીકારોનું અને અસંપ્રજ્ઞાત મનના આલેખકોનું આગમન. ‘આરતી અને અંગારા' લઈ આવતા ભગવતીકુમાર શર્મા ભાષાવાર પ્રાન્તરચનાની ભીતરમાં ચલચિત્ર જેમ વાચકને ધુમાવે છે. ‘પ્રેમયાત્રા'માં તેઓ વધુ સફળ થયા છે, તો ‘મંગલયાત્રા'ના લેખક શ્રી. વિશ્વમિત્ર એમની પ્રથમ કૃતિમાં‘સબ હૈ સામાન' અને ‘સબસે ઊંચી પ્રેમસગાઈ'- ની ભાવનાને એમનાં પાત્રોદ્વારા કથા૫ટમાં ઠીક ઠીક ઉઠાવ આપે છે. ‘આત્મવંચના' અને ‘કોનો વિજય?' વિશ્વમિત્રની વાર્તાનિરૂપણપદ્ધતિની જામતી જતી હથોટીને દર્શાવે છે. ઓછું ભણતર પામેલ આ સાહિત્યકાર અનુભવની મૂડી ઉપરાંત અભ્યાસ અને નિરીક્ષણ વિકસાવે તો એમનું ભાવિ જરૂર આશાસ્પદ છે. આવા જ બીજા એક નવોદિત લેખક છે શ્રી. વિઠ્ઠલ પંડ્યા. એમની પ્રથમ નવલ ‘મીઠા જળનાં મીન’ મધ્યમવર્ગનાં બે યુવાન હૈયાંની આસપાસ ગૂંથાયેલી છે. શ્રી. ધીરજબહેન પારેખ ‘લક્ષ્મીનાં પગલાં' લઈ નવલકથાક્ષેત્રે પ્રવેશ્યાં છે. એક નર અને નારીનાં મિલન, વિરહ અને પુનર્મિલનની વચ્ચે રમણલાલીય વિચારણના અંશો આવ્યા છતાં કથા એકંદરે ઠીક કહેવાઈ છે. શ્રી. નવલભાઈ શાહકૃત ‘નિર્માણ’ સ્વાનુભવની સચ્ચાઈથી રણકતી, શોષણખોરી ઉપર મહેનતકશોની માનવતાનો વિજય ટંકારતી પઢારોના પ્રદેશની કથા છે. કવિશ્રી સ્વપ્નસ્થની પ્રથમ નવલકથા ‘જાહનવી' ૧૯૪૨ના સ્વાતંત્ર્ય યુદ્ધને પડછે પ્રણયકથાનું રસભર આલેખન કરી જાય છે. શ્રી. રતિલાલ ગિ. શાહની નવલકથા ‘મેઘનાદ' એ જ નામના નાયકના આદર્શોની ઉપાસનાનું વિશાળ ફલક ઉપર નિરૂપણ કરે છે. મુંબઈ–મદ્રાસ અને આફ્રિકા-અમેરિકા સુધી આ કથાનો ઘટનાતંતુ ફેલાયેલો છે. ધ્યેયલક્ષી હોવા છતાં કથા એકંદરે સ-રસ રીતે કહેવાઈ છે. શ્રી. ‘સુહાસી' કૃત ‘મેઘલી રાતે' ખરે જ આશાસ્પદ લેખકની કલાકૃતિ છે. સૂરત જિલ્લાની ‘હાળી'ઓની સમસ્યા રજૂ કરતી, પ્રકૃતિ અને પ્રેમના સુંદર વર્ણનોમાં રાચતી, આ કૃતિ મનહર છે. શ્રી. સરોજિની મહેતાની ‘અમરવેલ'માં સંયુક્ત કુટુંબની સામે પ્રચારકની જેહાદ વરતાય છે. લેખિકાનો પ્રકોપ ક્યારેક ચોટદાર નિશાન તાકે છે. શ્રી. મોહનલાલ પટેલ એમની પ્રથમ નવલ ‘હેતનાં પારખાં'માં એક કરુણ પ્રેમકથા રજૂ કરે છે. વાર્તાકારમાં કલાનો ઝબકારો દેખાઈ આવે છે. શ્રી. રમણિક પટેલ કૃત ‘રાખમાં જલે છે અંગારા’નું નિરૂપણ જરા નવીન છે, પણ પ્રતિભાતત્ત્વની ઊણપ લાગે છે. શ્રી. ભૂપત વડોદરિયા કૃત ‘અમરદીપ' આધુનિકોની પ્રણયલીલા આલેખે છે. એમાં સંવાદો ચમકદાર છે. શ્રી. મોહમ્મદ માંકડકૃત લઘુનવલ ‘કાયર' મનોવૈજ્ઞાનિક ઢબે લખાઈ છે. જાતીય શક્તિ ગુમાવી બેઠેલ પતિનું માનસ કેવી રીતે કાર્ય કરે છે તેનું ‘કાયર'માં સૂક્ષ્મ આલેખન થયું છે. શ્રી. લાભુબેન મહેતાની નવલ ‘પ્રણયદીપ' પણ નોંધપાત્ર છે. આ નવીન આગંતુકોમાં મનોવિજ્ઞાન, માનસપૃથક્કરણ આદિ આધુનિક વિદ્યાઓ તરફ ઠીકઠીક રુચિ-પ્રીતિ નજરે પડે છે. નવલકથાઓમાં પ્રેમનું સનાતન તત્ત્વ તો ક્યારેય નહીં ખૂટે. આ દાયકામાં પાશ્ચાત્ય સાહિત્યના વાચન-મનનને પરિણામે અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ વગેરેનું જે નિરૂપણ થાય છે તે પ્રયોગ દશામાં છે, છતાં આવકાર્ય છે. નવલકથાની પરિમાણશક્તિમાં હવે વધારો થઈ રહ્યો છે એ નિઃશંક જૂના સાહિત્યકારોનું અર્પણ વિચારીએ તો શ્રી કનૈયાલાલ મુનશી હસ્તગત કરેલી રોચક વાર્તાકથનશૈલી અને સાહજિક સર્વશક્તિથી ધ્યાન ખેંચતી બે કથાઓ ગુજરાતને ચરણે ધરે છે. ‘ભગ્ન પાદુકા'નો પહેલો ભાગ કરણઘેલાની કરુણકથાને નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. હવે સુપરિચિત બનેલી એમની પાત્રાલેખનશક્તિ અહીં પણ સારાં વ્યક્તિચિત્રો ઉપસાવી આપે છે. મુનશીની વર્ણનશક્તિને અને કથનકલાને વાર્ધક્ય પણ મંદ પાડી શક્યાં નથી. એ હકીકત ઊડીને આંખે વળગે છે. ત્રણ ભાગમાં વહેંચાયેલી યુગદર્શી નવલકથા ‘તપસ્વિની' વીસમી સદીના અર્ધશતકના ગુજરાત-સૌરાષ્ટ્ર-મુંબઈને સજીવન કરી જાય છે. રવિ ત્રિપાઠી અને રાજબાનાં પાત્રો દ્વારા આ યુગની સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની જ્વલંત છબી આલેખતી ‘તપસ્વિની' સતત વહેતા કાર્યવેગને લીધે અને કર્મશીલ પાત્રોના પુરુષાર્થને લીધે રસિક વાચન પૂરું પાડે છે. આ દાયકા દરમ્યાન મુનશીએ આપેલ બંને કૃતિઓ એમની ઉત્તરવયની પ્રસાદીરૂપે આપણને મળી છે. મુનશીની કૃતિઓમાં આપકથાના અંશો બહુ સ્પષ્ટ રીતે દેખા દે છે એમ પણ કોઈકને લાગે. આપણા બીજા વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે ‘છાશ અને ‘માખણ,’ ‘સંધિકાળ, ‘એક ડાળનાં ત્રણ પંખી' જેવી સામાજિક તથા ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત' જેવી ઐતિહાસિક કથાઓ સ્વસ્થ કલમે આલેખી છે. શ્રી ચુનીલાલ શાહ આપણા શાંત અને એકમાર્ગી નવલકથા ઉપાસક છે. ‘કર્મયોગી રાજેશ્વર' અને ‘રૂપમતી'ના સમર્થ સર્જક હવે એમની પક્વ જીવનદૃષ્ટિ અને અનુભૂતિને સામાજિક નવલકથાઓ દ્વારા અભિવ્યક્ત કરતા હોય એવી લાગણી થાય છે. સ્વ. રમણલાલ દેસાઈ ‘સૌન્દર્ય જ્યોત,’ ‘શૌર્યતર્પણ,’ ‘ત્રિશંકુ,' ‘સ્નેહસૃષ્ટિ' આદિ કૃતિઓ આપી ગયા છે. યુવાનોના આ પ્રિય લેખકે એમને સહજ એવી રસળતી શૌલીમાં આ કથાઓ લખી છે. સૌમ્ય અને સાત્ત્વિક તેમ જ નીડર અને આખાબોલા રમણલાલ એમની નવલકથાઓ દ્વારા સ્મરણીય રહેશે. શ્રી ધૂમકેતુએ ‘ચૌલુક્ય ગ્રંથાવલિ'નું તેરમું પુસ્તક ‘અજિત ભીમદેવ' બહાર પાડ્યું છે. સોમનાથ મહાદેવની પુનઃપ્રતિષ્ઠા માટે મથતા ભીમદેવની કથા ધૂમકેતુએ એમની રસભરી રીતે માંડી છે. બીજી બાજુ ‘ગુપ્તયુગ ગ્રંથાવલિ' દ્વારા આપણા દેશના એ ભવ્યતમ યુગની કથાને પણ ધૂમકેતુએ ભાવનામયતાથી સાકાર કરી છે. ‘આમ્રપાલી,’ ‘નગરી વૈશાલી,' ‘મગધપતિ, મહાઅમાત્ય ચાણક્ય,’ ‘ચંદ્રગુપ્ત મૌર્ય,’ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત,’ ‘પ્રિયદર્શી અશોક,' ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક' અને ‘સેનાપતિ ‘પુષ્યમિત્ર' દ્વારા તેમણે મુનશીચીંધ્યા રાજમાર્ગે ઐતિહાસિક નવલકથાઓને આગળ ધપાવી છે. ધૂમકેતુની અભ્યાસનિષ્ઠા, ઈતિહાસની સતત માવજતભરી ઉપાસના અને ભૂતકાળની ભવ્યતાને અક્ષરાંકિત કરવાની અપ્રતિમ કલ્પનાશક્તિ તેમ જ સ્વપ્નદર્શી ભાવનામયતાને અક્ષરબદ્ધ કરવાની હસ્તામલકવત્ શક્તિ એમની કેટલીક કૃતિઓને અનેરી ચારુતા અર્પે છે. શ્રી ગુણવંતરાય આચાર્ય કૃત ‘સક્કરબાર', ‘હરારી' અને ‘સરફરોશ' તેમ જ ‘ઐરાવત બલિહારી', ‘કાળભૈરવ,' ‘સોહિણી સંધાર' ‘જાવડ ભાવડ,' અને ‘સરમુખત્યાર', ‘શ્રીધર મહેતા' તથા ‘હાજી કાસમ, તારી વીજળી' દ્વારા ઇતિહાસની કલ્પનાની પછીતે સૌરાષ્ટ્રનાં નાનાં નાના રાજ્યોની અને સાગરની ગૌરવગાથા એમની ઘડાયેલી અને વાચકોને પરિચિત જોમવતી શૈલીમાં રજૂ કરે છે. ગુણવંતરાયનો વાર્તારસ ઘૂઘવતા પૂર જેવો છે. એમની કલ્પના ભૂતકાળની ભેખડો પર રમતી-કૂદતી, પોતાની કથાસૃષ્ટિમાં વાચકને ગરક કરતી કરતી અપૂર્વ કથારસ જમાવે છે. ગુણવંતરાયે વિજયનગરની તવારીખનું ચમકતું ચિત્ર ‘કૃષ્ણાજી નાયક,’ ‘રાય હરિહર', ‘રાય રેખા' અને ‘રાય બુક્કારાય' દ્વારા આલેખ્યું છે. ‘કરાલ કાળ જાગે' તેમ જ ‘મહાઅમાત્ય માધવ' દ્વારા કરણ વાઘેલાના કાળની બે કૃતિઓમાં પાત્રો અને પ્રસંગોની કુશળ ગૂંથણી કરીને ઇતિહાસરસનું તેઓ અચ્છું આલેખન કરી શક્યા છે. શ્રી સોપાન (મોહનલાલ મહેતા) પત્રકારત્વના ક્ષેત્રમાં ગળાડૂબ હોવા છતાં ‘કન્યારત્ન’-બે ભાગ, ‘ધૂપસુગંધ,' ‘પુણ્યપ્રવાસ' અને ‘પચાસ પત્રો-બે ભાગ દ્વારા પોતાની નવલકથા-લેખનપ્રવૃત્તિને જારી રાખી શક્યા છે. એમાં એમની સર્જક કલાનો વિકાસ સધાયો હોય એમ લાગતું નથી, છતાં પણ એ તમામ કૃતિઓ સુવાચ્ય તો બની છે જ. શ્રી રામચંદ્ર ઠાકુર અને શ્રી જયભિખ્ખુ અનુક્રમે ‘મીરાં પ્રેમ દીવાની' અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ દ્વારા આપણા દેશનાં પ્રેમલક્ષણાભક્તિનાં બે સમર્થ ભક્તોની કથાને એમની વિશિષ્ટ રીતે રજૂ કરે છે. આ દાયકામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' એ શ્રી દર્શકની નવલકથાના બે ભાગ પ્રગટ થયા છે. આ કથા, દાયકાની એક ઉત્તમ કલાકૃતિ બની રહેશે. હજી ત્રીજો ભાગ અપ્રગટ છે. પરંતુ બંને ભાગમાં પણ લેખક શ્રી દર્શકે એમના ભાવનાજગતને પરમ આનંદકર અને તૃપ્તિકર આલેખ રજૂ કર્યો છે. આ પહેલા ‘દીપનિર્વાણ' દ્વારા પ્રાચીન ગણરાજ્યોના ઓલવાતા દીવાઓની શૌર્યકથા આલેખી એક ગૌરવભરી અતિહાસિક નવલકથાથી એમણે ઠીકઠીક પ્રસિદ્ધિ તો મેળવી જ હતી. પરંતુ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' એમની યશસ્વી કૃતિ બની રહેશે. કથાનો પહેલો ભાગ સત્યકામ-રોહિણીની કરુણ સ્નેહગાથાથી સોહે છે. ગોપાલબાપા, દાસકાકા અને નરસી મહેતા–ગરવા વડલા જેવાં એ પાત્રો; નિષ્કલંક ચાંદની જેવી રોહિણી, પુરુષાર્થ અને પ્રારબ્ધની લીલાનો તાગ પામવા મથતો સત્યકામ, અચ્યુત-સોહિણી જેવાં પ્રેમી-પારેવડાં, જ્વાલાની કિનાર જેવી અમલા, કલાકાર અને કર્મવીર હેમંત, બેરિસ્ટર વિનાયકરાવ, શ્રી સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી જેવાનું પણ કથાપટ પર વિહરવું- આ તમામ પાત્રોનું પ્રસંગોની પરંપરા સાથે સંલગ્ન થવું અને ભાવકને તૃપ્તિની ઘૂંટ લેવડાવવી-એ બધામાં દર્શક રૂડી પેરે પાર ઊતર્યા છે. જ્ઞાન અને કવિતાની સુરભિથી પરિષ્કૃત દર્શકનું ગદ્ય અનેક નવી છટાઓ ધારણ કરે છે. ગામડાંની ભજનશ્રીને સમર્થ રીતે ગૂંથી લઈને શ્રી. દર્શકે રાગ અને ત્યાગની રસકથા આપી છે. બીજો ભાગ સત્યકામની ડાયરીના રૂપમાં લખાયો છે. બીજા ભાગનું ફલક આપણા દેશની સીમાઓ ઓળંગી યુરોપના યુદ્ધકારણમાં સત્યકામને ઘુમાવે છે. દર્શકની મહત્ત્વાકાંક્ષા સત્યકામને વિશ્વનેતા બનાવવાની લાગે છે. એ જે હો તે, સત્યકામ આપણી સાહિત્યસૃષ્ટિનું એક પ્રચંડ પુરુષાર્થભર્યું પાત્ર છે. ત્રીજો ભાગ હજી લેખકના ચિત્તમાં ગર્ભસ્થ છે. કુતૂહલપૂર્વક એની પ્રતીક્ષા કરીએ. ત્યાંસુધી આ બંને ભાગને પ્રેમપૂર્વક આવકારીએ. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માં આપણી નવલકથાની પ્રગતિની એક અનેરી ઝલક દગ્ગોચર થાય છે. ‘સરી જતી રેતી' દ્વારા કીર્તિ અને અપકીર્તિ બંને કમાનાર શ્રી યશોધર મહેતાએ એ પુસ્તકનો બીજો ભાગ આ દાયકાના આરંભમાં બહાર પાડ્યો અને સ્થૂલમાંથી સક્ષ્મ પ્રેમ તરફ એ વળ્યા, ભોગમાંથી યોગ તરફ ગતિ કરી. આ જ દાયકામાં શ્રી યશોધરે ‘ઉમા હૈમવતી', ‘મહારાત્રી', ‘વહી જતી જેલમ' અને ‘તુંગનાથ' કૃતિઓ આપી છે. કાશ્મીરનો ઇતિહાસ આપણી કથામાં પહેલીવાર વિસ્તારથી આલેખાયો હોય તો તે અહીં. યશોધરની શૈલી વિશે બંને પક્ષે ઘણું કહેવાય એવું છે. અગમનિગમના ઉપાસક યશોધર એમની કૃતિઓ દ્વારા એમની સાધના જ સતત કર્યા કરે છે એમ કહી શકાય. એમની બધી કૃતિઓમાં ‘મહારાત્રિ' વધુ ટકશે-એની ગુણવત્તાને લીધે. શ્રી. પન્નાલાલ પટેલે ગયા દાયકાની એક ઉત્તમ કૃતિ ‘માનવીની ભવાઈ'ના અનુસંધાનમાં ‘ભાંગ્યાના ભેરુ' લખી કાળુ-રાજુનાં જીવન-જલના કરુણુ–મધુર તરંગોનું તૃપ્તિકર દર્શન કરાવ્યું છે. પન્નાલાલ આપણા સમર્થ સર્જક છે એ વાતની પ્રતીતિ આ બંને પુસ્તકો કરાવી રહે છે. ‘ના છૂટકે'માં રૂમાલ-દરિયાવ નામે પ્રેમી-પારેવડાંની પ્રણય-દાસ્તાન ગ્રામજીવનની પશ્ચાદ્ભૂમાં બહુ સહૃદયતાથી કહેવાઈ છે. પ્રેમ અને માનવીનાં મન-હૃદય એ બે વચ્ચે સેતુ બાંધનાર પન્નાલાલની નવલકથાઓ હરિયાળી ધરતીનું રમ્ય દર્શન કરાવી જાય છે. શ્રી પેટલીકરે આ દાયકામાં ‘મધલાળ', ‘આશાપંખી', ‘કલ્પવૃક્ષ', ‘પ્રેમપંથ' અને ‘શકુન્તલા' વગેરે નવલકથાઓ આપી છે. શ્રી પેટલીકરની સર્જકકલાના વિકાસ કરતાં તેમની સમાજશાસ્ત્રીની વિકસિત દૃષ્ટિનાં અહીં વિશેષ દર્શન થાય છે. વાંચકોને અંતસુધી પકડી રાખે એવી વાર્તાશૈલી તે હસ્તગત કરી શક્યા છે, પણ અગાઉની કલાની સીમાને આંબી શક્યા નથી. શ્રી ચુનીલાલ મડિયાકૃત ‘વેળા વેળાની છાંયડી’ એક નાનીશી વાર્તાનો વડલાશો વિસ્તાર છે. ‘કુમાર' માસિકમાં પ્રગટ થયેલી એ જ નામની વાર્તાને લેખકે કદાચ ચલચિત્ર માટે મલાવી મલાવીને નવલકથારૂપે રજૂ કરી છે. ગઈ કાલના સૌરાષ્ટ્રની મુગ્ધ કલ્પના કરીને લેખકે કથાતંતુ બહેલાવ્યો છે. લેખકની ભાષા પરની હથોટી ગજબની છે, શબ્દસમૃદ્ધિ મબલખ છે. ‘લીલુડી ધરતી' આ જ લેખકની ગ્રામજીવનની નવલ છે. ગામડા ગામની અનેક આંટીધૂંટીઓ અને માનવમન તેમ જ અંતરની નિર્મળતા અને નિર્બળતા વચ્ચે ‘લીલુડી ધરતી'ને લેખકે સબળ ઉઠાવ આપ્યો છે. ‘વ્યાજનો વારસ' અને ‘ઈંધણ ઓછાં પડ્યાં' તેમ જ ‘પાવક જ્વાળા' અને ‘શેવાળનાં શતદલ'નો લેખક ઘૂંટી ઘૂંટીને કસુંબલ રંગની કલાકૃતિ આપે એવી અપેક્ષા સર્જનક્ષેત્રે એની શક્તિ અને સિદ્ધિ જોતાં વધુ પડતી તો નથી જ. શ્રી પીતાંબર પટેલની ‘ખેતરને ખોળે' કદાચ એમની સૌથી સફળ નવલકથા છે. બે ભાગમાં વિસ્તરેલી ૭૦૦ ઉપરાંત પાનાંની, ખેડૂતપુત્ર જયન્તના જીવનપ્રસંગોનું અચ્છું આલેખન કરતી, વાસ્તવિક અને સમભાવદર્શી નિરૂપણ કરતી આ કથા સાર્થનામ કૃતિ છે. આ ઉપરાંત ‘આશાભરી' અને ‘અંતરનાં અજવાળાં’ એ બે નવલકથાઓ દ્વારા જીવનમાંગલ્યનો સંદેશ લેખકે પોતાની આગવી રીતે આપે છે. શ્રી સારંગ બારોટ ‘નંદનવન’, ‘આકાશકુસુમ', ‘નીલાંબરી' અને ‘આનંદભૈરવી' એ નવલોમાં કલાકારને શોભે તેવા તાટસ્થ્યથી, ભાષાની તળપદી તાકાતથી અને વર્ણનની તાદશતાથી સમાજના તમામ થરોની સૃષ્ટિનું આલેખન કરીને વાચકોને રસતરબોળ કરે છે. શ્રી પુષ્કર ચંદરવાકરે ‘બાવડાંને બળે', ‘ભવની કમાણી' ‘માનવીનો માળો', ‘લીલુડાં લેજો’ અને ‘નવા ચીલે' આદિ સુંદર કૃતિઓ આપી છે. શ્રી. દેવશંકર મહેતા ‘ધરતીની આરતી', ‘ધરતીનો પછેડો' આદિ સૌરાષ્ટ્રની તળપદી બોલીથી લચી પડતી કૃતિઓ આપે છે. સ્વ. વજુ કોટક રચિત ‘ઘરની શોભા' અને ‘ચૂંદડી અને ચોખા' તેમ જ શયદાની નવલકથાઓનો પણ એક વિશિષ્ટ વાચકવર્ગ છે એ નોંધવું જેઈએ. આ સિવાય બીજા અનેક સાહિત્યકારો નવલકથાના સાહિત્યસ્વરૂપને ખેડવાનો પુરુષાર્થ આદરી રહ્યા છે. એ સર્વનું નવલકથાક્ષેત્રે જે અર્પણ છે તેથી આપણું સાહિત્ય એક કદમ આગે વધ્યું છે એ નિ:સંશય છે. અત્રે એ યાદ આપવી જોઈએ કે દૈનિક પત્રોમાં ધારાવાહિકરૂપે પ્રગટ થતી નવલકથાઓમાં અનાવશ્યક વિસ્તાર અને લંબાણ ખૂબ જોવા મળે છે અને એથી કૃતિનો પિંડ બંધાતો નથી. આજે ઐતિહાસિક અને સામાજિક કથાઓ ગુણવત્તાએ ઓછી ઊતરે છે, પણ સંખ્યાદૃષ્ટિએ વધુ પ્રગટે છે. ધૂમકેતુ અને ગુણવંતરાય આચાર્ય હવે જથ્થાબંધ ઉત્પાદનના ધોરણે સર્જન કરતા થયા છે એથી એમનું કલા-તેજ ઝંખવાયું છે. એનું ઉદાહરણ છે એ બંનેની ‘ગ્રંથાવલિ'ઓ. આટલા બધા, અને તેયે જેને આપણે પ્રસિદ્ધ કહી શકીએ તેવા, લેખકો નવલકથાઓ લખે છે છતાં એમ કેમ કહેવાતું હશે કે નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે? શું આ બધી રચનાઓમાં પ્રાણ નથી? આ પ્રશ્ન દરેક સાહિત્યરસિકે તટસ્થતાથી વિચારવા જેવો છે. ઇયત્તાની દૃષ્ટિએ નવલકથા બધા સાહિત્યસ્વરૂપોમાં મોખરે રહે છે. ગુણવત્તાની દૃષ્ટિએ વિચારીએ. આ દશકાની નવલકથાઓમાં (૧) વાર્તાની કથનશૈલી સાદી, સરળ છતાં લાવણ્યમયી બની છે. લેખક તેના કથયિતવ્યમાં નિખાલસ બન્યો છે. તેમ તેના કથનમાં ક્યાંય આડંબર લાવતો નથી. (૨) પ્રવર્તમાન સ્થિતિ અને સમયના વહેણનું યથાર્થદર્શી આલેખન જોવા મળે છે. રાષ્ટ્રનું જે નવધડતર થઈ રહ્યું છે તેનું આલેખન ‘બાવડાને બળે' (શ્રી પુષ્કર ચંદરવાકર) અને ‘નવનિર્માણ' (શ્રી ગોવિંદભાઈ અમીન) જેવી કૃતિઓમાં જેવા મળે છે. પરિસ્થિતિનું પ્રતિબિંબ તે સ્વ. રમણલાલ દેસાઈ, પેટલીકર, સોપાન, પીતાંબર પટેલ, સુહાસી વગેરેની નવલકથાઓમાં તો પડે જ છે, છતાં દેશનું જે નવનિર્માણ થઈ રહ્યું છે તેનું જેવું અને જેટલું પ્રતિબિંબ પડવું જોઈએ તે પડ્યું દેખાતું નથી. તેનું કારણ એ જણાય છે કે લેખક આ વહેતાં પાણીનું હાર્દ પકડી શક્યો નથી. લેખક આ સ્થિતિનો તાટસ્થ્યથી તાગ કાઢી શકે તેવો સમય હજી હવે પાકે છે. તે વિશે અધીરા થવા જેવું નથી. લેખકનું મુખ એ દિશામાં છે તે સંતોષની વાત છે. (૩) વિષયવૈવિધ્ય ખૂબ આવ્યું છે. સમાજનાં ભિન્ન ભિન્ન થરનાં માનવીઓની કથા લખાય છે. પન્નાલાલ ડુંગરપુર બાજુના ખેડૂતોની કથા લખે છે, પેટલીકર ચરોતરનાં માનવીઓની કથા આપે છે, તો પીતાંબર ઉત્તર ગુજરાતની ધરતીની સોડમ લઈ આવે છે. પુષ્કર ચંદરવાકર ધોળકા બાજુના પઢારોની ઝલક આલેખે છે, તો સુહાસી સૂરત બાજુના હાળીઓના જીવનમાં ડોકિયુ કરાવે છે. મડિયા સૌરાષ્ટ્રની કુટુંબકથા આલેખે છે, તો સોપાન શહેરની બદલાતી જતી કુટુંબવ્યવસ્થાની સમીક્ષા કરે છે. લેખકને પોતાને જે ભૂમિનો, જે લોકવૃંદનો, જે સમાજનો અનુભવ છે તેની જ વાત માંડે છે. આજના મોટાભાગના વાર્તાકારો ગામડામાંથી આવે છે. વ્યવસાયના કારણે તે શહેરમાં રહે છે ખરા, પણ તેમનો એક પગ તો હજી ગામડાંમાં જ છે. તેમનું પ્રેરણાબળ પણ ગામડું છે. એથી જ ગ્રામજીવનની તાઝગીભરી કથાઓ પ્રમાણમાં ઠીક ઠીક લખાય છે. લેખક ગામડાંને લાવવા ખાતર લાવતો નથી. તેનું ચિત્ત એ વાતાવરણમાં જ રમમાણ થાય છે, તેના સર્જનનો છોડ એ ભૂમિમાં જ પાંગરી ઊઠે છે. એથી જ સહજ રીતે ગામડું આવે છે. સમાજના જુદા જુદા થરના લેખકો આવત થશે તેમ વિષયવૈવિધ્ય પણ આસાનીથી આવશે. બીજે પક્ષે, આપણે બહુ હરખાવા જેવું પણ નથી. આપણી મર્યાદાઓનું, આપણી ક્ષતિઓનું અને આપણી ઊણપોનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ. આજે મોટાભાગના લેખકો માત્ર સુવાચ્ય (Readable) નવલકથાઓ જ લખે છે, પણ નવલકથાને પ્રતિભાપ્રભાથી ઝળહળતી બનાવે એવું તેજ દેખાતું નથી. આપણી નવલકથામાં વિષયવૈવિધ્ય આવ્યું છે તે સાચું, પણ જીવનનું ઊંડાણ આવ્યું નથી. કથામાંથી સમાજનું સમગ્ર દર્શન ઊઠી આવતું નથી, તેમ તેના આલેખનમાં ચમકારો આવતો નથી. કેટલાક લેખકો સુંદર પાત્રવિધાન કરી શકે છે, પણ એ પાત્રના અંતરના ઊંડાણનું, પેલા પાતાળમાં વહેતા ઝરણનું દર્શન ભાગ્યે જ થાય છે. અંતરનાં એક પછી એક પડ ઉકેલાતાં જતાં હોય અને તેનું અંતસ્તલ પ્રકટ થતું જતું હોય એવું બહુ ઓછું બને છે. જાણે લેખક ઉપર ઉપરથી ઊર્મિઓ સાથે છબછબિયાં કરે છે. આ કારણે સ્મૃતિપટ પર અંકાઈ રહે તેવાં પાત્રો સર્જાતાં નથી. આમાં શ્રી પન્નાલાલ પટેલ એક માત્ર અપવાદ છે. ‘ના છૂટકે'નાં રૂમાલદરિયાવ અને ભાંગ્યાના ભેરુ’(‘માનવીની ભવાઈ'ના અનુસંધાનમાં)નાં રાજુ-કાળુ પેલાં ‘મળેલાં જીવ'નાં કાનજી-જીવી જેવાં યાદગાર પાત્રો બની રહેશે. મોટાં ભાગના લેખકો પાસે નવલકથાનો ‘કસબ' હાથ આવી ગયો છે. તે પ્રસંગોનું, ઘટનાઓનું આલેખન સારી રીતે કરી શકે છે. રંજકતા અને રસિકતા પણ લાવે છે. એમની કૃતિમાં ‘કલા' કરતાં ‘કસબ'ની કરામત વિશેષ દેખાય છે. આ૫ણા વાર્તાકારો તેમને લાધેલું જીવનરહસ્ય કથામાં અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરે છે, પણ ધ્વનિ કે વ્યંજનાથી કહેવાને બદલે તે માંડીને બધી વાત કરી દે છે. લેખકને જે કંઈ કહેવાનું છે તે કલાત્મક રીતે, વ્યંજનાથી જ અભિવ્યક્ત થવું ઘટે. જેમ ફૂલનું રૂપ અને સુગંધ અભિન્ન હોય છે તે રીતે જ ‘દર્શન' અને ‘વર્ણન' અભિન્ન બની રહેવાં જોઈએ. કેટલાક લેખકો પ્રેમની કથા કહ્યા વિના વાર્તા લખી શકતા જ નથી, પ્રણયનું ઓઠું લઈને કથાને રસાળ બનાવે છે. જે સ્વ. રમણલાલની મર્યાદા હતી તે કેટલાક નવીનોની અને પીઢ લેખકોની પણ મર્યાદા બની રહે છે. નવોદિત નવલકથાકાર શ્રી સુહાસી ‘મેઘલી રાતે' નામની કથા લઈને આવ્યા છે. તેમની નેમ હાળી લોકોની કથા કહેવાની છે, પણ તે પ્રણયની વાતમાં સરી પડે છે...એટલે સુધી કે પેલા હાળીઓ બિચારા પાછળ, ઘણા પાછળ, માત્ર છાયા જેવા બની રહે છે. આવું ઘણી નવલકથાઓમાં બને છે. પ્રણયનો સહારો લીધા સિવાય માનવમનની, મનના અંતરંગની રસમય કથા કહેનાર બહુ ઓછા લેખકો છે. માત્ર બહારનું વૈવિધ્ય લાવ્યે શું વળે? આંતરમનનો અંતલ તાગ પામવાની મથામણ પણ થવી જોઈએ. લેખકે પ્રમાદથી તો સો ગાઉ દૂર ભાગવું ઘટે, સતત અભ્યાસ, અખૂટ પરિશ્રમ, નિરંતર જાગૃતિ લેખકને અપેક્ષિત છે. જોકે આ ભારે કપરું કામ છે. લેખકનો જીવતસંગ્રામ એવો વિકટ બન્યો છે કે તે પલાંઠી વાળીને નિરાંતે બેસી શકતો પણ નથી. લેખક પણ આખરે તો માનવી છે ને! આપણા લેખક પાસે સારી શૈલી છે. કથાનો કસબ છે. જીવન પ્રત્યેની દૃષ્ટિ છે; ખૂટે છે માત્ર કળા પ્રત્યેની નિષ્ઠા. આલેખનની સચ્ચાઈ, વિગતની ચોકસાઈ અને પરિશ્રમનો ઉમંગોલ્લાસ તો લેખકમાં કદી ઓછો ન થવો જોઈએ. લેખક અર્થદાસ ન બને. શ્રેષ્ઠ સર્જન એ કાંઈ જેવી તેવી વાત તો નથી જ! આજે નહિ તો આવતી કાલે પન્નાલાલ અને દર્શક, મડિયા અને પેટલીકર અને બીજા આશાસ્પદ સર્જકોના હાથે સમર્થ કલાકૃતિ નહિ સર્જાય એવી નિરાશા સેવવાનું કોઈ કારણ નથી. ગુજરાતી નવલકથા વિશ્વસાહિત્યની અમરકૃતિઓની હરોળમાં બેસે એ સોનરી દિવસ વહેલો આવે એમ ઈચ્છીએ.

નવલકથા–અનુવાદો

આ દાયકામાં અનુવાદપ્રવૃત્તિ ખૂબ વિકસી છે. દેશવિદેશના સમર્થ સાહિત્યકારોની સમર્થ કૃતિઓ ગુજરાતીમાં સારી સંખ્યામાં અવતરી છે. અન્ય ભાષાની ઉત્તમ કૃતિઓનું વાચન-અધ્યયન આપણાં બુદ્ધિ-હૃદયના સીમાડાને અવશ્ય વિસ્તારે છે. વિશ્વના સમર્થ નવલકથાકારોમાં જેનું માનવંતું સ્થાન છે એ ટોલ્સ્ટોયની મહાનવલ ‘યુદ્ધ અને શાંતિ'નો ચાર ભાગમાં શ્રી જયંતી દલાલે કરેલો અનુવાદ આ દાયકાની એક સિદ્ધિ ગણાવી જોઈએ. નેપોલિયને રશિયા પર કરેલ આક્રમણ, રશિયાએ એનો ઠંડી તાકાતથી કરેલ સામનો અને યુદ્ધની એ ભેંકાર પશ્ચાદ્ભૂમિકામાં જિવાતા રશિયન પ્રજાના ખમીરવંતા જીવનની અનેકાનેક પાત્રોની વણઝાર દ્વારા ટોલ્સ્ટોયે કરાવેલ ઝાંખી સાચે જ એ કૃતિને રશિયન ‘મહાભારત' બનાવે છે. અનુવાદકલામાં લગભગ સિદ્ધહસ્ત કહી શકાય એવા શ્રી જયંતી દલાલનો આ અનુવાદ એમના ભગીરથ પુરુષાર્થનું સુફળ છે. આ જ પ્રમાણે પ્રસિદ્ધ લેખક રોમાં રોલાંની મહત્ત્વાકાંક્ષી કલાકૃતિ ‘જિન ક્રિસ્તોફ'નો શ્રી શંકર ગોહિલે કરેલ અનુવાદ પણ એકંદરે સુવાચ્ય અને સુંદર છે. શ્રી ભોગીલાલ ગાંધીએ ટોલ્સ્ટોયની ‘એના કેરેનીના અને નોબેલ ઇનામ વિજેતા પાસ્તરનાકની ‘ડૉ. ઝિવાગો'નો ‘ઉધ્વસ્ત આકાશ' નામે ભાવાનુવાદ સફળતાથી કરેલ છે. બીજા નોબેલ વિજેતા હરમાન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ'નો શ્રી નીરુ દેસાઈએ કરેલ અનુવાદ ગણનાપાત્ર છે. શ્રી વિનોદિની નીલકંઠે જેને ઑસ્ટીનની પ્રસિદ્ધ કૃતિ ‘Pride and Prejudice’નો અનુવાદ ‘પરાજિત પૂર્વગ્રહ', શ્રી જયાબેન ઠાકોરે ઇટાલીના પ્રસિદ્ધ નવલકથાકાર આલ્બર્ટ મોરેવિયાની કલાકૃતિ ‘Woman of Rome'નો ‘સ્ત્રી' નામથી કરેલ અનુવાદ અને ફ્રાન્સના સાહિત્યસ્વામી ગુસ્તાવ ફલોબર્ટની અમરકૃતિ ‘Mardame Bovary'નો ‘માદામ બૉવરી' નામે કરેલ અનુવાદ ખાસ ઉલ્લેખ માંગી લે છે. શ્રી સુરેશ જોશી અને રમણલાલ પાઠકે રશિયન નવલકથાકાર શોલોખોવની કૃતિ ‘Quiet Flows the Don'નો ‘ધીરે વહે છે દોન' નામે કરેલ અનુવાદ પણ સુવાચ્ય છે. આપણું સાહિત્યમાં આવી કલાકૃતિઓ અવતરે છે એ ઘટના આપણી વિકસતી વાચનદૃષ્ટિની દ્યોતક છે. બંગાળી સાહિત્યમાંથી બંકિમચંદ્ર, શરદબાબુ, રવિબાબુ ઉપરાંત માણિક બેનરજી, નરેશચંદ્ર સેનગુપ્તા, તારાશંકર, પ્રભાતકુમાર મુખપાધ્યાય, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, પ્રબોધ સન્યાલ, દેવેશ દાસ આદિની કૃતિઓના અનુવાદ સારી એવી સંખ્યામાં શ્રી શ્રીકાન્ત ત્રિવેદી, શ્રી રમણલાલ સોની, શ્રી રમણીક મેઘાણી, શ્રી ટોપણ ઘેલાણી, શ્રી લાભુબેન મહેતા આદિ કરી રહ્યાં છે. આ જ પ્રમાણે મરાઠી નવલસાહિત્યમાંથી શ્રી ખાંડેકર ઉપરાંત સ્વ. શ્રી સાને ગુરુજી, શ્રી ફડકે, શ્રી પેંડસે, શ્રી માડબોલકર, શ્રી દાંડેકર, શ્રી ક્ષેત્રમાડે, શ્રી વિભાવરી શિરૂરકર (શ્રી માલતી બેડેકર), શ્રી બોરકર આદિની ચુનંદી કૃતિઓના અનુવાદો શ્રી ગોપાલરાવ વિદ્વાંસ પૂરી નિષ્ઠાથી આપી રહ્યા છે. ઉપરાંત હિંદી સાહિત્યમાંથી પ્રેમચંદજી ઉપરાંત યશપાલ, જૈનેન્દ્રકુમાર, વૃન્દાવનલાલ વર્મા, રાહુલ સાંકૃત્યાયન વગેરેની નવલકથાઓના અનુવાદો શ્રી માણેકલાલ જોશી, શ્રી સુભદ્રા ગાંધી, શ્રી નવનીત મદ્રાસી આદિ દ્વારા પ્રકટ થતા રહ્યા છે. આમ, આપણી અનુવાદ પ્રવૃત્તિ ખૂબ ફાલીકૂલી છે, પરંતુ અનુવાદકોએ અન્ય ભાષાનાં રત્નો કે મૌક્તિકોને જ સ્વભાષામાં અવતારવાનો આગ્રહ સેવવો જોઈએ. મહાન સાહિત્યકારોની ફટકિયાં મોતી જેવી નબળી કૃતિઓને વિવેકપૂર્વક બાજુએ મૂકવી જોઈએ. બંગાળી, મરાઠી, હિંદી ઉપરાંત અન્ય ભગિનીભાષાઓ તરફ મીટ માંડવાનો સમય હવે પાકી ગયો ગણાય.. આપણે આશા રાખીએ કે અન્ય ભાષાઓની ઉત્તમ કૃતિઓ જ આપણને આસ્વાદવા મળે.