ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/હરસિદ્ધભાઈ વજુભાઇ દીવેટિયા

હરસિદ્ધભાઇ વજુભાઇ દીવેટિયા

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ; અમદાવાદના વતની અને જન્મ વડોદરામાં તાઃ ૧૭મી ફેબ્રુઆરી ૧૮૮૬ (સં. ૧૯૪૨ ના મહા સુદિ ૧૪) રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ વજુભાઈ હીમતભાઈ અને માતુશ્રીનું નામ ઈશ્વરબા હતું. એમનું બીજું લગ્ન સન ૧૯૧૭માં પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવના પુત્રી શ્રીમતી જૉલીબ્હેન સાથે થયું હતું. સ્કુલ અને કૉલેજમાં એમની કારર્કિદી યશસ્વી હતી. સન ૧૯૦૬માં તેમણે ગુજરાત કૉલેજમાંથી તત્ત્વજ્ઞાનનો વિષય લઇને બી. એ. ની ૫રીક્ષા તે વિષયમાં પ્રથમ નંબરે ધીરજલાલ મથુરાદાસ સ્કૉલરશીપ સાથે પાસ કરી, ત્યાં સન ૧૯૦૭ તથા ૧૯૦૮માં દક્ષિણા ફેલો નિમાયા હતા; અને સન ૧૯૦૮ માં એમ. એ. ની પરીક્ષા તત્વજ્ઞાનનો વિષય લઇને પહેલા વર્ગમાં પાસ કરીને તેલંગ ચંદ્રક અને ઈનામ મેળવ્યા હતા. તે ઉપરાંત યુનિવર્સિટી તરફથી હરિફાઈ નિબંધ લખીને કરસનદાસ મૂળજી ઈનામ સન ૧૯૦૮ માં પ્રાપ્ત કર્યું હતું; અને સન ૧૯૦૯ માં તેમણે એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરી હતી. થોડો વખત તેઓ સંયુક્ત પ્રાંતમાં બરેલી કૉલેજમાં તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરી આવ્યા હતા; પણ દૂર પ્રદેશમાં રહેવાનું અનુકૂળ નહિ થવાથી મુંબાઈમાં આવીને સને ૧૯૧૨ માં મુંબાઈ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. મુંબાઈના વકીલોમાં એમની પ્રેકિટશ ધીકતી છે અને નામાંકિત વકીલોમાં એમની ગણના થાય છે. એમની બાહોશી અને કાર્યદક્ષતાને લઈને તેઓને મુંબાઈની બાર કૌન્સિલના સેક્રેટરી ચુંટી કાઢવામાં આવ્યા હતા. એમના ચાલુ ધંધામાં તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે સંસર્ગ રાખી રહ્યા છે. મુંબાઈની શ્રી ફૉર્બસ ગુજરાતી સભાના તેઓ ઑનરરી સેક્રેટરી છે; અને ગુ. વ. સોસાઇટીને એમણે સન ૧૯૧૪ માં વિલિયમ જેમ્સના મ્હોટા પુસ્તક પરથી ‘માનસશાસ્ત્ર’ નું પુસ્તક લખી આપ્યું હતું; અને તે ટ્રેનિંગ કૉલેજમાં પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે. વળી તેઓ સાર્વજનિક સેવા કરવામાં પાછા પડતા નથી. વાંદરા મ્યુનિસિપાલેટીના છેલ્લા ત્રણ વર્ષથી તેઓ એક સભ્ય છે. હમણાં જ સમાચાર બહાર આવ્યા છે કે તેમની ટુંક મુદ્દત માટે મુંબાઇ હાઇકોર્ટના જડજ તરીકે નિમણુંક થઇ છે. ગુજરાત તે માટે મગરૂરી લઇ શકે.

: : એમની કૃતિઓ : :

માનસશાસ્ત્ર સન ૧૯૧૪