ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગ્રંથ પરિચય
ગુજરાતી કેળવણીકારોનાં ચરિત્ર અને તેને લગતી ઘણી મહત્ત્વની બાબતો આ ગ્રંથમાં જોવામાં આવશે. ટુંકામાં આ પુસ્તકને reference ના પુસ્તક તરીકે જેમ બને તેમ વધારે ઉપયોગી તથા આકર્ષક બનાવવા માટે સંપાદકે સતત કાળજી રાખેલી છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન બન્યું છે તેમ ૧૯૩૨ની સાલમાં પણ બાલ સાહિત્યનો જબરો ફાલ આપણી ભાષાને પ્રાપ્ત થયો છે. એ સર્વના સંસ્કાર મેળવેલાં બાળકો જ્યારે ભવિષ્યમાં નાગરિકો બનશે ત્યારે જરૂર ગુજરાતનું નામ દીપાવશે. ગુજરાતી સાહિત્ય બધી દિશામાં ખેડાતું જાય છે એ આ પુસ્તકમાં આપેલી યાદી પરથી જણાઇ આવશે. વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા ઓછા ખેડાયેલા વિષયોપર પણ પુસ્તકો વધારેને વધારે લખાય છે એ સમયનું શુભ ચિહ્ન છે. પ્રજા એકંદરે ગરીબ, અજ્ઞાનનું પ્રમાણ ઘણં જ મોટું, વાંચનના શોખના પુરતા વિકાસનો અભાવ : એ સર્વ વિરોધી બળો છતાં સંખ્યાબંધ પુસ્તકો લખાય છે અને પ્રકટ થાય છે એથી સાહિત્યાનુરાગીઓનાં ચિત્ત નિઃસંશય પ્રસન્ન થતાં જ હશે. તેમ છતાં આપણા સાહિત્યની ઘણી ન્યૂનતાઓ છે, તે પુરી પાડવા સહૃદય લેખક વર્ગને વિનંતિ કરવી અસ્થાને નહિ ગણાય. આપણા આદર્શ ઉચ્ચ રાખી, સામાન્ય પરિણામોથી સંતોષ ના માનવો એ જ આગળ વધવાનો માર્ગ છે એમ મારો નમ્ર અભિપ્રાય છે, જે વારંવાર જણાવવામાં વાંધો નથી. વધારે ઉચ્ચગામી અને ઉંડા અભ્યાસવાળાં પુસ્તકો બીજા દેશોનાં સાહિત્યમાં છે તે પ્રકારનાં આપણી ભાષામાં રચાય એવી ઉચ્ચાભિલાષા સહુ કોઇ રાખશે જ. આ સંબંધે ઉલ્લેખ કરતાં આપણી સમક્ષ આપણો આર્થિક પ્રશ્ન ખડો થયા વિના રહેતો નથી, સેંકડો ઉમેદ અને આશાભર્યા સાહિત્યના અભ્યાસીઓ પોતાના અભ્યાસ દરમિયાન કાંઇ કાંઇ સ્વપ્નાં સેવતા, જીવનના કલહમાં પડે છે ત્યારે તેમનાં એ સ્વપ્નાં ઉંડી જાય છે. માટીની જમીનપર પગ મુકતાં તેમને જણાય છે કે જીવન ટકાવવું હેાય, જીવનની એછામાં ઓછી જરૂરીઆતો પુરી પાડવી હોય તોપણ સવારથી સાંજ સુધી ચાલુ મહેનત કરવા તૈયાર હોય તે છતાં કામ મળતું નથી. મળે તો જીવનને શોષીને નીચોવી નાંખનારૂંં હોય છે. ઉલ્લાસ અને આનંદ, જે વડે પ્રેરણાશક્તિને પોષણ મળે છે તે અંતર્ધાન થઇ ગયાં હોય છે. અભ્યાસ અને વાંચન માટે શાન્તિ અને વખત જોઈએ તે ભાગ્યે જ મળે છે. એટલે કે સાહિત્યના સંવર્ધનને સાનુકૂલ થાય તેવી પરિસ્થિતિ ઘણા થોડાને હોય છે; કોઇ કોઇ વ્યક્તિ આ બધાં વિઘ્નો વટાવી સાહિત્યમાં કામ કરે છે તો તે બહાર પાડવા સાધન નથી હોતું. સાહિત્યનું કામ કરનારને ઉદરપોષણનું સાધન એનાથી મળતું નથી એ આપણા દેશની કમનસીબી છે. ભવિષ્યમાં પણ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના પ્રત્યેક પુસ્તકમાં અભ્યાસીઓને ઉપયોગી અંગ દાખલ કરવામાં અવશ્ય આવશે. તેને લગતું આલ્બમ પણ ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવાની ધારણા છે; પ્રજાના ઉત્તેજન અને ટેકાથી ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી પોતાને કૃતકૃત્ય, થએલી માને છે.
અમદાવાદ
ભદ્ર, તા. ૨૯–૯–૩૩
વિદ્યાબહેન ર. નીલકંઠ.