ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/હિંમતલાલ ચુનીલાલ શાહ

હિંમતલાલ ચુનીલાલ શાહ

એઓ જ્ઞાતિએ વીસા ખડાયતા વાણિયા; અને ઉમરેઠ પાસે ઓડના વતની છે. એમનો જન્મ તેમને મોસાળ સારસામાં સં. ૧૯૬૨ ના પોષ વદી ૧૨ ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ ચુનીલાલ તુલસીદાસ અને માતાનું નામ પરસનબ્હેન છે. એમનું લગ્ન ભાદરવા ગામે સૌ. મણિબ્હેન સાથે ૧૫ વર્ષની ઉંમરે સં. ૧૯૭૭ માં થયું હતું. એમણે ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપન મંદિરનું બીજું વર્ષ પસાર કરેલું છે; અને ઇંગ્રેજીનો અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો છે. હમણાં તેઓ ભાદરવામાં એક વેપારી તરીકે જીવન વ્યતીત કરે છે. તે જીવન સામાન્ય રીતે વ્યવસાયી તેમ તદ્દન વ્યવહારૂ હોય છે અને ગામડામાં સાહિત્યસંસ્કારને ઉત્તેજે એવું વાતાવરણ પણ ઓછું મળી આવે તેમ છતાં એમની પ્રવૃત્તિ બતાવી આપે છે કે વ્યવહારમાં પડ્યાછતાં તેઓ સાહિત્ય-સરસ્વતી દેવી-ની ઉપાસના કરી રહ્યા છે, એ ખુશી થવા જેવું છે. ‘કેમ કથાઓ,’ એ નામનું એમનું પુસ્તક પ્રથમ બહાર પડેલું ત્યારે તેમાંની વસ્તુની નવીનતા અને વિષયખીલવણીની એક નવીન પ્રથાથી સૌનું એ પ્રતિ ખાસ ધ્યાન ખેંચાયેલું. તેનું નામ બરોબર પસંદ થયલું નહિ; પણ ચાલુ બાલસાહિત્યમાં તે એક અપૂર્વ ઉમેરો હતો એમ જણાવતાં સંતોષ થાય છે. એમના બે નવલકથાનાં પુસ્તકો–‘ડોલતું નાવ’ જે ‘નૂતન ગુજરાત’ ની ભેટ તરીકે અપાયું હતું; અને હમણાં બહાર પડેલું ‘બકુલા ભાભી’–જે ‘સ્ત્રીબોધ’ માસિકના ગ્રાહકોને બક્ષિસ અપાયું છે, તે વાર્તાસાહિત્ય-રસિકોને આકર્ષે એવાં છે. એ નવલકથાઓની ભાષાની ભભક એવી છે કે કશાથી નહીં તો તેથી પણ પ્રેરાઈ વાચક આગળને આગળ વધ્યે જાય છે. ગુજરાતી નવલકથાસાહિત્યમાં એવી ભાષાસમૃદ્ધિ બહુ ઓછી દેખાય છે.

અમે ઇચ્છીએ છીએ કે ‘કેમ કથાઓ’ લખીને જે સરલ છાપ પાડી છે, તે એઓ એ લાઈનને વધુ ખીલવીને આપણા બાલસાહિત્યને વિશેષ સમૃદ્ધ કરે.

: : એમના ગ્રંથો. : :

૧. કેમ કથાઓ (બાલપયોગી) સં. ૧૯૮૪
૨. ડોલતું નાવ સં. ૧૯૮૫
૩. બકુલાભાભી ”  ૧૯૮૭