ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/હરિલાલ નરસિંહરામ વ્યાસ

હરિલાલ નરસિંહરામ વ્યાસ

એઓ જ્ઞાતે ઔદિચ્ય ટોળકીઆ બ્રાહ્મણ અને માતરના વતની છે. એમનો જન્મ સન ૧૮૬૩માં તા. ૨૦મી જુને માતરમાં થયો હતો. એમના પિતાનું નામ નરસિંહરામ શિવરામ અને માતુશ્રીનું નામ બાઈ જેકોર બાપુજી છે. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૩૭માં બાંધણી ગામમાં સૌ. ગિરજાબ્હેન સાથે થયું હતું. પરંતુ તે સં. ૧૯૪૪માં મૃત્યુ પામતાં એમનું બીજી વારનું લગ્ન સં. ૧૯૪૭માં સૌ. સરસ્વતી સાથે વડોદરામાં થયું હતું; પણ તે બાઈ અર્ધદગ્ધ હોવાથી એમણે ત્રીજીવારનું લગ્ન સાત વર્ષની મુશિબતી અને દુઃખમાં કાઢ્યા બાદ સં. ૧૯૫૪માં સૌ. કમળા સાથે કર્યું હતું. તે બાઇ સન ૧૯૧૮માં ગુજરી ગયાં હતાં. એમનાં બીજીવારનાં સ્ત્રી હયાત છે. પ્રથમ વારની સ્ત્રીના મૃત્યુ પછી તુરતમાં એમના પિતા દેવલોક થયલા તેથી એમના મનને આઘાત પહોંચ્યો હતો; અને ધર્મ પ્રતિ એમનું વલણ ગયલું ત્યારથી સાહિત્ય અને ધર્મપુસ્તકોના તરજુમા કરવાનું શરૂ કર્યું. તેમણે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજનું સિનિયર વર્ગનું સર્ટિફીકેટ મેળવ્યું હતું. આખી જીંદગી શિક્ષક તરીકે ગાળી હતી. હમણાં તેઓ રીટાયર થઇને પ્રભુ ભજનમાં દિવસો નિર્ગમન કરે છે. એમના રઘુવંશનો તરજુમો બે ત્રણ સર્ગનો ‘બુદ્ધિપ્રકાશ’માં તે વખતના તંત્રી બાલાશંકર ઉલ્લાસરામે છાપ્યો હતો; અને શ્રીયુત છોટાલાલ નરભેરામ ભટ્ટની ભલામણથી ઑનરરી સેક્રેટરી લાલશંકરભાઈએ એમનાં સંસ્કૃત પુસ્તકોના અનુવાદ રઘુવંશ, કિરાતાર્જુનીય કાવ્ય, શિશુપાલ વધ વગેરે સોસાયટી તરફથી છપાવવા સ્વીકાર્યું હતું. આ ભાષાન્તરો દ્વારા પણ તેઓ સાહિત્યના કેટલા સાચા અભ્યાસી છે, તે દેખાઇ આવ્યા વિના રહેતું નથી. સંસ્કૃત કાવ્ય સાહિત્યના અભ્યાસીને આ ગ્રંથો દીવાદાંડીરૂપ થઈ પડે તેવા છે.

: : એમની કૃતિઓ : :

૧. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા અને અષ્ટાવક્રગીતા ગુજરાતી કવિતામાં ભાષાન્તર સન ૧૮૯૨
૨. રઘુવંશ (ગુ. કવિતામાં ભાષાન્તર)  ”  ૧૮૯૭
૩. કિરાતાર્જુનીય કાવ્ય (ગુ. ટીકા સાથે)  ”  ૧૯૦૩
૪. શિશુપાલવધ–પૂર્વાર્ધ-  ”  ૧૯૦૮
૫. –ઉત્તરાર્ધ-  ”  ૧૯૧૦
૬. શ્રી યજુર્વેદીય પુરુષસૂક્ત (ગુ. ભાષ્યરૂપ)  ”  ૧૯૩૩