ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/વર્તમાન ગુજરાતી સાહિત્ય

વર્તમાન ગુજરાતી સાહિત્ય

“Modern Gujarati Literature shows great richness and variety. Irresponsible flights of the romantic have been brought under control. Human nature and experience, in true proportions, now attracts authors. Dramatic presentation of life is no longer an unknown art; humour is coming into its own. The novel, the short story, and the drama have attained distinctive form; literary art has acquired greater freedom, a more skilful technique, a higher creativeness. (I. J. S. Taroporevala)
ચાલુ વર્ષમાં, અને તે થોડા થોડા સમયને અંતરે, વર્તમાન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આલેખતાં અને ચર્ચતાં, બે પુસ્તકો પણ તે અંગ્રેજીમાં, આપણા બે માનનીય અને અગ્રેસર સાહિત્યકારોએ લખેલાં પ્રાપ્ત થયાં છે; અને હમણાં જ્યારે સાહિત્ય સૃષ્ટિમાં નવું મંથન થઈ રહ્યું છે, તેના આદર્શ, પ્રકાર અને ધોરણો વિષે ઉહાપોહ ચાલુ છે, અને તેની જરૂરિયાતો, ઉણપો અને દોષો પ્રતિ ધ્યાન દોરવામાં આવે છે, એ પરિસ્થિતિમાં, વર્તમાન ગુજરાતી સાહિત્યનો વિષય, તેની મર્યાદાઓ અને મુશ્કેલીઓ, તેનો ભાવિ વિકાસ અને વિસ્તાર, એ દૃષ્ટિએ વિચારાય અને તપાસાય, એ જરૂરનું છે. અને તેમ કરવાનો બીજો આશય શ્રીયુત મુનશીનાં પુસ્તકમાંથી મળી રહે છે. પ્રસ્તુત લેખના આરંભમાં મી. તારાપોરવાળાનું જે કથન ઉતાર્યું છે, તેમાં વર્તમાન ગુજરાતી સાહિત્યની પ્રગતિ માટે સંતોષ દર્શાવેલો છે, જ્યારે એ જ પુસ્તકનો મહાત્મા ગાંધીજીએ આમુખ લખી આપે છે, તેમાં તેઓશ્રીએ લખ્યું છે કે,

‘ગુજરાતી પ્રજાની ગરીબાઈની પેઠે ગુજરાતી સાહિત્ય પણ કંગાલ છે. કોઈ ભાષા ખરી રીતે નિઃસત્ત્વ હોતી નથી; પણ એ કથનને મર્યાદિત કરી તેઓ જણાવે છે કે કાર્યમાં પ્રવૃત્ત થયા પછીથી આપણા વિચારને વ્યક્ત કરવાનો આપણને પ્રસંગ જ મળ્યો નથી. હિન્દના અન્ય પ્રાંતોની પેઠે ગુજરાત પણ ચિંતનગ્રસ્ત બન્યું છે; અને તેની ભાષાનું સ્વરૂપ ઘડાય છે.’

આ દેખીતા વિરોધભાસમાં તથ્ય શું છે અથવા તો તે જુદા જ દૃષ્ટિકોણે જોવાથી, આ પરિણામ આવ્યું છે કે કેમ, એ પ્રશ્ન પણ પ્રસ્તુત વિષયની પસંદગી કરવામાં કારણભૂત છે.

વળી પ્રસ્તુત વિષયને ચર્ચાતું એક વ્યાખ્યાન “વર્તમાન ગુજરાતી સાહિત્ય–તેના વલણે”, ગયે વર્ષે આપણા નામાંકિત અને લોકપ્રિય લેખક શ્રીયુત રમણલાલ વસંતલાલ દેસાઈએ, શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના ૭૨મા જન્મોત્સવના સપ્તાહના અંગે, વડોદરા રાજ્યના કેળવણીખાતાનાં આશ્રય હેઠળ, આપ્યું હતું. આખાય વિષયની સમગ્ર રીતે સમાલોચના કરવા, તેનો, પ્રસ્તુત લેખમાં સમાવેશ કરીશું.

ઉપર જે બે પુસ્તકોનો નિર્દેશ કર્યો છે, તેમાંનું પહેલું પુસ્તક The Present State of Gujarati Literature–વર્તમાન ગુજરાતી સાહિત્યની સ્થિતિ–દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ મુંબઈ યુનિવર્સિટી હસ્તકના વસનજી માધવજી ઠક્કર ટ્રસ્ટફંડના અંગે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં, તેનો એકત્ર સંગ્રહ છે. એ જ વિદ્વાને આપણને ગુજરાતી સાહિત્યનો પદ્ધતિસર ઇતિહાસ–પ્રાચીન અને અર્વાચીન–ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો અને વધુ સ્તંભો,–એ નામથી અગાઉ આપેલો છે; અને આ નવા પુસ્તકમાં તેનો સારભાગ, મુખ્યત્વે,–થોડા ઘણા ફેરફાર અને ઉમેરા સહિત–આપેલો છે, એમ કહેવામાં અમે એ વિદ્વાન વ્યાખ્યાતાને અન્યાય કરતા નથી.

બીજું પુસ્તક Gujarat and its Literature–ગુજરાત અને તેનું સાહિત્ય–આપણા સુપ્રસિદ્ધ લેખક અને બાહોશ ધારાશાસ્ત્રી, જેમની દેશસેવા જાણીતી છે; અને તે માટેનો ભોગ પણ અપ્રતિમ છે, તે શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખેલું છે. ગુજરાતી સાહિત્યનો સુસંગત અને વિશ્વસનીય ઇતિહાસ લખવા લખાવવાના મનોરથો તેઓ ઘણાં વર્ષોથી સેવતા હતા અને સન ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળના અંગે જેલમાં જવાનું સાંપડતા, એ ફરજીયાત નિવૃત્તિના સમયમાં, સદરહુ ગ્રંથ તેમણે લખી કાઢ્યો હતો.

અત્યારની પરિસ્થિતિમાં, કહેવાની જરૂર નથી, કે આ ત્રણે લેખકોએ રજુ કરેલા મુદ્દા, વિચાર અને અભિપ્રાય, મહત્ત્વના તેમ મનનીય માલુમ પડશે.

કાળાનુક્રમાનુસાર આપણે પ્રથમ શ્રીયુત રમણલાલનું વ્યાખ્યાન વિચારીશું. તે વ્યાખ્યાનની શરૂઆત એમણે બહુ સરસ રીતે કરેલી છે. સૃષ્ટિનો ઉપક્રમ કેવી રીતે થયો તે સમજાવતાં તેઓ આપણને ખગોળવિદ્યાના પ્રદેશમાં લઈ જઈને, બતાવે છે, કે–

“સૃષ્ટિની વિશાળતા જોતાં આવા એકાદ સૂર્યનો કશો હિસાબ નથી. આપણો સૂર્ય હોલવાઈ જાય તોય નભોમંડળમાં ચમકતા તારાઓ તો આમ ને આમ ચળકતા જ રહે. આવા એક તેજતણખા સૂર્યમાંથી ઉડેલા પક્વ અને ઘટ્ટ સ્ફુલિંગોમાંથી આપણા ગ્રહો ઘડાયા. એ ગ્રહમાંનો એક ગ્રહ પૃથ્વી. પૃથ્વીનાં દ્રવ્યોમાંથી કોઈ ગૂઢ યોજના વડે વિકાસ પામતી સજીવ સૃષ્ટિનો એક અલ્પ ભાગ તે મનુષ્ય.

આ અતિ અલ્પ મનુષ્યનો વિરાટ બ્રહ્માંડ–cosmosમાં શો હિસાબ? તેનું શું સ્થાન? પૃથ્વીને રેતીના એક કણનો હિસાબ હોય તેના કરતાં ઓછો હિસાબ, આ ભૌતિક સૃષ્ટિ સમગ્રને મનુષ્યનો છે.”

તેમ છતાં આશ્ચર્યકારક એ છે કે એ અલ્પ મનુષ્ય–કાળા માથાનો માનવી, જે ઈશ્વરનો એક દૈવી અંશ મનાય છે, તે પૃથ્વીને જ શું પણ સમસ્ત બ્રહ્માંડને સમજવા અને હસ્તગત કરવા મથે છે અને એ સતત પ્રયત્નોના પરિણામે સૃષ્ટિના અનેક ગૂઢ નિયમો જાણવામાં આવેલા છે, તેની સાખ આધુનિક વિજ્ઞાનની શોધો પૂરશે; અને તેથી એ વિદ્વાન લેખક પ્રશ્ન કરે છે,

“(મનુષ્ય) દેહમાં પૃથ્વીનાં ભોતિક તત્ત્વો છે. પૃથ્વીના ઘટે એવો પરમાણુ સમૂહ છે. માનવચૈતન્ય એ દેહની મર્યાદાઓ માનતી કોઈ અકલ્પ્ય, અકથ્ય ચૈતન્યની ચિનગારી તો ઉડી આવી નહિ હોય”? અને આપણો હરિહર કવિ પણ પ્રભુ પાસે એવી એક ચિનગારીની જ માગણી કરે છે; અને મનુષ્યની એ અગાધ શક્તિ વિષે બોલતાં, તાજેતરમાં બ્રિટિશ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું, કે,–

“Of all the wonders of the Universe of which we have present knowhedge, from the electron to the atom, from the virus and bacillus, to the oak and the elephant, from the tiniest meteor to the most magnificent nebula, surely there is nothing to surpass the brain of man.”

ખરે, મનુષ્ય, કુદરતનું એક અજબ અને અલૌકિક પુતળું છે; તેનું સર્જન પણ કુદરતની પેઠે કાતિલ અને ક્રાંતિમય, પ્રસંગોપાત નિવડે છે; અને પેલી જાણીતી ઉક્તિ અનુસાર જ્યાં રવિનું કિરણ પહોંચી શકતું નથી, ત્યાં કવિ કે સર્જકનો વિચાર કે કલ્પના પ્રવેશ કરે છે. મનુષ્ય એ સર્જન કરે છે, તે વિધવિધ પ્રકારનું હોય છે; અને તેના બે મ્હોટા ભાગ પાડી શકાય–એક સાહિત્ય અને બીજો કળા વિભાગ. સાહિત્યમાં નાટક, નવલકથા અને કવિતાનો, સામાન્ય રીતે, સમાવેશ થાય છે; અને કળા–લલિતકળામાં–સંગીત, શિલ્પ અને ચિત્રકળા આવી જાય છે. જેટલે અંશે તે કુદરતની પ્રતિકૃતિ કરે, તેનું સૈન્દર્ય જમાવે, તેની ભવ્યતા અને દિવ્યતાનું દર્શન કરાવે, તેટલે અંશે તેની કિંમત અંકાય છે; અને તેની સફળતાની કસોટી કઢાય છે. તેમાં આપણને સર્જકના સંસ્કાર, શિક્ષણ, નિરીક્ષણ, ચિંતન અને અધ્યયન અનુભવાય છે તેમ કુદરતના સાનિધ્યમાં રહીને, તેનું આરાધન કરીને, જે સામર્થ્ય અને પ્રેરણા તે પામે છે, તે સઘળું દૃષ્ટિગોચર થાય છે; અને વિશેષમાં તે કૃતિ જેમ નિયમબદ્ધ અને પ્રમાણસર, વ્યવસ્થિત અને કળાયુક્ત, શુદ્ધ અને ચોક્કસ તેમ તેની મહત્તા, સુંદરતા અને સરસતાનું ધોરણ ચઢઉત્તર હોય છે.

પણ એ કૃતિની પાછળ, જેમ કુદરતમાં કોઈ ગૂઢ આશય છૂપો રહેલો હોય છે, એવો કોઈ સંકેત નજરે પડવો જોઈએ. એકલી સુંદર કળા, કશી ભાવના કે પ્રેરણા વિનાની, વંધ્યા સ્ત્રી જેવી અમે સમજીએ છીએ. સ્ત્રી જીવનનું સાર્થક્ય જેમ માતૃત્વમાં સમાયેલું છે તેમ સાહિત્યકૃતિ કે કળાકૃતિની સફળતા અને સચોટતા, તે જે સંદેશો કે ભાવના આપી શકે તેના સામર્થ્યમાં રહેલી છે. તે માટે ભિન્ન ભિન્ન ધોરણો અને નિયમો યોજાયેલા છે. તે સઘળું જ્ઞાન અગત્યનું છે અને તેના નિયમોનું પાલન આવશ્યક છે; પણ આખરે તે પાછળ રહેલું રહસ્ય કે અર્થ મહત્ત્વનાં છે, એ મુદ્દો વિસરાવો જોઈતો નથી. મધમાખીઓ એક સુંદર મધપુડો રચે, વૈજ્ઞાનિકો એ રચનામાં કુશળતા નિહાળી, તેની ઉત્તમ કારીગરીની પ્રશંસા કરે; પણ અમારા અભિપ્રાયે તે વસ્તુ ગૌણ છે. જે વસ્તુ મૂલ્યવાન છે, તે એમાં સંચેલું મધ છે; અને આપણે એજ વિચારવાનું છે કે એ પદાર્થ પથ્ય અને પૌષ્ટિક છે કે કેમ?

કવિ દયારામની પેઠે આપણે કહી શકીએ કે ‘એ વસ્તુનો સ્વાદ શું જાણે વૈયાકરણી?’

વસ્તુતઃ મનુષ્ય જે કાંઈ સાહિત્ય કે કળાની કૃતિ સર્જે–ઘડે, તે અમારી માન્યતા મુજબ મનુષ્યજીવનના ઘડતરમાં, તેને સુસંસ્કારી અને ઉન્નત કરવામાં, તેને પ્રેરણાબળ અને પ્રોત્સાહન અર્પવામાં, તેને નિર્મળ આનંદ અને નૈસર્ગિક સુખ બક્ષવામાં, મદદગાર થઈ પડે, એટલુંજ નહિ પણ મનુષ્યના બંધારણમાં જે એક વૃત્તિ અચેત, ગુપ્ત રહેલી છે, તેને જાગ્રત કરી, ભિન્ન ભિન્ન પ્રકારે ઉત્તેજે, તેના ચિત્તની સ્વસ્થતા અને શાન્તિ મેળવવામાં સાધનભૂત થઈ પડે અને જગતમાં વ્યાપી રહેલી મહાન નિયામક શક્તિનું ભાન કરાવે, એવા અંશોવાળી કૃતિને ઉત્તમ અને અમર અમે લેખીએ.

અનેક વિદ્વાનોએ ગીતા અને ભાગવત ગ્રંથોમાંના ભાષા અને વ્યાકરણના દોષ બતાવેલા છે પણ તે ગૌણ નિવડેલા છે. તેમાંના ઉપદેશે મનુષ્યજીવન પર જે સજ્જડ છાપ પાડી, ઉંડી અસર કરેલી છે, તેની તુલના થઈ શકે એમ નથી. આપણા પ્રજાજીવનના ઘડતરમાં રામાયણ અને મહાભારતે મહોટો હિસ્સો આપેલો છે; અને સેંકડોનાં જીવનોનો ઉત્કર્ષ કરેલો છે, એની કોઈ ના પાડી શકશે નહિ. સાચું સાહિત્ય તે જ, જે ચિરસ્થાયી છાપ પાડે; અને એવી જ કૃતિઓ કીર્તિ પામે છે અને શિષ્ટ સાહિત્યમાં વળી તેની ગણના થાય છે. તે કૃતિઓમાં જીવનની સમીક્ષા કરેલી હોય કે સમકાલીન સમાજજીવનનું તેમાં પ્રતિબિંબ પડ્યું હોય તે બરોબર અને ઉપકારક છે; પણ એ વિસરાવું જોઈએ નહિ કે ધારી અસર ઉત્પન્ન કરવામાં તે સાધન માત્ર છે; અને તે સર્જનનું અંતિમ ધ્યેય, માત્ર ઉલ્લાસમય નહિ પણું ઊર્ધ્વગામી હોવું જોઈએ.

સાહિત્ય કૃતિના આદર્શ વિષે આટલું સ્પષ્ટકરણ કરી, આપણે હવે આગળ વધીશું.

સન ૧૮૫૦થી અર્વાચીન ગુજરાતનો ઉદય થયો, એવી સામાન્ય માન્યતા છે; અને તે યથાર્થ છે, કેમકે ગુજરાતી ભાષાના વિકાસ અને અભ્યુદય અર્થે તેના આગલા વર્ષે જ અમદાવાદમાં સ્વર્ગવાસી અલેકઝાંડર કિન્લોક ફૉર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સ્થાપી હતી. તે કાળે, પ્રજા અજ્ઞાન, વહેમી, અણઘડ, અનિષ્ટ સાંસારિક રીતરિવાજોની ભોગ બનેલી, અંધારામાં સબડતી હતી, તેમને જ્ઞાનરૂપી પ્રકાશ આપીને ઉદ્ધારવાની હતી; અને તે કારણે એ આરંભ યુગને સંસારસુધારાનો યુગ, એ રીતે તેની વર્ગણી કરવામાં આવેલી છે, તે ઉચિત છે.

એ પ્રવૃત્તિ શરૂ થઈ તે અરસામાં કંપની સરકારે મુંબઈ યુનિવર્સિટી સ્થાપવાનો પ્રબંધ કર્યો હતો અને તેનો પરિપાક તે આપણો નવશિક્ષિત વર્ગ; અને તેમની લેખન પ્રવૃત્તિને, તેમાં વિદ્વતા પ્રધાનપણે હોઈને, બહુધા સાક્ષરયુગ તરીકે સંબોધવામાં આવે છે; અને નવી સદી બેસતાં, નવા યુગનો આરંભ થયો તેને કવિ ન્હાનાલાલ યુગનું નામ આપવામાં આવ્યું છે, તેનું કારણ મુખ્યત્વે એ કે, આર્ય પ્રજા તરીકેની અસ્મિતાની લાગણીને વ્યક્ત સ્વરૂપ સ્વ. ગોવર્ધનરામે આપ્યું હતું, તેના એ કવિ સાચા પ્રતિનિધિ છે, અને આપણી આર્યભાવના, વિચાર અને આદર્શના તે રક્ષક અને પ્રચારક છે.

એ નવયુગમાં રાષ્ટ્રીય ભાવનાને યુરોપમાં મહા વિગ્રહ ઉદ્ભવતાં હિન્દની રાજકીય સ્થિતિમાં મ્હોટું પરિવર્તન થવા પામ્યું હતું; અને એ પરિવર્તન આણવામાં મહાત્મા ગાંધીએ અગ્ર ભાગ લીધેલો છે; અને એમના લખાણ અને ઉપદેશથી, પ્રજાનો નવભાવના અને વિચારથી રંગીને, તેમનામાં અજબ ચેતન અને અપૂર્વ બળ રેડેલું છે અને દેશની સર્વ પ્રવૃત્તિ પર ગાંધી વિચારની છાપ પડેલી છે, તે કારણે એ યુગને ગાંધી યુગનું નામ અપાયું છે.

આ પ્રમાણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, ઉપર મુજબ ચાર વિભાગમાં, વહેંચાયેલું છે, એવું સ્પષ્ટ રીતે બતાવીને તેમણે એ વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું.

સન ૧૯૩૪ના ફેબ્રુઆરી માસમાં “વર્તમાન ગુજરાતી સાહિત્યની સ્થિતિ” એ વિષય, વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાન સારૂ, પસંદ કરીને દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં; અને તેનો સંગ્રહ, એ બીજું પુસ્તક છે.

સર ચીમનલાલ સેતલવાડ અને શ્રીયુત કનૈયાલાલ મુનશીના એકત્રિત પ્રયાસથી મુંબઈ યુનિવર્સિટીને ઠક્કર વસનજી માધવજી ટ્રસ્ટફંડ મળ્યું હતું; અને તેનો ઉદ્દેશ સદરહુ ફંડના વ્યાજમાંથી ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ પર પ્રતિ વર્ષે એ વિષયના નિષ્ણાતોને નિમંત્રી, પાંચ વ્યાખ્યાનો અપાવવાનો તેમ છપાવવાનો છે.

એ યોજનાનુસાર આજદિન સુધીમાં છ વિદ્વાનોએ, નીચે જણાવ્યા પ્રમાણે, વ્યાખ્યાનો આપેલાં છે, જેમાંના ચાર ગુજરાતી સાહિત્ય વિષયક છે અને બાકીનાં બે ગુજરાતના ઇતિહાસને લગતાં છે.

વિષયનું નામ. ભાષણકર્તા. કયી ભાષા
૧. ગુજરાતી ભાષા અને સાહિત્ય શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ. ઇંગ્રેજીમાં
૨. ગુજરાતના ઇતિહાસનું અધ્યયન.
(Studies in the History of Gujarat.)
પ્રો. એમ. એસ. ”
૩. પદ્યરચનાની ઐતિહાસિક આલોચના. દી. બા. કેશવલાલ હ. ધ્રુવ. ગુજરાતી.
૪. પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ. (અપ્રસિદ્ધ) મુનિશ્રી જિનવિજયજી. ગુજરાતી
૫. વર્તમાન ગુજરાતી સાહિત્યની સ્થિતિ.
(The Present state of Gujarati Literature.)
દી. બા. કૃષ્ણલાલ મો. ઝવેરી. અંગ્રેજી
૬. વીર નર્મદ, ગોવર્ધનરામ અને કલાપી. (અપ્રસિદ્ધ) પ્રો. બળવન્તરાય ક. ઠાકોર. ગુજરાતી

આ રીતે આપણા ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ વિષે નિયમિત રીતે પ્રતિવર્ષ વિવેચન થતું રહે, એ બહુ ખુશી થવા જેવી વ્યવસ્થા છે અને તે બક્ષિસ આપવા બદલ આપણે તેના સંસ્થાપકનો ઉપકાર માનવો ઘટે છે.

દી. બા. કૃષ્ણલાલ ભાઈએ તેમના પાંચ વ્યાખ્યાનની વ્યવસ્થા નીચે મુજબ કરી છે :

૧. વર્તમાન ગુજરાતી સાહિત્યની વ્યાપક સમાલોચના.
૨. વિવેચન સાહિત્ય.
૩. પ્રાચીન સાહિત્યનું સંશોધન.
૪. ગુજરાતના ઇતિહાસનું સંશોધન.
૫. પ્રકીર્ણ–પાંચ ધાન્યની ખીચડી, તેમના કહ્યા પ્રમાણે.

વર્તમાન ગુજરાતી સાહિત્ય વિષે દી. બા. કૃષ્ણલાલભાઈએ અગાઉ Further Milestones in Gujarati Literature એ નામના પુસ્તકમાં વિસ્તારપૂર્વક વિવેચન કરેલું છે એટલે પ્રસ્તુત વ્યાખ્યાનો, તેની કાળમર્યાદા લક્ષમાં લઈને, ચાલતી ટ્રેનમાં કુદરતના દૃશ્યોનું નિરીક્ષણ જેટલી ઝડપે થઈ શકે તેટલી વ્યાપક દૃષ્ટિએ વિહંગાવલોકન કર્યું છે. પહેલા વ્યાખ્યાનમાં છેલ્લા આઠ સૈકાનો સાહિત્યનો ઇતિહાસ ૪૭ પેરામાં અને ૪૭ પાનામાં, સમાવ્યો છે. એથી વધુ વિસ્તાર એક વ્યાખ્યાનમાં ન જ સંભવી શકે! પણ જેમને એ વિષયનો પરિચય કરવાનો છે તેમના માટે એ ખરેખર માર્ગદર્શક છે; અને એ દૃષ્ટિએ તે લખાયાં છે, જે લેખકની પ્રસ્તાવના પરથી માલુમ પડે છે :-

“They were meant to acquaint those who were not in direct touch with the literature of one of the most important vernaculars of India with its capacity for expansion and progress.”

બીજી રીતે પણ એ વ્યાખ્યાનો કિંમતી છે; તેમાં વિદ્વાન વ્યાખ્યાતાએ ગુજરાતી ભાષા પર જે ભૌગોલિક અસર થવા પામી છે, તે નોંધી છે; એટલુંજ નહિ પણ જુદી જુદી સંસ્કૃતિ અને ધર્મની પ્રજાઓએ તેના ઘડતરમાં હિસ્સો આપેલો છે, જેમકે પારસી, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી વગેરે, તેનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો છે. ગુજરાતી પ્રજામાં એક જ કોમ કે જાતિને સમાવેશ થતો નથી; પણ તે સમૂહ પચરંગી છે, એમ કહી શકાય. તેની અસર પણ ભિન્ન ભિન્ન પ્રકારની નિવડે; તેમજ તેની વિશિષ્ટતા એ છે કે ગુજરાતી પ્રજા વેપાર ઉદ્યોગમાં આગળ પડતી તેમ સાહસિક છે, વ્યવહારકુશળ તેમ ઝીણી નજરવાળી છે અને દુનિયાના સર્વ ભાગોમાં ગુજરાતી ભાષા બોલતો કોઈને કોઈ ગુજરાતી મળી આવશે, એટલે કવિ ખબરદારના શબ્દોમાં આપણે કહીશું કે “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં અમારી ગુજરાત.”

છેલ્લા વ્યાખ્યાનમાં આપણા પ્રજાજીવનમાંથી ભવાઈ અને રામલીલાની પેઠે અલોપ થતા કલગી અને તોરાવાળાઓના ખ્યાલટપ્પાના સાહિત્યની નોંધ દી. બા. કૃષ્ણલાલભાઈએ કરી છે, તે વિચારવા જેવી છે. તેઓ લખે છે,–

“Two and a half to three generations ago, the peculiar branch of poetry known as લાવણી, ખ્યાલ અને ટપ્પા was very much affected by the Gujarati speaking masses. It had its origin in North India. Hindus, Parsis and Muslims were all votaries of this species of song recital, and many were the Akhadas (contests) held where Ustad after Ustad was put on his mettle to display his superiority in the composition and recital of લાવણી, ખ્યાલ ટપ્પા. Malabari was nurtured on it. Surat and Navsari and many other places in Gujarat entertained these singers, and their Jalsas were no uncommon event in those days. They drew crowded audiences, and sometimes, when they took sides ahd fovoured one declaimer against another, breaches of the peace occured and heads were broken.”

પ્રસ્તુત વ્યાખ્યાનોમાંના બીજા મુદ્દાઓ આગળ જતાં ચર્ચવાના છે, તેથી એ વિષે વધુ લંબાણ ન કરતાં આપણે હવે શ્રીયુત મુનશી રચિત Gujarat and its literature–એ પુસ્તક પ્રતિ વળીશું.

એમની કારકિર્દીની શરૂઆતથી શ્રીયુત કનૈયાલાલ મુનશી ગુજરાતના ગૌરવ માટે અભિમાન ધરતા આવ્યા છે; અને જનતામાં એ પ્રકારના માન અને મમતાની લાગણી જાગ્રત થાય, એ આશયથી એઓ પ્રયત્ન કરતા રહ્યા છે. “ગુજરાત એક સાંસ્કૃતિક વ્યક્તિ”, એ વ્યાખ્યાન આપવામાં અને ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ નવલકથા ત્રિપુટીની રચના કરવામાં, ઉપરોક્ત લાગણી જ પ્રધાનપણે જવાબદાર હતી.

મુંબાઈમાં સાહિત્ય સંસદ સ્થાપવામાં પણ તેમની મુખ્ય નેમ ગુજરાતી સાહિત્યની સેવા કરવાની હતી અને તેની દ્વારા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને એક સારો ગુજરાતી કોશ તૈયાર કરાવવાના મનોરથો ઘણાં વર્ષોથી તેઓ સેવતા આવે છે અને એ વિચારોને અમલમાં મૂકવા તેઓ લાંબા સમયથી પ્રયાસ કરે છે, અને એ શુભ પ્રવૃત્તિના ફળ તરીકે આપણને અગાઉ “મધ્યકાલીન સાહિત્ય પ્રવાહ, ખંડ. ૫” એ નામનું પુસ્તક પાંચ છ વર્ષ ઉપર પ્રાપ્ત થયું હતું. શ્રીયુત મુનશી માટે એક મિત્રે કહ્યું છે, કે જે કાર્યને તેઓ હાથમા લેવાના તેને પૂરૂં કરે જ જંપવાના; અને પ્રસ્તુત ગુજરાતના સાહિત્ય ઇતિહાસનો વૃત્તાંત એજ વાતની સાક્ષી પુરશે.

ઉપર કહ્યું તેમ ગુજરાતી સાહિત્યનો એક સારો ઇતિહાસ રચવાના તેમને કોડ હતા અને તેઓ ગુજરાતની મહત્તા, ગૌરવ અને વ્યક્તિત્વને પોષે–ઉત્તેજે એવા પ્રકારની લેખનશૈલીને ઇચ્છતા હતા. પોતે મુંબાઈના વ્યવસાયી જીવનમાં એટલા બધા રોકાયેલા રહેતા કે તે વિષે વિશેષ ધ્યાન આપી શકેલા નહિ; પણ સન ૧૯૩૦માં રાષ્ટ્રીય સત્યાગ્રહની લડતમાં જોડાતાં, તેમને જેલ મળી અને ત્યાં જે નિવૃત્તિ પ્રાપ્ત થઈ તેનો સદુપયોગ તેમણે પ્રસ્તુત પુસ્તકના લેખનકાર્યમાં કર્યો, એ એક આનંદજનક બિના છે.

થોડાંક મહિનાઓ પર એક પારસી પ્રોફેસરે ગુજરાતી સાહિત્યનો સાંગોપાંગ અને પદ્ધતિસર, ઈંગ્રેજીમાં ચર્ચતા એક ઇતિહાસ પુસ્તકની માગણી કરી હતી. તેઓ દી. બા. કૃષ્ણલાલ ઝવેરીનાં બે પુસ્તકો કરતાં વધુ માહિતીવાળો, સવિસ્તર અને વિવેચનાત્મક ઇચ્છતા હતા. અમારે તેમને એવું પુસ્તક હાલમાં નથી એવું સખેદ જણાવવું પડ્યું હતું; પણ એવું આશ્વાસન આપ્યું હતું, કે શ્રીયુત મુનશીનું પુસ્તક પ્રેસમાં છે, તે નજદીકમાં પ્રસિદ્ધ થનારું છે અને તે તેમને ઉપયોગી થઈ પડશે. અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રીયુત મુનશી રચિત ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ એ નામનું અંગ્રેજીમાં લખેલું પુસ્તક જેઓ ગુજરાતી વાંચી શકતા નથી, એવા સાહિત્યરસિકોને તે બહુ કિંમતી થઈ પડશે; અને તેઓ ગુજરાતી સાહિત્યનું મૂલ્ય તેમ વિશિષ્ટતા આંકવાને શક્તિમાન થશે. એ પુસ્તકની પ્રુફકોપી વાંચીને જાણતા સંસ્કૃતના પ્રોફેસર કીથે, જે અભિપ્રાય લખી મોકલ્યો છે, તેની સાથે, અમે માનીએ છીએ, કે તેના સર્વ વાચકો સંમત થશે :

“The thanks of all are due to the author for giving in original and translation some of the finest passages of the works he criticises, and for the useful discussion of the progress of language and metrical forms.”

સદરહુ ઇતિહાસ પુસ્તકની ખુબી એ છે કે તેની ભૂમિકા તેના છેક પાયામાંથી ઉપાડીને, તેનો ઉઠાવ એવો આકર્ષક અને છટાદાર રીતે ગોઠવ્યો છે કે તેની સુંદર છાપ પડ્યા વિના રહે નહિ.

ગુજરાતી પ્રજાના ઘડતર ને વિકાસમાં જૂદી જૂદી પ્રજાઓના સ્થાયી વસવાટનો હિસ્સો રહેલો છે, તેમ તેની સરહદ પર આવેલા પ્રદેશની, તેના ભાષા સાહિત્ય પર, પ્રબળ અસર થવા પામી છે, એ પ્રવર્તક બળોનું નિરુપણ કરી, દશમા સૈકામાં ગુજરાતી ભાષાનો, જે સંજોગોમાં ઉદ્ભવ થયો તેનો લંબાણથી અને વિગતવાર, પુરતા અને જરૂરી આધારો ટાંકીને, વૃત્તાંત શ્રીયુત મુનશીએ આલેખ્યો છે; અને કર્તાની લેખિની એવી સમર્થ અને તેજસ્વી છે કે ગમે તેવા શુષ્ક મુદ્દાને પણ રસિક કરી શકે છે; તે એ ગ્રંથની વિશિષ્ટતા છે.

પ્રાચીન ગુજરાતી સાહિત્યની ચર્ચા તે પુસ્તકના લગભગ સવાબસેં પૃષ્ટ રોકે છે; પણ સામાન્ય વાચકને, અમે ધારીએ છીએ, કે અર્વાચીન વિભાગમાં વધુ રસ પડશે; અને વર્તમાન સાહિત્યમાં શ્રીયુત મુનશીનું સ્થાન અગ્ર સ્થાને છે, એટલે એમની કૃતિઓનું વિવેચન વાંચવાને આપણે સામાન્ય રીતે ઉત્સુક હોઈએ, પણ તેમણે પિતા વિષે જાતે કાંઈ ન લખતાં, એમના મિત્ર, અને આપણા સાહિત્યના એક જાણીતા અભ્યાસી મી. તારાપોરવાળા પાસે એક વિસ્તૃત નિબંધ લખાવ્યો છે અને દાખલ કર્યો છે, તે મનનીય માલુમ પડશે. શ્રીમતી લીલાવતીનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અનોખું છે, તે એમનાં રેખાચિત્રો વાંચનાર સૌ કોઈ સ્વીકારશે; અને તેમની કૃતિઓની પરીક્ષા “શિશુ અને સખી”ના લેખકે કરેલી જોઈને તાજુબ થશે. એ ગ્રંથનો આખોય અર્વાચીન વિભાગ વાંચવા જેવો અને રસપ્રદ જણાશે.

તે ગ્રંથનું લેખનકાર્ય તેમણે જેલમાં જે પુસ્તકો ઉપલબ્ધ થયાં તેનો ઉપયોગ કરીને યથાવકાશે કર્યું છે. તે કાર્ય સારૂ તેમનું વાચન પ્રથમથી ચાલુ હતું અને તેની તૈયારી પણ, મિત્રોની મદદ લઈને, લાંબા સમયથી કરી રાખી હતી.

એમના જેવા પ્રતિભાશાળી અને બુદ્ધિમાન લેખકને પ્રસ્તુત પુસ્તક સારૂ જરૂરી અને ખપ પુરતી હકીકત સાંપડતાં, તે હકીકતને વ્યવસ્થિત અને મુદ્દાસર રજુ કરવામાં, એક કુશળ એડવોકેટને યોગ્ય એમણે કુનેહ દાખવી છે; અને જે બુદ્ધિચાતુર્યથી, જે બાહોશીથી, જે જુસ્સાથી અને મમત્વથી પોતાના કેસની રજુઆત કરેલી છે, તે ખરેખર આપણને ચકિત કરે છે, અને તેમની બુદ્ધિશક્તિ માટે માન ઉપજાવે છે. વિશેષમાં ગુજરાતની અસ્મિતાના એ પૂજારી હોઈને, તે પુસ્તક વધુ ગૌરવભર્યું થઈ પડે છે. ગુજરાત અને તેના સાહિત્યનો પરિચય કરવા સારૂ આથી સરસ પુસ્તક આપણી પાસે હાલમાં નથી અને તે એક તેજસ્વી અને ઉત્તમ કૃતિ છે, એમ એનો કોઈ પણ વાચક સ્વીકારશે.

સદરહુ ગ્રંથ જેમ સરસ છે તેમ દોષવાળો અને અપૂર્ણ છે એમ પણ તેનો વાંચનાર જોઈ શકશે. એ વિષયના આલેખનમાં એમણે શુદ્ધ સાહિત્ય કૃતિઓ જ વિચારી અને તપાસી છે. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ચરિત્ર, ભાષા, વ્યાકરણ, ભાષાન્તર ગ્રંથો વગેરે સાવ પડતાં જ મૂક્યાં છે; એ તેની મુખ્ય ખામી છે. બીજું, કેટલાક જાણીતા લેખકો વિષે વધુ વિવેચનની અપેક્ષા રહે. પણ તેમનો નામ નિર્દેશ કરીને જ લેખકે સંતોષ માન્યો છે; જેમકે વૃજલાલ શાસ્ત્રી, હરિલાલ ધ્રુવ વગેરે. તે સિવાય ભાષા શુદ્ધિના ખાસ હિમાયતી અને આપણી સાતમી સાહિત્ય પરિષદના પ્રમુખ રા. બ. કમળાશંકરનું નામ સરખું નહિ; તેમજ પ્રતાપનાટકના કર્તા કવિ ગણપતરામ, જેમણે આખું મહાભારત ગુજરાતીમાં ઉતાર્યું છે, જે આપણા સાહિત્યમાં અસાધારણ બનાવ હતો અને જેમની અન્ય કૃતિઓ પણ પંકાયેલી છે તેમનો, અને પારસી લેખકોમાં કાબરાજી અને મર્ઝબાન, જેમનાં પુસ્તકો લોકપ્રિય નિવડેલાં છે અને તે મ્હોટી સંખ્યામાં પ્રસિદ્ધ થયેલાં છે, તેમનાં નામો સાહિત્યકાર તરીકે આવવા જોઈતાં હતાં; અને પારસી લેખકો તરીકે તેમને કંઈક મહત્ત્વ અપાવું ઘટતું હતું.

તે સિવાય બીજા મિત્રો પાસેથી હકીકત મેળવીને તે પુસ્તક લખાયું છે, તેથી તેના લેખનમાં કેટલીક ભૂલો દાખલ થવા પામી છે. કવિ દલપતરામના ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધને લેખકે કવિતા તરીકે જણાવ્યા છે પણ તે ગદ્યમાં છે; તેમ બુદ્ધિપ્રકાશ માસિક સોસાઈટી હસ્તક સન ૧૮૫૪માં આવ્યું હતું; સન ૧૮૫૦માં તે વિદ્યાભ્યાસક મંડળીએ કાઢ્યું હતું. વળી ‘ગુજરાતની જુની વાર્તા’નું પુસ્તક જાણીતા ઐતિહાસિક નવલકથાના લેખક શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહના નામે ચઢાવેલું છે પણ તે પુસ્તક એવા બીજા સારી રીતે જાણીતા લેખક શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટની કૃતિ છે, અને “સોરઠી સોમનાથ” નામનું પુસ્તક પણ તેમનું લખેલું નથી. ‘શાન્તિસુધા’ આખ્યાનના કર્તા અને પ્રાચીન કાવ્યમાળાના સંપાદક રાજરત્ન છોટાલાલ નરભેરામ ભટ્ટનો ઉલ્લેખ થવો જોઈતો હતો. શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનું નામ ‘સાઠીના સાહિત્ય’ના લેખક તરીકે ગણાવ્યું છે, પણ તેમની જાણીતી કૃતિ “બુલબુલ”નું વિસ્મરણ થયું છે તે વાજબી નથી. ‘બાળા’ અને ‘યોગિની’ એ બે નવલકથાઓના લેખક, સુંદરી સુબોધ માસિકના તંત્રી શ્રીયુત રામમોહનરાય જ. દેસાઈને ભૂલી ગયા છે તે મી. મુનશીની મ્હોટી ભૂલ છે, પણ “કુમારનાં સ્ત્રી રત્નો”ના લેખક શ્રીયુત ઈંદુલાલ યાાજ્ઞક જેમણે, નવજીવન અને યુગધર્મ જેવાં પ્રાણવાન માસિકો કાઢ્યા હતાં, તેની નોંધ સરખી નહિ એ અન્યાય જ કહેવાય.

એટલે આ પુસ્તકનું નિરુપણ મુખ્યત્વે કવિતા, વાર્તા, નાટક, નવલિકા, નવલકથા પુરતું; પણ યોગ્ય પ્રમાણ વિનાનું, કાંઈક ઉપલક અને કોઈક કોઈક સ્થળે દોષવાળું છે; તથાપિ એક સરસ કૃતિ તરીકે, અમે માનીએ છીએ કે, તેનું મહત્ત્વ કે મૂલ્ય ગૌણ થતું નથી.

મહાત્માજીએ એ પુસ્તકને આશીર્વાદ આપતાં કહ્યું છે, કે “આ પુસ્તકથી મુનશીના કાર્યનો આરંભ થાય છે; તે જરૂરનું હતું. પણ આવું સારી રીતે આદરેલું કાર્ય તે ચાલુ રાખશે. તેમનામાં એ કાર્ય સારૂ જોઈએ એવી લાગણીની ધગશ છે”, અને તે અભિપ્રાય ખરેખર સાચો છે.

શ્રીયુત મુનશીનું પુસ્તક વાંચતાં એક વસ્તુ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જેને શુદ્ધ સાહિત્ય કહેવામાં આવે છે તે કવિતા, નાટક, નવલિકા, નવલકથા એ વિભાગો ઉપર તેમણે ખસુસ કરીને લક્ષ આપ્યું છે; પણ જે સાહિત્ય વિભાગ માહિતીદર્શક અને જ્ઞાનબોધક છે, જેમાં ભાષાન્તરનો સમાવેશ થાય છે, તે પ્રતિ સાવ બેદરકારી બતાવી છે. ઇતિહાસ, ચરિત્ર, તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ, વ્યાકરણ, કોશ વગેરે અંગો શુદ્ધ સાહિત્યના પોષક અને તેની પૂર્તિ કરનારાં છે; અને પ્રજાના માનસિક વિકાસમાં તે સહાય કર્તા હોય છે, તેમજ તેમનું મહત્ત્વ અભ્યાસની દૃષ્ટિએ થોડું હોતું નથી.

ખરી રીતે એ સાહિત્ય વિભાગને વધારે ચર્ચવાની જરૂર છે, કેમકે આજે પણ તે અણવિકસેલો, સત્ત્વ વિનાનો અને વિસરાયલો પડેલો છે; અને તે વિચારવાની વધુ જરૂર એ કારણસર છે કે તે એકત્રિત પ્રયાસ અને સંયોજન માગી લે છે.

શુદ્ધ સાહિત્યના સર્જનમાં કેટલીક સરલતા હોય છે, તે આ વિભાગમાં હોતી નથી; અને તે સારૂ કેટલીક સાધન સામગ્રી અગાઉથી સંગ્રહાવાની, તેની તપાસ અને પરીક્ષા થવાની વિશેષ જરૂર રહે છે; અને એવી સુગમતા સુલભ થઈ શકે એ આશયથી સાહિત્ય સભાઓ અને પરિષદ મંડળની સ્થાપના કરવામાં આવે છે.

સન ૧૯૩૦માં વસનજી માધવજી વ્યાખ્યાનો આપતાં, પ્રસ્તુત વિષય પર વિવેચન કરતાં શ્રીયુત નરસિંહરાવભાઈએ જણાવ્યું હતું, કે,—

“હવે આપણી ખામીઓ ગણાવીએ. તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સાયન્સ (ભૌતિક વિજ્ઞાનશાસ્ત્ર), અર્થશાસ્ત્ર, જીવનચરિત્ર, વીરચરિતકાવ્ય અને બીજી અનેક સાહિત્યની શાખા–જે પશ્ચિમની લક્ષણભૂત છે–એમાં આપણે હજી કાંઈ જ નથી કર્યું. આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પણ વિષયની વિવિધતાવાળું, કલ્પનાની અપૂર્વતાવાળું અને સંગીન ગુણવાળું ઘણું છે. આ બે મહાન સાહિત્યો સાથે ઉભું રહી શકે એવું આપણું ગુજરાતી સાહિત્ય નથી. એમને પડખે તદ્દન વેંતીઆ માણસ જેવું દેખાય છે. અને છતાં આગળ કહ્યું તેમ આપણે નિરાશ થવાનું કારણ નથી. આપણા અન્તરંગ દોષો દૂર કરીએ અને આપણી ન્યૂનત્તાઓ પૂરવાનો પ્રયત્ન કરીએ તો આપણી આગળ ઉજળું ભવિષ્ય પડ્યું છે.”

અને તે સંબંધમાં એટલું જ નોંધવું બસ થશે કે તે કાર્યની વ્યવસ્થા વિના વિલંબે થવી જોઈએ છીએ.

આપણા ઇતિહાસ અને ચરિત્રોનાં સાધનો દિવસે દિવસે ક્ષીણ થતાં જાય છે. પોણોસો સો વર્ષની માહિતી એકત્ર કરતાં પણ બહુ બહુ મુશ્કેલીઓ નડે છે, અને તે પણ પૂરેપૂરી ભાગ્યે જ મળી આવે છે; એ પરિસ્થિતિમાં, તે સાધનો એકત્ર કરવાની અને સંગ્રહ કરવાની આપણી જવાબદારી થોડી નથી. આપણા પ્રાંતનો એક સંપૂર્ણ નહિ તો પણ વાસ્તવિક હકીકત આલેખતો એક સારો વિશ્વસનીય ઇતિહાસ નથી, એ ઓછું શોચનીય નથી. એવી રીતે આપણા અગ્રેસર અર્વાચીન સાહિત્યકારોનાં પ્રમાણભૂત ચરિત્રો નહિ–પ્રાચીનોની વાત બાજુએ રહી,–એ આપણી હૃદયશૂન્યતા નહિ તો બીજું શું હોઈ શકે? એકલું સાહિત્ય કે સમાજજીવન સમજવામાં જ નહિ પણ જીવન ઘડતરમાં ચરિત્રગ્રંથો બહુ મદદગાર થઈ પડે છે, એવો અનુભવ ઘણાંનો હશે.

ભાષા સાહિત્યના અભ્યાસમાં કોશ અને વ્યાકરણ અગ્ર સ્થાન લે છે; અને મિશનરીઓ જેમને આપણી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાની અગત્ય પ્રથમ ઉભી થઈ તેમણે તે કાર્યમાં સહાયભૂત થઈ પડે એવા પ્રાથમિક વ્યાકરણ અને કોશ ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધમાં રચ્યા હતા; પણ તે પછી આપણે તે વિષયમાં જોઈએ તેવી પ્રગતિ કે સુધારો કર્યો નથી, એ શરમભર્યું છે.

આ પ્રકારના વ્યવસ્થિત અને સંયોજિત કાર્યની યોજના પરત્વે આગળ સૂચના કરવાની છે, એટલે તેને નહિ લંબાવતાં, આપણે પ્રકરણના મથાળે જે અવતરણ મૂકેલું છે, તે મુદ્દાને પ્રથમ હાથ ધરીશું;

છેલ્લા દશકામાં ગુજરાતી સાહિત્યમાં અજબ સ્ફુર્તિ આવેલી છે. તેના પ્રકાશનોની સંખ્યા એકલી વધેલી છે એમ નહિ પણ તેમાં વિષયોની વિવિધતા પણ માલુમ પડે છે; અને મૌલિકતા અને ગુણની દૃષ્ટિએ, તે પુસ્તકો જનતાનું અગાઉ કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે અને તેને લઈને તેનો પ્રચાર પણ પુષ્કળ વધ્યો છે. નવા નવા લેખકો સારી સંખ્યામાં બહાર આવવા માંડ્યા છે અને તેઓ ચાલુ પ્રણાલિકાને ચુસ્તપણે વળગી ન રહેતાં, જીવનના હરેક પ્રશ્નને કુતુહલતાથી, અભ્યાસની દૃષ્ટિએ અને વિચારના પ્રચારાર્થે, સ્પર્શવા ઇચ્છે છે; અને તે સઘળું આજે સમાજજીવનમાં જે મંથન થઈ રહ્યું છે, ઉત્ક્રાંતિની પૂર્વ તૈયારી થઈ રહી છે, તેનું સૂચક છે; અને તે પ્રવૃત્તિ જેમ જીવંત તેમ સ્ફૂર્તિમય છે. તેમાં નવજીવનની ઉર્મિ અને ઉછાળો છે; તેમ જ સ્વતંત્ર અને ઉલ્લાસમય જીવન જીવવાના અભિલાષ પણ છે. તદર્થ નવા જુનાની પરીક્ષા અને મૂલ્ય થઈ રહ્યાં છે; અને એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે એ સર્વમાં જાતિય પ્રશ્ન (sex) કેન્દ્ર સ્થાન લે છે. પ્રેમની વેદના કોણે અનુભવી નથી? કયું સાહિત્ય પ્રેમચર્ચા વિનાનું મળી આવશે? પ્રેમ વિનાનો સંસાર શુષ્ક અને શૂન્યમય જણાશે.

વળી એ નવા લેખકો જગતભરની પ્રવૃત્તિ અને સાહિત્ય કૃતિઓથી વાકેફ થઈ, આપણા સાહિત્યમાં એ વિચાર પ્રવાહ અને આંદોલનો આણવા, વાસ્તવિકતા અને સ્વાભાવિકતા ઉભી કરવા, જુદી જુદી દૃષ્ટિએ પ્રયોગ કરી રહ્યા છે; જો કે તેમાં પાશ્ચાત્ય વિચાર અને સંસ્કૃત્તિની અસર ખૂબ હોય છે; અને તેનું અનુકરણ પણ જાદે પ્રમાણમાં જોવામાં આવે છે. તોપણ આપણા પ્રતિષ્ઠિત સાક્ષરશ્રી નરસિંહરાવભાઈએ, શ્રીયુત મુનશીની ચળકતી કૃતિઓથી ગુજરાતી સાહિત્ય વિભુષિત થયું છે એવો અભિપ્રાય અગાઉ દર્શાવ્યો છે, તે, વિસ્તારીને આપણે ગર્વપૂર્વક કહી શકીએ, કે, તે ઉપરાંત ધૂમકેતુ, બટુભાઈ ઉમરવાડીઆ, રામનારાયણ પાઠક, રમણલાલ દેસાઈ, સુન્દરમ્, ચન્દ્રવદન મહેતા પ્રભૃતિઓની કૃતિઓએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ તેમ ઉજ્જવળ કર્યું છે.

વર્તમાન ગુજરાતી સાહિત્યની સ્થિતિ આવી આશાજનક હોવા છતાં મહાત્માજીએ ગુજરાતી સાહિત્યને કંગાલ વર્ણવ્યું છે એ કથન કેટલાકને નવાઈભર્યું લાગશે. પણ જેઓ મહાત્માજીના વિચારો અને પ્રવૃત્તિઓથી પૂરા પરિચિત છે, તેઓ જરૂર કહેશે કે જે પ્રકારના લોકભોગ્ય સાહિત્યની તેઓ માગણી કરે છે, તેવું નવું સાહિત્ય આપણે અહીં હજુ ઉદ્ભવ્યું નથી. કોઈપણ એટલું સ્વીકારશે કે આપણા નવા સાહિત્યનો સંદેશો જનતાને પૂરો પહોંચ્યો નથી. તેઓ હજુ નરસિંહ અને ભોજો ભક્ત, પ્રેમાનંદ અને શામળના વિચારોમાં રમે છે, તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન પામે છે. નવા કવિનાં નામ સુદ્ધાંત તેમને ખબર નહિ હોય! એ શું બતાવે છે?

સન ૧૯૨૦માં છઠ્ઠી સાહિત્ય પરિષદે યોજેલી વ્યાખ્યાનમાળા અંગે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક જાહેર વ્યાખ્યાન અંગ્રેજીમાં આપ્યું હતું, તેનો સાર કહી સંભળાવતાં મહાત્માજીએ કહ્યું હતું કે આપણી કવિતા એક રેંહટ ખેંચનાર, કોશીયો સમજી શકે એવી સરલ અને સાદી લખાવી જોઈએ.

મહાત્માજીના કથનમાં એટલું તથ્ય રહેલું છે કે નવું સર્જન થાય, જે ઉત્તમ અને અસરકારક હોય તેનું તારતમ્ય, તેનો ભાવપ્રવાહ જનસમૂહને પહોંચવો જોઈએ. એ વિચારનું દોહન તેમનામાં પ્રસરે અને ઓતપ્રોત થાય, એવી પ્રવૃત્તિ પણ આવશ્યક છે; અને એ પ્રકારના સાહિત્યને લોકભોગ્ય સાહિત્ય એવું ઉપનામ આપણે આપીએ તે અનુચિત નથી.

આપણા રામાયણ અને મહાભારતનાં પુસ્તકો જનતા મ્હોટે ભાગે વાંચતી નથી; પણ તેનો કથા ભાગ, તેમાંનો મહત્ત્વનો વિચાર ભાગ તેમના જાણવામાં આવે છે, એ પ્રસિદ્ધ બિના છે; અને એ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ, એજ આપણે જોવું તપાસવું રહ્યું.

અમારા એક પુસ્તક પ્રકાશક મિત્ર ઘણી વખત ટકોરમાં અમને કહે છે, કે, તમારા સાક્ષરોની પાંચસો પ્રતો પાંચ વર્ષે ભાગ્યે જ ખપે છે; જ્યારે અમારા લોકભોગ્ય સાહિત્ય, નરસિંહ મીરાંનાં પદોની, ભજનાવલીની, સદેવંત સાવલિંગા અને ગજરામારૂની વાર્તાની, શામળ અને પ્રેમાનંદના આખ્યાનો અને વાર્તાઓની, દર વર્ષે પાંચથી દશ હજાર પ્રતો ઉપડે છે.

એ ભાઈના મુદ્દામાં કટાક્ષમિશ્રિત કાંઈક સત્ય રહેલું છે અને તે એ કે આપણા સાહિત્યકારોએ એ જનતાને સંતોષવા, તેમને સંસ્કારી અને રસિક કરવા કાંઈ પ્રયત્ન કર્યો નથી; અને તેથી મહાત્માજીની જે ફરિયાદ છે તે વજુદવાળી છે.

એ મ્હોટા જનસપૂહને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થયેલું નથી, તે કારણે નવા વિચારનો સંદેશો આપણે તેમને લોકકથા દ્વારા, રામલીલા દ્વારા, કથાકીર્તન દ્વારા, નાટકો દ્વારા, રેડીઓ અને સિનેમા દ્વારા તેમ આપણા મહાન પુરુષોના પ્રત્યક્ષ વર્તન દ્વારા, પહોંચાડવા વ્યવસ્થા કરવી જોઈએ, તેની જબરી અસર જરૂર થશે એ નિર્વિવાદ છે. પણ તેથી એમ સમજવાનું નથી કે આપણે વિદ્વભોગ્ય સાહિત્યની અવગણના કરવી જોઈએ. જે લોકભોગ્ય સાહિત્ય તૈયાર થવાનું તે ઉપલા વિચારનું દોહન, નવનીતરૂપે જ હશે; એટલે વિદ્વભોગ્ય સાહિત્યનું સર્જન પૂર્વવત્ જોશબંધ અને નિયમિતપણે રચાતું રહે, એજ ઇચ્છનીય છે.

કવિવર ટાગોરે એક પ્રસંગે વ્યાખ્યાન આપતાં, વિદ્વદ્ભોગ્ય સાહિત્યને વરાળનું રૂપક આપ્યું હતું. જેમ સૂર્યનો તાપ પાણીમાંથી વરાળને ખેંચી લઈને ઉપર આકાશમાં લઈ જઈને સિંચે છે, અને તે વરાળમાંથી પછી વાદળાં બંધાઈ, તે પૃથ્વી પર પાછળથી વરસાદરૂપે વરસે છે; અને સારીય સૃષ્ટિને વૃષ્ટિદ્વારા લીલીછમ અને ફળદ્રુપ, સુશોભિત અને આનંદમય, કરી મૂકે છે, તેમ આપણા વિદ્વાનો જનસમાજનો અનુભવ મેળવી, નિરીક્ષણ અને ચિંતન દ્વારા, અભ્યાસ અને અધ્યયન કરીને જે કાંઇ સત્ત્વ ખેંચે છે, તે વરાળ જેવું સૂક્ષ્મ તત્ત્વ હોય છે અને તેનું સ્વરુપ અને રચના સમજવા કઠિન અને ગહન હોય છે. થોડાક નિષ્ણાત જ તેમાં ચંચુ પ્રવેશ કરી શકે. પણ તે વસ્તુ–વિચારસિદ્ધિ, ઉપયોગી અને મહત્ત્વની જણાયા પછી, વરસાદરૂપે તેનો સાર, ભાવાર્થ પ્રજાને મળવો ઘટે છે, તેમાં તે વિચારની સાર્થકતા અને ઉપયોગિતા રહેલાં છે, એ વિસરાવું જોઈએ નહિ.

એ દૃષ્ટિબિન્દુ આપણી સમક્ષ રહેતાં, જે વિદ્વદ્ભોગ્ય અને લોકભોગ્ય સાહિત્યનો દેખીતો વિરોધ છે તે આપોઆપ દૂર થઈ જશે.

નવી સાહિત્ય કૃતિઓમાં દોષ છે, ખામીઓ છે, અપક્વતા છે, એની અમે ના પાડતા નથી; પણ તેમાં, સાથે સાથે પ્રાણ, જુસ્સો અને દૈવત છે, એ પણ સ્વીકારવું જોઈએ; અને તે પરિણામ બહુધા અત્યારે જે બે સંસ્કૃતિઓ પૌર્વાત્ય અને પાશ્ચાત્યનું ઘર્ષણ થઈ રહ્યું છે, તેનું પરિણામ છે. એ બંને સંસ્કૃતિના આદર્શ, ધોરણ અને ભાવના વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં છે; બંનેની જીવનપ્રણાલિકા નોખી પડે છે; બંનેના જીવન ધ્યેયમાં પણ અસમાનતા જણાશે; એ સંજોગોમાં બંનેનું મિશ્રણ કરવા જતાં, અથવા તે પૈકી એકને પ્રાધાન્ય આપતાં, બેસુરાપણું અથવા કઢંગી અને વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત થાય, એ દેખીતું છે; પણ આપણે તે સંબંધમાં એ ભૂલવું જોઈએ નહિ કે જનતામાં જે નવું ચેતન આવેલું છે, તેનો એ મંથનકાળ છે. અગાઉ સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો પ્રાપ્ત થયાં હતાં, તેમાં જેમ વિષ અને અમૃત બંને ભેગાં હતાં તેમ આ મંથનમાં વિષ અને અમૃત બંને રહેલાં છે; માત્ર આપણને તેનો વિવેક કરતા, તેનો સદુપયોગ કરતા આવડવું જોઈએ; તેમાંના વિચાર અને સિદ્ધાંત જીવનમાં ગ્રહણ કરતાં સાવચેતી રાખવી આવશ્યક થઈ પડે છે.

નવીન, સ્વતંત્ર અને મૌલિક સાહિત્યના વિષે ઉપરનું વિવેચન છે; પણ જેને આપણે જ્ઞાનબોધક અને ઉપકારક સાહિત્ય (knowledge of information) એવું નામ આપીએ, જેમકે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, કોશ, વ્યાકરણ, જ્ઞાનકોશ, ચરિત્ર કોશ, તે સઘળાંની તૈયારી અને રચના સારૂ એકલા વ્યકિતગત પ્રયત્નો આજના જમાનામાં પુરતા નથી, તે સારૂ એકત્રિત, સંગઠિત અને યોજનાપૂર્વક પ્રયાસ કરવાનો સમય ભરાઈ ચૂક્યો છે.

કેટલોક વર્ગ ભાષાંતર સાહિત્યની અવગણના કરે છે; પણ તે વૃત્તિ વાજબી નથી. અન્ય ભાષાઓમાંથી ઉત્તમ કૃતિઓ આપણી માતૃભાષામાં ઉતારી, આપણા સાહિત્યને સમૃદ્ધ કરવું જોઈએ; અને તે દૃષ્ટિએ ઇંગ્રેજી સાહિત્ય કેટલું બધું વિશાળ અને સમૃદ્ધ થયેલું છે, તેનો એ સાહિત્યના વાચક અને અભ્યાસીને પૂરો ખ્યાલ છે; પણ તેની પસંદગી કરવામાં કાંઈક ધોરણ કે યોજના નક્કી કર્યાથી તે કાર્ય જેમ વેગવંતુ તેમ સરલ થઈ પડશે.

એવો બીજો અગત્યનો અને સર્વને મુંઝવતો પારિભાષિક શબ્દોનો પ્રશ્ન છે. જુદા જુદા પ્રાંતોના વિદ્વાનો તે વિષે ઉહાપોહ કરી રહ્યા છે. હિન્દની ઘણીખરી દેશી ભાષાઓનું મૂળ સંસ્કૃત ભાષા છે; અને આપણી એ સામાન્ય ભૂમિકાનું ધોરણ લક્ષમાં રાખીને, આપણા ભાષાનિષ્ણાતો એકત્ર પ્રયાસ કરે અને પરસ્પર સહકાર સાધે તો વિજ્ઞાનનું સાહિત્ય માતૃભાષામાં ઉતારવા જતાં, જે મુશ્કેલીઓ હાલમાં નડે છે, જે કાર્ય ત્રાસદાયક અને કંટાળારૂપ નિવડે છે, તેનો નિકાલ ઝટ થઈ જાય તેમ તે યોજના વ્યવહારુ થઈ પડે એમ કહેવું વધારા પડતું નહિ જણાય.

એકલા પારિભાષિક શબ્દોની પસંદગી અને નિર્ણય સારૂ જ નહિ પણ સાહિત્યના સર્વ વિભાગોમાં વિચારવિનિમય અને સાહિત્ય પ્રવૃત્તિની એકતા અને સળંગતા સધાય, એ ઓછું મહત્ત્વનું કાર્ય નથી.

અગાઉ જ્યારે આજના જેવી આવજાની અને વ્યવહારની ઝડપી સુગમતા નહોતી ત્યારે આપણા પૂર્વજોએ, સમસ્ત ભારત વર્ષનું સંગઠન અને ઐક્ય, સંસ્કૃત સાહિત્ય અને આર્ય સંસ્કૃતિ દ્વારા સાધ્યા હતાં અને તે સિદ્ધિ ખરેખર અપૂર્વ હતી

રાજકીય બંધારણ યોજીને બ્રિટિશ સરકાર હાલમાં આખા દેશને સાંકળી લેવાનો અખતરો અજમાવી રહી છે; અને આપણા ભિન્ન ભિન્ન ભાગોને, બ્રિટિશ અને રાજસ્થાની પ્રદેશોને, જોડી દેવાનો એ પ્રયાસ આવકાર પાત્ર છે; અને એ રીતે જે ભૂમિકા તૈયાર થાય છે, તે કાર્યમાં અમે માનીએ છીએ, કે આપણી ભાષા અને સાહિત્ય પણ બહુ મદદગાર થઈ પડશે.

તે સંબંધમાં આપણા અગ્રગણ્ય સાક્ષર શ્રીયુત કનૈયાલાલ મુનશીએ, હિન્દી સાહિત્યના સમર્થ લેખક શ્રીયુત પ્રેમચન્દ્રજીના સહકાર અને મદદ વડે અને મહાત્માજીના આશીર્વાદ મેળવીને “हंस” માસિક દ્વારા, તેના નવા સ્વરુપમાં, આન્તર પ્રાંતીય હિન્દી સાહિત્ય પરિષદની યોજના અને વ્યવસ્થા કર્યા છે, એ ઉત્તેજવા જેવું કાર્ય છે; અને સૌ કોઈએ પ્રવૃત્તિનું પરિણામ ઉત્કંઠાપૂર્વક તપાસતું રહેશે.

એ પ્રવૃત્તિને સહાયક અને પોષક થઈ પડે એવો પ્રશ્ન એક લિપિનો છે. આપણી જુદી જુદી પ્રાંતિક ભાષાઓ, તેમને હાલની ચાલુ રીતે નહિ લખતાં કે નહિ છાપતાં, તે સર્વ સુધારેલી નાગરી લિપિમાં છાપવાની વ્યવસ્થા થઈ શકે, એ આપણી પ્રજાનાં સંગઠન અને ઐક્યની દૃષ્ટિએ તેમ ભાષા–સાહિત્યના વિકાસની દૃષ્ટિએ, બહુ ઉપયોગી તેમ જરૂરનું છે.

તુર્કીએ સેંકડો વર્ષોની પ્રણાલિકા તોડીને આખા યુરોપની પ્રગતિ સાથે એકસરખી રીતે કુચ કરી શકાય અને તેમના ભાષા સાહિત્યનો સરલતાથી લાભ મેળવી શકાય, એ ઉચ્ચ આશયથી તુર્કી ભાષાને રોમન લિપિમાં લખવાનું ફરમાન કાઢેલું છે અને તે અમલમાં પણ આવી ગયું છે.

મહાત્માજીની દેખરેખ અને સલાહ મુજબ વર્ધામાં એક લિપિ સમિતિ ભારતવર્ષ સારૂ એક લિપિની યોજના વિચારી રહી છે અને તે સમિતિના એક વિજ્ઞાપન પત્રમાં જણાવાયું છે, કે બંગાળી લિપિ વધારે જુની હશે; કાનડી લિપિ વધારે સુંદર હશે; પણ નાગરી લિપિ, માત્ર તેમાં સહેજ સુધારો થવાથી અને તેની એકસરખા ધોરણસર યોજના કરવાથી,–સમસ્ત દેશમાં એક લિપિ તરીકે વપરાવા યોગ્ય છે; એટલુંજ નહિ પણ હિન્દની જૂદી જૂદી ભાષાઓના સઘળા ઉચ્ચારો, તત્સમ તેમ બ્હારથી દાખલ થયલા, દર્શાવવાનું દૈવત ધરાવે છે.

“વિજ્ઞાન અને સંસ્કૃતિ” એ નામથી નિકળેલા અંગ્રેજી માસિકમાં એક લેખકે રોમન લિપિ પસંદ કરવા ઉપરોક્ત કમિટીને સૂચવ્યું છે, તેનો ઉત્તર કાકા સાહેબ કાલેલકરે, ઉપરોક્ત વિજ્ઞાપનપત્રમાં આપ્યો છે કે, –

“And those who have given their thought to the reform of the Nagari script assure us that Nagari can develop all the points in which the Roman script can claim special facility so for as printing, typing and writing go.”

એ લિપિનો સ્વીકાર થતાં આપણા મુદ્રણ કામમાં બહુ સુધારો તેમ પ્રગતિ થશે, એ નિર્વિવાદ છે.

આપણી ગુજરાતી પ્રજા, આપણે હર્ષ પામવાનું કારણ એ છે કે, દુનિયાના હરેક ભાગમાં વત્તીઓછી જઈ વસેલી છે; અને એ જનસમૂહ પચરંગી પ્રજાને બનેલો છે; અને તે, એના સાહિત્ય અને સંસ્કૃતિને કેટલીક વિશિષ્ટતા બક્ષે છે; અને વિશેષમાં એ પ્રજા જેમ સાહસિક અને વ્યવહાર કુશળ છે, તેમ બુદ્ધિશાળી અને સાધનસંપન્ન છે; માત્ર તેમનો વિદ્યાવ્યાસંગ, તેમના વેપારની જેમ ખીલે તો, ગુજરાતી સાહિત્યમાં તુરત નવું પૂર આવી, તેને વિસ્તાર અને વિકાસ વધે એ નિઃસંદેહ છે.

એ બધું વિચારતાં, વર્તમાન ગૂર્જર ગિરાનું ભાવિ અમને ઉજ્જવળ જણાય છે; અને હાલમાં જે કાંઈ અગત્ય છે, તે, તેના વિકાસ અને ખીલવણીમાં સહાયક થઈ પડે એવા એકત્રિત, સંગઠિત અને યોજનાપૂર્વક કાર્ય અને કાર્યવ્યવસ્થાની છે.

તા. ૧-૧૦-૩૫
અમદાવાદ.

હીરાલાલ ત્રિ. પારેખ