ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(કવિ) બુલાખીરામ ચકુભાઈ

કવિ બુલાખીરામ ચકુભાઈ

કવિ બુલાખીરામનો જન્મ સંવત ૧૯૦૮માં આસો વદ ૧૦ ને રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા ચકુભાઈ મંગળજી દવે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણની ન્યાતમાં સુપ્રસિદ્ધ હતા. તે સ્વ. ભોળાનાથ સારાભાઈને ત્યાં ગુમાસ્તી કરતા. બુલાખીરામે ગુજરાતી ૬ ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. નાની વયથી-નિશાળના અભ્યાસ દરમ્યાન પણ દોહરા છપ્પા લખવાનો અને 'ચોકીપ્રબંધ’ ‘નાગપ્રબંધ' જેવાં ચિત્રકાવ્યો રચવાનો તેમને નાદ હતો. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ,' ‘નામ તેહનો નાશ’ એવાં કહેવતોને દોહરા કે છંદમાં ગૂંથી લઈને કવિતાઓ લખવાનો તેમને ખૂબ શોખ હતો, અને સામાન્ય કહેવતો એમ કવિતામાં ગુંથાવાથી શ્રોતાઓ ઉપર ચમત્કારિક અસર થતી. પાછળથી કવિ દલપતરામનો સમાગમ થવાથી તેમની પાસે રહી તેમણે કવિતારચનામાં સારી કુશળતા મેળવી હતી. કવિ બુલાખીરામ કવિ દલપતરામના અગ્ર શિષ્યોમાંના એક લેખાતા અને જાહેર સભાઓમાં તેમની કવિતાઓ સાંભળવા માટે લોકો ખૂબ એકત્ર થતા. તેમની કવિતા માટે તે વખતના સ્મોલડોઝ કોર્ટ જજ શ્રી. ગોપાળરાવ હરિએ સુંદર પ્રમાણપત્ર આપ્યું હતું. કવિ ખુલાખીરામના ત્રણ કવિતાગ્રંથો પ્રસિદ્ધ થયા હતાઃ (૧) જ્ઞાનદર્શક કાવ્ય, (સં.૧૯૨૫), (૨) કાવ્ય કૌસ્તુભ ભાગ ૧, (૩) કાવ્ય કૌસ્તુભ ભાગ (૨) (સં.૧૯૯૧). તેમની કવિતાઓ મુખ્યત્વે ઉપદેશાત્મક, કટાક્ષાત્મક, સંસારસુધારા માટેના ઉદ્બોધનાત્મક અને વર્ણનાત્મક હતી. કવિ દલપતરામ અને શ્રી. ગોપાળરાવ હરિ દેશમુખ ઉપરાંત દી. બા. અંબાલાલ સાકરલાલ, શ્રી. ભોળાનાથ સારાભાઈ, રા. સા. મહીપતરામ, કવિ સવિતાનારાયણ, દી. બા. મણીભાઈ જશભાઈ, રા. બા. હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી. છોટાલાલ નરભેરામ, શ્રી. નવલરામ લક્ષ્મીરામ, વડોદરાનરેશ શ્રી. સયાજીરાવ વગેરે તેમના સમકાલીન વિદ્વાનોએ તેમની કવિતાને તે કાળે વખાણેલી અને ઈનામ-અકરામ દ્વારા તેમની કદર કહેલી. કવિ બુલાખીરામનું પ્રથમ લગ્ન તેમની ૧૧ વર્ષની વયે અને બીજું લગ્ન સં.૧૯૩૦માં ૨૨ વર્ષની વયે વ્યાસ હરિભાઈ લલ્લુભાઈનાં પુત્રી વીજકોર સાથે થએલું. વડોદરા રાજ્યની ન્યાયખાતાની અને રેવન્યુખાતાની નોકરીમાં તે નવસારી, કઠોર અને મહુવા તાલુકામાં રહેલા હતા. તેમણે હિંદનાં સૃષ્ટિસૌંદર્યનાં કેટલાંક સ્થળો, પહાડો, વગેરેનો પ્રવાસ કર્યો હતો. પોતાની ઔદિચ્ય જ્ઞાતિમાં સુધારા કરાવવાને તેમણે એક સભા સ્થાપેલી અને તે માટે પણ કેટલીક કવિતાઓ લખેલી. સં.૧૯૪૨માં માત્ર ચોત્રીસ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

***